ભરપૂર ભાદરવો ગાજે ત્યાં દૂંદાળા દેવ ગણેશજીની ઘરે ઘરમાં પધરામણી થાય. અનંત ચતુર્દશીએ વાજતે ગાજતે વિઘ્નહર્તા વિદાય થાય એટલે પૂર્ણિમાથી આખા ભાદરવાના કૃષ્ણપક્ષ દરમિયાન સોળ દિવસના શ્રાધ્ધ શરૂ થાય. પિતૃતર્પણનો આ મહિનો પૂરો થાય એટલે અાસો સુદ એકમ (૧૦ ઓકટોબર થી ૧૮ ઓકટોબર સુધી) નવ દિવસ નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે. આ શારદીય નવરાત્રિના નવ દિવસ ધર્મપ્રેમીઓ-દેવીભક્તો મા આદ્યશક્તિની પૂજા, અર્ચના કરે છે.
નવરાત્રિનું મહાત્મ્ય
ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. 'માર્કણ્ડેયપુરાણ'ની કથા પ્રમાણે દેવીશકિત બ્રહ્માની સ્તુિતથી પ્રગટ થઇને મધુ-કૈટભ જેવા રાક્ષસોનો સંહાર કરે છે. મહિષાસુરમર્દિનીનું તેનું સ્વરૂપ જાણીતું છે. ' મહિષાસુર નામનો એક રાક્ષસ દેવો અને પૃથ્વીલોકના મનુષ્યોને ખૂબ જ કષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાનું બધું જ છીનવી લીધું હતું. દેવતાઓ આવી સ્થિતિમાં નિઃસહાય અને ભયભીત બની ગયા હતા. દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા. અા ત્રિદેવ દેવતાઅોની વાત જાણીને મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્યપ્રકોપમાંથી એક દિવ્યપૂંજ પ્રગટ્યો જેમાંથી દૈવી શક્તિનું નિર્માણ કર્યું. સૌ દેવતાઓએ પોતાની શક્તિઓ અને શસ્ત્રો તે દેવીને આપ્યાં. આમ આ દેવી મહાશક્તિ બની ગયાં. મહાશક્તિએ નવ દિવસ અને નવરાત સુધી વિકરાળ રાક્ષસ મહિષાસુર સાથે ભીષણ યુદ્ધ કર્યું અને તેને હણી નાખ્યો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો ત્યારબાદ દેવો નિર્ભય બન્યા. દેવીભાગવત' પ્રમાણે, આસો સુદ એકમથી દશમી સુધી દેવીશકિત અને મહિષાસુર વચ્ચે યુદ્ધ ચાલ્યું, દશમીએ આસુરીશક્તિનો સંહાર થયો, દેવીશક્તિનો વિજય થયો, આ વિજયનો ઉત્સવ એટલે વિજ્યાદશમી. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં શક્તિની આરાધના કરી હતી અને અાસો સુદ દશમે આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો.
નવ દિવસની જ નવરાત્રિનું મહાત્મ્ય
દેવીશક્તિના મુખ્ય નવ સ્વરૂપો છે. વળી આવી દેવીશક્તિની ચેતના તો બ્રહ્માંડના નવેય ગ્રહો અને પૃથ્વીલોકના નવેય ખંડોમાં વ્યાપ્ત છે. તેથી જ દેવીના નવસ્વરૂપો-નવદુર્ગાનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. નવખંડ નારાયણી, નવદુર્ગા, નવ દિવસનાં નોરતામાં દેવીના નવેય સ્વરૂપો: (1) શૈલપુત્રી, (2) બ્રહ્મચારિણી, (3) ચંદ્રઘંટા, (4) કુષ્માંડા, (5)સ્કંદમાતા, (6) કાત્યાયની, (7) કાલરાત્રિ, (8) માહાગૌરી, (9) સિદ્ધિદાત્રીની ક્રમશ: આરાધના માટે નવરાત્રિનો ઉત્સવનો નવ દિવસો ઉજવાય છે. જુદાજુદા ગ્રંથોમાં જગદંબાના નવ સ્વરૂપો જુદા જુદા નામે પણ બતાવ્યાં છે.
નવરાત્રિએ ગરબાનું મહત્વ
નવરાત્રિએ દેવીશક્તિની આરાધનાનું જ્યોતિર્મય માધ્યમ ‘ગરબો’ છે. ‘ગર્ભદીપ’ શબ્દ પરથી ‘ગરબો’ શબ્દ બન્યો છે. કોરેલા માટીના કે તાંબા-પિત્તળના ઘડામાં દીપ-જ્યોત મૂકાય, તેને પણ ‘ગરબો’ કહેવાય છે. આ કુંભની આસપાસ કે કુંભને માથે મૂકીને નારીઓ વર્તુળાકારે ચાચર-ચોકમાં ઘૂમે તેને ‘ગરબો’ કહે છે. ગરબે ઘૂમતી વખતે માતાજીની આરાધનામાં ગવાતાં ગીતોને પણ ‘ગરબા’ કે ‘ગરબી’ કહે છે. માતાજીનો આ રીતે મહિમા ગાવા ગરબા રમાય છે. ગરબે ધૂમતી વખતે બ્રહ્માંડની જનની એવી દેવીશક્તિને પણ ગરબે ઘૂમવા આમંત્રણ અપાય છે. ગરબો તો અખિલ બ્રહ્માંડના ભ્રમણનું પ્રતીક પણ બની રહે છે.
દેશવિદેશમાં નવરાતો ગરબે ગૂંજે
આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ધાર્મિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારા હોય છે. આપણે ત્યાં ઉજવાતાં પર્વોમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. ચૈત્રી નવરાત્રી ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે જ્યારે આસો નવરાત્રી વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધારે પ્રચલિત બની છે. અા નવદિવસ-નવ રાતોના અા મહાપર્વ દરમિયાન ધર્મપ્રેમી શ્રધ્ધાળુઅો શક્તિ સ્વરૂપા મા જગદંબાના ગુણલા ગાતા ગરબા-રાસમાં ઉમંગે ગરબે ઘૂમે છે અને અારતી-અર્ચના કરે છે. ગુજરાતમાં નવરાત્રીનું અનેરું મહાત્મ્ય હોય છે. પાટનગર લંડન સહિત યુ.કે.ના તમામ નગરો, શહેરોમાં પણ ઉમંગભેર નવરાત્રી મહોત્સવની ઉજવણી થાય છે. મા જગદંબાની અસીમ કૃપા મેળવવા સામાજીક સંસ્થાઅો અને મંદિરો દ્વારા ઠેર ઠેર નવરાત્રીના ગરબાનું અાયોજન થાય છે.
ખરો હિન્દુધર્મી હોય તો દારૂ-માંસનુ સેવન કરી માતાજીના ગરબે ઘુમે નહિ
નવરાત્રિ દરમિયાન લંડનમાં ઠેર ઠેર ઉજવાતા નવરાત્રિ મહોત્સવ દરમિયાન કેટલાક ભાઇ-બહેનો માંસ કે દારૂનું સેવન કરી રમઝટ ગરબે ઘૂમતા હોય છે. તેઓના મનમાં આ એક મનોરંજનનો કાર્યક્રમ હોઇ શકે પણ એમના ઘર-કુટુંબના સ્વજનોએ એવું કરતા ભાઇ-બહેનો કે યુવાનોને રોકવા જોઇએ. આ લગ્ન રીશેપ્શન કે બર્થ ડે પાર્ટીના સમારોહ નથી કે તમે દારૂ-માંસનું ભરપૂર સેવન કરી આ પવિત્ર પર્વમાં સામેલ થઇ દૈવીશક્તિની અવહેલના અથવા આશાતના કરો.
માની ભક્તિ કરી ભરપૂર ધનધાન્ય ને યશ-કિર્તીથી સમૃધ્ધ બનો
નવરાત્રીમાં માતાજીની ઉપાસના ભક્તિ કે ગુણગાન ગાવાથી માતાજીની અસીમ કૃપા આપણા કુટુંબ ઉપર થાય છે. સમગ્ર વર્ષ દરમિયાન દૈવીશક્તિ પ્રાપ્ત થાય છે, જેથી આપનું તથા ઘરનાં સૌ કુટુંબીજનોનું સ્વાસ્થ્ય સારું રહે છે, ધન, ધાન્યથી ભરપૂર રહે, યશ, કિર્તી મેળવે. એટલે માની સ્તુિત કરતાં "સંજીવની" કહે છે કે,
"રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમેં વૃધ્ધિ દે બાગબાની, હ્દયમેં જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે અભય વરદાન દે શંભુરાણી, દુ:ખ કો દૂર કર સુખ ભરપૂર કર અાશ સંપૂર્ણકર દાસ જાણી, સજ્જન સહિત દે, કુટુબ સો પ્રીત દે જંગ મેં જીત દે મા ભવાની મા, જંગ મેં જીત દે શ્રી ભવાની".