નૂતન વર્ષના પ્રારંભે કરવા જેવું કામઃ સારું છે તેને સાચવીએ, નરસું છે તેને વિસરીએ

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 29th December 2020 03:37 EST
 
 

જયારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે નવું વર્ષ આવી ગયું હશે અને ૨૦૨૦ પર ચોકડી મારીને તમે ૨૦૨૧માં પ્રવેશી ચૂક્યા હશો. સૌને માટે ૨૦૨૦ કપરું રહ્યું છે અને જેમ અંધારી અને લાંબી સુરંગમાંથી પસાર થતી ટ્રેનમાં બેઠેલા મુસાફરોને સુરંગના છેડે પ્રકાશ દેખાય તેવો અનુભવ આપણને ૨૦૨૧ના આવતા થઇ રહ્યો હોય તે સ્વાભાવિક છે. પરંતુ એક બાબત આપણે સૌએ સમજવા જેવી છે કે સમય ચક્રમય અને સતત છે. તે એક ઝટકે બદલાઈ જતો નથી. જેમ આકાશમાં જેટ વિમાન પસાર થઇ જાય પણ તેનો સફેદ લસરકો રહી જાય તેમ સમય વીતી જાય, પરંતુ તેની અસર આવનારા સમય પર રહી જતી હોય છે. જેમ ટ્રેઈન પસાર થઇ જાય પણ તેની સિટીનો અવાજ હવામાં કેટલાય સમય સુધી ગુંજતો રહે છે તેમ ભૂતકાળના સમયનું પણ સાતત્ય ભવિષ્ય પર છવાયેલું રહે છે.

આ સાતત્ય જ આપણને શક્તિ આપે છે આગળ ચાલતા રહેવાની. જુના ઝખ્મો અને ઘાવને રુઝાતા સમય લાગે છે પરંતુ તે પણ સમયના આવરણોમાં દબાઈ જાય છે અને નવા કોષો તેને ભરી દે છે. નવી ચામડી આવે છે અને નવજીવન શરૂ થાય છે. તેવું જ આપણા માનસિક ઘાવો અને યાદો સાથે પણ થાય છે. દુઃખો ધીમે ધીમે વિસરાય જાય છે અને દુઃખમય સ્થિતિમાંથી સુખ તરફ સમય સરકતો જાય છે અને આ બધું એવું તો સહજ રીતે બને છે કે આપણે તે પરિવર્તનને પારખી શકતા નથી.
પરિવર્તન પારખવું આપણી આંખોની મર્યાદાને પાર છે. આપણી આંખો ઝબકારો કરે અને તે દરમિયાન જે બદલાવ આવે તેને પણ આપણે નોંધી શકતા નથી. સિનેમા જોઈએ છીએ તેમાં આવતા દૃશ્યો ખરેખર તો સતત ચાલતી સ્થિત છબીઓનો પ્રવાહ છે, પરંતુ તે પ્રવાહ આપણી દૃષ્ટિમર્યાદાને છેતરે છે અને આપણને એવું લાગે છે કે તે ચલચિત્ર છે. ચિત્ર તો સ્થિત છે પરંતુ તે એટલું ચલયમાન છે કે તે સતત જણાય છે. પરંતુ ચિત્રોનું આ પરિવર્તન એવું સુગમ બને છે કે આપણે તેને માણીએ છીએ અને તેમાં આવતા આંચકા અનુભવતા નથી.
આવા સાતત્ય અને પરિવર્તનની વાત કરવાનો ઉદેશ્ય માત્ર એટલો કે ૨૦૨૧નું વર્ષ સારું આવશે તે આપણે સૌ જાણીએ છીએ છતાં ૨૦૨૦ના વર્ષમાંથી પણ ઘણી સારી બાબતો આપણે શીખ્યા છીએ જેને ભૂલવા જેવી નથી. તેમાંથી શીખેલા બોધપાઠ આગળ લઇ જવાના છે. જે કંઈ સારું થયું તેને સાચવવાનું છે અને જે કંઈ નરસું થયું તેને ધીમે ધીમે સમયના આવરણોમાં દબાવી દેવાનું અને વિસરાવી દેવાનું છે. આવું કરવું આસાન નથી પરંતુ નામુમકીન પણ નથી. આખરે એવું તો કોણે કહ્યું છે કે જીવન અને તેમાં બનતી બધી ઘટનાઓ આસાન અને સુખદ જ હોવાની? જીવન તો છે જ એક ગાંસડી કે જેમાં સુખ, દુઃખ, સારા-નરસાનો બધો જ બોજ સાથે આવે છે અને તેને આપણે ઉઠાવવાનો રહે છે. વાત એ છે કે એ ગાંસડીને આપણે ઘસડીને ચાલીએ છીએ કે કાંખે ભરાવીએ છીએ કે પછી માથે ઊંચકીએ છીએ તે આપણો જીવન પ્રત્યેનો અભિગમ નક્કી કરે છે.
આમ તો આ ગાંસડી ખોલીને તેમાંથી કાઢવા જેવી વસ્તુઓ કાઢી નાખવી અને રાખવા જેવા ભાથાં રાખી લેવામાં જ આવડત અને સમજદારી છે. જે લોકો તેને ખોલીને જોતાં નથી અથવા તો ભારને ઓછો કરવાની હિમ્મત દાખવતા નથી તે નાહકનો બોજ લાદીને ચાલ્યા કરે છે તે પણ આપણી જોયેલી હકીકત છે. તો ૨૦૨૧માં એકાદવાર વિસામે બેસીને ૨૦૨૦ની ગાંસડી ખોલી લેજો અને ન રાખવા જેવા સંપેતરાં ફગાવી દેજો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter