નરેંદ્ર મોદીનો ‘પાંચમો અવતાર’ કેવો હશે?

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 18th September 2024 03:10 EDT
 
 

અવતાર શબ્દ ભલે આપણી પૌરાણિક ધાર્મિક માન્યતાની સાથે જોડાયેલો હોય, પણ ભારતીય ફિલસૂફીમાં તેનો એક બીજો અર્થ પણ છે. દરેક માણસ જન્મે ત્યારે તેની સાથે કેટલાંક કામ અનિવાર્યપણે જોડાયેલાં હોય છે તેને તે વ્યક્તિનું અવતાર કાર્ય ગણવામાં આવે છે. પોતાના જીવનકાળ દરમિયાન તે મોટેભાગે પૂરું કરે છે.
મોદી તો વડાપ્રધાન છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા અને પછી પ્રચારક છે. પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પક્ષની ઘણી જવાબદારી ઉઠાવી છે. પહેલીવાર ધારાસભ્ય અને પછી મુખ્યમંત્રી બન્યા અને 2014થી ગાંધીનગરથી દિલ્હી પહોંચીને વડાપ્રધાન બન્યા. ચૂટણી લડવાનું નસીબ 2002થી શરૂ થયું, અને સર્વત્ર જીત મેળવી.
આ પક્ષના રાજકીય અને સંઘના સાંસ્કૃતિક પડાવો પસાર કરવા એ એક રીતે અવતાર કાર્યની પૂર્તિ ગણાય અને એટ્લે જ સવાલ ઊઠે કે હવે પછી તેમનું અવતાર-કાર્ય શું હશે? ઘણાને પોતપોતાની રીતે “આ કામો થવાં જોઈએ” તેની ગણતરી પણ હશે. ભારત હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ, ભારત વિશ્વગુરુ થવું જોઈએ, ભારત વિશ્વમિત્ર બનવું જોઈએ.. આવી ઈચ્છાઓ પારાવારની સંભળાતી આવી છે. તે મોદી પ્રત્યેની અપાર ભક્તિ અને આશાનો અંદાજ પૂરો પાડે છે. કેટલાક તેને “મોદી ભક્તિ” અને “અંધ ભક્તિ “ કહે છે. પણ આવી અપેક્ષાના મૂળ કારણો 1947થી આપણે ત્યાં જે પ્રકારનું શાસન ચાલ્યું, અને જે રીતે આપણે પશ્ચિમી અને સામ્યવાદી વિચારોની ભેળસેળ કરીને તેનો ભાર સ્વૈચ્છિક રીતે વેંઢારતા રહ્યા, એટલું જ નહિ પણ તેનું ગૌરવ લેતા રહ્યા તેનાથી વિપરીત પગલાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારે લીધા અને જનસમાજે યાત્રાઓને વધાવી તેને લોકોએ પસંદ કર્યા. તુષ્ટિકરણથી ગુસ્સે લોકોનો પ્રકોપ કરતાં થયા અને તેનું સીધું પરિણામ મતપેટી પર પડ્યું. કાશ્મીરમાં 370 કલમને નામશેષ કરવી, મુસ્લિમ તલાકમાં સ્ત્રીઓને ન્યાય આપવો, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર બાંધવું, આ ત્રણે પગલાંએ પ્રજાકીય ભાવનામાં સમુદ્ર જેવો ઉછાળ સરજયો છે, પણ એક વર્ગ {જે મોટેભાગે રાજકીય પક્ષો અને ડાબેરી લિબરલ તરીકે સ્થાપિત છે તેને હજુ જૂના પુરાણા _કહો કે જવાહરલાલ અને સામ્યવાદીઓના જમાનામા જીવવું ગમે છે.
આ સંજોગો કઈ એકલા મોદી માટે પડકારરૂપ નથી, સમગ્ર ભારતીય રાજનીતિ અને સમાજ માટેના પણ છે એ યાદ રાખવા જેવુ છે. આજે મોદી તેનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેનું મુખ્ય કારણ લાંબા સમયથી ભારતીય જનતાને ચૂટણીમાં મળતી જીત છે. તેનો હાસ્યાસ્પદ વિરોધ એવો કરવામાં આવે છે કે આ “ફાસીવાદી” લોકો દેશના બંધારણને સમાપ્ત કરવા માગે છે, લોકતંત્ર પોતાની મરજી મુજબનું કરવા માંગે છે. આ આરોપ આજકાલનો નથી. 1952થી ચાલે છે. જવાહરલાલને જનસંઘ “આર.એસ.એસ નું અનિચ્છનીય સંતાન” લાગતો હતો. લોકસભામાં તેમણે એકવાર ગુસ્સે થઈને કહ્યું:”હું જનસંઘને કચડી નાખીશ” જવાબ ડો. શ્યામાપ્રસાદે લોકતંત્રીય અંદાજમાં આપ્યો:”હું તમારી આ કચડી નાખવાની માનસિકતાને કચડી નાખીશ” . 