શહેરીકરણ વધતું જાય છે અને તેમાં રહેનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. ગામડાઓમાંથી સ્થળાંતરિત થઈને લોકો હવે ધીમે ધીમે નાના-મોટા શહેરોમાં વસવાટ માટે જઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ હોય છે રોજગારી. રોટલો રળવા માટે થઈને લોકોએ પોતાના ઘરબાર છોડવા પડે છે અને નવી જગ્યાએ સ્થાયી થવું પડે છે તે વાતનું દુઃખ તો થાય પરંતુ તેની સાથે સાથે આ વાસ્તવિકતાને સ્વીકારીને આગળ વધીએ તો અલગ પ્રકારના વાતાવરણમાં પોતાને અને પરિવારને સ્થાપિત કરવાની પ્રક્રિયા પણ સરળ થઇ રહે. નવી જગ્યાએ જઈને નોકરી શોધવાની હોય કે નોકરી મળવાને કારણે ત્યાં સ્થાયી થવા નીકળવું પડ્યું હોય તે બંનેમાં ફરક છે. પરંતુ ગમે તે કારણથી તમારે કે પરિવારને નાના સ્થળેથી મોટા સ્થળે વિસ્થાપિત થવાનું આવે તો ત્યાંની જટિલ વ્યવસ્થા તમને તરત જ માફક આવતી નથી. તેમાં ઘણો સમય લાગે છે.
આપના જીવનમાં પણ ક્યારેય આવી રીતે ગ્રામ્ય કે નાના નગરના જીવનમાંથી સ્થળાંતરિત થઈને મોટા શહેરમાં જઈને વસવાનું બન્યું છે? અને જો બન્યું હોય તો કેવી કેવી મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડ્યો છે? માનો કે વ્યક્તિ ગોંડલ પાસેના કોઈ ગામમાં રહેતો હોય અને તેને અમદાવાદ જઈને રહેવાનું થાય તો આટલા મોટા શહેરમાં પહેલા તો ઘર ક્યાં શોધવું તે જ મુશ્કેલી પડે. પોતાના ગામડામાં તો તેને સૌ ઓળખાતા હોય. તે કોઈને પણ ઘરે જઈને ઉભો રહે અને મદદ માંગી લે. પરંતુ શહેરમાં તેવું બનતું નથી. ફળિયાવાળા ઘરમાંથી હવે તેને નાના એપાર્ટમેન્ટમાં રહેવાનું થાય. નાની નાની સીડીઓ, અને કદાચ લિફ્ટ પણ ન હોય તેવી ઇમારતમાં તેને ચોથા માળે ઘર માળે ત્યારે તેની પત્નીની તકલીફોની યાદી રોજ સાંજે કામેથી આવીને તેને સાંભળવી પડે છે. શાક લેવા માટે નીચે જવું પડે છે. પાણી લાવવા માટે, કરિયાણું લાવવા માટે એટલા પગથિયાં ઉતરવા પડે છે. આખા દિવસમાં દશ વખત ઉપર નીચે ચડઉતર કરવી પડે છે - વગેરે જેવી ફરિયાદો ખૂટતી નથી. દરવાજો ખોલતાં જ સામેવાળાનું ઘર હોય, પોતાની કોઈ પ્રાઇવસી ન હોય, એકબીજા સાથે શેરીમાં ઊભીને વાતો કરવાની શક્યતાઓ શહેરમાં ન હોય તેવું બધું ઘરની સ્ત્રીને તો બહુ ખટકે.
સામે તમારા માટે પણ ઘર અને કામના સ્થળનું અંતર, રસ્તા પરનો ટ્રાફિક, રોજ સાંજે મિત્રો સાથે ચાની દુકાને બેસીને ગપ્પા મારવાની ફુરસત, એ બધું ગામડામાં તો બનતું પરંતુ હવે શહેરમાં અશક્ય હોય તેવું બને. બાળકોની પોતાની અલગ સમસ્યા હોય છે. તેમને નવા મિત્રો બનાવવા પડે છે. નવી શાળામાં તેને જલ્દીથી સેટ થઇ શકાતું નથી. રોજ રીક્ષા કે બસમાં બેસીને શાળાએ જવું પડે છે. આ બધાને કારણે બાળકો, પતિ-પત્ની એમ બધાના માનસ પર એક પ્રકારનો તણાવ ઉભો થાય છે. આ પણ એક વિશેષ પ્રકારની સ્થિતિ છે કે જેમાં વ્યક્તિએ પોતાના સ્થળને છોડીને નવા સ્થળે સેટ થવા માટે પોતાને મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કરવી પડે છે. તેના માટે પણ ખાસ પ્રકારની તાલીમ હોવી જોઈએ. જે લોકો નવા આવીને શહેરમાં વસતા હોય તેમનો હાથ ઝાલવા માટે સંસ્થાઓ હોવી જોઈએ. નવા આવેલા લોકોને શહેરની રહેણીકરણીથી વાકેફ કરાવવા માટે કેટલાક સ્વયંસેવકોએ આગળ આવવું જોઈએ. પાડોસીઓએ પણ પોતાના તરફથી બને તેટલું માર્ગદર્શન આપવું જોઈએ.
ઘણીવાર તો શહેરના લોકો નવા આવેલા ગ્રામ્યપરિવારોને ઝડપથી સ્વીકારતા નથી. તેમની રહેણીકરણી અને આદતોને કારણે તેમને પોતાનાથી અલગ માને છે. કેટલાક લોકો તો તેમને અભણ, અજ્ઞાની પણ સમજે છે, પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. નવા આવેલા લોકોમાં પણ ઘણી આવડત હોય છે અને તેમને નવા પર્યાવરણમાં સેટ થવા માટે થોડા સમયની જરૂર હોય છે. પાડોશીનો ફરજ બને છે કે તેઓ એક સહકાર સ્તંભની માફક નવા આવેલા પરિવાર સાથે ઉભા રહે, નહિ કે તેમને અવગણે, અને તેમની જિંદગી વધારે મુશ્કેલ બનાવે.
શહેરીકરણના વધવાની સાથે સાથે વધારેને વધારે લોકો આવા સ્થળાંતરને લગતા મનોવૈજ્ઞાનિક અને સામાજિક પ્રશ્નો તથા સમસ્યાઓનો ભોગ બનવવાના છે. શું કોઈ સંસ્થા આગળ આવીને એવું કાર્ય હાથ ધરી શકે કે જેથી તેમનું સ્થળાંતર સરળ બને? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)