દીપાવલીઃ જીવનને જ્યોતિર્મય બનાવતું પર્વ

પર્વવિશેષ

Wednesday 19th October 2022 10:03 EDT
 
 

આદિકાળથી હિંદુ સંસ્કૃતિમાં અનેકવિધ પર્વોની ઉલ્લાસપૂર્વક ઉજવણી થતી આવી છે. તેનું આયોજન દૃષ્ટિપૂર્વક થયું છે. રોજિંદી ઘટમાળમાંથી મુક્ત થઇને નવી પ્રવૃત્તિની રચના કરવા તેમજ સાથે મળીને વિચારણા કરવા આવાં પર્વો-તહેવારોની ઉજવણી થાય છે. નવસર્જન સાથે સમૂહજીવનની ભાવના ઉજાગર થાય અને સમાજ માટે તે હિતલક્ષી બને તે રીતે જીવનમાં આનંદ ઉલ્લાસનાં પર્વો આપણા પૂર્વજોએ ગોઠવેલાં છે.
કાશ્મીરથી કન્યાકુમારી સુધી જ નહીં, દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીય સમુદાય વસે છે ત્યાં ત્યાં દિવાળીનો તહેવાર દિવાળી, દીપાવલી, દીપોત્સવ, દીવોચ્છવ જેવાં અનેકવિધ નામે ઉજવાતો આવ્યો છે. દીપાવલી એટલે સર્વ પર્વોનો રાજા પર્વસમૂહ - વાક્બારસ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ.
દિવાળીના તહેવાર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. વાલ્મીકિ ‘રામાયણ’ મુજબ વિજયાદશમીએ ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવી માતા સીતાને મુક્ત કરાવ્યાં હતાં. રાવણનો નાશ થયો અને રાજા રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય અયોધ્યા પહોંચ્યાં ત્યારે અયોધ્યાવાસીઓએ ઘરે ઘરે, શેરીએ શેરીએ, મહોલ્લે મહોલ્લે સર્વત્ર દીપમાળાની હાર પ્રગટાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ‘જૈન ધર્મ ઇતિહાસ' નામનો ગ્રંથ જણાવે છે કે લગભગ 2500 વર્ષ પહેલાં ભગવાન મહાવીરે જ્ઞાનનો પ્રકાશપુંજ ફેલાવ્યો અને ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે તેમની યાદમાં શ્રદ્ધાળુઓએ લાખો દીપ પ્રગટાવ્યા ત્યારથી આ દીપોત્સવ શરૂ થયો.
ભર્તૃહરિના નાના ભાઇ રાજા વિક્રમને પણ લગભગ 2065 વર્ષો થયાં. જેની સાથે વિક્રમ સંવત સંકળાયેલું છે. ‘લક્ષ્મી મંત્ર તંત્ર શાસ્ત્ર’માંથી મળતી વિગત અનુસાર વિષ્ણુ અવતારનાં પત્ની લક્ષ્મી દેવીનું પૂજન-અર્ચન કરવા ધનતેરસ અને દીપાવલીનો તહેવાર શરૂ થયો.
દીપાવલી પ્રકાશનું પર્વ ગણાય છે, જાગૃતિનું પર્વ છે, ધનવૈભવની વંદનાનું પર્વ છે, કંગાલિયતને હાંકી કાઢવાનું પર્વ છે, આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવાનું પર્વ છે, સ્વયં પ્રકાશ બની જીવતરને અજવાળવાનું પર્વ છે. નિરહંકારી બની સામાને પ્રેમથી આવકારવાનું પર્વ છે, દુર્ગુણોનો વિનાશ કરી સદ્ગુણ, સેવામય જીવન વ્યતીત કરવાનું પર્વ છે. અંતરમાં ઉજાસ પાથરવાનું પર્વ છે. દીવામાંથી દીવો પ્રગટાવવાનું પર્વ છે.

પ્રકાશ, પૂજન-સાધના અને ઉત્સવનું પંચપર્વ

• ધનતેરસઃ ધનતેરસ એ દીપાવલીનાં પાંચ પર્વોમાંનું પ્રથમ પર્વ છે. આ દિવસે ધન-લક્ષ્મીપૂજનનો મહિમા વિશેષ છે, ધનતેરસ દેવોના વૈદ્ય ધન્વંતરિ ઋષિનો જન્મદિવસ છે. દેવો તથા દાનવોના સમુદ્રમંથનના સમયે સંસારના સર્વ રોગોની ઔષધિઓ કળશમાં ભરીને કુંભ સાથે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયા હતા. તેથી આયુર્વેદના જ્ઞાતાઓ તથા વૈદ્યરાજો ભક્તિ-શ્રદ્ધાપૂર્વક તેમનું પૂજન કરે છે.
ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં પ્રત્યેક પરિવારોમાં શ્રીગણેશ સમન્વિત કુબેર-લક્ષ્મી તથા યોગિનીની પૂજા સાથે ચલણી સિક્કા, સોના-ચાંદીના અલંકારો તેમજ અગત્યના દસ્તાવેજોનું પણ પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે. પહેલાંના જમાનામાં પશુ દ્વારા ખેતી થતી અને પશુ સંપત્તિ એ મુખ્ય સંપત્તિ ગણાતી. આથી ધનતેરસે ધણપૂજા પણ થતી. ધનતેરસ મૃત્યુના દેવતા યમરાજાના મહિમાનો દિવસ છે. આ દિવસે સંધ્યાકાળે કોડિયામાં તલના તેલનો દીવો કરવો, એક પાત્રમાં અનાજની ઢગલી કરી તેના પર દીવો મૂકવો. ત્યારબાદ દક્ષિણ દિશા તરફ મુખ રાખી મંત્રોચ્ચારથી તેનું પૂજન કરવું. દક્ષિણ દિશામાં તેર દીવા કરાય છે. પૂજન વેળા આ મંત્રોચ્ચાર કરોઃ
મૃત્યુનાં દંડપાશાભ્યાં કાલેન શ્યામહા સહ |
ત્રયોદશ્યાં દીપદાનાત્ સૂર્યજ: પ્રીયતાં મમ ||