1962માં ચીની આક્રમણ સમયે પ્રજાસત્તાક દિવસની પેરેડમાં આર.એસ,એસ, ના સ્વયંસેવકોને નેહરુજીએ બોલાવ્યા તે પેલી કચડી નાખવાની માનસિકતા દૂર થયાનું પ્રમાણ હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ “પાંચ મિનિટમાં જનસંઘને જોઈ લેવાની” વાત સંસદમાં કરી ત્યારે મુખર્જીના અનુગામી અટલવિહારી વાજપેયી વિરોધ પક્ષે હતા, તેમણે હળવાશથી કહ્યું, “મેડમ, પાંચ મિનિટમાં તો આપ માથાના વાળને ય સરખા કરી શકતા નથી....” ઇન્દિરાજીના ચહેરા પર આછું સ્મિત આવી ગયું હતું.
દરેકના નસીબે કોઈને કોઈ અવતાર કાર્ય તો હતું જ. નેહરૂજીને સ્વાધીન ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે ભારતની સ્થિરતા જાળવવાનું કામ આવ્યું, જો કે દુર્ભાગ્યે ચીને તેમાં દગો દીધો અને પંચશીલ જેવા ઉત્તમ પ્રયાસના ચીથરાં ઉડાડયા. લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનને હંફાવ્યું પણ તાશકંમાં તેમનું સંદેહાસ્પદ મૃત્યુ થયું અને એક પાક્કો સ્વદેશી નેતાની ખોટ પડી. ઇન્દિરાજી માટે ગરીબી હટાવોનો પ્રશ્ન હતો પણ કોંગ્રેસનાં વિભાજનમાં તે ખોવાઈ ગયો. હા, પાકિસ્તાનનાં વિભાજનથી બાંગલા દેશ બનાવવાનું પગલું ઐતિહાસિક હતું. જે આટલા વર્ષે ફરીવાર કટ્ટરવાદ તરફ વળી ગયું દેખાય છે. નરસિંહરાવે ઉદાર અર્થકારણ અપનાવ્યું. અટલબિહારી વાજપેયીએ ગઠબંધનની સરકાર અનેક અવરોધો વચ્ચે ચલાવી, પોખરણ અણુ પ્રયોગ તેમના નેતૃત્વમાં થયો. બીજા વડાપ્રધાનો મોરારજી દેસાઇ, આઈ.કે ગુજરાલ, ચૌધરી ચરણ સિંહ, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર અને દેવે ગૌડાને તેમની ખૂબી-ખામીઓના કારણે કોઈ અગત્યનું અવતાર કાર્ય નિભાવવાનું બન્યું નહીં.
હવે નરેન્દ્ર મોદી વિષે વિચારીએ તો તેમના પડાવોને ઘણા બધા લોકોએ નજીકથી જોયા છે. પુરોગામી અટલબિહારી વાજપેયીએ તેમની જીવનયાત્રામાં અલગ પ્રકારના પડાવ જોયા, તેમાનો એક સ્વદેશ, પાંચજન્ય, રાષ્ટ્રધર્મ સામયિકો અને બીજા કેટલાંક અખબારોમાં પત્રકારત્વનો રહ્યો અને તે પણ સ્વતંત્રતાની આસપાસનું ઝૂઝારુ સેવાવ્રતી પત્રકારત્વ. તેમના તંત્રીલેખો અત્યંત લોકપ્રિય હતા. તેમની ભાષા પુણ્યપ્રકોપ સાથેનું સૌજન્ય વ્યક્ત કરતી. તેમનું કાવ્ય પઠન શ્રોતાઓમાં ભાવનાનો સંચાર કરતું. ચંદ્રકાંત બક્ષીએ એકવાર મને કહ્યું હતું કે હિન્દુ તનમન , હિન્દુ જીવન, રગરગ મેરા હિન્દુ પરિચય” એકવાર યુવા કવિ અટલજીને મંચ પરથી સાંભળ્યા હતા. અટલજીનો બીજો પડાવ શ્યામપ્રસાદ મુખર્જીના અવસાન પછીના આંદોલનકારી જનસંઘના નેતૃત્વનો રહ્યો, તે સમયે તેમને દીનદયાળ ઉપાધ્યાય, સુન્દરસિંહ ભંડારી, નાનાજી દેશમુખ, પાછળથી લાલકૃષ્ણ અડવાણીનો સહયોગ મળ્યો. કોંગ્રેસનાં દબદબા વચ્ચે તેમણે ડો.લોહીયાની સાથે મળીને બિન કોંગ્રેસવાદનો પ્રયોગ કર્યો હતો. તેમનો ત્રીજો પડાવ વડાપ્રધાન તરીકેનો રહ્યો. નરેંદ્ર મોદીના જીવનના પાંચ પડાવ, પાંચ અવતારકાર્ય જેવા છે, તે ઉપરોક્ત ભૂમિકા સાથે વિચારવા જેવા છે, તેના વિષે આગામી લેખમાં ચર્ચા કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter