બાવીસ વર્ષનો યુવક આણંદ રેલવે સ્ટેશને ઊભો હતો અને યોગીજી મહારાજ ત્યાં આવીને કહે, ‘શાસ્રીજી મહારાજને મળવા આવ્યા છો. ચાલો લઈ જઉં...’ વાત સાચી હતી. યુવક વિચારતો હતો કે શાસ્રીજી મહારાજને શી રીતે મળાશે? યોગીબાપાને આની શી રીતે ખબર પડી હશે તેવો યુવકને વિચાર આવ્યો. તેને લાગ્યું કે તેમનામાં દિવ્યશક્તિ હશે.
આ યુવક એટલે આજે આફ્રિકાના કેટલાય દેશોમાં અને ભારતમાં અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયના સંનિષ્ઠ અને વડીલ સત્સંગી નાઈરોબીના મહેન્દ્રભાઈ બેરિસ્ટર. ૧૯૨૮માં મહેન્દ્રભાઈ નાઈરોબીમાં જન્મેલા. એમના પિતા મીઠાભાઈ પટેલ ગજેરાના અને ૧૯૦૧માં જન્મેલા. તે જમાનામાં મેટ્રિક થયેલા. તે નાઈરોબીમાં વસતા હતા. મહેન્દ્રભાઈ લંડનમાં વધુ અભ્યાસ માટે જતા પહેલાં ભારત થઈને જવાના હતા. મીઠાભાઈ ગજેરાના વતની અને સત્સંગી. શાસ્ત્રીજી મહારાજે મહેન્દ્રભાઈને ૧૯૪૧માં કંઠી બાંધી હતી.
યોગી બાપામાં મહેન્દ્રભાઈને શ્રદ્ધા વધતી ગઈ. મહેન્દ્રભાઈ લંડનમાં ભણતા હતા અને ભારતીય હાઈકમિશનરની ઓફિસમાં પાર્ટટાઈમ કામ કરતા. આ વખતે કૃષ્ણ મેનન હાઈ કમિશનર હતા. તે જમાનામાં વેજિટેરિયન ભોજનની મુશ્કેલી હતી. યોગી બાપા કહે, ‘આપણા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવો.’ કામ કરવાને લીધે કૃષ્ણ મેનનનો પરિચય હોવાથી મહેન્દ્રભાઈ કહે, ‘ભારતીય વિદ્યાર્થીઓને વેજિટેરિયન ફૂડની મુશ્કેલી છે.’ આના કારણે ઓલ્ડવીચમાં સ્ટાફ માટેની કેન્ટિનમાં માત્ર બે શિલિંગમાં વિદ્યાર્થીને ભોજન મળે તેવું ગોઠવ્યું. આમ છતાં રહેવાનો પ્રશ્ન હતો. મહેન્દ્રભાઈએ ફરીથી કૃષ્ણ મેનનને કહ્યું, ‘ખાવાનું આપો છો, પણ રહેવાનીય મુશ્કેલી છે.’
કૃષ્ણ મેનને ભારતમાં આઠ રાજ્યોની સરકાર પાસેથી, દરેક પાસેથી દસ હજાર પાઉન્ડ લઈને ગુડ સ્ટ્રીટમાં મહાત્મા ગાંધી હોલ બનાવ્યો.
મહેન્દ્રભાઈએ ૧૯૫૫માં લંડનમાં સ્વામીનારાયણ સત્સંગ મંડળની સ્થાપનામાં ભાગ લીધો અને પછી મંદિર કરવામાંય આગેવાન રહ્યા. ૧૯૫૯માં બેરિસ્ટર થયા પછી નાઈરોબી જતા પહેલાં ભારત થઈને જવા સ્ટીમરમાં મુંબઈ બંદરે ઉતર્યા. તેમના આશ્ચર્ય વચ્ચે દાદુભાઈ (દાદુકાકા) અને હરમાનભાઈ હાર લઈને તેમને આવકારવા ઊભા હતા. યોગીબાપાએ તેમને મોકલ્યા હતા. પોતે આવવાના કોઈ સમાચાર તેમણે મોકલ્યા જ ન હતા. તો યોગીબાપાએ કેમ જાણ્યું? લાગ્યું કે એ દિવ્ય સંત છે.
મહેન્દ્રભાઈ નાઈરોબી ગયા. વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. અટપટા કેસોમાં એમના અસીલો જીતતાં એમનો યશ વધ્યો. નવા નવા કેસ મળતા ગયા. સંબંધો વધ્યા.
નાઈરોબીમાં સ્વામીનારાયણ મંદિર હતું પણ ભક્તો વધતાં તે નાનું પડતું હતું. મહેન્દ્રભાઈ બીએપીએસ સત્સંગ મંડળના પ્રમુખ હતા. યોગીબાપાના લાડીલા હતા. યોગીબાપા પછી પ્રમુખસ્વામી મહારાજના એવા જ લાડીલા અને કૃપાપાત્ર હતા. તેમના નેતૃત્વમાં ફોરસેટ રોડ પર પાંચ એકર જમીનમાં કાષ્ઠકલા યુક્ત શિખરબંધ મંદિર થયું. મંદિરનું મ્યુઝિયમ લંડનના નિસડન મંદિર કરતાંય કેટલીક બાબતોમાં સમૃદ્ધ છે, છતાં નિસડનનું મંદિર પશ્ચિમી જગતમાં અને વધુ બોલકા વર્ગમાં હોવાથી વધારે જાણીતું છે. મહેન્દ્રભાઈ પછીથી સમગ્ર પૂર્વ આફ્રિકાના બીએપીએસ સત્સંગ મંડળના પ્રમુખ રહ્યા હતા.
૧૯૭૩માં મહેન્દ્રભાઈ પ્રમુખસ્વામીજીના આદેશથી અમેરિકા ગયા. ડો. કે. સી. પટેલની સાથે રહીને અમેરિકાના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના બંધારણના હેતુનો ડ્રાફ્ટ તેમણે તૈયાર કર્યો. ડો. કે. સી. પટેલ સાથે મળીને સામૈયો કર્યો અને તેમાં ૮૦,૦૦૦ ડોલર ભેગા થતાં મંદિર થયું.
કેન્યામાં ૧૯૬૩માં આઝાદી પછી ત્યાં વસતા હિંદીઓને નુકસાન થાય તેવા કાયદાથી હિંદીઓને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવા કેન્યાની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે, કોંગ્રેસના મંત્રી તરીકે દિલ્હી જઈને પંડિત જવાહરલાલ અને બીજા નેતાઓને મળ્યા. તેમણે ભારતીય સંસદના સેન્ટ્રલ હોલમાં મહેન્દ્રભાઈનું પ્રવચન ગોઠવ્યું. ભારતીય સંસદ સભ્યોને સંબોધનાર એ પ્રથમ વિદેશી ભારતીય હતા. આ પછી કેન્યાએ કેટલાક કાયદા બદલતાં રાહત થઈ હતી. ૮૮ વર્ષે મહેન્દ્રભાઈ હજી સત્સંગમાં સક્રિય છે.