ફૂલ ગયું પણ ફોરમ રહી. ધૂપસળી રાખ બની પણ એની મહેંકથી વાતાવરણમાં પ્રસરેલી સુવાસ લાંબો સમય પ્રસન્નતા રેલાવતી રહે છે એવું જ થયું. તાજેતરમાં ૮૨ વર્ષની વયે અવસાન પામનાર કપિલાબહેનનું.
ચારુતર આરોગ્ય મંડળ આજે શોભે છે, કરમસદની પ્રમુખસ્વામી મેડિકલ કોલેજથી. ચરોતરનું એ ગૌરવ, આધુનિક ચરોતરના ઘડવૈયા, મહી યોજનાના સ્વપ્નદ્રષ્ટા, ગુજરાતમાં વિરોધ પક્ષના વિધાતા, સિંધને ફળદ્રુપ અને સમૃદ્ધ બનાવનાર સક્કરબેરેજ યોજનાના ચીફ ઈજનેર ભાઈકાકા. તેમના અનુગામી પટેલ સાહેબ એટલે કે એચ. એમ. પટેલ. ભારત-પાક.ની મિલકતોના સફળ સંતોષકારક વિતરક, રાજકારણમાં કોંગ્રેસની સામે. તેથી તે જ્યાં પ્રમુખ હતા તે મેડિકલ કોલેજને ઓલ ઈન્ડિયા મેડિકલ કાઉન્સિલ મંજૂર કરવા અખાડા કરે. કોંગ્રેસને રાજી રાખવા મથે, ત્યારે મેડિકલ કોલેજના પ્રથમ આચાર્ય અને ડીન ડો. ઉમેદભાઈ પટેલે એની મંજૂરી માટે વ્યક્તિગત મુલાકાતો અને પ્રચાર - રજૂઆત યોજી.
કહે, પૂજારીના વાંકે મંદિર તોડો મા. જરૂર હોય તો પૂજારીનો વિરોધ કરો, પણ મંદિરનો નહીં. આ માટે વારાફરતી પત્રકારોને ઘેર નોંતરે, જમાડે, ભેટ આપે. બધું પોતાના ખર્ચે. નિષ્ઠા એવી કે અનેક વિદ્યાર્થીઓનું, ચરોતરનું ભાવિ સુધરે. આ બધાના પાયામાં પૂરાયાં તેમના ધર્મપત્ની કપિલાબહેન. ઉમેદભાઈને ગમતું એમણે ગમાડ્યું. ક્યારેય પોતાની ઊંઘ, આરામ કે ખર્ચનો વિચાર ના કરે. પોતે કરકસર કરે પણ આવનારને જીવનભરનું સ્મરણ રહે તેવું આતિથ્ય કરે.
ઉમેદભાઈ મારાથી છ માસ મોટા. ડી.એન.માં દસમા ધોરણમાં ભણે ત્યારે દાઢી-મૂછ ફૂટેલાં. કસાયેલી કાયા અને વોલીબોલના ખેલાડી. મેટ્રિક પછી છૂટા પડ્યા. ભણીગણીને એ ડોક્ટર થયા અને હું શિક્ષક અને પછી પ્રોફેસર. એ આણંદમાં અને હું અમદાવાદમાં.
વર્ષો પછી સંબંધના એ સ્મરણોના તાંતણા ફરી જોડાયા. ડો. ઉમેદભાઈ સફળ સર્જન. સેવાથી તરબતર સેવાના વ્યસની અને સજ્જનતાના સંગી. એમની સાથે વાતોમાં કહે, ચાલીસ વર્ષ પહેલાં ડોક્ટર ઘર-બંગલો અને ગાડી ધરાવતો થાય તો માનવું કે તેણે દર્દીનો નહીં પોતાનો વિચાર કર્યો છે.
ઉમેદભાઈ કેટલીક વાર આખો દિવસ દવાખાનામાં બેસે. દર્દીને જુએ. તપાસે, ઘરેથી વીસ-પચ્ચીસ રૂપિયા ખિસ્સામાં લઈને ગયા હોય અને સાંજે આવે ત્યારે દસ રૂપિયા ઓછા હોય. કપિલાબહેન પૂછે, આજે ખાસ દર્દી નહીં હોય, કામ થોડું હશે?
