ગયા સપ્તાહે વોટ્સઅપમાં આવતાં ગતકડાંમાં એક ભૂતકાળ તાજી કરાવતો ટૂંકો માર્મિક લેખ "ગામડાની વિસરાતી પરંપરા "પંગત" વાંચવા મળ્યો. એ વાંચતાની સાથે અમારું મન પણ વતનમાં પંગતમાં બેસીને માણેલી મીઠી યાદો તાજી કરવા લાગ્યું. આ...હા..હા..હા પંગતમાં બેસીને જમવાની કેવી મોજ આવતી. વાંચક વડીલો, માતાઓ, ભાઇ-બહેનો તમે ભલે આફ્રિકા જન્મ્યા, ઉછર્યા હોવ પણ જીવનમાં તમેય તમારા વતન જઇને કોઇના શુભ-અશુભ પ્રસંગે પંગતમાં બેસીને જમ્યા તો હશો જ. આ "પંગત" એટલે સમૂહમાં કતારબંધ પલાઠીવાળી જમવું. આજે તો આધુનિક યુગનાં લગ્નપ્રસંગોએ "પંગત"ની જગ્યા હવે "બૂફે"એ લઇ લીધી છે. જ્યાં ૮ કે ૧૦ ઇંચની કાચની કે પ્લાસ્ટીકની પ્લેટ્સમાં પંજાબી અને વેસ્ટર્ન સ્ટાઇલની વાનગીઓનો ઢગ વાળ્યો હોય છે. એમાં આલુ મટર કે પનીર સબ્જી જોડે બેગન આલુ ઝઘડતાં હોય એમાં સાઇડમાંથી ગાજર-કાકડી રાયતું ગબડતું આવે, બીજી બાજુએથી રાઇસ પર રેડેલી દાલમખ્ખની સબ્જી-રાયતાને મળવા દોડાદોડ કરે.... આવી દોડભાગની રમત ઉપર રબ્બડ જેવી નાનનું છાપરું કરીએ સાથે પાપડને ય ના છોડીએ. ડીશમાં કોણ કયાં પડ્યું છે એ જોયા વગર જેમ આવે તેમ આલાટતા હોઇએ છીએ. બૂફેમાં વિવિધ વાનગીઓનાં "બૂથ" ગોઠવાતાં હોય છે એમાં વાનગીઓનો રસથાળ જોઇને જાણે કે આપણો જઠરાગ્નિ વધુ પ્રજવલિત થઇ જતો હોય એમ ભૂખ્યા વરૂની જેમ તડામાર તૂટી પડી, વાનગીઓનો ટેકરો કરી લઇએ એ ખવાય એટલું ખાઇએ અને બીજું ૬૦ ટકા જેટલું વધ્યું હોય એની સાથે ડીશ કચરા પેટીમાં નાંખીએ છીએ.
ગામડાની પરંપરાગત પંગતની મજા જ કોઇ ઓર હતી. ગામના ફળિયા (સ્ટ્રીટ) શેરી કે મહોલ્લામાં કોઇને ત્યાં લગ્ન હોય એટલે પંદર દિવસ અગાઉ આંગણાની સાફસફાઇ ચાલુ થઇ જાય. જેના ઘરે લગ્નપ્રસંગ હોય એ ઘરના વડીલને ઘરે કુટુંબ-કબીલાવાળા ભેગા મળે અને જમણવારથી માંડી જાનૈયાઓની આગતા સ્વાગતાની તમામ જવાબદારી સંભાળી લેતા હોય. ૬૦-૭૦ના દાયકામાં તો મહિના અગાઉ પાપડ, મઠિયાંના ત્રણ-ચાર મણના લોટ (આટા) ઘરના ચોકમાં લાકડાના મોટા ટીંબલા પર પુરુષો ઘણ (હથોડા જેવું)થી ટીપતા હોય અને સ્ત્રીઓ લોટનાં સેવત્રાં વણી લૂઆ તૈયાર કરે અને બીજે દિવસે સવારથી લગ્ન ગીતો લલકારતાં સૌ પાપડ-મઠિયાં બનાવતાં. એ રીતે પટેલોમાં માટલીના શુકન સાથે નાળીયેર પડો લઇને દીકરીના સાસરે બ્રાહ્મણ જાય ત્યારે કન્યાને ઘેર લાલ નાડાછડી બાંધેલી ધરોની પૂડીઓ સાથે શ્રીગણેશ માંડીને ચોળા વડી મૂકી કુટુંબની મહિલાઓ લગ્નગીતો ગાતી. ત્યારે એ માહોલ ખૂબ લાગણીસભર બની જતો.
ગામમાં લગ્ન હોય એટલે મોટાભાગે કુટુંબ સહિત ગામના તમામ ન્યાતને જમવાનું નોતરું અપાતું. કુટુંબીઓને સહકુટુંબ (સાકરટમ) અને સામાન્ય વ્યવહારવાળાને "પાઘડીબંધ" એટલે કે પુરુષોને અને ગામના ન્યાતીલાને "એક જણ"નું નોતરું અપાતું. મહીકાંઠે આવેલા અમારા વાસદમાં સંપ ખૂબ હતો એટલે લગ્નપ્રસંગોએ તમામ ન્યાતીલાને જમવાનું તેડું મળતું. બાળપણમાં અમને આ પંગતમાં બેસીને જમવાની મોજ આવતી. એમાં જો ગામમાંથી એક જણનું નોતરું હોય તો હું અને મારી બહેન ઇન્દુ (હાલ કેનેડા સ્થિત) ખાસ તૈયાર જ રહેતાં. પંગતમાં જમવા પાંચ-છ વાગ્યે જવાનું હોય પણ અમે ચાર વાગ્યાથી જમવાનો સાદ પડવાની રાહ જોતાં પિત્તળનું પવાલું (ગ્લાસ) લઇ તૈયાર જ રહેતા.
જેણે ત્યાં લગ્ન હોય એ મહોલ્લા કે શેરીમાં બે દિવસ અગાઉથી જ ચહલપહલ મચી જાય. જનોઇ-ચોટલી ને ફાંદધારી રસોયા ખભે મોટા લોખંડી તબેથા ને તળવાના ઝારા લઇને આવી પહોંચ્યા હોય. ફળિયા કે મહોલ્લાના એક ખૂણે જમણવાર માટે ચૂલા ખોદાતા હોય. ત્યાં પાથરણાં પથરાય. લગ્નના બે દિવસ અગાઉ દીકરીના "માહ્યા" માટલા એટલે કે કાળજાના કટકા જેવી દીકરીને સાસરે વળાવતાં મા'ની મમતા રૂપી મેવા ને મિઠાઇ માટલામાં ભરાય છે અને એમાં ધન એટલે લક્ષ્મીજી રૂપે સવા રૂપિયાના શુકન મૂકી ધાન્યની પોટલીઓ બાંધે છે. પાટીદારના રિવાજ મુજબ માહ્યા માટલામાં બૂંદી લાડુ, જલેબી, મગસ, ગૂંદરપાક એવી દરેક મિઠાઇ સવા મણ પૂરાતી. એ પછી લગ્નના જમણવાર માટે લાડુ, બરફી ચૂરમુ (જેના ઉપર ઘીનાં થર ઠરતાં), છૂટ્ટુ ચૂરમુ, મોહનથાળ જેવી મિઠાઇઓના પતરાં (ચોકી) તૈયાર થઇ જાય એટલે રસોડા વિભાગ સંભાળનાર મુખ્ય સંચાલક એ કોના ઘરે મૂકી રાખવાં એની સૂચના આપે.
રસોડાના જે હેડ હોય તેણે અલગ અલગ ટૂકડીઓ પાડી બધાને કામની વહેંચણી કરી હોય. કુટુંબના વડીલો માત્ર ત્યાં હાજર રહી "અલ્યા જા ને પેલાને મદદ કર", અલ્યા... આ ભાજી તૈયાર છે તો થોડાં ગોટા કાઢી લાવ ને!" એવું વડીલપણું દાખવતા, બીડીઓ જ ચૂસતા હોય. રાત્રે ગરમા ગરમ ગોટાની સુગંધ ફળિયા કે શેરીમાં ફેલાય એટલે "બહુ થાક્યો છું" કહેનારો કામચોર પણ ખાટલાંમાંથી બેઠો થઇ રસોડે ગોટા ઝાપટવા આવી જાય.
લગ્નના આગલા દિવસે મિઠાઇનું કામ પતી જાય એટલે બીજા દિવસે રસોડે ચહલપહલ મચી જાય. કુટુંબના જુવાનિયા હોય એ પિત્તળના ધારદાર ગ્લાસ લઇને ઢગલાબંધ કોબીજને ખચાખચ કાપી નાખે, બીજી ટૂકડી હોય એ બટેટા-રીંગણનાં મોટાં ફોડવા પાડી તૈયાર કરે, દૂંદાળા રસોયા પરસેવે રેબઝેબ થતા પૂરીઓ તળતા હોય, ફુલવડી પાડતા હોય. એક તરફ ચૂલે વાલ ચડતા હોય, બીજા ચૂલે વરાની દાળ ઉકળતી હોય. ફૂલવડીની સોડમ પ્રસરાતી હોય. એવા મઘમઘતી સોડમભર્યા વાતાવરણ વચ્ચે બેન્ડવાજાના સંગીતમય સૂરો રેલાતા હોય એનો માહોલ અને આનંદ જુદો જ હોય.
લગ્ન પહેલાંની વિધીઓમાં મહિલાઓ સોળે શણગાર સજી માંડવે મ્હાલતી હોય ત્યારે નાત અને જાનૈયાને જમાડવામાં ભૂલચૂક ના રહી જાય એની પળોજણમાં રસોડાનો મુખ્ય સંચાલક(હેડ) ટેન્શ થઇને ફરતો દેખાય. પહેલાં તો ઘરધણી પાસેથી પીરસવાના વાસણો બોચીયાં (લાડવા અથવા બરફી ચૂરમાનાં ચકતાં ગોઠવવા), શાક માટે ડોલકાં, દાળ માટે કમંડળ, પાણી ફેરવવા જગ,ગ્લાસ ઇત્યાદિની જરૂરત મુજબની વ્યવસ્થા કરી લેતો. કયારેક તો જાનૈયા માટે પાણી પીવા માટીનાં ભોટવા અને દાળ માટે બટેરાં વપરાતાં, મોટા ઘરની જાન જમવા આવે ત્યારે લાકડાના રંગેલા વ્હેરની રંગોળી પૂરાય અને અગરબત્તીઓ મૂકી વાતાવરણને સુગંધીત બનાવાય.
ફળીયા કે મહોલ્લામાં પંગત બેસાડવાની વ્યવસ્થાથી માંડી કોણે કઇ વાનગી આપવી એની પસંદગી પણ આ રસોડાનો હેડ જ કરતો. એમાં જુવાનિયાઓ વચ્ચે પીરસવામાં હૂંસાતુંસી થાય. એક કહે "સૂર્યા.. હું પુરી લઇશ એક કામ કર તું અલ્યા ગોટા લઇ લે. એમાં બગાડ ના થાય એટલે મુખ્ય કર્તાહર્તા હોય એ પીરસનારને સૂચના આપી દે કે "પહેલાં બે જ ગોટા મૂકવાના પછી માગે તો જ વધારે આપવાના.” "લવેરીયા" થયેલા કેટલાક જુવાનિયા પંગતમાં મનગમતી યુવતીઓ બેઠી હોય ત્યારે લાડુ કે વાલ જ પીરસવાનું પસંદ કરતા અને પંગતમાં તમને "વાલ" (વ્હાલ) આપું. તમને "લાડુ" (લાડ લડાવુ) આપું"થી મનોમન મોજ માણી લેતા. કયારેક બીજા દોસ્તને મનગમતી દેખાડવા બીજી પંગતમાંથી બોલાવી" અલ્યા.. સંદીપીયા..અહીં આવ વાલ જોઇએ છે"!
પંગતમાં પીરસવા આઇટમ મુજબ દશ-પંદરની ટૂકડી એક સાથે જ ઉતરી પડતી. એમાં વચ્ચે ધ્યાન રાખનારા ફરતા જાય અને પીરસનારાને સૂચના આપતા જાય.. "અલ્યા પેલા રમણભાઇમાં બે મેલ તું તારે, આવડા મોટા શરીરમાં બે કાંઇ ના કહેવાય.. , અલ્યા કાંતિ... આ પેલી લાઇનમાં હજુ બટાકા-રીંગણ નથી દેખાતાં.... અને હોવે.... ત્યાં પડિયામાં દાળ નથી દેખાતી..... દોડ... ત્યાં પંગત વચમાં કુટુંબનો દોઢડાહ્યો કે આગ્રહી લાડવા કે મિઠાઇનાં ચકતાંના થાળ સાથે જાનૈયાઓને અતિઆગ્રહ કરીને મોંઢામાં ચકતાં ખોસતો દેખાય. ઘીની ધાર નીકળતી હોય એવા છૂટા ચૂરમા કે બરફી ચૂરમા ને લાડવા સાથે દાળના સબડકા બોલતા હોય, જગ લઇને પાણી... પાણી..બૂમ પડતી હોય. ભાત આવતા પહેલાં પતરાળામાં વધેલી મિઠાઇની "સવકારી" પાછી લેવા ધડધડ બોચીયાં લઇ દોડાદોડ મચી હોય એ માહોલ કેવો ભર્યો ભર્યો લાગતો.
પંગતમાં પીરસનારા પરસેવે રેબઝેબ થતા હોય ત્યાં બધું કેવું પીરસાય છે એ જોવાવાળા "સીસીટીવી" (ધોતિયા-ટોપીધારી)ની નજર બધે ફરતી હોય. ત્યાં એ સીસીટીવી સક્રિય બની કોની દીકરી સાથે કોના છોકરાનું ગોઠવાય એમ છે એ માટે તરત સક્રિય બની જતું અને પૂછતાછ ચાલુ થઇ જતી... “અલ્યા... રમેશ.. આ પેલો કોનો અને કયા ગામનો છોકરો (દીકરો છે)? એય... જગલા... આમ... આય... પેલી કોની છોડી (દીકરી) છે? આ પંગતમાં જ પસંદગી પામી કેટલાકનાં ગોઠવાઇ જતાં.
આજના આ બૂફેમાં કોણ આવ્યું ને કોણ જમ્યું, શું જમ્યું કોઇને કાંઇ અંદાજ હોતો નથી. એમાં જમ્યા કરતાં બગાડ વધુ થતો હોય છે. પંગતમાં પતરાળામાં પીરસાતું ભોજન સાત્ત્વિક હતું અને ત્યારે બગાડ પણ બહુ ઓછો થતો. બૂફેમાં ડીશ હાથમાં લઇ ઉભા ઉભા જમનારની ભૂખ પણ બરોબર સંતોષાતી નથી જયારે પંગતમાં પલાઠીવાળી જમણ જમનારની પાચનક્રિયા વધુ સતેજ હોય છે. વાંચક વડીલો, ભાઇ-બહેનો ચાલો આપણે પંગતની પરંપરામાં પાછા વળીશું? જરૂર જણાવજો હોં....