અમદાવાદઃ ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્રને જીવનાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી મહોત્સવ ખરા અર્થમાં ભવ્ય અને દિવ્ય બની રહેશે. આ પ્રસંગે ધર્મ - સંસ્કાર - સંસ્કૃતિ અને સંવાદિતાનો સમન્વય રચાશે અને આમ આ પ્રસંગ ગુજરાતનો મિની કુંભ બની રહેશે. આ શબ્દો છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત અક્ષરવત્સલ સ્વામીના.
લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન અમદાવાદના આંગણે ઉજવાશે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના આયોજનની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે એક મહિનાનો પ્રસંગ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે. આ એક મહિના દરમિયાન સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા આ મહોત્સવમાં ઊમટશે.
15 રાષ્ટ્રોના વડાને આમંત્રણઃ
વડા પ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન?
આ ભવ્યાતિભવ્ય આયોજનમાં હાજરી આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત 15 રાષ્ટ્રોના વડા સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને આમંત્રણ મોકલાયા છે. સંભવતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થાય તેવી શક્યતા છે. અલબત્ત, આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત તો નથી કરાઇ, પરંતુ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે વડા પ્રધાન મોદીનો સ્નેહપૂર્ણ નાતો જોતાં આ શક્યતા નકારાતી નથી.
પ.પૂ. મહંત સ્વામી મહારાજ પ્રેરણાસ્ત્રોત
અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું હતું કે આ ઉત્સવના પ્રેરણાસ્રોત પ.પૂ. મહંત સ્વામી મહારાજ છે, જેઓ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી છે. આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખર પર બિરાજમાન હોવા છતાં નમ્રતા, ધર્મનિષ્ઠા, ભક્તિના ગૌરવથી શોભતા મહંત સ્વામી મહારાજ સનાતન ધર્મના સંત-મહિમાનું જાણે મૂર્તિમંત સ્વરૂપ છે. તેમની નિશ્રામાં ઉજવાઈ રહેલા મહોત્સવમાં ઊમટીને ભારત અને વિદેશના લાખો લોકો પવિત્ર પ્રેરણાથી હર્યાભર્યા બનશે.
સંતો અને સ્વયંસેવકોની અદમ્ય સેવા - સમર્પણનું પ્રતીક
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકો પર સ્નેહ વરસાવીને તેમનામાં સેવા - સમર્પણની અપાર શક્તિ જગાવી છે. તેમણે સંતોથી માંડીને સ્વયંસેવકોમાં જગાવેલી આ ચેતનાનું પ્રતીક બની રહેશે પ્રમુખસ્વામી મહારાજ નગર. એક વર્ષ પૂર્વે આ વિરાટકાય મહોત્સવનું આયોજન હાથ ધરાયું ત્યારથી માંડીને મહોત્સવ સંપન્ન થશે તેમાં સેંકડો સંતો અને હજારો સ્વયંસેવકોનું અતુલનીય યોગદાન હશે. પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા 1100 થી વધુ સુશિક્ષિત સંતો અને કુલ 70 હજારથી વધુ સ્વયંસેવકો મહોત્સવ માટે રાત-દિવસ સેવા આપશે. સમગ્ર આયોજનને રંગેચંગે પાર પાડવા કુલ 45 વિભાગ દિવસ-રાત કાર્યરત છે. આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે ખાડાખડબાવાળી 600 એકર જમીનને સમથળ કરવાથી માંડીને ત્યાં મનમોહક ભવ્યાતિભવ્ય મહોત્સવ નગર બનાવવાની તમામ કામગીરી સંસ્થાના સંતો અને સ્વયંસેવકોએ સ્વયં સંપન્ન કરી છે. મતલબ કે સમગ્ર આયોજનમાં ક્યાંય પણ, કોઇ પણ પ્રકારે વ્યાવસાયિક સેવા લેવાઇ નથી. વિવિધ પ્રાંતોમાંથી આવેલા વિવિધ શૈક્ષણિક અને સામાજિક ભૂમિકાઓ ધરાવતા આ સ્વયંસેવકો, ભક્તો તેમજ સંતોએ સેવા-સમર્પણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમાંના કેટલાક સ્વયંસેવકો તો છેલ્લા એક વર્ષ કે તેના કરતાં પણ વધુ સમયથી મહોત્સવ માટે પોતાનું અનન્ય યોગદાન આપી રહ્યા છે.
‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ એક ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’
એક મહિનો ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે એસપી રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ આકાર લઇ રહ્યું છે. આ નગર અનેક પ્રેરણાદાયી રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદથી માંડીને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ નગરના આકર્ષણો પર નજર ફેરવીએ તો...
કલાત્મક પ્રવેશદ્વારો
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારો રચાયા છે. ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોથી શોભતું હશે. અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતું દરેક પ્રવેશદ્વાર પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વની ઝાંખી કરાવશે.
ભવ્ય સ્મારક પ્રતિમા
નગરમાં પ્રવેશતાં જ વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી વિશાળ સ્વર્ણિમ પ્રતિમા સ્થપાશે. અહીં મુલાકાતીઓ પ્રમુખસ્વામી મહારાજ તેમજ ભારતની મહાન સંત પરંપરાને ભાવાંજલિ અર્પી શકશે. પ્રતિમાની આસપાસના વર્તુળમાં પ્રમુખસ્વામી મહારાજની જીવનગાથા પ્રદર્શિત થશે.
ભવ્ય અક્ષરધામ મહામંદિરની અતુલ્ય યાત્રા
પ્રમુખસ્વામી મહારાજ નગર મધ્યે દિલ્હી ખાતે પ્રમુખસ્વામી મહારાજે રચેલા ભવ્ય અક્ષરધામ મંદિરની 67 ફૂટ ઊંચી વિશાળ પ્રતિકૃતિ રચાઇ છે. અહીં ભગવાનના વિવિધ સ્વરૂપોનાં દર્શન-પ્રાર્થના કરીને દર્શનાર્થીઓ તીર્થયાત્રા કર્યાનો સંતોષ પામશે.
પ્રેરણાદાયી પ્રદર્શન ખંડો
પ્રમુખસ્વામી મહારાજ નગરના મધ્ય માર્ગની બંને બાજુએ પાંચ પ્રદર્શનોની અનોખી પ્રસ્તુતિ હશે. આ પ્રદર્શન ખંડો ભારતીય શાશ્વત મૂલ્યોની પ્રેરણા આપશે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવનઘડતર, પારિવારિક શાંતિ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્રસેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિ દ્વારા દર્શનાર્થીઓ અહીં પ્રેરણાથી હર્યાભર્યા બનશે.
સાંસ્કૃતિક બાળનગરી
પ્રમુખસ્વામી મહારાજને બાળકો માટે વિશેષ સ્નેહભાવ રહ્યો છે. આથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં બાળકો માટે 17 એકરમાં બાળનગરી રચાઇ છે, જ્યાં બાળકો સંસ્કાર, શિક્ષણ, સેવાની પ્રેરણા મેળવશે. બાલનગરીના ત્રણ ખંડો દ્વારા બાળકો માતપિતાના અનંત ઉપકાર અને સૌને આદર આપવાની પ્રેરણા પ્રાપ્ત કરશે, પ્રાર્થના અને પુરુષાર્થ દ્વારા સફળતાના પાઠ દૃઢ કરશે તો વાર્તા દ્વારા સ્વવિકાસના પાઠ શીખશે. અહીં બાળકો માટે નૃત્યસંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો પણ યોજાશે. આ બાળનગરી બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત થશે.
કળા-કૌશલ્ય ખીલવશે ટેલેન્ટ શો
મહોત્સવ સ્થળે બાળકો-યુવાનોની શક્તિઓને ખીલવતા ટેલેન્ટ શો યોજાશે. તે માટે અલગ અલગ બે મંચ રચાયા છે. અહીં વ્યક્તિગત અને સમૂહગાન, શાસ્ત્રીય અને સુગમ સંગીત, વાદ્યસંગીત, યોગ પ્રસ્તુતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને બાળકો-યુવાનો-યુવતીઓ સૌને કળા-કૌશલ્યની તેમજ સાંસ્કૃતિક પ્રેરણાઓ આપશે.
મહિલા ઉત્કર્ષ મંડપમ્
મહિલા ઉત્કર્ષની અનેકવિધ ગતિવિધિઓ માટે ‘મહિલા ઉત્કર્ષ મંડપમ્’ છે. અહીં સતત એક મહિના સુધી મહિલા ઉત્કર્ષના ભાતીગળ કાર્યક્રમો, પરિષદો થશે. મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ દ્વારા રજૂ થનાર આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ભારત અને વિદેશના અનેક મહિલા મહાનુભાવો કાર્યક્રમને શોભાવશે.
યજ્ઞપુરુષ સભાગૃહ
નગરમાં વિશાળ યજ્ઞપુરુષ સભાગૃહ રચાયો છે, જ્યાં લાગલગાટ એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંતો-મહંતો, વક્તાઓ, મહાનુભાવો વગેરે દ્વારા પ્રેરણાદાયી, ચિંતનશીલ પ્રવચનો, ભક્તિમય સંગીત અને અન્ય હૃદયસ્પર્શી રજૂઆતોથી મંચ ગુંજી ઊઠશે.
લાઈટ એન્ડ સાઉન્ડ શો
મહોત્સવ સ્થળના અનેકવિધ આકર્ષણોમાં મહત્ત્વનું આકર્ષણ હશે – લાઈટ એન્ડ સાઉન્ડ શો. મહોત્સવ સ્થળે 300 કરતાં વધારે બાળકો-યુવાનો રંગારંગ પ્રસ્તુતિ દ્વારા પારિવારિક એકતા, સેવા, પરોપકારના સંદેશા રજૂ કરશે. આ ઉપરાંત, વૈદિક યજ્ઞ કુટિર, અખંડ ભજન કુટિર, રક્તદાન યજ્ઞ વગેરે જેવી આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિ અહીં યોજાશે.
જ્યોતિ ઉદ્યાન (ગ્લો ગાર્ડન)
મહોત્સવ સ્થળના કેન્દ્રસ્થાને રહેલા અક્ષરધામ મંદિરની ચારેતરફ સુશોભિત અનુપમ થીમેટિક પાર્ક જ્યોતિ ઉદ્યાન (ગ્લો ગાર્ડન) સાકાર થયો છે, જેની રંગબેરંગી રચના સહુ કોઇને આહલાદક અનુભવ કરાવશે. આ એવું ઉદ્યાન હશે, જ્યાં દિવસ કરતાં રાત વધુ સોહામણી હશે. અહીં અલગ અલગ પ્રકારનાં ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓની ભાતીગળ જ્યોતિર્મય રચનાઓ, બોધકથાઓ, સંસ્કૃતિ અને શાસ્ત્રોનો શાશ્વત સંદેશ આપશે.
રંગબેરંગી ફૂલછોડની બિછાત
વિશ્વ સમસ્ત આજે પર્યાવરણની ચિંતા કરે છે, વૃક્ષોના જતનની વાત કરે છે. પ્રમુખસ્વામી દસકાઓ પૂર્વે જ આનું મહત્ત્વ જાણતા હતા. પ્રમુખસ્વામી મહારાજે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણથી લઈને અનેકવિધ જનજાગૃતિ અભિયાનો યોજ્યાં હતાં. એટલે જ તેઓના શતાબ્દી મહોત્સવમાં નાનામોટા વૃક્ષો અને રંગબેરંગી ફૂલછોડની આકર્ષક બિછાત બિછાવાઇ છે. તેની પૂર્વતૈયારી રૂપે ત્રણ એકર જમીનમાં નર્સરી તૈયાર કરાઇ છે. અહીં આસામથી લઈને મહારાષ્ટ્ર ને ગુજરાત તેમજ ભારતના વિભિન્ન પ્રદેશના ફૂલ-છોડ મૂકાયા છે.
સર્વધર્મ સંવાદિતાનું પ્રયાગતીર્થ
‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ’ - ધર્મની આ અનોખી વ્યાખ્યા આપીને સમાજમાં સર્વ ધર્મ-આદરની જાગૃતિ માટે સતત પ્રયાસ કરનાર પ્રમુખસ્વામી મહારાજે દરેક ધર્મની આસ્થા અને પરંપરાને આદર આપ્યો છે. સનાતન હિંદુ ધર્મના એક સ્તંભ તરીકે તેમણે બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ કે અન્ય ધાર્મિક પરંપરાઓ અને ઘણા દેશોના દિગ્ગજો સાથે સંવાદ સાધ્યો છે. તેથી જ પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ તમામ ધર્મોનું પ્રયાગતીર્થ બનશે.