ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બોજનું અતુલનીય પ્રદાન છે. બીજા વિશ્વયુદ્ધ વેળા તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજના નેજામાં અંગ્રેજો સામે જંગ છેડ્યો હતો. તેમણે આપેલો 'જય હિન્દ'નો નારો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે. નેતાજીની 126મી જન્મજયંતી પ્રસંગે તેમની જીવનઝાંખી.
• જન્મઃ 23 જાન્યુઆરી, 1897, કટક, ઓડિસા
• મૃત્યુઃ 18 ઓગસ્ટ, 1945 (વિવાદાસ્પદ) - તાઇવાન.
• મૃત્યુનું કારણઃ હવાઇ દુર્ઘટના (વિવાદાસ્પદ)
• હુલામણું નામઃ સુભાષબાબુ - નેતાજી
• અભ્યાસઃ આઇ.સી.એસ. (સન 1921)
• રાજકીય પક્ષઃ કોંગ્રેસ, ફોરવર્ડ બ્લોક,
• સન 1944માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને ‘દેશભક્તોના પણ દેશભક્ત’ કહી નવાજ્યા હતા.
• નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલા મહાન હતા કે એવું કહેવાય છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘરાષ્ટ્ર બન્યું હોત અને ભારતનું વિભાજન ન થયું હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
• તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરમાં મશહૂર વકીલ હતા. પહેલા તેઓ સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.
એમણે કટક મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તેઓ બંગાળ વિધાનસભાના સભ્યપદે પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરના ખિતાબથી સન્માનિત કર્યા હતા.
• પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ 14 સંતાનો હતા, જેમાં 6 પુત્રી અને 8 પુત્ર હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતા. તેમનું હુલામણું નામ સુભાષબાબુ હતું.
• 15 વર્ષની ઉંમરમાં સુભાષ ગુરુની શોધમાં ઘરેથી ભાગીને હિમાલય ચાલ્યા ગયા હતા. જોકે ગુરૂની તેમની શોધ અસફળ રહી હતી, ત્યાર બાદ સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચીને તેઓ તેમના શિષ્ય બની ગયા. 1921માં ઈંગ્લેન્ડ જઈને તેમણે ભારતીય સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી પરંતુ તેમણે અંગ્રેજોની સેવા કરવાનો ઈનકાર કરી દીધો અને ભારત પરત આવી ગયા.
• ભારત પરત આવ્યા બાદ તેઓ સર્વપ્રથમ મુંબઈ જઈને મહાત્મા ગાંધીજીને મળ્યા હતા. ત્યાં 20 જુલાઈ 1921ના રોજ મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. ગાંધીજીએ તેમને કોલકતા જઈ દાસબાબુ સાથે મળીને કામ કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ ટૂંક સમયમાં જ સુભાષબાબુ દેશના એક મહત્વપૂર્ણ યુવાનેતા બની ગયા.
• 2 જાન્યુઆરી 1931ના રોજ કોલકતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સુભાષચંદ્ર બોઝે વિશાળ મોર્ચો કાઢ્યો હતો. આ સમયે પોલીસે લાઠીચાર્જ કરી તેમને ઘાયલ કરી દીધા હતા. સુભાષચંદ્ર બોઝ જેલમાં હતા ત્યારે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સાથે સહમતી કરી કેદીઓને છોડાવ્યા હતા.
• પોતાના જીવનકાળ દરમિયાન સુભાષચંદ્ર કુલ 11 વખત જેલ ગયા હતા.
• 3 મે 1939માં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ અંતર્ગત ફોરવર્ડ બ્લોક નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેમને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા હતા.
• 29 માર્ચ 1942ના રોજ તેઓ જર્મનીના સર્વોચ્ચ નેતા હિટલરને મળ્યા હતા. જોકે હિટલરને ભારતના વિષયમાં ખાસ રસ ન હતો.
• બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી નેતાજીએ બીજો માર્ગ શોધવો પડ્યો હતો. તેમણે રશિયા પાસેથી સહાયતા માગવાનું નક્કી કર્યું. 18 ઓગષ્ટ 1945ના રોજ નેતાજી વિમાન મારફત માંચુરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે વિમાન દુર્ઘટના થઇ હતી અને તેઓ લાપતા બની ગયા હતા. ત્યાર બાદ તેઓ કોઈને જોવા મળ્યા નથી. આ વિવાદાસ્પદ વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન નીપજ્યાનું જાહેર થયું હતું.