રાજકારણમાં ‘મફત કા ચંદન ઘસ બે લાલિયા’ની ઉક્તિની માફક મફતિયા સંસ્કૃતિનું જોર વધી રહ્યું છે. તાજેતરમાં સીનિયર લેબર મિનિસ્ટર્સ અને રાજકારણીઓ દ્વારા ભેટ-બક્ષિસ, એકોમોડેશન્સ અને આનંદપ્રમોદનો સ્વીકાર કરવાના અહેવાલોએ ભારે ચિંતા પ્રસરાવી છે. વરિષ્ઠ લેબર પદાધિકારીઓએ 2019થી 642,000 પાઉન્ડના મૂલ્યના ગીફ્ટ્સ, કોન્સ્ટ ટિકિટ્સ, ફૂટબોલ હોસ્પિટાલિટી, લક્ઝરી હોલીડેઝ અને વસ્ત્રો મેળવ્યાના અહેવાલોથી જાહેર વિશ્વસનીયતાનું ધોવાણ જ થયું છે. આપણે આપણા નેતાઓ પાસેથી પ્રામાણિકતાની અપેક્ષા રાખીએ છીએ પરંતુ, આ ઉદાહરણો તો તદ્દન વિપરીત જ કશું દર્શાવે છે.
થોડા સમય પહેલા મેં ટાઈમ્સ (24 સપ્ટેમ્બર)માં લખાયેલા જસ્ટિન લેન્ઘામનો પત્ર વાંચ્યો જે પૂર્વ વડા પ્રધાન રિશિ સુનાકના વર્તનથી તીવ્ર વિરોધાભાસ દર્શાવતો હતો. સુનાક ચાન્સેલર હતા ત્યારે લેન્ઘામ વાઈન એસ્ટેટ તરફથી તેમનો આભાર માનવા વાઈનની એક પેટી માકલવામાં આવી હતી. ઈંગ્લિશ વાઈનના ઉત્પાદન પરની ડ્યૂટી સંબંધિત સંશોધન અને ઉત્તર આપવામાં સમય ફાળવ્યો તેના આભાર પ્રદર્શન તરીકે આ ભેટ મોકલાઈ હતી. સુનાકે આ ભેટ રાખી લેવાના બદલે તેને સરકારમાં જમા કરાવી દીધી અને પાછળથી સંપૂર્ણ કિંમત આપીને તેને ખરીદી લીધી હતી. આપણે આપણા તમામ રાજકારણીઓ પાસેથી આવી જ પ્રામાણિકતાની આશા અને અપેક્ષા રાખવી જોઈએ.
વર્કિંગ ક્લાસનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતી લેબર પાર્ટી હવે ગીફ્ટ્સ અને પ્રિવિલેજીસ સ્વીકારવાના સંદર્ભે ભારે ટીકાનો સામનો કરી રહેલ છે. જો કોઈ ભ્રષ્ટાચાર કે કૌભાંડ સંકળાયેલું ન હોય તો પણ આવી ગીફ્ટ્સનો ખ્યાલ માત્ર જાહેર વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે. લેન્ઘામનો પત્ર સૂચવે છે તેમ આ માત્ર લેબર પાર્ટી સંબંધિત મુદ્દો નથી, તમામ રાજકારણીઓ માટે પ્રામાણિકતા આવશ્યક બાબત છે. આ પ્રકારના અધિકારની સંસ્કૃતિ કેવી પ્રચલિત બની રહી છે તે નિહાળવું અને ખાસ તો મોટા કોર્પોરેશન્સ દ્વારા આવી મફતિયા ભેટો વહેંચાતી - ઓફર કરાતી હોય તે ખરેખર ચિંતાજનક છે. એ તો સ્પષ્ટ સમજવાની વાત છે કે કોઈ વસ્તુ મફતમાં મળતી નથી, તેની પાછળ કોઈ આશય અથવા પક્ષપાત કે તરફેણ હોય જ છે.
વર્તનનો આ વિરોધાભાસ સ્વાભાવિક રીતે જ રિશિ સુનાક અને કેર સ્ટાર્મર વચ્ચે મૂલ્યો અને નૈતિકતાના તફાવતને સ્પષ્ટ કરે છે.