(ગતાંકથી ચાલુ - ભાગ ૨)
મહાકાલેશ્વરથી દક્ષિણમાં ૧૪૦ કિ.મિ. દૂર ખંડવા ડીસ્ટ્રીક્ટમાં નર્મદા નદીની વચમાં મન્ધાતા યા શિવપુરી નામનો દ્વીપ છે. આ શિવલિંગ પરથી નર્મદા નદીએ પોતાનો માર્ગ એવી રીતે બનાવ્યો કે, એનો આકાર ‘ઓમકાર’ની આકૃતિનો બની ગયો. જેથી આ પવિત્રભૂમિ ઓમકાર ક્ષેત્ર કહેવાય છે. આ પ્રાચીન ક્ષેત્રની પૂર્વમાં અહિં પ્રસિધ્ધ રાજર્ષિ માંધાતા રાજ્ય કરતા હતા. ત્રેતા યુગ પહેલાની આ કથા છે. નર્મદા નદીના કિનારે જ્યાં આજે ઓમકારેશ્વર મંદિર બન્યું છે ત્યાં આદી શંકરાચાર્યના ગુરુ શ્રી ગોવિંદપાદાચાર્ય તપસ્યામાં મગ્ન હતા. શંકરાચાર્યે એ જ નર્મદાના તટ પર જ્યાં આજે ઓમકારેશ્વર મંદિર બન્યું છે ત્યાં એમની પાસેથી દિક્ષા લીધી હતી. શંકરા દિગ્વિજય નામના ગ્રંથમાં એની ચર્ચા છે. અહિંયા પહેલા એક જ શિવલિંગ હતું પરંતુ દેવોની પ્રાર્થનાથી એ બે ભાગમાં વહેંચાયું. ઓમકારેશ્વર અને મમલેશ્વર (અમલેશ્વર). નર્મદાના બન્ને તટો પર એ બિરાજમાન થયા છે. માધાતાવાળું ઓમકારેશ્વર શિવલિંગ વૈભવ આપે છે ત્યારે અમલેશ્વરવાળું શુધ્ધ બુધ્ધિ અને ભક્તિ પ્રદાન કરે છે. મતલબ બન્ને વિશેષરૂપથી પૂજાય છે.
ઓમકારેશ્વરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામે છે. દર્શન માટેની લાઇનમાં ત્રણ કલાક કે એથી વધુ સમય લાગે પરંતુ શિસ્તપાલન અને ધીરજ એ બેયના દર્શન ભક્તોમાં જોઇ એમની આસ્થા ગજબની હોવાનું પ્રતીત થયા વિના ન રહે!
ત્રણ કલાક ઉભા રહેવાની તપસ્યા પછી જ્યારે નંબર લાગે ત્યારે ભગવાન સામે મસ્તક ઝૂકાવ્યું ન ઝૂકાવ્યું, હાથ જોડ્યા ન જોડ્યા ત્યાં તમને હટાવ્યા નથી! તેમછતાં ફરિયાદ વગર ભક્તોએ દર્શન કર્યાના સંતુષ્ટ ભાવથી હટ્યે જ છૂટકો! વડિલો કે વિકલાંગો માટે બહારથી વ્હીલચેરની સગવડતા હોવાથી લાંબી લાઇનમાં ઉભા રહેવાથી બચી જવાય છે. વ્હીલચેરવાળા ગાડી ભગાવતા હોય તેમ દોડતા-દોડતા લઇ જાય અને લાવે. બપોરની અસહ્ય ગરમી હોય ત્યારે એ સુવિધા દર્શન કરવાનો હોંસલો જારી રાખે છે.
શ્રધ્ધાના દીપ અહિં જલતા જોઇ શકાય છે.
ત્રિધારા પંચમઢી : અંગ્રજોએ પડાવ માટે પસંદ કરેલ સ્થળ
બ્રિટિશરો ભારત પર કબજો જમાવવા ભારત આવ્યા હતા એ વેળા અસહ્ય કાળઝાળ ગરમીમાં મધ્ય પ્રદેશમાં પ્રવેશ કર્યો. રસ્તામાં પસાર થતાં પંચમઢી આવ્યું. ગરમીમાં ઠંડક મેળવવા ૧૦૬૭ મીટરની ઊંચાઇ પર આવેલ પ્રાકૃતિક સૌંદર્યથી સભર એવા પંચમઢીનું ટેમ્પરેચર નીચું હોવાનો કારણે એ સ્થળ પસંદ પડ્યું અને પોતાની છાવણી ત્યાં નાંખી. ‘સાતપુડાની રાણી’ કહેવાતું એ સ્થળ આજે પણ અંગ્રેજોની યાદ અપાવે છે. પંચમઢીમાં આવેલ બ્રિટિશ શૈલીનો રિસોર્ટ એ યુગની યાદ અપાવે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર અને મન-તનને તાજગી બક્ષે એવો એ રીસોર્ટ હોલિડેમાં રીલેક્ષ થવા માટેનું ઉત્તમ સ્થળ છે. અમે બે દિવસ રહ્યાં પણ વધારે દિવસો હોત તો…પૂરેપૂરો લાભ લઇ શકત! ખેર, નાહ્યા એટલું પુણ્ય!
સાતપુડા પર્વતની ગિરિમાળાઓમાં ચૌરાગઢ પહાડીઓની ભવ્યતા જોઇ કેપ્ટન ફોરસિથ ૧૮૮૦માં આવ્યા ત્યારે મંત્રમુગ્ધ થઇ ગયા હતા. જલગલી બ્રિટિશરોના જમાનામાં ‘ફ્રેઝર ગલી” તરીકે વિખ્યાત હતી જ્યાં વધૂમાં વધૂ ત્રણ કલાક સૂર્યનો પ્રકાશ આવે છે. મહાદેવ પહાડીઓ ૧૩૩૦ મીટર ઊંચાઇ પર છે. સાતપુડાની ત્રણ ગિરિમાળાઓની મધ્યમાં અંત: પુરમાં સ્વયં દેવાધિરાજ મહાદેવ બિરાજમાન છે. ‘મહાદેવ ગુફા મંદિર’ અને ‘ગુપ્ત મહાદેવ’ પર મહાશીવરાત્રી પર્વે આયોજીત મેળામાં લગભગ પાંચલાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટે છે. આ ગિરિમાળાઓમાં બોટનીકલ ખજાનો છે. દેશની અનેકવિધ જડીબુટ્ટીઓને કારણે પ્રકૃતિવિદો માટે એ અધ્યયન કેન્દ્ર છે.
પંચમઢી બસ સ્ટેન્ડ નજીક આવેલ જટાશંકર ગુફાઓ વિષે કિવદંતિ છે કે, ભગવાન શિવ દ્વારા અત્રે એમની જટાઓનો ત્યાગ કરાયો હતો. ગ્રિષ્મકાળમાં શીતળ રહેતી આ ગુફાઓમાં શિવલિંગના દર્શન થાય છે. આ ગુફામાં જવા દોઢેલ કિ.મિ. ચાલવું પડે છે. એક ચટ્ટાન પર હનુમાનજીની મૂર્તિ અને નીચે ગુફામાં ગુપ્ત મહાદેવ છે. જ્યાં સિંગલ લાઇનમાં જ જઇ શકાય છે. બહાર બડા મહાદેવ છે. ગુપ્ત મહાદેવના દર્શન સહિતની એ ગિરિમાળાઓનું ભ્રમણ અમારા માટે આહ્લાદક રહ્યું.
પાંડવ ગુફા: પંચમઢીથી ૨ કિ.મિ. દૂર આવેલ આ ગફાઓ વિષે કહેવાય છે કે, અત્રે પાંડવોએ દ્વાપર યુગમાં ‘અજ્ઞાતવાસ’નો કેટલાક સમય વીતાવ્યો હતો. જેને કારણે આ ગુફાઓનું નામ પંચમઢી પડ્યું. આ સ્થળ પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.
પંચમઢીના જલપ્રપાતોમાં પ્રમુખ બી-ફોલ ૧૫૦’ની ઊંચાઇએથી થાય છે. જે પર્યટકોનું આકર્ષણ છે. ડચેસ ફોલ શાનદાર ઝરણું છે જે ૪૦’ની ઊંચાઇએથી પડે છે. ખડખડ વહેતા ઝરણાઓના શીતળ જળમાં પગ બોળી છબછબિયાં કરવાની મજા આવી ગઇ. બચપણના દિવસો યાદ આવી ગયા! નીરમાં ફરતી નાની નાની માછલીઓ પગની પાનીને સ્પર્શ કરે તો પેડીક્યોર થઇ જાય. સુરમ્ય અને શાંત સ્થળોમાં નિરવ શાંતિની અને શીતળતાની અનુભૂતિ અદ્ભૂત રહી.
ધૂપગઢ પર્યટક કેન્દ્ર : સૂર્યાસ્ત પોઇન્ટ; ઊંચાઇ ૪૪૨૯’
બ્રિટિશ સરકારે ઇ.સ. ૧૮૮૫માં ૪૪૨૯ ફૂટની ઊંચાઇ પર ધૂપગઢ પર્યટક કેન્દ્રનું નિર્માણ કર્યું હતું. એ જમાનામાં ચૂનો, અડદનો લોટ અને ગોળના મિશ્રણથી એ કેન્દ્રની દીવાલોનું ચણતર થયું હતું. સિમેન્ટની શોધ થઇ એ પહેલા આટલી ઊંચાઇ પર બનાવાયેલી દીવાલોની મજબૂતાઇ અને એ માટેની દિમાગી કસરત દાદ માગી લે તેવી છે. એ કેન્દ્રમાં આસપાસના વિસ્તારોની સુંદરતાનો પરિચય આપતા માહિતિસભર પોસ્ટરોનું પ્રદર્શન આ વિસ્તારના કુદરતી વૈભવની ઝાંખી કરાવે છે.
ત્યાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવા પર્યટકોની ભીડ જામે છે. સૂર્યાસ્ત વેળા અમે જોયેલ વાદળાંમાં સૂરજના લાલ-ભૂરા-લીલા રંગોની આભા અને વૃક્ષોની આરપાર નીકળી રહેલા કિરણોનો નજારો મનને લોભાવતો રહે એવો હતો. સ્થાનિક જીપમાં બેસી ગાઢ જંગલોમાં પસાર થતાં વાઇલ્ડ એનીમલ સેંક્ચ્યુરી જોવાનો પણ એક લ્હાવો છે. કેટકેટલું જુઓ અને કેટકેટલું બાકી રાખો એવો ઘાટ હતો. કુદરતની આ લીલા જોઇ કવિ જયંતિલાલ આચાર્યની કવિતા યાદ આવી જાય… મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે.. પળ પળ તારા દર્શન થાય, દેખે દેખણહારા રે...’ (ક્રમશઃ)