૧૯ વર્ષનો જૈન યુવક હોંગ કોંગના એરપોર્ટ પર ઉતર્યો. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને મલકતો ચહેરો. એરપોર્ટ પર અધિકારીઓએ પૂછ્યું, ‘કેટલા ડોલર લઈને આવ્યા છો?’ યુવક કહે, ‘પાંચ હજાર.’ અધિકારીએ બતાવવા કહ્યું તો માત્ર ૫૦૦ ડોલર નીકળ્યા. અધિકારી સમજી ગયા પણ ગોરો અધિકારી ઉદાર અને પરગજુ. એને થયું, ‘કમાવા આવ્યો છે, નસીબ હશે તો કમાશે.’ અધિકારીએ પ્રવેશ આપ્યો. યુવકે ૧૯૯૦ અને ૧૯૯૧ બે વર્ષ કાઢ્યાં. જેના વિશ્વાસે અજાણી ધરતીમાં વહાણ હંકાર્યું તે બોદા નીકળતાં પૈસા ગુમાવીને યુવક પાછો મુંબઈ મોટા ભાઈ પ્રકાશભાઈ પાસે આવી પહોંચ્યો. આ યુવક તે દીપક છત્રાણી.
પ્રકાશભાઈ મુંબઈમાં હીરાના વ્યવસાયમાં હતા. યુવક એમની પાસે રહીને ભણ્યો હતો અને હીરાનું એસોર્ટિંગ એટલે કે મૂલ્યાંકન શીખેલો. પ્રકાશભાઈની બેંગકોકમાં ભાગીદારીમાં ‘મિલી ડાયેમ’ નામની કંપની ભાગીદારી છૂટી પડતાં બંધ થઈ હતી. પ્રકાશભાઈને આમ છતાં પોતાના નાના ભાઈની કાર્યક્ષમતામાં વિશ્વાસ હતો. વળી રક્ત વારસામાં ય શ્રદ્ધામાં. દાદા નગીનદાસ વીસમી સદીના આરંભે મ્યાનમારના રંગૂનમાં રત્નના વેપારી હતી. ૧૯૭૦માં મ્યાનમારમાં લશ્કરી શાસન થતાં કોલકાતા આવીને, રહીને મ્યાનમાર સાથે વેપાર ચલાવતા. તેમના પુત્ર મનસુખલાલ ૧૫ વર્ષની વયે જ આ ધંધામાં કોલકાતા પહોંચ્યા હતા. પ્રકાશભાઈને આથી જ શ્રદ્ધા હતી કે નાનો ભાઈ બધું સરખું કરશે. ૧૯૯૩માં પ્રકાશભાઈએ ૨૧ વર્ષના નાના ભાઈને આ રીતે પૈસા રોકીને, ઓમ ડાયેમ કંપની કરીને બેંગકોક મોકલ્યો.
દીપકભાઈ જ્યારે ૧૯૯૩માં બેંગકોક આવ્યા ત્યારે કલર ડાયમંડના વ્યવસાયમાં ખૂબ ઓછા માણસો. જૈનાચાર ધરાવતા યુવાનને ખાવા-પીવાની મુશ્કેલી, ભાષાની મુશ્કેલી અને બીજા સંબંધો નહીં. આમ છતાં આ એકલવીર યુવક વ્યસનો વિનાનો રહ્યો. અપરણિત છતાં ચારિત્ર્ય જાળવ્યું. ખૂબ મહેનત કરી.
આજે બેંગકોકમાં ડાયમંડના જાણીતા વેપારીઓમાં તેઓ પ્રથમ હરોળમાં છે. ડાયમંડના વેપારના કિલ્લા જેવા ૬૭ માળના જ્વેલરી ટ્રેડ સેન્ટરમાં ૨૮મા માળે તેમની ઓફિસ છે. ઓફિસમાં જ મંદિર બનાવ્યું છે - એમાં સરસ્વતી, લક્ષ્મી વગેરે દેવીઓ, જૈન તીર્થંકરોની પ્રતિમાઓ સાથે માતા-પિતાના અને ૭૦ વર્ષે દીક્ષા લઈને નિરંજન મુનિ બનેલા દાદાના ફોટો છે. રોજ દીપકભાઈ અહીં આરતી કરે છે. ઘેર પણ નિયમિત પૂજા-અર્ચના અને માળા કરે છે. ઓફિસમાં વ્યવસાયને લગતાં માસિકો આવે છે. પુસ્તકો છે. કોફી રૂમ, રસોડું અને સ્ટાફ રૂમ છે. તેમની અલગ કેબિન છે. દીપકભાઈનું નિવાસ પણ ભવ્ય, વિશાળ તથા ખૂબ સમૃદ્ધ સલામત વિસ્તારમાં છે.
દીપકભાઈ ખરીદવેચાણ સંભાળે છે. હીરાની જબરી પરખ ધરાવે છે. વાત કરવામાં સ્પષ્ટતા રાખે છે. કોઈને છેતરીને કમાઈ લેવાની વૃત્તિ નથી. વચન, વાયદાપાલન અને સૂઝથી ધંધો સમૃદ્ધ થયો છે.
દીપકભાઈ સાચા જૈન છે. જૈન એટલે મન જીતે તે. લોભ પર વિજય મેળવીને તે સતત દાન કરતા રહે છે. સુનામી વખતે બેંગકોકમાં એ આગળ પડતા દાતા હતા. અહીંના અનાથ અને અપંગાશ્રમમાં દર વર્ષે મોટું દાન આપે છે. આનાથી ય મોટું દાન તેઓ દર ત્રણ માસે નિયમિત આપે છે તે છે રક્તદાન.
દીપકભાઈ કરતાં ય બીજા ધનિક ભારતીયો બેંગકોકમાં કેટલાય હશે છતાં જાહેરજીવનમાં દીપકભાઈનું સ્થાન મોખરાનું છે. હજી માંડ જીવનના સાડા ચાર દશકા પસાર કર્યાં છે, છતાં કેટલાયં વર્ષથી તે જાહેરજીવનની કેટલીય સંસ્થાઓમાં હોદ્દા ધરાવે છે.
જેમાં થાઈલેન્ડના અને બીજી વસાહતી કોમોનાં સભ્યો હોય તેવું થાઈ જેમ અને જ્વેલરી ટ્રેડર્સ એસોસિએશનમાં ઉપપ્રમુખ છે. ઈન્ડિયા થાઈ ચેમ્બર ઓફ કોમર્સમાં ડાયરેક્ટર, ઈન્ડિયન એસોસિએશન ઓફ થાઈલેન્ડમાં ડાયરેક્ટર, ઈન્ડિયન થાઈ ડાયમંડ એન્ડ કલર સ્ટોન એસોસિએશનમાં ડાયરેક્ટર છે. આ ઉપરાંત જેમાં ૮૦ ટકા રાજસ્થાની અને માંડ ૨૦ ટકા ગુજરાતી સભ્યો છે તેવા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ છે તેમાં દર વર્ષે ધામધૂમપૂર્વક પર્યુષણ સપ્તાહ ઊજવે છે. આ એસોસિએશનમાં તેમનો સારો સમય અને પૈસા ખર્ચાય છે. એમના પિતાની વયના સભ્યો હોય તેવા મંડળોમાં પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે મત મેળવીને ચૂંટાવું અને તેમાંય ગુજરાતી સિવાયના લોકોની બહુમતી હોય ત્યારે ઉદારતા, ઘસાવવાની વૃત્તિ અને નમ્રતા જ કામ કરે છે.
દીપકભાઈની મૂળ અટક છત્રાણી. થાઈ સરકારે તેમને થાઈ નાગરિક બનાવ્યા. તેનું કારણ તેમનો લાંબો વસવાટ, ધંધાકીય સફળતા અને જાહેરજીવન. છત્રાણી અટકને બદલે સરકારે નવી ઓળખ આપી શાથ થનાઉટ. શબ્દાર્થ છે - વ્યવસાયિક સમૃદ્ધિ.
પ્રકાશભાઈ અને દીપકભાઈની બંધુબેલડી વચ્ચે રામ-લક્ષ્મણ ભાવ છે.