આઝાદી પહેલાંની વાત છે, જ્યારે આપણો સમાજ રૂઢિના બંધનમાં જકડાયેલો હતો. અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, વહેમ, બાળલગ્નો, પ્રેતભોજન, છુટાછેડા... આ અને આવી બધી બદીઓથી સમાજ ખદબદતો હતો. અરે સમાજ, હવે તો વર્ષોના વહેવા સાથે કંઈ સુધરો? પણ ના!! એ તો એક જ વાત કરશે કે અમારા મા, બાપ, દાદા, દાદીનું માનવું અને કહેવું હતું એ જ સાચ્ચું.
આપણાં વડીલો પણ કંઈ ખોટા ન હતા, પરંતુ અમુક જણા રૂઢિચુસ્ત હતા. એ રૂઢિઓ તેમણે અને સમાજે બનાવી હતી. જોકે આ મુદ્દે મારે પણ કંઇક કહેવું છે અને મારા પણ વિચારો છે. મારા અનુભવના - કામના ઉદાહરણથી મને થોડાક શબ્દો કાગળ પર ચિતરવાનું મન થયું, જે હું આ સાથે રજૂ કરું છું.
આપ સૌ જાણતા જ હશો, અને ઘણા લોકો મારી સાથે સહમત પણ થશે. આપણે ત્યાં દીકરી સાથે સંકળાયેલી ઘણી કહેવતો અને લગ્ન ગીતો છે. જેમ કે,
• દીકરી તો સાપનો ભારો
• દીકરી તો પારકી થાપણ કહેવાય
• બેના રે તારી આ વેલી(વેણી)ના ફૂલો કોઈ દિ ના કરમાય...
• દીકરી ને ગાય દોરે ત્યાં જાય
• દીકરી જન્મે તો કહે પથરો પાક્યો, અને વળી પાછા એમ પણ કહે કે,
• દીકરી તો વ્હાલનો દરિયો
અમુક નકારાત્મક લગ્નગીતો પણ નાબૂદ થવા જ જોઈએ. કારણ કે આજની દીકરી ભણીગણીને પોતાની કમાણીથી સ્વેચ્છાએ જીવન જીવવાનું જાણે છે. આ શું છે, આ તે કેવો ભેદભાવ? દીકરી જન્મે ત્યારે જલેબી વહેંચાય ને દીકરો જન્મતાં પેંડા વહેંચાય. એક જ માતાની કૂખેથી જન્મનારા ફુલ જેવા કોમળ બાળકોના આગમનની આ રીતે ભેદભાવભરી ઊજવણી કેટલી યોગ્ય છે? દીકરી જન્મતાં જ અંધકારના વાદળો ફેલાવનારાઓ અને અશ્રુઓ વહાવનારાઓ હવે બસ કરો.
દીકરી હાલતીચાલતી થાય, એટલે તેને ઢીંગલીની જેમ શણગારે અને જ્યારે તે બાર-તેર વર્ષની થાય તો કહેવાય, જરા ઢંગના કપડા પહેરતાં શીખ, પુરુષો પીંખી નાખશે, બદનામ કરશે... આ બધું જોઇ - સાંભળીને મને વિચાર આવે છે કે આ જ લોકો પુત્ર જન્મતાં જ તમે એને કુળનો વંશ - કુળદીપક કહીને બિરદાવતા હોય છે. ત્યારે એવું કેમ વિચારતા નથી કે આ છોકરો પુરુષ થઇને આવું ભીષણ કાર્ય કરી શકે છે. સમાજના લોકો, સગાસંબંધીઓ, નિસાસાના સૂરથી મ્હેણાંઓ મારે છે. એમાં ય એક દીકરીના આગમન પછી બીજી દીકરી જન્મે ત્યારે તો ‘તૌબા તૌબા...’ ‘હાય હાય...’ના સંવાદોથી જનેતાના કાન ફાડી નાખે છે. અરે... આવું બોલવાનો હક્ક તમને કોણે આપ્યો. સમાજના બંધુઓ તમે વિચાર તો કરો કે, તમે પણ એક સ્ત્રીની કુખેથી જ જન્મ લીધો છે. તો એની પૂજા ના કરો તો કાંઈ નહીં, પણ માન, સન્માન ને પ્રેમ તો આપી શકો છો.
વાચકો, તમને નથી લાગતું કે, આપણે પણ આપણા સ્વભાવમાં બદલાવ લાવવાની જરૂરી છે. આજના બાળકો 21મી સદીમાં ઘણા આગળ વધી ગયા છે. ડિજિટલનો યુગ છે ને આપણાં બાળકો લિવ-ઇન રિલેશનમાં જઈ રહ્યા છે. તેઓ લગ્નના બંધનમાં બંધાવા માંગતા નથી. ઘણા કહે છે કે પેપર, સર્ટિફિકેટ માટે લગ્નનાં બંધનમાં જકડાવું એમને મંજુર નથી. ઘણાના આ લગ્નબંધન ચાલે છે, પણ જ્યારે ઘણાના તૂટી જાય ત્યારે આ સર્ટિફિકેટના કારણે વસ્તુઓના ભાગલા થાય ને સ્વભાવમાં કડવાશ પેદા થાય અને સંબંધ વધારે ખારો થાય. આથી એમને લગ્નના ખોટા વાદવિવાદમાં ઝંપલાવવું જ નથી. તેમને બસ, સ્વેચ્છાથી જીવન જીવીને પોતાનો પરિવાર સુખમય કરવો છે. આવા યુગલોને લગ્ન કર્યા વગર બાળકની પ્રાપ્તિ થઈ જાય તો પણ લોકો એને ધિક્કારે છે, ને આડીઅવળી વાતો સમાજમાં ફૂંકે છે. દીકરા-દીકરી આવા સ્વચ્છંદી હોય તો પણ તેમને ઘરબહાર - ઘરનિકાલ ના કરશો. એમને અંતરના ઉમળકાથી અપનાવજો, તેઓને મા-બાપની હૂંફની જરૂર છે એ ના ભૂલશો. લોકોની વાતો પર આંગળી ચીંધવાના બદલે એમને બોલતાં બંધ કરવાની જરૂર છે. કદાચ આવો કોઇ સમય-સંજોગ આવી પડે તો તમે ય માથે એવો બોજ નહીં લઇ લેતા કે ‘મારા આપેલા સંસ્કારમાં શું ખોટ પડી કે સંતાનોની પરવરિશમાં મારી ક્યાં ભૂલ થઈ...’ લોકોને મોઢે ક્યાં ગળણું હોય છે. લોકોના કારણે પોતાના (સંતાન) રતનને ના ગુમાવશો.
અંતમાં મારું માનવું છે કે, છોરુ ભલે કછોરુ થાય, પણ માવતરને કમાવતર થવા ના દેશો. મા-બાપ કદી પણ પોતાના બાળકો માટે ઓછું નહીં આવવા દે. ખાસ તો માતાનું હૃદય વ્હાલથી ભરેલું હોય છે. એનું ઉદર સાગર જેવું વિશાળ છે, જેમાં એ જગતના સર્વે ઉતારચઢાવનો, કચરાનો નિકાલ કરી મનને અને ઘરને પવિત્ર કરી નાંખે છે. થોડું કટાક્ષમાં લખ્યું છે, ઝાઝુ લખાયું હોય તો વાચકોની ક્ષમા...