ધનાઢ્યોને સોનિયા ગોલાણીનો પ્રશ્નઃ વોટ આફ્ટર મની એન્ડ ફેમ?

સુનેત્રા સીનિયર Wednesday 18th January 2017 06:55 EST
 
 

બિઝનેસના પ્રભુત્વ અને માનસિકતા સાથેના વિશ્વમાં નવા વર્ષના આરંભે જ બેસ્ટ-સેલિંગ લેખિકા સોનિયા ગોલાણીએ સતત પૂછાતા પ્રશ્ન ‘નાણા અને પ્રસિદ્ધિ મેળવ્યાં પછી શું નો ઉત્તર ‘What After Money and Fame: Conversations with India’s Rich, Famous and Powerful’ પુસ્તકમાં આપવા પ્રયાસ કર્યો છે. પ્રસ્થાપિત રીક્રૂટમેન્ટ ફર્મના માલિક ગોલાણીના પુસ્તકમાં ધનવાન, પ્રસિદ્ધ અને શક્તિશાળી સાઉથ એશિયન નામોની ભરમાર છે. વિશ્વના ધનાઢ્યોમાં ૪૦૫મું સ્થાન ધરાવતા અને ગોદરેજ ગ્રૂપના વડા અદિ ગોદરેજથી માંડી બોલિવૂડ અને હિન્દી સિનેમાની લોકપ્રિય ગાયિકા કવિતા સેઠ જેવાં પ્રખ્યાત કલાકારો સહિત નોંધપાત્ર વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોના અનુભવોને સ્થાન અપાયું છે. સોનિયા ગોલાણીએ ખણખોદ કરી આ લોકોનાં વિચારોની ચોકસાઈપૂર્ણ અભિવ્યક્તિમાં મદદ કરી છે.

ગોલાણીએ પુસ્તકના આમુખમાં લખ્યું છે,‘અમારા સંતાનો ભારત અને વિશ્વની પ્રતિષ્ઠિત ઈજનેરી અને મેડિકલ કોલેજો અને ઉદાર આર્ટ્સ યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટ થતાં નિહાળી અમે આનંદ અનુભવીએ છીએ. આ યુવાન છોકરા-છોકરીઓની પેઢી મોટી મહેચ્છાઓ અને સ્વપ્નાઓ સાથે વાસ્તવિક વિશ્વમાં કદમ માંડે છે. બીજી તરફ, અમારા કાર્યકાળના ૭૫ ટકા પૂર્ણ કર્યા પછી અમે શું અને કઈ કિંમતે હાંસલ કર્યું છે તેનો વિચાર બીજી પેઢીના દિલોદિમાગમાં રમી રહ્યો હોય છે. પાછળ નજર કરીએ ત્યારે સિદ્ધિઓ અને ગુમાવેલી તકો- જે પરિસ્થિતિઓ ટાળી શકાઈ હોત, અપાયેલા બલિદાનોની મિશ્ર યાદ આવે છે ત્યારે બાકીના કાર્યકાળ અને તે પછીના સમયનો સદુપયોગ કેવી રીતે કરવો તેનો જ વિચાર કરીએ છીએ.’

ગોલાણીએ ઈન્ટરવ્યૂ લીધેલા તમામ હાઈ-પ્રોફાઈલ લોકોમાં એકસમાન હોય તેવી બાબત એક જ રહી છે કે એક વખત ચોક્કસ પ્રતિષ્ઠા અને ભૌતિક સંતોષનું સ્તર હાંસલ કરી લીધા પછી તેમની ઈચ્છા સમાજને પાછું આપવાની રહી છે. નિશ્ચિત લક્ષ્યાંક અથવા સમયસર સિદ્ધિ હાંસલ થવાથી સફળતાની વ્યાખ્યા મળતી નથી પરંતુ તે ખુલ્લાં અને સંયોજન મનની પકડમાં નહિ આવતી ક્વોલિટી છે. આ દર્શાવવા માટે લેખિકાએ ગોદરેજ, અજય પિરામલ અને અમી ચંદ્રા જેવાં પરગજુ લોકોના ઉદાહરણ આપ્યા છે, જેમના સિદ્ધાંતો અને એન્ટ્રેપ્રીન્યોરશિપની વ્યાખ્યા સારી નીતિમત્તા અને લોકો સાથેના સંબંધો તેમજ તેમની સખત મહેનત થકી જ આપી શકાય.

‘વોટ આફ્ટર મની એન્ડ ફેમ?’ સોનિયા ગોલાણીનું ચોથું પુસ્તક છે. પ્રથમ બે પુસ્તકનો વિષય સફળ સ્ત્રીઓ તેમનાં ઘરેલુ જીવન અને બોર્ડ રુમ્સ વચ્ચે કેવી રીતે સંતુલન સાધે છે તે સંબંધિત છે. બિનપરંપરાગત કારકિર્દીમાં આગળ વધવામાં સાહસ દર્શાવનારા લોકોનું જીવનદર્શન કરાવતાં ગોલાણી ખુદ પ્રેરણાદાયી આદર્શ છે.

