મોઝામ્બિકમાં એક જમાનામાં પોર્ટુગીઝ શાસન. એના પાટનગર મપુટુમાં કેટલાય ગુજરાતી ધંધાદારી સારી મિલકતો ધરાવે છે, એમાંના એક છે અશ્વિન પંડ્યા. હજી હમણાં જ જીવનના પાંચ દસકા વટાવેલ તે નાની વયે ધર્મ અને ધંધામાં ખૂબ આગળ છે. મપુટુમાં કેટલીક આકાશચુંબી ઇમારતોની માલિકી તેમની છે. તેમાં મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ ઓફિસો, સ્ટોર, ભાતભાતનાં વ્યવસાયો સેંકડો ભાડુઆત છે. આ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારતના વિદેશ ખાતાને તેમણે કેટલાંક મકાનો ભાડે આપ્યાં છે. જેમાં જે તે દેશના એલચી ખાતાના અધિકારીઓના નિવાસ કે ઓફિસો છે. એકલા મપુટુમાં તેમની પાસે આટલી બધી મિલકતો છે. એંગોલા અને પોર્ટુગલમાંય મિલકતો ધરાવે છે. આ બધામાં જો પેટ્રો નામનો પોર્ટુગીઝ ભાગીદાર છે.
પોર્ટુગલમાં અશ્વિનભાઈ મોટા ભાગનો સમય કાઢે છે. ભાગીદાર સાથે અહીં તેમની ફેકટરી છે. તેમાં ફ્રીઝ બનાવે છે. ફ્રીઝનું ટ્રેડનેમ છે ટેનસાઈ. વર્ષે ત્રણ લાખ જેટલાં ફ્રીઝ બને છે. ઉપરાંત એર કુલર, વોટર કુલર, એર કંડીશનર વગેરે બનાવે છે. દુનિયાના ૭૮ જેટલા દેશોમાં તેની નિકાસ કરે છે. એંગોલામાં તેમની પાસે મોટાં મોટાં ગોડાઉનો છે. ત્યાં આ બધાનું મોટા પાયા પર વેચાણ થાય છે.
આવી સમૃદ્ધિ છતાં એમનામાં ધનનો છાક નથી. આ બધુંયે ગુરુકૃપાના પરિણામે છે અને તેથી તો એ ગુરુની પ્રસન્નતા માટે ધન ખર્ચવામાં કરકસર કરતા નથી. આ ગુરુ એ એમના દાદાના ગુરુ હતા. આજે ગુરુ સદેહે નથી. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નજીક બીલખામાં ગુરુદેવ નથ્થુરામ શર્માનો આશ્રમ છે. નથ્થુરામ શર્મા - એમના દાદા નથુરામ જે ૧૬ વર્ષની વયે ૧૮૯૦માં મોઝામ્બિક આવીને વેપારમાં લાગેલા તેમના ગુરુ. નથુરામના દીકરા તે છોટાલાલ. છોટાલાલ અને તેમનાં પત્ની ભાનુબેન મોઝામ્બિકમાં મપુટુ નજીકનાં ગામડાંમાં દુકાનો ધરાવે. છોટાલાલના પુત્રોમાં નાના અશ્વિનભાઈ નાની વયથી જ પિતા સાથે રહીને ઘડાયા. ઘરાકનું મન ઓળખતા થયા. વસ્તુઓની ખરીદી અને વેચાણમાં એ પિતા સાથે રહીને મદદ કરતા.
૧૯૮૭માં આંતરવિગ્રહ જેવી દશા. તે વેળા ૨૨ વર્ષની વયે અશ્વિનભાઈ લિસ્બનમાં મોટા ભાઈ સુરેશભાઈ જે સુપરમાર્કેટ ધરાવતા હતા એમને ત્યાં ગયા. તેમની સાથે કામ કરીને વેપારમાં વધુ માહેર થયા. આ પછી ૧૯૯૧માં લિસ્બનમાં નાની દુકાન કરીને રેડિયો, ઘડિયાળ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે વેચતા. મોઝામ્બિક, એંગોલા વગેરે. પોર્ટુગલ શાસિત હોવાથી ત્યાંથી ય લિસ્બનમાં ઘરાક આવતા. એંગોલાથી આવતા ટોની મેન્ડીસ નામના ઘરાક સાથે આત્મીયતા થતાં, તેના આમંત્રણથી એંગોલા ગયા. દુકાન કરી. દુકાન ચાલવા લાગી. દુકાન માટે લિસ્બનમાંથી જેની ફેક્ટરીનો માલ ખરીદતા તેની સાથે વિશ્વાસનો અને પ્રેમનો સંબંધ બંધાયો. તેણે યુવાન અશ્વિનભાઈ જીભની મીઠાશ, કામની આવડત અને સચ્ચાઈને કારણે પોતાની કંપનીમાં વિનારોકાણે અડધા ભાગીદાર બનાવ્યા. આ પછી એંગોલામાં કંપનીના માલનું વેચાણ વધ્યું. પોર્ટુગલમાં ધંધો વધ્યો.
દાદા અને પિતાની કર્મભૂમિ અને પોતાની જન્મભૂમિ મોઝામ્બિકનું તેમને આકર્ષણ હતું. પત્ની સંધ્યાબહેન પણ મોઝામ્બિકમાં જન્મેલાં, ઉછરેલાં.
આ બધાથી ભાગીદાર સંમત થતાં મોઝામ્બિકમાં બિલ્ડર બન્યા. એમાં પણ જો પેટ્રો ભાગીદાર થયા. અશ્વિનભાઈ સાલામાંગા ગામમાં જન્મેલા તેથી તે ગામમાં દાદા, પિતા અને પોતાના સમગ્ર પરિવારના ગુરુદેવ નથુરામ શર્માના બીલખાના આશ્રમ જેવો આનંદ આશ્રમ કરવાનું મન થયું. બિલ્ડર તરીકે પોતે અનુભવી, કાર્યરત અને સાધનસંપન્ન હતા. તેમણે ૨૦ એકરના સંકુલમાં આશ્રમ બનાવ્યો. આશ્રમમાં અદ્યતન સગવડવાળાં મકાનો, અતિથિ ગૃહ, ભારતીય દેવ-દેવીઓની સંખ્યાબંધ પ્રતિમાઓ, ભવ્ય સભાગૃહ, મંદિરના ભોંયતળિયામાંથી ૧૧૦ ફૂટ ઊંચા શિખરવાળું ભવ્ય મંદિર નિર્માણ કર્યું. અહીં કાયમી પૂજારી છે. અતિથિ ગૃહ છે. કોઈ ફંડફાળો ક્યારેય ઉઘરાવ્યો નથી. શ્રદ્ધા હોય તે ધર્માદા પેટીમાં નાખે. આશ્રમ પાસે ૧૧૦૦ જમીનનું ફાર્મ છે.
આનંદ આશ્રમની બાજુમાં શિવ મંદિર છે. અહીં સંત કાલિદાસની દેરી છે. અશ્વિનભાઈ ત્યાં પણ મોટા દાતા છે. પોતે ગુરુદેવની કૃપાથી જ દાન કરી શકે છે એમ માને છે. નાની વયે ધર્મ અને ધંધામાં તે સફળ છે.