• કાળીચૌદશ (નરક ચતુર્દશી)ઃ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે અશ્વિન માસની કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે શ્રીકૃષ્ણનાં ધર્મપત્ની સત્યભામાએ શ્રીકૃષ્ણના જ સહયોગથી નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો અને સંસારને તેના ભયમાંથી મુક્ત કર્યો હતો. તેથી આ દિવસને ‘નરક ચતુર્દશી’ પણ કહેવામાં આવે છે. પુરાણોક્તિ છે કે આ દિવસે તેલમાત્રમાં લક્ષ્મીજી અને જળમાત્રમાં ગંગાજીનો વાસ હોય છે. આ દિવસે સંધ્યા સમયે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, કાળા અને સફેદ એમ બંને પ્રકારના તલ અને દર્ભયુક્ત જળથી યમરાજાનું તર્પણ કરવામાં આવે છે. આ પ્રકારની પૂજાથી શારીરિક સૌષ્ઠવ સાથે દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વિશેષમાં, આ દિવસે સંધ્યાકાળે તલના તેલના ચૌદ દીવા પ્રગટાવી, તે દીવાને મંદિર, મઠ, બાગ, બગીચા અથવા ચાર રસ્તાની જગાએ પ્રસ્થાપિત કરવાથી યમરાજા સંતુષ્ટ થાય છે. આ દિવસે સાયંકાળથી મધ્યરાત્રિ સુધી શ્રી હનુમાનજી, શ્રી મહાકાલી, શ્રી કાળભૈરવ અને શ્રી ઘંટાકર્ણ મહાવીરજીની ઉપાસના કરવાનું પણ એટલું જ માહાત્મ્ય છે.

• ભાઈબીજ (યમ દ્વિતીયા)ઃ ભાઈબીજે યમદેવને તેમનાં બહેન યમુનાજીએ પૂજન-અર્ચનપૂર્વક ભક્તિભાવનાથી જમાડીને પ્રસન્ન કર્યા હતા અને યમદેવે પણ પ્રસન્નતાપૂર્વક પોતાની બહેનના મનોરથોને પૂર્ણ કરી સર્વ પાપાત્માનો પણ ઉદ્ધાર કર્યો હતો. સ્કંદપુરાણ અનુસાર આ દિવસે ભાઇએ બહેનના હાથનું જ ભોજન જમવું અને બહેનને આ દિવસે ભોજનના અંતે અલંકાર, વસ્ત્ર, અન્ન અને અન્ય દાન-દક્ષિણાથી પ્રસન્ન કરી તેના અંતઃકરણની શુભેચ્છાઓ મેળવવી. આમ કરવાથી ભાઈ પણ શત્રુભયથી મુક્ત બનીને સુઆરોગ્ય, યશમાન, પ્રતિષ્ઠા અને કીર્તિ લક્ષ્મીથી સંપન્ન થઈ જીવનમાં શુભ માર્ગે સફળતા પ્રાપ્ત કરે છે. બહેને પણ ભાઈના આયુષ્યની વૃદ્ધિ માટે યમરાજની મૂર્તિનું સ્થાપન કરી વિધિવત્ પૂજન કરવું. હનુમાનજી, અશ્વત્થામા, પરશુરામ એમ ચિરંજીવીઓનું સ્મરણ કરીને પોતાના ભાઇના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના અવશ્ય કરવી.

• દીપાવલીઃ દીપોત્સવી પર્વનો ત્રીજો દિવસ એટલે કે આસો વદ અમાવાસ્યા એ દીપાવલી કે દિવાળીના નામથી પ્રચલિત છે. પ્રાચીનકાળથી દીપાવલીના પર્વદિને ઐશ્વર્યદાયિની શ્રી મહાલક્ષ્મીજી તથા વિદ્યાપ્રદાયિની ભગવતી મા સરસ્વતી અને સર્વશક્તિપ્રદાયિની માતા મહાકાલીના પૂજનની પરંપરા છે. દીપોત્સવી એટલે પ્રકાશ પાથરવાનો તહેવાર. જ્ઞાનરૂપી પ્રકાશનો સ્રોત મા સરસ્વતી છે. સરસ્વતી એટલે મા શારદા. આ દિવસે કરવામાં આવતા ચોપડા પૂજનમાં મા શારદાના પૂજનનું જ આગવું માહાત્મ્ય છે. જે થકી નૂતન વર્ષમાં વ્યાપાર, વ્યવસાય વૃદ્ધિકારિણી મા લક્ષ્મીજી તથા વિદ્યા અને બુદ્ધિપ્રદાયિની માતા સરસ્વતી અને તન-મન-ધનની શક્તિ આપનારા માતા મહાકાલીની પૂર્ણ કૃપા માટે પૂજન-અર્ચન વિધિ શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીની ઉપાસના શીઘ્ર ફળ આપે છે. પુરાણોક્ત સિદ્ધિલક્ષ્મી સ્તોત્ર, શ્રી સૂક્ત, મહાલક્ષ્મી સ્તોત્ર, મહાલક્ષ્મી અષ્ટક વગેરેના પાઠ કરવા. દિવાળીની રાત્રિએ ઘરનાં બધાં સ્ત્રી-પુરુષો-બાળકોની આંખમાં ઘરમાં બનાવેલું કાજળ આંજવું. આ દિવસે બિલાડી ઘરમાં આવે તો ભગાડવી નહીં. અમાવાસ્યાની અંધકારમય રાત્રિએ માટીનાં કોડિયામાં દીવાઓની જ્યોતિ પ્રગટાવીને મા લક્ષ્મીજીની સાથે સાથે રિદ્ધિ-સિદ્ધિ સહિત ગણેશજીની ઉપાસના સર્વનાં હૃદયને પ્રકાશિત કરે છે અને સર્વેને સુખસંપત્તિ અને સુરક્ષા પ્રાપ્ત થાય તેવી વૈશ્વિક ભાવનાથી મુખ્યત્વે આ તહેવાર ઉજવાય છે.

• બેસતું વર્ષ - ગોવર્ધન પૂજા - અન્નકૂટઃ વિક્રમ સંવતનો પ્રથમ દિવસ એટલે નૂતન વર્ષ કે બેસતું વર્ષ. નૂતન વર્ષના મંગલ પ્રારંભે જનસમુદાય વહેલી સવારે ઊઠીને નિત્યકર્મથી પરવારી ઇષ્ટ દેવી-દેવતાની આરાધના, પૂજન અર્ચન વગેરે કરી, પરમાત્માના શુભ આશીર્વાદ મેળવ્યા પછી પોતાનાં માતા-પિતા, વડીલવર્ગ, ગુરુજન, સગાંસંબંધીઓ, સ્નેહીઓ, શુભેચ્છકો અને મિત્રોને મળીને આશીર્વાદ અને શુભેચ્છાઓ યાચે છે.
આ દિવસ એટલે શ્રી ગોવર્ધન પૂજન અને અન્નકૂટના ઉત્સવનો દિવસ. આ સંદર્ભમાં પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. શ્રીકૃષ્ણ અને વ્રજવાસીઓએ ઇન્દ્રને બદલે ગિરિરાજ ગોવર્ધનનું પૂજન કર્યું. ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને ફળસ્વરૂપ જળપ્રલય થયો. શ્રીકૃષ્ણે ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવ્યો અને તમામ વ્રજવાસીઓ તથા ગાયોને ગોવર્ધન હેઠળ આશ્રય આપી બચાવી લીધા. આ દિવસને બલિ-પ્રતિપદા પણ કહેવામાં આવે છે. ત્રણ પગલાંમાં પૃથ્વી માગી લઇને ભગવાને વામનરૂપે બલિરાજાને પાતાળમાં મોકલી આપ્યો અને પૃથ્વી ઉપર સુરાજ્યની સ્થાપના કરી. ભગવાને તે સમયે વરદાન આપ્યું કે હે ધનવી૨! દર વર્ષે આ દિવસે તમારું પૂજન થશે. તદાનુસાર સંધ્યા સમયે દૈત્યરાજ બલિનું પૂજન ક૨વામાં આવે છે.
વિશેષમાં અન્નકૂટનો અનેરો અવસર પણ આ સાથે જ જોડાયેલો જોવા મળે છે. વિવિધ વૈવિધ્યસભર વાનગીઓ બનાવી ભાવપૂર્વક પ્રભુચરણે ધરવાનો અવસર એટલે અન્નકૂટનો અવસ૨. સરસ ભોજનના થાળ પ્રભુ ચરણે ધરી ઇષ્ટદેવની કૃપા થકી નૂતન વર્ષમાં ધન અને ધાન્યથી સૌ સંપન્ન રહે તેવી મનોકામના આ ક્ષણે પરમાત્મા પ્રત્યે વ્યક્ત કરવામાં આવે છે.

(દીપોત્સવી - નૂતન વર્ષ પર્વે વિવિધ ધાર્મિક - સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોની વિગતવાર માહિતી માટે જૂઓ - સંસ્થા સમાચાર)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter