દેવદિવાળીના મંગળ પર્વે ધરતીલોક અને વૈકુંઠલોકનો અનેરો સંગમ થાય છે, દેવો અને મનુષ્યો બંને ઝગમગતા દીવડાઓની સાથે પ્રમોદ અને પ્રકાશનો આ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક ઊજવે છે.
ધરતીલોક ઉપર મનુષ્યો દ્વારા ઊજવાતા દીપોત્સવી પર્વની પૂર્ણાહુતિ લાભપાંચમના શુભ દિને થાય છે. લાભપાંચમથી દેવોની દેવદિવાળીના દશ દિવસીય પર્વનો શુભારંભ થાય છે અને કારતક સુદ પૂર્ણિમાએ (આ વર્ષે 15 નવેમ્બરે) એની પૂર્ણાહુતિ થાય છે. મનુષ્યોના દીપાવલી પર્વ સાથે અન્યાય, અસત્ય, અત્યાચાર અને આતંકવાદ ઉપર વિજયની અનેક કથાઓ રચાયેલી છે, જેવી કે દૈવીશક્તિનો રાક્ષસો ઉપર વિજય, ભગવાન રામનો રાવણ ઉપર વિજય, શ્રી કૃષ્ણનો નરકાસુર ઉપર વિજય, કાર્તિક સ્વામીનો તારકાસુર ઉપર વિજય વગેરે.
શિવપુરાણની કથા અનુસાર ભગવાન શિવજીએ કાર્તિકી પૂર્ણિમાના શુભ દિને રાક્ષસોનાં ત્રણ નગરોનો સંહાર કરી વિજય મેળવેલો તેથી ભગવાન શિવજી ત્રિપુરારિ કહેવાયા. તે પ્રસંગે દેવોએ દીવા પ્રગટાવીને વિજયનો આનંદોત્સવ ઊજવ્યો. તેથી આ દિવસને દેવદિવાળી કે ત્રિપુરોત્સવ પણ કહે છે. જે ત્રિપુરી પૂર્ણિમા અને શિવ પૂર્ણિમા તરીકે પણ ઊજવાય છે. આમ મનુષ્યોમાં અસુરોરૂપી દોષો ટળે તે દિવાળી અને ભક્તિરૂપે પ્રભુ મળે તે દેવદિવાળી.
દેવલોકમાં દેવદિવાળી ઊજવવાનો સંબંધ દેવઊઠી એકાદશી અને ભગવાન વિષ્ણુ અને તુલસીના વિવાહ સાથે પણ છે. પૌરાણિક કથા અનુસાર અષાઢ સુદ એકાદશી (દેવપોઢી)એ ભગવાન વિષ્ણુ શંખાસુરને હણીને ક્ષીરસાગરમાં પોઢી જાય છે. ચાર માસ પછી શ્રી હરિ પાછા કાર્તિક સુદ એકાદશી (દેવઊઠી) એ નિદ્રાનો ત્યાગ કરીને જાગે છે. તે પછી તેમના વિવાહ વૃન્દામાંથી તુલસી બનેલાં દેવી સાથે થાય છે. કાર્તિક સુદ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ નવવધૂ તુલસી સાથે પૃથ્વીલોક ઉપરથી સ્વધામ વૈકુંઠલોકમાં પધારે છે. શંખાસુરનો વધ કરીને આવેલા શ્રી હરિની પધરામણીના શુભ અવસરે દેવલોકના દેવો ભેગા મળીને નવદંપતી વિષ્ણુ અને તુલસીનું દીપમાળાઓ પ્રગટાવીને ભવ્ય સ્વાગત કરે છે. આ રીતે કાર્તિક સુદ પૂર્ણિમાનો દિવસ દેવદિવાળીના રૂપે પ્રવર્તિત થયો.
ધરતીલોકનાં નરનારીઓ પણ દીવાઓ પ્રગટાવીને, ફ્ટાકડા ફોડીને અને મોં મીઠું કરાવીને દેવોની દિવાળી ઊજવવામાં સહભાગી બને છે. દેવલોક અને મનુષ્યલોકનો અનેરો સંગમ થાય છે. દેવો અને મનુષ્યોનો આનંદ એકરૂપ બની જાય છે. નર નારાયણ બની જાય છે ને નારી નારાયણી બની જાય છે. કાર્તિકી પૂર્ણિમાએ તુલસી વિવાહની સમાપ્તિ પછી સમાજમાં લગ્નસરાનો પ્રારંભ થાય છે. આ લગ્નો મહાલવામાં લોકો ભૂલી જાય છે કે આપણે હથેવાળો હરિ સંગાથે કરીને તુલસીની જેમ જન્મ સફ્ળ કરી લેવાનો છે.
બારમી સદીમાં દક્ષિણ ભારતમાં થઇ ગયેલા દ્વૈતાદ્વૈત મતના અને સનક સંપ્રદાયના પ્રવર્તક એવા શ્રીમદ્ નિમ્બાર્કાચાર્યની આ દિવસે જન્મજયંતી છે. બારમી સદીમાં દક્ષિણ ભારતમાં થઇ ગયેલા દ્વૈતાદ્વૈત મતના અને સનક સંપ્રદાયના પ્રવર્તક એવા શ્રીમદ્ નિમ્બાર્કાચાર્યની આ દિવસે જન્મજયંતી છે. એમણે બારમી સદીમાં શ્રી કૃષ્ણની સાથે શ્રી રાધાજીની મૂર્તિ પધરાવીને રાધારૂપ થઇ કૃષ્ણભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો હતો. લોકોને તે વખતે આ પ્રથા નવી લાગેલી પરંતુ અત્યારે જો વૈષ્ણવ મંદિરમાં એકલા કૃષ્ણની મૂર્તિ હોય તો લોકો કહે છે કેઃ અરે, રાધે બિન કૃષ્ણ આધે! આમ ભક્તરૂપ થઇને ભગવાનને ભજવાની ઉપાસના શૈલી તાજી કરવા આ ઉત્સવ અનેરું મહત્ત્વ ધરાવે છે.
શીખ ધર્મના પ્રવર્તક અને સાધુગુણયુક્ત મહાપુરુષ ગુરુનાનક દેવનો જન્મ પણ આ દિવસે થયો હતો. તો વળી સૌરાષ્ટ્રમાં વવાણિયા ગામે આજથી દોઢસો વર્ષ પૂર્વે આ દિવસે શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ પણ થયો હતો.
સંવત 1976માં આ દિવસે ઉત્તર પ્રદેશમાં ઇટાર ગામે શ્રીજી મહારાજના પિતા ધર્મદેવનો જન્મ થયો હતો. તો વળી ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં સંવત 1978ની સાલમાં શ્રીજી મહારાજનાં માતા ભક્તિમાતાનો જન્મ થયો હતો. આ પર્વના પ્રારંભમાં ધર્મદેવનો જન્મ આવે છે. તો સમાપ્તિમાં ભક્તિમાતાનો જન્મ આવે છે. જો પ્રથમ ધર્મ રાખીએ તો જ ભક્તિ પ્રગટે. જ્યાં આવી ધર્મસહિત ભક્તિ હોય ત્યાં જ પરમાત્મા ઘનશ્યામ મહારાજનું પ્રાગટય થાય. આમ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ દેવદિવાળીનું આગવું મહત્ત્વ છે.
દેવદિવાળીને રાસપૂર્ણિમા પણ કહે છે. શરદપૂર્ણિમાના દિવસે શરૂ થયેલા રાસનાં દર્શન દેવો કરી શક્યા નહોતા તેથી સ્વર્ગપુરીમાં દેવદિવાળીના દિવસે દેવોએ રાસોત્સવ ભવ્ય રીતે મનાવ્યો હતો. વળી, આ દિવસે કાર્તિક સ્નાનની સમાપ્તિ થાય છે. કાર્તિક વદ એકમથી પૂર્ણિમા સુધી (વ્રજમાં વિક્રમ સંવતના મહિનાની સમાપ્તિ પૂર્ણિમાના દિવસે થાય છે) વ્રજભક્તોએ વ્રજમાં સ્નાન કરી વ્રજરજની, કાત્યાયિની દેવીની પ્રતિમા બનાવી તેમની પૂજા-અર્ચના કરી. તેમની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને ગ્વાલબાલો સાથે ભગવાન શ્રીકૃષ્ણે કદમ્બના ઝાડ પર બેસી ગોપીઓનું ચીરહરણ કરેલું. જોકે પ્રતીકાત્મક સ્વરૂપે ભગવાને તો ગોપીઓની વાસનાનાં વસ્ત્રોનું હરણ કરી ભક્તિનાં ચીર પ્રદાન કર્યાં હતાં અને તેમની મનોકામના પૂર્ણ કરી હતી.
વ્રજમાં યમુનાસ્થિત માનસરોવ૨ના મંદિરમાં પરંપરાગત અન્નકૂટ ઉત્સવ આ દિવસે ઊજવાય છે. ગુજરાતમાં પણ વૈષ્ણવ મંદિરોમાં આ દિવસે અન્નકૂટ મનોરથ થાય છે તથા ગુજરાતમાં નાનાં મોટાં ગામડાઓમાં અત્યારે પણ દેવ-દેવીઓનાં પરંપરાગત ફૂલોના કલાત્મક ગરબા પણ નીકળે છે. કેટલાક ભક્તો આ દિવસે પગપાળા ચાલીને વૃંદાવનની યાત્રા તથા વ્રજયાત્રા પણ કરે છે.
ભાવિક ભક્ત સમુદાય આ દિવસે ચાતુર્માસ વ્રતનું ઉજવણું કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે આ દિવસે દીપદાન કર્યું હતું ત્યારથી દીપદાનનું અનેરું મહત્ત્વ છે અને દીપદાનની પરંપરાગત પ્રથા શરૂ થઇ હતી. વૈષ્ણવો અને ભાવિક ભક્ત સમુદાય પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા કે સાબરમતી જેવી નદીઓમાં ખાખરાનાં પાનના દડિયામાં દીવા પ્રગટાવીને પ્રવાહિત કરે છે.
દેવદિવાળીએ દીવડાઓની પ્રકાશધારાઓથી આપણે મનનો અંધકાર ધોઇ નાખવા સંકલ્પ કરીએ. દેવદિવાળી ઊજવીને આપણે પણ આસુરી, તામસીવૃત્તિ દૂર કરીને દેવ જેવી સાત્ત્વિક- પ્રકાશિત વૃત્તિના થઇએ એ જ પ્રભુ પ્રાર્થના...!