પુસ્તક સંબંધિત સંશોધનના નિષ્કર્ષો અંગે તેમણે કહ્યું હતું કે, ‘ભૌતિક લક્ષ્યાંકો હાંસલ કરાયા પછી માનવમન આખરે તો ભલાઈ તરફ જ વળે છે. મારાં ચાર પુસ્તકના લેખન દરમિયાન હું ૬૩ જેટલા મૂવર્સ અને શેકર્સ (દુનિયાને હલબલાવી નાખનારાં લોકો)ને મળી છું, તેમની સાથે વાતો કરી છે. નાણા અને પ્રસિદ્ધિ મેળવ્યાં પછી શું પ્રશ્ન અંગે તેમનો સામાન્ય પ્રતિભાવ સારા માનવી બની રહેવાનો હતો. બિઝનેસ પ્રેક્ટિસ અને આદર્શોના સંદર્ભે તેઓ માને છે કે નૈતિક દૃષ્ટિએ આમ કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થવાની સાથે નાણાકીય આરોગ્ય પણ સુધરે છે. તમને તો લાભ જ મળે છે. ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથમાં જણાવાયા મુજબ પરત કરવું કે સમાજનું ઋણ વાળવું તે સામાજિક ફરજનો મોટો હિસ્સો છે. સેવા કરો કે સખાવત, તમે આપશો તેટલું પામશો. મન અને આત્માના ઉચ્ચ ગુણના સંદર્ભે આપણે દિવસોદિવસ ઉત્કૃષ્ટ બનવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ.’

સોનિયાબહેને લિબરલ આર્ટ્સ હિસ્ટરીનો અભ્યાસ કર્યો છે અને હવે સામાજિક માળખા અને વ્યવસ્થા વિશે પણ સારું જ્ઞાન ધરાવે છે. ભૌતિક જરૂરિયાતોની સંતુષ્ટિ સારા બનવાના ઉદ્દીપકને આગળ વધારી સામાજિક અસમાનતા નાબૂદ કરવાની ઈચ્છા તરફ દોરી જઈ શકે તેવા એક પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે કે,‘લોકોને તેમના પરિવારોને સારું જીવન, તબીબી સંભાળ અને સંતાનોને સારા ભવિષ્ય માટે સારું શિક્ષણ આપી શકાય તે માટે પુરતા નાણા મળે તેવી જરૂર રહે છે. એક બાબત ધ્યાનમાં રાખવી આવશ્યક છે કે જરૂરિયાતોનો અંત હોઈ શકે, લાલચ કે લોભનો નહિ. આ જ મુખ્ય મુદ્દો છે. મારાં પુસ્તકમાં સામાજિક અસમાનતાના નિવારણની વાત છે પરંતુ, પરોપકારી લોકોની ગમે તેટલી ઈચ્છા હોય છતાં એકલાં જ સામૂહિક પરિવર્તન લાવી શકતા નથી. આમાં મોટા પાયે સરકારી હસ્તક્ષેપ અને સમાજના કોઈ પણ સ્તરના વ્યક્તિનો વધુ સારા બનવાનો નિર્ધાર હોવાની આવશ્યકતા રહે છે. પરગજુ લોકો ધનવાન હોય તે આશીર્વાદ છે અને સમાજને ઋણ ચુકવવું તે આપણા બાળકો અને તંદુરસ્ત સમાજ માટે હંમેશાં ઉચિત છે.’

