ધરતી ઉપર માગી

આપણી કવિતાનો અમર વારસો...

- ‘મુકબિલ’ કુરેશી Wednesday 11th September 2024 08:00 EDT
 
 

આ સપ્તાહે ‘મુકબિલ’ કુરેશી

• જન્મઃ 24-06-1925 

મૂળ નામ અબ્દુલ કરીમ કુરેશી. બોટાદ જિલ્લાના રાણપુરમાં જન્મ. રેલ્વેમાં કર્મચારી. ‘પમરાટ’ તથા ‘ગુલજાર’ એમના સંગ્રહો.

ધરતી ઉપર માગી

તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી;
ફૂલો પાસે જઈ જઈને તમારી નિત ખબર માગી.
મોહબ્બતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી;
જિગર માગ્યું, નજર માગી, અસર માગી, સબર માગી.
ખરેખર એ સમયની પણ બલિહારી છે, હે જીવન!
ચમન પાસે અમે તો ભરવસંતે પાનખર માગી.
ઊઠ્યા ના હાથ પૂરા ત્યાં તો એ મંજૂર પણ થઈ ગઈ;
ખરેખર મુજ દુઆ કાજે ભલા કોકે અસર માગી.
ધરા ત્યાગી શકાયે ના, રગેરગ લૂણ છે એનું,
અમે જન્નત-જહન્નમ બેય આ ધરતી ઉપર માગી.
બતાવી માર્ગ કોઈને જીવનસિદ્ધિ વરી લીધી,
વિલયને નોતરી લીધો, સિતારાએ સહર માગી.
પ્રણયમાં તર્ક-વિતર્કો સદા બુદ્ધિ કર્યા કર તું,
નથી દીવાનગીએ કોઈ દી લાંબી નજર માંગી.
મુકદ્દરને સદા આગળ ધરે છે માનવી ત્યારે,
મળે છે જિંદગીમાં જ્યારે કો વસ્તુ વગર માગી.
પતંગાએ તો પળભરમાં બળી ઠારી લીધું હૈયું,
બિચારી દીપિકાએ બળતરા આ રાતભર માગી.
નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકબિલ’! તિરસ્કારે,
અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter