ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબે મળીને વલ્લભ વિદ્યાનગરનું સર્જન કર્યું. સરદાર પટેલની તેમને હૂંફ હતી. નૂતન વિદ્યાનગરનું સર્જન સી. એલ. પટેલે એકલે હાથે કર્યું. આ દ્વારા તેમણે ચીલાચાલુ શિક્ષણને બદલે પલટાતા વિશ્વ સાથે યુવકો તાલ મિલાવી શકે તેવું આધુનિક શિક્ષણ આપવાનો સંનિષ્ઠ અને સફળ પુરુષાર્થ કર્યો. ઈ-સાયન્સ, ઈ-કોમર્સ, ઈ-બિઝનેસ વેલ્યુએશન, ઈન્ડસ્ટ્રીયલ હાઈજીન, ઈન્ફર્મેશન ટેકનોલોજી, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બાયો એન્જિનિયરિંગ, બાયો ટેકનોલોજી, આયુર્વેદ જેવા વિષયો શિક્ષણમાં દાખલ કર્યાં. આયુર્વેદ માટે અદ્યતન હોસ્પિટલ શરૂ કરી. ચરોતરમાં આવી આધુનિક હોસ્પિટલ ક્યાંય નથી. સિકાર્ટની સ્થાપના કરી. અદ્યતન છાત્રાલયો સહિતની કેટલીય નવી કોલેજો સર્જી.
વલ્લભ વિદ્યાનગરમાં સી. એલ. પટેલ ૧૯૮૯માં સહમંત્રી બન્યા હતા. એચ. એમ. પટેલ ત્યારે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ. તેમના માર્ગદર્શન હેઠળ કામ કરીને તે ઘડાયા. ૧૯૯૪માં તે પ્રચંડ બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટાયા. ૨૦૧૭ સુધી તેમણે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તરીકે ધૂરા સંભાળી. તેમણે જ્યારે જવાબદારી સંભાળી ત્યારે ચારુતર વિદ્યામંડળને લાખ્ખો રૂપિયાનું દેવું હતું. સંખ્યાબંધ મકાનો રંગરોગાન અને રિપેરીંગની રાહ જોતાં હતાં. ભાઈકાકાએ કર્મચારીઓ દૂરથી આવે-જાય અને થાકી જાય અને તેથી તેની કાર્યક્ષમતા ઘટે માનીને શુભાશયથી કર્મચારીઓ માટે મકાનો કરીને જરૂર હોય તેમને નજીવા ભાડે આપ્યાં હતાં. આમાંના કેટલાક કર્મચારીઓના બીજી પેઢીના વારસદારો એ મકાનોમાં રહેતા હતા કે કેટલાક વિદ્યાનગરમાં પછીથી પોતાનાં મકાનો બાંધી તેમાં રહેતા અને સંસ્થાના મકાનો ભાડે આપતા. કબજો લેવા કોર્ટ-કચેરીમાં વર્ષો જાય. સી. એલ. પટેલે એમાંથી મોટા ભાગના પાસેથી સમજાવીને તો બીજા કેટલાક પાસેથી કોર્ટ મારફતે કબજો મેળવ્યો. આવી જ રીતે મંડળના ખાલી પ્લોટોનું કર્યું. તેમાં દબાણ કરીને બેઠેલા પાસેથી પણ કબજો લીધો. મકાનોનું રંગરોગાન કરાવ્યું. રિપેરિંગ કરાવ્યું. આ બધાની સાથે તેમણે નૂતન વિદ્યાનગરનું સર્જન કર્યું. ૧૯૪૪-૪૫માં જમીનો મેળવવી સહેલી હતી ત્યાર પછી ૭૦ વર્ષમાં જબરી કુનેહ અને પૈસાથી નૂતન વિદ્યાનગર માટે જમીન મેળવવામાં એ સફળ થયા.
સી. એલ. પટેલની કાર્યનિષ્ઠા, પ્રામાણિકતા અને હિંમતથી ચારુતર વિદ્યામંડળની ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ગુજરાત અને ભારતમાં ખ્યાતિ વિસ્તરી. સી. એલ. પટેલ પૂ. પ્રમુખસ્વામી મહારાજના કૃપાપાત્ર હતા અને અગત્યના બધા નિર્ણયોમાં એમનાં આશીર્વાદ લેતા. તે મારા મિત્ર અને સહાધ્યાયી હતા. તે કહેતા, ‘હું વિદેશમાં મંડળ માટે ફંડ લેવા દરેક વખતે મારા ખર્ચે જઉં છું. એ કાળજી રાખું છું કે બીએપીએસને મળતા દાન કે ફંડમાં, મંડળ માટેના ફંડ ઊઘરાવવાથી ઘટાડો ના થાય!’ સી. એલ. આચારવિચારે સ્વામીનારાયણ હતા. પ્રમુખસ્વામી મહારાજને એ ગુરુ માનતા. અનુપમ મિશને એમને શાલિન માનવરત્ન એવોર્ડથી નવાજ્યા ત્યારે એ સ્વીકારતા પૂર્વે તેમણે બાપાના આશીર્વાદ અને સંમતિ લીધેલી. આ એવોર્ડના પગલે પગલે બીજા ઘણા એવોર્ડ તેમને પછીથી મળ્યા હતા.
ગરીબ છતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી વંચિત ન રહે માટે તેમણે બુકબેંકની જેમ લેપટોપ બેંકની પહેલ કરી હતી. કાશ્મીર ભારતનો ભાગ છે એમ કહે છે બધા, પણ કાશ્મીરના આંતકવાદ પ્રેરિત વિસ્તારના વિદ્યાર્થીઓને વલ્લભ વિદ્યાનગર હોસ્ટેલમાં રાખીને, ફી, ભોજન બિલ કે પુસ્તકોનું ખર્ચ લીધા વિના રાખનારી ગુજરાતમાં એકમાત્ર સંસ્થા ચારુતર વિદ્યામંડળ બની એ સી. એલ. પટેલની સૂઝને કારણે.
સી. એલ. કાર્યદક્ષ અને પ્રામાણિક વહીવટકર્તા. કરકસર એમના વહીવટમાં વણાઈ ગઈ હતી. આથી તો કરોડોનું દેવું વારસામાં મળેલા ચારુતર વિદ્યામંડળની ડિપોઝીટો ૩૦૦ કરોટ જેટલી તેમના શુદ્ધ વહીવટથી થયાનું મનાય છે, અને તેય કરોડો રૂપિયાનાં નવા બાંધકામ, ઉપકરણો, સવલતોમાં ખર્ચાયા પછી.
ગામડીના મૂળ વતની સી. એલ. એટલે છોટુભાઈ લલ્લુભાઈ પટેલ. લલ્લુભાઈ મહેનતુ ખેડૂત. દીકરા છોટુભાઈને એન્જિનિયર થતાં ગુજરાત વિદ્યુત બોર્ડમાં નોકરી મળી ત્યારે બાપે દીકરાને કહેલું, ‘લાંચના કે અનીતિના પૈસા લેવા એ મંદિરના પૈસા ચોરવા જેવું છે. એવું ના કરતો.’ સી. એલે. એન્જિનિયર તરીકેની નોકરીમાં ક્યાંય લાંચ લીધી નથી. વિના માગ્યે મળેલી કોઈ ભેટ પણ લીધી નહીં. આ જ પરંપરા એમણે સમગ્ર જીવનમાં રાખી. તેમણે અને તેમના પુત્રોએ કરોડો રૂપિયા મંડળને દાનમાં આપ્યાં. આવા દાતા સી. એલ. અંતે દેહદાતા બનીને કીર્તિશેષ રહ્યા.