દાનવીર ભગવતી રાવ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Thursday 01st March 2018 09:55 EST
 
 

ખંભાતના ભગવતી રાવ બંદૂકો અને તમંચા રીપેર કરવાની દુકાન ચલાવે. આને કારણે શાખ જબરી, પણ ધનની બચત નહીં. એક વર્ષની વય થતાં પહેલાં મા મરણ પામ્યાં હતાં. ત્યારે ભગવતી રાવને ઊછેરીને મોટાં કરનાર એમનાં દાદીમા જીબાબા હતાં. જીબાબાને પાછલી વયે યાત્રા કરવાનું મન હતું પણ આર્થિક વિટંબણા વચ્ચે પૌત્ર એમને યાત્રા ના કરાવી શક્યા.

પૌત્ર વખત જતાં ખૂબ ધન કમાયા. આ પૌત્રે વિચાર્યું મારાં દાદીમાને હું એમની ઈચ્છા મુજબ યાત્રા ના કરાવી શક્યો, પણ અમારા સમાજમાં ઘણાં વૃદ્ધ દાદા-દાદી ઈચ્છા છતાં ધનના અભાવે યાત્રા નહીં કરી શકતાં હોય. ભગવતી રાવે ૨૦૦૪માં ગુજરાતનાં વૃદ્ધ બ્રહ્મભટ્ટ સ્ત્રી-પુરુષોને યાત્રા કરાવીને દાદીમા જીબાબાનું તર્પણ કરવા વિચાર્યું. એમણે ચારધામ યાત્રા ગોઠવી. ૨૦૦ કરતાં વધારે વ્યક્તિઓ આ યાત્રામાં જોડાઈ. ખર્ચ આવ્યું ૪૦ લાખ રૂપિયા. આમાં જોડાનારને પ્રવાસનું ખર્ચ, ભોજન, ચા-નાસ્તો વગેરેની પૂરી સગવડ હતી. દરેક સ્થળે ગાઈડની વ્યવસ્થા રાખી હતી.
ભગવતી રાવ ૨૦૧૭માં મરણ પામ્યા. મરતા અગાઉ બીજી વાર આવી ચારધામ યાત્રા કરાવવાની એમની ઈચ્છા હતી. ૯૧ વર્ષના ભગવતી રાવ પોતાની હાજરીમાં બીજી વારની ચારધામ યાત્રા ના ગોઠવી શક્યા, પણ તેમણે કરેલી વ્યવસ્થા મુજબ એમના ટ્રસ્ટ વતી એમના જમાઈ ડો. નંદકિશોર બારોટે આ યાત્રાનું આયોજન કર્યું અને બીજી યાત્રા તાજેતરમાં ગોઠવાઈ ગઈ. એમાં ૨૫૦ વૃદ્ધ બ્રહ્મભટ્ટ સ્ત્રી-પુરુષ હતાં. ખર્ચ અગાઉ કરતાં ઘણું વધારે આવ્યું. બંને યાત્રાનું ભેગું ખર્ચ ગણીએ તો એ ખર્ચ એક કરોડ રૂપિયા નજીક પહોંચે તેમ છે.
આર્થિક વિટંબણામાં ઊછરેલા ભગવતી રાવના નસીબ આડેનું પાંદડું ખસી ગયું એ પણ ચમત્કાર જેવું છે. ગુજરાતના એક વખતના મુખ્ય પ્રધાન સ્વ. બાબુભાઈ પ્રત્યે ભગવતી રાવને પ્રેમભાવ, મૈત્રીભાવ. મહાગુજરાતની લડતના પ્રચંડ પ્રવાહમાં ૧૯૫૮માં બાબુભાઈ ચૂંટણી હાર્યાં. આ પછી બીજી વારની ચૂંટણીમાં પણ બાબુભાઈ હાર્યાં. ભગવતી રાવને આનો આઘાત લાગ્યો. થયું ‘આ દેશમાં સારા માણસની કદર નથી.’ સેવા કરનારને માટે ધર્મીને ઘેર ધાડ જેવું થાય છે. એટલે અહીં રહેવાથી કોઈ લાભ નથી. આથી ભગવતી રાવે ભારત છોડ્યું. લંડન ગયા. ત્યાં રત્નોને ઘાટ આપવાનું અને પોલિશ કરવાનું શરૂ કર્યું. આમાંથી પેરિસમાં વસતાં એક ઝવેરીનો પરિચય થયો. એના કહેવાથી પેરિસ ગયા. તેને ત્યાં કામ કરવા લાગ્યાં.
ભગવતી રાવની કોઠાસૂઝ જબરી. આમ તો ગરીબીને કારણે તે ઝાઝું ભણ્યા ન હતા, પણ ભણતર કરતાં એમનું ગણતર ભારે હતું. ઝવેરીને ત્યાં પેરિસમાં પન્નાનો કાચો માલ આવતો હતો તે આફ્રિકાથી આવતો હતો. આ જાણ્યા પછી એમણે વિચાર્યું, ‘ઝવેરાતનો ધંધો કરવો હોય તો જ્યાંથી તે આવે છે ત્યાં પહોંચીને વેપાર કરીએ અથવા ખરીદીએ તો સારું કમાવાય.’ આ વિચારથી તે નૈરોબી ગયા. અહીં તેમણે શનિ અને માણેકના રત્નો ખરીદવા અને વેચવાનું કર્યું. ફાવ્યા. આ પછી જાણ્યું કે ઝામ્બિયામાં પન્ના ખૂબ નીકળે છે અને ખાણ વેચાય છે. તેમણે ઝામ્બિયામાં આરંભમાં નાની ખાણ ખરીદી. રત્નોની ખાણ ખરીદ્યા પછી એમાંથી કેટલાં રત્ન મળશે? કેટલું ખોદ્યા પછી મળશે? એ ચોક્કસ ના હોય. આમાં સાહસ અને ધીરજ જોઈએ. વળી ખાણમાંથી નીકળતાં રત્નો ચોરાઈ ન જાય તેની વ્યવસ્થા કરવી પડે. શ્યામવર્ણી મજૂરો કામે આવે, ગમેત્યારે કામ છોડી દે, ના આવે. આને કારણે ધાર્યું કામ ના થાય.
ભગવતી રાવે પ્રેમથી કામદારોનાં દિલ જીત્યાં. એમનાં બાળકો માટે શાળા શરૂ કરી. સાજે-માંદે મદદરૂપ થયા. નસીબે યારી આપી અને ખૂબ રત્નો મળ્યાં. બાજુની જમીન ખરીદીને ખાણ મોટી કરી. વધારે કમાતા થયા. બે-એક વાર એમની કાર પર જંગલમાં ગોળીબાર પણ થયો. હિંમત ના હાર્યાં. ધંધો ચાલુ રાખ્યો અને કમાયા.
ભગવતી રાવ એકલપેટા ન હતા. જે કમાયા તે ઈશ્વરની કૃપાનું પરિણામ માન્યું. એમણે એ કમાણીનો ઉપયોગ સમાજના હિત માટે કર્યો. ભગવતી રાવ પોતે બ્રહ્મભટ્ટ જ્ઞાતિના હતા. ગુજરાતમાં બ્રહ્મભટ્ટ કોમ પ્રમાણમાં આર્થિક રીતે મુશ્કેલીમાં જીવતી કોમ. આથી પોતાના જ્ઞાતિબંધુઓના શિક્ષણ માટે એમને ધંધામાં મદદરૂપ થવા માટે, ગરીબ વિધવાઓને કાયમી પેન્શન આપવા માટે વાપરી. ગુજરાત સરકારે ગરીબ વિધવાઓને માટે પેન્શનની યોજના કરી તે પહેલાં બ્રહ્મભટ્ટ કોમની સંખ્યાબંધ વિધવાઓને તેઓ નિયમિત રીતે સીધુ-સામગ્રી, કપડાં અને હાથખર્ચ આપતા હતા. બક્ષીપંચની યોજનાના અમલ પહેલાં તે વિદ્યાર્થીઓને તે ફી, પુસ્તકો વગેરે આપતા. ભગવતી રાવે અમદાવાદમાં સમગ્ર ગુજરાતની બ્રહ્મભટ્ટ જ્ઞાતિ માટે વાડી બનાવવા ખૂબ મોટું દાન આપ્યું. આમાંથી ભગવતી રાવ ફાઉન્ડેશન થયું. આ વાડીમાં મોટો સભાખંડ, રસોડું, આધુનિક સગવડો, રૂમો વગેરે છે. આની વાર્ષિક આવક જ પચાસ લાખ રૂપિયા જેટલી થવા જાય છે.
ભગવતી રાવે ખંભાતની જનરલ હોસ્પિટલમાં રૂ. ૨,૧૧,૧૧,૧૧૧નું મોટું દાન આપ્યું. તેમનાં પહેલાં આ હોસ્પિટલનું આવું મોટું દાન કોઈએ આપ્યું ન હતું. ખંભાત તાલુકા કેળવણી મંડળને ૨૫ લાખ રૂપિયાનું દાન આપ્યું. નૈરોબીના સ્વામિનારાયણ મંદિર અને ઈસ્કોનના મંદિરમાં તેમનું મોટું દાન છે. ખંભાતના નૃસિંહજી મંદિર અને ગૌશાળાના નિર્માણમાં એ મુખ્ય દાતા હતા. લુણેજમાં વડુચી માતાનું મંદિર, ખંભાતમાં પરમહંસ આશ્રમ, વિશ્વકર્મા મંદિર, ખંભાતનું સ્વામિનારાયણ મંદિર અને બધામાં એમનાં દાન છે. ડભાણ, કલોલ વગેરેમાં એમનાં દાન છે.
ભગવતી રાવ પહેલાં અને પછી બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં તેમના જેવો બીજો કોઈ દાતા થયો નથી. ફક્ત દાન આપીને એ બેસી રહ્યા નથી. સંખ્યાબંધ લોકસેવકો અને આઝાદીના લડવૈયાઓને તેમની પાછલી અવસ્થામાં જ્યારે બીજાનો સાથ ના રહ્યો. એકાકી અને આર્થિક વિટંબણાઓમાં જીવતા કેટલાયને તે ગુપ્ત રીતે મદદ કરતા હતા. બ્રહ્મભટ્ટ જ્ઞાતિના કેટલાય લોકો દાનવીર ભગવતી રાવને જ્ઞાતિના ભામાશા તરીકે યાદ કરીને બિરદાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter