આધુનિકતા અને એકાંગીપણાની આજે બોલબાલા છે. ડાબી આંખનો ડોક્ટર જમણી આંખની દવા ના કરે એવી એકાંગિતા વિકસી છે ત્યારે અનેકવિધ ક્ષેત્રોમાં નિપુણતા હોય તેવી વ્યક્તિઓ જૂજ મળે. તેમાંય ઘર અને વરમાં સ્ત્રીઓ ખોવાયેલી રહેતી હોય ત્યારે એકસાથે અનેક ક્ષેત્રોમાં પ્રવૃત્તિશીલ અને તેમાંય બધે સફળ હોય તેવી ગુજરાતી મહિલાઓ આંગળીના વેઢે ગણાય તેટલી છે. આવી એક મહિલા છે લતા ચાંપસી.
લતાબહેન કેનેડાના મહાનગર ટોરન્ટોમાં વસે છે. પતિ અને સંતાનોની જવાબદારી ઊઠાવતાં ઊઠાવતાં તે આજે વ્યવસાયક્ષેત્રે નિપુણ અને સફળ મહિલા છે. લતાબહેનનો જન્મ ૧૯૪૯માં કચ્છી જૈન વેપારી એવા અલ્પશિક્ષિત પણ સમજ, વહેવાર અને વેપારમાં નિષ્ણાત એવા પિતાને ત્યાં કોલકાતામાં થયો હતો.
૧૯ વર્ષની વયે લતાબહેનને રંગૂનમાં જન્મેલા મોતીલાલ ચાંપસી સાથે પરણાવ્યાં. મ્યાનમારમાં શાસનપલટો થતાં ૧૯૬૫માં મોતીલાલ કેનેડાના ટોરન્ટોમાં આવેલા. ૧૯૬૯માં પતિની સાથે લતાબહેન કેનેડા આવ્યાં. મોતીલાલ પછીથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા.
લતાબહેને પતિ સાથે રિઅલ એસ્ટેટના વ્યવસાયમાં ઝંપલાવ્યું. એમણે અત્યાર સુધીમાં ૨૦૦ કરોડ ડોલરની મિલકતો ખરીદી અને વેચી છે. હવે તેમણે કામની પદ્ધતિ બદલી છે. મિલકતો કોઈના વતી, કોઈના માટે ખરીદવાનું બંધ કર્યું છે. હવે મિલકતો પોતાના માટે જ ખરીદે. જરૂર પડ્યે એમાં ફેરફાર કે રીપેરીંગ કરાવે અને સરખો ભાવ આવે ત્યારે વેચે. સદા હસતાં, સરળતાની વાત કરતાં લતાબહેન આટલી સમૃદ્ધિ પછી સ્વભાવે તોછડાં, અભિમાની કે અતડાં બન્યાં નથી. એમનામાં આ સિદ્ધિએ આત્મવિશ્વાસ વધ્યો છે.
રિઅલ એસ્ટેટના ધંધામાં એમની સફળતાનું એક કારણ કામની ચોકસાઈ, પ્રામાણિકતા અને વચનપાલન છે. વધારામાં બેંકના નિયમો, લોન કઈ રીતે મળે એની જાણકારી એ ગ્રાહકને આપે. વેચનારને કાયદેસર રીતે ઓછું કરભારણ શી રીતે થાય તેની જાણકારી આપે.
લતાબહેન કમાઈ જાણે છે તો દાન કરવામાં મોખરે છે. તેમણે જૈન ધર્મનાં જુદાં જુદાં મંડળોને આપેલી દાનની રકમ ૧૦ લાખ ડોલર કરતાં વધારે છે. આ ઉપરાંત તેમણે કેટલીય સંસ્થાઓ માટે ફંડ ઉઘરાવીને આપ્યું છે. વિકાસથી વંચિત રહી ગયેલી મહિલાઓ માટે કામ કરતી સંસ્થા પ્રાઈડ ઈન્ડિયાને તેમણે ૫૦ હજાર ડોલર ભેગા કરી આપ્યા. નરગીસ દત્ત ફાઉન્ડેશનને સ્તન કેન્સરથી પીડિત મહિલાઓની કેન્સરની સારવાર માટે ૩૦ હજાર ડોલર ઉઘરાવી આપ્યા. તેમણે કચ્છના ધરતીકંપ વખતે તૂટેલી શાળાઓના પુનઃનિર્માણ માટે મોટું ભંડોળ ભેગું કર્યું હતું. જાહેર સંસ્થાઓમાં એમણે પોતાની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ વચ્ચે સમયનું દાન કર્યું છે. ઘણી જવાબદારીઓ ઊઠાવી છે. ૧૯૮૦થી સાઉથ ઈસ્ટ એશિયન મહિલા સંગઠનમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને તેમાં ઉપપ્રમુખ, મંત્રી એવા હોદ્દા સંભાળ્યા. આ ઉપરાંત બે વર્ષ એમાં પ્રમુખ રહ્યાં. ૧૯૮૬માં તેમણે સાઉથ ઈસ્ટ એશિયન સિનિયર ક્લબની સ્થાપના કરી હતી.
કેનેડા અને યુએસએના સમગ્ર જૈન સમાજમાં જૈનોના પ્રમુખ તરીકે ચૂંટનાર એ એકમાત્ર મહિલા છે. જૈનોના સામાયિક ‘જૈન ડાયજેસ્ટ’ના તંત્રી તરીકે એક દશકાથી વધારે સમય કામ કરનાર એકમાત્ર વ્યક્તિ એ લતા ચાંપસી. ‘જૈન ડાયજેસ્ટ’ ૩૮ જેટલા અંકો એમના તંત્રીપદ હેઠળ નિયમિત પ્રગટ થયા છે. આવા દરેક અંકનું સંપાદન કરવું એ સમય ખાઈ જાય તેવું પૂરા સમયનું કામ છે. લખનાર બધા કંઈ સિદ્ધહસ્ત લેખકો ના હોય. વળી લેખો અંગ્રેજી અને ગુજરાતીમાં હોય, તેનું સંપાદન કરવું, વિગતોની ચોક્સાઈ કરવી વગેરે ખૂબ કાળજી અને સમય માગી લે. લતાબહેને એ કામ સંભાળ્યું.
આવા પ્રકાશનમાં વખત જતાં નાણાંખેંચ ઊભી થઈ. નાછૂટકે ‘જૈન ડાયજેસ્ટ’ને નિયત સમયે પ્રગટ કરવાને બદલે હવે અનિયતકાલિન બનાવીને એ ચાલુ રાખ્યું છે.
લતાબહેનનું આકર્ષક વ્યક્તિત્વ, જીભની મીઠાશ અને કાર્યનૈપુણ્ય એમની સફળતાના પાયામાં છે. જોકે, લતાબહેનના મતે તેમના ઘડતરમાં મા ઝવેરબહેનનું અનન્ય પ્રદાન હતું. દીકરીની કિશોરવયે તેમણે દીકરીમાં આત્મશ્રદ્ધાના અમી સિંચ્યાં. મા દીકરીને કહે, ‘બેટા! તારામાં ગજબની શક્તિ છે અને તું ધારીશ તે કરી શકીશ. હા આ માટે એક વાર પાકો વિચાર કરી લેવાનો. વિચાર કરીને જે નક્કી કર્યું હોય તે જ કરવાનું. આચારના અમલમાં ઢીલાશ ના ચાલે!’
લતાબહેન ફરજને ધર્મ માનીને વર્ત્યાં. જૈન ધર્મના આચારનું પાલન કર્યું. ધર્મની સંસ્થાઓમાં મદદ કરી. ધર્મ એટલે ફરજ, આચારપાલન અને મૂલ્યનિષ્ઠા. ગૃહિણી તરીકે તેમણે સગાં-સંબંધીઓને સાચવ્યાં. બધાં સાથે સ્નેહપૂર્ણ સંબંધો સાચવ્યા. પત્ની તરીકે પતિની સાચી અર્ધાંગિની બનીને પતિના વ્યવસાયમાં સાથ આપ્યો. મા તરીકે પુત્રી સોનાલીના ભણતર અને ઘડતરમાં કાળજી રાખી. સોનાલી અંગ્રેજી અને કમ્પ્યુટરમાં ગ્રેજ્યુએટ છે. પુત્ર મનીષ કોમ્પ્યુટર વિજ્ઞાની છે અને આઈટીના વ્યવસાયમાં છે. મા-બાપ જાહેર જીવનમાં અને કમાવવામાં પડે ત્યારે સંતાનો ઓછું ભણે કે રખડેલ બને એવું થાય. લતાબહેને સંતાનોના ઉછેરમાં રાખેલી કાળજી ઊગી અને સંતાનો સંસ્કારી અને સુશિક્ષિત બન્યાં.
લતાબહેનની બીજી આવડત તેમણે ખરીદેલી સ્થાવર મિલકતોની જાળવણી અને પુનઃનિર્માણ કે રિપેરિંગની સૂઝ. બહુ ઓછી મહિલાઓ આવું કામ કરી શકે. તેમની સાથે કામ કરીને વેતન લેનાર વ્યક્તિઓના યોગક્ષેમની તે કાળજી રાખે છે. એમની સાથે કુટુંબીજન જેવો વર્તાવ અને સમજ રાખીને એમને આર્થિક રીતે મદદરૂપ થાય છે. તેમના આરોગ્ય કે સામાજિક ખર્ચમાં જરૂર પડ્યે મદદ કરે છે. જૈનધર્મમાં જીવદયાની વાત પાયામાં છે. પશુ-પંખીની જેમ સમગ્ર માનવ સમુદાય તરફ પણ એવો જ ભાવ રાખીને લતાબહેન જીવે છે.