ઉમેદભાઈ કહે દર્દી તો હતા, પણ બે-એક દર્દી કહે આવતા વખતે પૈસા આપીશ. એક કહે, સાહેબ ઘરે જવાનું ભાડું ય નથી, ચાલીને માંડ ઘરે જઈશ. આવે વખતે ઉમેદભાઈએ ભાડું પોતે આપ્યું હોય અને દસ રૂપિયા ઓછા કર્યાં હોય. કપિલાબહેન કહે, સારું કર્યું તેની આંતરડી ઠરી. સ્વૈચ્છિક સેવાવ્રતી ઉમેદભાઈનો પડછાયો બનીને કપિલાબહેન જીવ્યાં. દરેક સફળ પુરુષ પાછળ ઢાલ બનીને એક સ્ત્રી ખડી હોય છે. એ કપિલાબહેને આચારથી સાબિત કરી બતાવ્યું!
કપિલાબહેન અતિથિ વત્સલ. ઉમેદભાઈની યશકાય સમૃદ્ધ બની એમાં કપિલાબહેન પાયામાં પૂરાયાં. હું અમેરિકા વસ્યા પછી એકલો આવું ત્યારે મારું ઘર ખોલીને ચાલુ કરાવું. ઉમેદભાઈ મને જમવા બોલાવે અને હું જાઉં. એક દિવસ ઉમેદભાઈ મને કહે, આપણો આવો સંબંધ ઝાઝો નહીં નભે. હું ભોંઠો પડ્યો. કહે, તમારે કારણે કપિલા સાથે મારે ઝઘડો થાય છે! એ કહે છે, તમે કહો છો કે ચંદ્રકાંતભાઈ મારા ભાઈ છે, તમે આવીને ઘર ખોલો અને રહો તેથી બીજા સમજે કે સંબંધો ઉપર-ઉપરના છે અને કપિલાને રાખવાનું ગમતું નહીં હોય.
મારે મારાં રોકાણો અને બહાર જવાનાં કારણો આપીને ખુલાસો કરવો પડે. ઉમેદભાઈએ એક પરિવારને ઘરની કાળજી રાખવા કાયમી પોતાને ત્યાં રાખેલો. તે ભાઈ રમણભાઈ. ઉમેદભાઈના અવસાન પછી પણ તે બંગલો સાચવે. કપિલાબહેન પુત્ર, પુત્રી દીયર બધાંને ત્યાં અમેરિકા જાય. આ રમણભાઈની દીકરીનું લગ્ન આવ્યું. કપિલાબહેને પુત્ર ડો. નીલેશભાઈને કહીને પૂરું લગ્ન ખર્ચ અપાવ્યું. માનવતા અને મદદની ભાવનાથી ભરેલાં કપિલાબહેન. કપિલાબહેન પરિવાર વત્સલ. એકલા જમવા બેસવાનું એમને ગમે જ નહીં. ઉમેદભાઈ ગમેત્યારે મહેમાન પકડી લાવે. કપિલાબહેન ના મ્હોં મચકોડે, ના કચકચ કરે, રસોઈની વિવિધ વાનગીઓ બનાવવામાં કુશળ રસોઈયાને પાછો પાડે એવી આવડત. અણધાર્યો આવેલ કે લાવેલ અતિથિ ગુંદર બનીને વાતોનાં વડાં કરે તો ય કપિલાબહેન ન અણગમો બતાવે, ન ધીરજ ગુમાવે.
એમણે ઉમેદભાઈના ભાઈ, બહેનો, સગાં બધાંની સેવા કરી, સ્નેહ આપીને ઝીલ્યાં. ગુણ જોવાની વૃત્તિ, કાગવૃત્તિ બતાવીને વિષ્ટા, નિંદા ન શોધે. કપિલાબહેનના દીકરા ડો. નીલેશભાઈને ત્યાં લાંબા વખતથી હતાં.
પતિ મેડિકલ કોલેજના ડીન, સફળ સર્જન, દીકરો ડો. નીલેશ પટેલ વિશ્વવિખ્યાત હાર્ટસર્જન અને તે પણ રોબોટથી હાર્ટની સર્જરી કરવામાં નિષ્ણાત અને યશપ્રાપ્ત. પુત્રવધૂ રૂપમ તે રોલકોનના સ્થાપક, માલિક એવા શાપુરજી પટેલની દોહિત્રી. આ બધું છતાં ક્યારેય કપિલાબહેનના મોંએ બડાઈ સાંભળી નથી. જીભની મીઠાશ અને સેવાથી શોભતાં કપિલાબહેન અને ડો. ઉમેદભાઈ આજે ધૂપસળીની જેમ રાખ થવા છતાં તેમના સેવા, સૌજન્ય અને નમ્રતાની સુવાસ ધૂપસળીની જેમ જીવંત છે.