‘વોટ આફ્ટર મની એન્ડ ફેમ?’ પુસ્તકમાં ચોક્કસ અસ્તિત્વવાદી પ્રશ્નોનો ઉકેલ અપાયા વિશે વિવેચકો ઘેલા થઈ ગયા છે અને આડેધડ મંતવ્યો આપી રહ્યા હોવાનું કહેવાય છે. આ સંદર્ભે પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર આપતાં સોનિયાબહેન કહે છે કે,‘આવા પ્રશ્નો તો ઘણા છે પરંતુ, ચાવી તો એ જ છે કે તમે ખુદ નિશ્ચિત કરેલા લક્ષ્યાંકને પાર પાડ્યા પછી પણ તમે કેટલા પ્રેરિત રહો છો. ભારતના ડાઈવર્સિફાઈડ ફાઈનાન્સિયલ સર્વિસીસ કોંગ્લોમરેટ્સમાં સ્થાન ધરાવતા એડલવિસ ગ્રૂપના સીઈઓ રસેશ શાહ અંગત પ્રેરણા તરીકે સતત શીખવા અને વિકાસ તેમજ મૂલ્યવર્ધિત નોકરીઓના સર્જનમાં મળતા સંતોષથી બિઝનેસને પ્રાપ્ત થતી પ્રેરણા વિશે વાત કરે છે. સિદ્ધિની એક ભ્રમણકક્ષામાંથી સરળતાથી બીજી કક્ષામાં પસાર થવાના કોયડાનો આ સરળ પ્રતિસાદ છે. નારાયણ મૂર્તિ કહે છે, ‘આપણે સિદ્ધિની એક ભ્રમણકક્ષામાંથી બીજીમાં પ્રવેશ કરીએ ત્યારે વ્યાપક અને મોટા લક્ષ્યાંકો સ્થાપિત કરીએ તે મહત્ત્વનું છે.’ અદિ ગોદરેજ માને છે કે,‘તમે બિઝનેસમાં ગમે તેટલા મોટા હો, વિકાસ અત્યંત આવશ્યક છે. જો તમે વિકાસ નહિ સાધો તો વિનાશને પામશો.’ જયંત સિંહા માટે સેવા સર્વોચ્ચ ધર્મ છે અને એક વ્યક્તિ તેમજ રાજકારણી તરીકે પણ તેમના માટે આ માર્ગદર્શક બળ છે. આ પુસ્તકમાં અન્ય ચાવીરુપ અસ્તિત્વવાદી પ્રશ્ન કેટલું પર્યાપ્ત કહેવાય? નો ઉકેલ અપાયો છે. અનુ આગા કહે છે તેમ તમે યાત્રાને આત્મસાત નહિ કરો અને આંતરપ્રક્રિયામાંથી પસાર નહિ થાવ ત્યાં સુધી કદી પર્યાપ્ત નહિ રહે. તેઓ કહે છે કે,‘પર્યાપ્તની લાગણી ભૌતિક બાબતો કે પદાર્થો વિશે નથી પરંતુ, તમારા મન અને હૃદયમાંથી આવે છે.’ ચંદ્રા માટે સાચો સંતોષ તેમના હૃદયની નિકટ રહેલા ઉદ્દેશો માટે નિયમિત ધોરણે વર્તમાન આવકના ૯૦ ટકા પરોપકારમાં આપી દેવાથી મળે છે. આ માર્ગે તેઓ ઘણા વર્ષથી ચાલી રહ્યા છે અને તેમનો આદર્શ પ્રસિદ્ધ અમેરિકન બિલિયોનર અને પરોપકારી ચક ફિની છે.

નાણા અને પ્રસિદ્ધિ હાંસલ કરવાની દોડમાં લોકો સામાન્ય ભૂલો કરતાં હોય છે તેના વિશે પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો. નરેશ ત્રેહાન આ પુસ્તકમાં કહે છે કે,‘નાણા અને પ્રસિદ્ધિ હાંસલ કરવાની દોડમાં લોકો સામાન્યપણે સમતુલા ગુમાવે છે અને આ સિદ્ધિ મેળવ્યાં પછી શું કરવું તેનો વિચાર કરવા માટે લોકો થોભતાં નથી. પ્રસિદ્ધિ અને ધન મેળવ્યાં પછી આપણા પોતાના ભલા માટે સ્વનિયંત્રણ રાખવું મહત્ત્વપૂર્ણ છે. વધુપડતી ઘેલછા નુકસાન કરે છે. તમે નાણા ખાઈ શકતા નથી કે તમારી સાથે પણ લઈ જઈ શકતા નથી. તમે જો આ હકીકત સમજશો તો તમારી પ્રાથમિકતા પણ સમજી શકશો.’ લેખિકાએ કહ્યું હતું કે,‘જીવનમાં અંતર્જ્ઞાન અને આધ્યાત્મિક જરૂરિયાતો તરફ પણ ધ્યાન આપવું જોઈએ. સરળ આદતોથી તમે ધનના ગુલામ નહિ, માલિક બની શકશો.’

આ પુસ્તકના લેખન દરમિયાન આત્મજાગૃતિ થવાં વિશે સોનિયાબહેન કહે છે કે,‘પુસ્તકમાં આવરી લેવાયેલા ૧૨ મહાનુભાવોએ કૃતજ્ઞતા, ઉદારતા, નમ્રતા, સેવા અને કઠોર પરિશ્રમના શાશ્વત મૂલ્યો વિશે તીવ્ર આસ્થા વ્યક્ત કરી છે તેનાથી હું પ્રભાવિત થઈ છું. આ પુસ્તકની વાતચીતોમાંથી દરેક વ્યક્તિને શીખવા મળશે.’ પુસ્તકના ટાઈટલની માફક જ અંગત સફળતા હાંસલ કરી લીધા પછી સોનિયાબહેનનું આગામી લક્ષ્ય શું હશે તે પણ જાણવું જરૂરી છે. તેઓ કહે છે કે,‘ઈશ્વર આ વિશ્વમાં જે પ્રકારની સર્જનાત્મકતા ઈચ્છે છે તેના માધ્યમ તરીકે મારી પસંદગી કરવા હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. દિવ્ય પ્રેરણા અને પ્રત્યે વિનમ્રતા અને અધીનતા સાથે હું લખતાં રહીને નવા શ્રેષ્ઠ વિચારો આપતાં રહેવાં ઈચ્છું છું. ‘વોટ આફ્ટર મની એન્ડ ફેમ’ પછી મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હોવાથી હું ભારે હળવાશ અનુભવું છું. કદાચ આ નવપ્રાપ્ત સંતુલનમાંથી નવી કૃતિનું આલેખન કરી શકીશ!’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter