એક વાર એક કોન્ફરન્સમાં કોઈક વ્યક્તિએ જાહેરાત કરીઃ “હું જે પ્રમાણે કહું તે પ્રમાણે તમારે બધાએ કરવાનું છે.” બધા સહમત થયા. પછી તે વ્યક્તિએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, “બધા પોતાના હાથ ઊંચા કરો.” બધાએ હાથ ઊંચા કર્યા. પછી માથા પર હાથ મૂકીને કહ્યું, “બધા હાથ માથા પર મૂકો.” બધાએ તેમ કર્યું. આમ તે વ્યક્તિ જેમ-જેમ બોલતા ગયા, લોકો તેમ-તેમ કરતાં ગયા. ધીમે ધીમે તે વ્યક્તિએ બોલવાનું બંધ કરી કેવળ એક્શન ચાલુ રાખી. છતાં લોકો એક્શનને અનુસરતા જ રહ્યા. ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું, “મેં તો એટલું જ કહ્યું હતું કે હું જેમ કહું તેમ બધાએ કરવાનું છે. પણ જેમ કરું તેમ કરવાનું ક્યાં કહ્યું હતું?”
‘રિડર્સ ડાયજેસ્ટ’માં એક સમયે આવેલા આ પ્રસંગના આધારે આપણને વર્તનની અસરનો ખ્યાલ આવે છે. આપણે બોલીએ છીએ તેના કરતાં આપણે જે કરીએ છીએ તેની અસર વધારે થાય છે. મગધ દેશના રાજા બિંબિસારના રાજ્યના પ્રશ્નમાં પણ આ સિદ્ધાંત રામબાણ ઇલાજ સાબિત થયો. પ્રશ્ન હતો કે રાજ્યના ગરીબ માણસો ઘાસના ઝૂંપડાં બાંધીને રહેતા હતા. લાપરવાહીના કારણે એમના ઝૂંપડાંમાં આગ લાગી જતી. ઘણાં અગ્નિકાંડ થયા એટલે રાજાએ જાહેર કર્યું, “જેનું ઘાસ સળગશે, તેને એક વર્ષ સુધી સ્મશાનમાં રહેવું પડશે.” આ સાંભળી લોકો સાવધ થયા. પરંતુ હજુ થોડાં ઝૂંપડાં તો સળગતા જ હતા, ને લોકો સજા પણ ભોગવતા હતા. એક દિવસ રાજાના ઘાસના ગોદામમાં આગ લાગી. રાજા બિંબિસાર આ જાણીને પોતે પણ સ્મશાનમાં જવા તૈયાર થયા. બધાએ ખૂબ સમજાવ્યા. છતાં તેઓ ન જ માન્યા. રાજમહેલ છોડી તેઓ એક વર્ષ સ્મશાનમાં રહ્યા. તેમના વર્તનનું પરિણામ એ આવ્યું કે, ત્યાર પછી જ્યાં સુધી તેમણે શાસન કર્યું, ત્યાં સુધી એક પણ ઝૂંપડું સળગ્યું નહીં.
અંગ્રેજીમાં કહેવાય છે કે, ‘Your actions speak louder than words.’ એટલે કે, તમારા શબ્દો કરતાં તમારું વર્તન વધારે વાતો કરે છે. એટલે જ મહાપુરુષો કેવળ બોલતા જ નથી, પણ તે પ્રમાણે વર્તીને લોકોને સમજાવે છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છેઃ
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ।।
અર્થાત્ મહાપુરુષો જે જે આચરણ કરે છે, સામાન્ય મનુષ્યો તેને જ અનુસરે છે.
પ્રમુખસ્વામી મહારાજે જે ઉપદેશ આપ્યો છે. તે કેવળ બોલ્યા જ નથી, પણ એ પ્રમાણે વર્તીને સમજાવ્યું છે. બોચાસણ ગામમાં એક વાર તેઓ મંદીર પરિસરમાં પસાર થતા હતા. ત્યાં બાથરૂમ આવ્યું. તેમણે સહેજ થોભી ડોકિયું કર્યું, તો ઘણી દુર્ગંધ આવતી હતી. કંઈ પણ બોલ્યા વગર તેઓ બાથરૂમમાં ગયા ને અંદરથી બંધ કર્યું. સાથેના સંતોને થયું કે તેઓ લઘુશંકા (પેશાબ) કરવા ગયા છે. પરંતુ અંદર તો તેમણે ગાતરિયું ખીંટીએ લટકાવ્યું, ધોતિયાનો કછોટો માર્યો અને સાવરણો લઈને બાથરૂમ સાફ કરવા લાગ્યા! એ દુર્ગંધ જ્યાં સુધી ન ગઈ અને બાથરૂમ ચોખ્ખુંચણાક ન થયું, ત્યાં સુધી ઘસ્યા જ કર્યું. બહાર ઊભેલા સંતો-યુવકોને તો આ વાતની ત્યારે ખબર પડી, જ્યારે પ્રમુખસ્વામી મહારાજે બાથરૂમ ચોખ્ખું કરીને દરવાજો ખોલ્યો. બહાર નીકળી તેઓ એક પણ શબ્દ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યા, પરંતુ સાથે ઊભેલા સૌને, એક પણ શબ્દ વગર સ્વચ્છતાનો સંદેશ મળી ગયો.
વિશ્વવ્યાપી BAPS સંસ્થાના ધણી હોવા છતાં, તેમણે વર્તનમાં ઉતારીને સંદેશો આપ્યો છે. તેમના આ વર્તનમાંથી પ્રેરણા લઈને અમેરિકાના ચેરીહિલના સમૃદ્ધ તબીબ ડો. રાજીવ વ્યાસ, કે જેમની નીચે 800 માણસો અને 38 ડોક્ટરો કામ કરે છે, છતાં તેઓ રોજ સવારે મંદિર દર્શને આવીને ભક્તિભાવપૂર્વક મંદિરના સંડાસ-બાથરૂમ સાફ કરે છે. સુરતમાં પણ લાખો રૂપિયાનો વ્યાપાર કરનારા યુવાનોનું એક વૃંદ દર રવિવારે મંદિરમાં સંડાસ-બાથરૂમ સાફ કરે છે. આવા તો કંઇક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પ્રમુખસ્વામી મહારાજને આદર્શ માનીને સ્વચ્છતાની સેવામાં છે. એટલે જ અમેરિકાના રાજકીય નેતા હિલેરી ક્લિન્ટને કહ્યું હતું “પ્રમુખસ્વામી મહારાજે સદાચારનો કેવળ બોધ જ નહોતો આપ્યો, પરંતુ તે મૂલ્યો અનુસાર પ્રત્યેક દિવસ જીવ્યા હતા.”
આજે ઘણા માતા-પિતાની ફરિયાદ હોય છે કે, તેમનાં સંતાનો તેમના કહ્યામાં રહેતાં નથી. તેનું એક કારણ માતા-પિતાનું વર્તન પણ છે. કારણ કે માતા-પિતાનું વર્તન એ બાળક માટે દર્પણ છે. જેમ દર્પણમાં આપણે આપણી છબી જોઈએ છીએ, તેમ માતા-પિતાના વર્તનમાં બાળક પોતાની છબી જુએ છે, અને તે પ્રમાણે જ વર્તે છે. સ્વિડીશ ગવર્ન્મેન્ટ દ્વારા કિશોર અવસ્થાના અપરાધીઓનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં કારણ નીકળ્યું કે માતા-પિતાના વર્તનમાં જીવનનાં જે મૂલ્યો હોય છે, તે જ મૂલ્યોને તેમનાં સંતાનો મુખ્યત્વે ગ્રહણ કરે છે.
માટે આપણા વર્તનમાં જ આપણું ભવિષ્ય છુપાયેલું છે. સારું વર્તન કરીશું તો સારી અસર અનુભવાશે, ને ખરાબ વર્તન કરીશું તો ખરાબ અસર અનુભવાશે. કેવું વર્તન કરવું? તે નિર્ણય આપણા હાથમાં છે.