પૂર્વકલ્પમાં નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા. તેમને પોતાના રૂપ પર ઘણું અભિમાન હતું. એક વાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ ગંધર્વગીત અને નૃત્ય દ્વારા જગત્સૃષ્ટાની આરાધના કરી રહી હતી, ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓ સાથે શૃંગારભાવથી ત્યાં આવ્યો. ઉપબર્હણનું આ અશિષ્ટ આચરણ જોઇને બ્રહ્માજી કોપાયમાન થયા અને તેમણે તરત જ તેને શુદ્ર યોનિમાં જન્મ લેવાનો શાપ આપ્યો. તેના ફળસ્વરૂપે તે શુદ્ર દાસીનો પુત્ર થયો.
માતા અને પુત્ર સાધુ-સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતાં હતાં. પાંચ વર્ષનું બાળક સંતોના પાત્રમાં બચેલું એંઠું ભોજન ખાતો હતો. તેનાથી બધાં જ પાપ ધોવાઇ ગયાં. બાળકની સેવાથી પ્રસન્ન થઇને સાધુઓએ તેને નામજાપ અને ધ્યાનનો ઉપદેશ આપ્યો. બાળકની માતા (દાસી)નું સર્પદંશથી મૃત્યુ થયું. હવે બાળક સંસારમાં એકલો રહી ગયો.
માતાના વિયોગને પણ ભગવાનનો અનુગ્રહ માનીને તે અનાથોના દીનાનાથનાં ભજન કરવા લાગ્યો. એક દિવસ આ બાળક પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠો હતો. આ દરમિયાન વીજળીના ચમકારાની જેમ તેને આ ભગવાનની એક ઝલક જોવા મળી, પરંતુ તે પળવારમાં જ અદૃશ્ય થઇ ગઇ, તેથી તેના મનમાં ભગવાનનાં દર્શનની વ્યાકુળતા વધી ગઇ.
તેની આ વ્યાકુળતા જોતાં આકાશવાણી થઇ, ‘હે દાસીપુત્ર, હવે આ જન્મમાં ફરી તને મારાં દર્શન નહીં થાય. આગળના જન્મમાં તું મારા પાર્ષદ રૂપે ફરીથી મને પ્રાપ્ત કરીશ.’ સમય જતાં બાળકનું શરીર છૂટી ગયું અને કલ્પના અંતમાં જ વૈશાખ વદ એકમ (આ વર્ષે 24 મે)ના શુભ દિને તેઓ બ્રહ્માજીના માનસપુત્ર તરીકે અવતર્યા. નારદ દેવયોનિમાં જન્મયા પણ કાર્ય ઋષિનું કરતા હોવાથી તેઓ ‘દેવર્ષિ નારદ’ કહેવાયા.
શાસ્ત્રો અનુસાર, નારદ મુનિ બ્રહ્માજીના માનસપુત્રો મરીચિ, અત્રિ, અંગીરા પુલત્સ્ય, પુલહ, કેતુ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષમાંના એક છે. તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંથી પણ એક છે. તેઓ સ્વયં વૈષ્ણવ છે અને વૈષ્ણવોના પરમાચાર્ય તથા માર્ગદર્શક છે. દરેક યુગમાં ભગવાનની ભક્તિ અને તેમના મહિમાનો વિસ્તાર કરતા તેમણે લોકકલ્યાણ માટે હંમેશાં વિચરણ કર્યું છે. ભક્તિ તથા સંકીર્તનના તેઓ આદ્ય આચાર્ય છે. તેમની વીણા મહતીના નામથી વિખ્યાત છે. તેમાંથી સતત નારાયણ... નારાયણ...નો ધ્વનિ નીકળતો રહે છે. તેઓ અજરઅમર છે.
ભગવદ્ ભક્તિની સ્થાપના તથા પ્રચાર માટે જ તેમનો આવિર્ભાવ થયો હતો. દેવર્ષિ નારદ ધર્મના પ્રચાર અને લોકકલ્યાણ માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેથી જ બધા યુગોમાં, સમસ્ત લોકોમાં, સમસ્ત વિદ્યાઓમાં, સમાજના દરેક વર્ગમાં નારદજીને હંમેશાં માન મળ્યું છે. માત્ર દેવતાઓ જ નહીં પરંતુ રાક્ષસ, મનુષ્ય અને ઋષિ-મુનિઓ પણ હંમેશાં તેમને આદર આપતા. જરૂર પડે આ બધાએ તેમનો પરામર્શ પણ લીધો છે.
દેવતા હોય કે રાક્ષસ કોઇ પણ તેમને પોતાના શત્રુ નહોતા માનતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ વાતનું વહન કરતા હતા. તેઓ ફરી ફરીને સાર્થક સંવાદદાતાની ભૂમિકા અદા કરતા હતા. તેથી એમ કહી શકાય કે તેઓ પહેલા પત્રકાર હતા. તેઓ દેવ, દાનવ, મનુષ્ય એમ દરેક માટે હંમેશાં પૂજનીય હતા.