પટેલ એટલે પરસેવાની કમાણી

રમેશભાઇ જે. પટેલ, યુએસ Wednesday 02nd September 2020 06:58 EDT
 
 

(નોંધ: હું વ્યક્તિગત રીતે કોઈ જાત કે પાતમાં માનતો નથી પણ પટેલીયા કેમ આગળ આવ્યા એના માટેનો સરસ લેખ છે.)
આ લેખનું શીર્ષક પરસેવાની કમાઈ એવું આપ્યું છે. અને આજે વાત પણ એની જ કરવી છે.
આજથી ૭૦ વરસ પહેલાની પટેલના ઘરની આર્થિક સ્થિતિ, સામાજિક રિવાજો, જીવનશૈલી સંબંધોની સમરસતા અને વહેવારો જોવા જઈએ તો આજના યુવાનોને આ બધું એક કાલ્પનિક વાર્તા જેવું જ લાગશે.
આખો દિવસ ખેતરમાં કામ કરતાં કરતાં સૂર્યદેવ ક્યારે ઉગ્યા અને આથમી ગયા એનીયે ખબર ખેડૂત પટેલને ના પડતી. આખોય પરિવાર ખેતીકામમાં ગળાડૂબ રહે. નાના છોકરા પણ નાનુંમોટું કામ કરી લે. બૈરાં લોકોને ત્રણ ગણું કામ હોય - ઘરનાં તમામ કામ, રસોઈ અને માલઢોરને સાચવવાનું. લીલો અને સૂકો દુષ્કાળ એના જીવનનો ભાગ બની ગયો હતો. દુષ્કાળમાં બોરડીના કૂચા કરી કરીને પોતાના ઢોરને સાચવવા માટે પરસેવો પાડનાર પટેલની પરસેવાની કમાણીથી આજની પેઢી ઉજળી છે. જયારે લીલો દુષ્કાળ પડે અને પુરના પાણીએ કાળો કેર વરતાવ્યો હોય ચારે બાજુ પાણી સિવાય કંઈ જ ના દેખાતું હોય. આવા સમયે હિંમત અને હામ રાખીને ખરા વરસાદમાં શણના કોથળાનો કૂશલો બનાવી ખેતરના ઊંચાળા ભાગે શેઢા ઉપરનું ઘાસ કાપવા જતા પટેલોની હિંમતને દાદ આપવી પડે. શરીરના ખુલ્લા ભીના ભાગે કરડતા મચ્છર અને કુત્તા (મચ્છરથી મોટી જીવાત)ની કલ્પના આજના શહેરમાં રહેતા પટેલના યુવાનો ના કરી શકે.
ખરા ધોમધખતા ઉનાળામાં તેના નસીબમાં આરામ નહોતો લખાયો. ખેતરમાં વાડ - કાંટો કરવાનું કામ, શેઢા સાફ કરવાનું કામ, ખેતરમાં નકામા ઉગી નીકળેલ બોરડી - ખીજડાને મૂળમાંથી કાઢવાનું કામ, ખેતરમાં ગાડાથી છાણીયું ખાતર ભરવાનું, એને દંતાળીથી આખા ખેતરમાં ફેલાવી દેવાનું, ખેતીના ઓજારનું સુથાર પાસે સમારકામ કરાવવાનું કામ, ખેતરોને વરસાદ પહેલા ખેડી દેવાનું કામ... આ બધું કરતાં કરતાં ઉનાળો કયાંય જતો રહે અને ચોમાસુ ક્યારે બેસી જાય એની ખબર એને નહોતી રહેતી. આજે સવારના દશ વાગ્યાથી એસીમાં ભરાઈ જનાર અને એસી કારમાં ફરનાર યુવાનોએ યાદ રાખવાનું છે કે આ તેમના (વડીલોની) પરસેવાની કમાણીનું ફળ છે.
વરસાદ પડયા પછી સારો વરાપ નીકળે એટલે ખૂબ હર્ષ અને ઉલ્લાસથી ખેતરને ખેડીને વાવણી થાય. આ કાર્યમાં રાત અને દિવસ જોયા સિવાય પરસેવો પાડીને કામ કરે. આ સમયે આવતા આનંદનો એક પ્રસંગ કહેવાનું મન થાય છે.
ગામના બે - ચાર આગેવાન પટેલો ભાત ઉપાડવાનો દિવસ નક્કી કરે. આ દિવસે સવારે બધા પટેલો સાંતી લઈને ખેતરે જાય. ઘેર લાપસી, ખીચડી, શાક વગેરે બનાવવામાં આવે. આખા ઘરનું ભાતું એક મોટી સૂંડલીમાં ભરવામાં આવે અને ગામની બધી સ્ત્રીઓ વાસના નાકે નાકે ભેગી થાય. માથે ભાતું ભરેલી સૂંડલી ભરત ભરેલા રૂમાલથી ઢાંકેલી હોય. પ્રસંગને અનુરૂપ ગીતો ગાતી ગાતી સ્ત્રીઓ ગામના મુખ્ય મારગે થઈને નીકળે. સાથે નાના મોટા બાળકો હોય. છોકરીઓના માથે પાણીની નાની માટલી હોય. જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ નાકાની બીજી સ્ત્રીઓ જોડાતી જાય અને ગાતી જાય. બધા એકી સાથે ગાય. ગામના પાદરે બધા ઉભા રહે અને એકાદ - બે ગીતો ગાય. બધા નાના નાના સમૂહોમાં વહેંચાઈ જાય અને ગાતા ગાતાં પોતાના ખેતરે જાય. ખેતરે ખેતરે પરિવાર સમૂહ ભોજન કરે. એક પ્રકારનું વનભોજન જ કહેવાય. મજા આવી જાય. પણ આ બધામાં પરસેવો પાડીને કમાવાની વાત કેન્દ્રમાં રહેતી હતી.
 મારા જનમ પહેલાની વાત છે. આજે તો ૧૨૫ વરસના વહાણા વહી ગયા. હાંજા ગગડાવી નાંખે અને માણસ માણસને ખાય તેવા દુષ્કાળને પણ પાટીદાર સમાજે પરસેવો પાડીને - પેટે પાટા બાંધીને જગતને જીવાડવાનો સંઘર્ષ કર્યો છે. ગુજરાતનો પાટીદાર સમાજ જ એવો છે કે કડવા વેણ બોલીને સાચું કહી દે છે. પરસેવાની કમાણી જ તેને મીઠી લાગે છે
 તે વખતે નહોતા બોરવેલ, નહોતા મશીન કે નહોતી સિંચાઈની નહેરો. મોટો આધાર વરસાદનો હતો. હા, ઘણા ખેડૂતો મહેનત કરીને બાવડાના બળથી કાચો કૂવો ગાળીને, જાતે વનસ્પતિની સાંઠીઓમાંથી વીંટલાઓ ગૂંથીને, પાણી મેળવતા. આ બધું કરવા છતાં પણ ખારું પાણી મળે તો મહિનાભરની મહેનત એળે જાતી. પરસેવાથી રેબઝેબ પટેલ પરિવારની કઠણાઈનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે.
આમ છતાં મરચું - રોટલો અને છાશ ખાનાર ખુમાર પટેલે કોઈ દિવસ ભીખ નથી માંગી. વાણિયાની પાસેથી લાવેલ સામગ્રીના પૈસાના વ્યાજનું વ્યાજ પટેલ જ ચૂકવી શકે. અજ્ઞાનતા એટલી બધી કે કાળા અક્ષર ભેંસ બરાબર. ‘શેઠ, તમે લખ્યું તે બરાબર...’ કહેનાર ૯૦ ટકા પટેલો દેવાના દરિયામાં ડૂબેલા હતા. તોલમાં ઓછું આપવું અને વધારે લેવાનો અન્યાય પટેલોએ સહન કર્યો છે. તે વખતે ‘૧૬ પંચા પંચાણુ અને પાંચ છૂટના, લાવો પટેલ ૧૦૦ પૂરા...’ કહીને પટેલને છેતરવામાં આવતો.
તો બેસતા વરસના દિવસે શુકનના નામે પટેલના ઘેર કરિયાણું મૂકીને શેઠ જે ભાવ ભરવો હોય તે ભરતા હતા. આમ છતાં સતત મહેનત - પરસેવાની કમાણી અને હાડમારીમાંથી નવું નવું શીખીને આ સમાજ ધીરે ધીરે પોતાના બાળકોને સારા સંસ્કાર આપીને ભણાવવા લાગ્યો એ એની સાચી દિશા હતી.
પાણી ખેંચવાના કોસના વરત ઉપર બેસીને પીહા પડી ગયેલા પાટીદાર સમાજને એટલી ખબર પડી ગઈ હતી કે બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપવી પડશે. પણ બધાની આ ત્રેવડ ન હોવાથી સાતમું ધોરણ કે ગામની શાળામાં જેટલા ધોરણ ચાલતા તેટલા અભ્યાસથી સંતોષ માનીને તેમને ખેતી કામમાં પરોવી દેતા.
પટેલના પરિશ્રમની પરાકાષ્ઠાની પારાયણનો પાર નથી આવે તેમ.
 ગાયકવાડ સરકારમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કરવા માટે ગામના સુખી અને મોભાદાર પટેલને મુખીની પદવી આપવામાં આવતી. ગાયકવાડે આ કામ પટેલને જ સોંપેલું. રાજવીઓને કેટલો બધો વિશ્વાસ આ સમાજ ઉપર હતો! કેટલીક વખત કોઈ બીજી કોમ કે જ્ઞાતિમાં આ પદ આપવું પડયું હોય તો તેને પટેલ કહેવાતા!
આમ, આ સમાજે ઘણું બધું આપીને બધાને એક તાંતણે બાંધવાનો પ્રયાસ કર્યો છે. કદી માંગ્યું નથી. એટલે જ તો કહેવાય છે કે કણબી પાછળ કરોડ!
પોતાના બાવડાના બળે પરસેવાની કમાણી કરીને, અન્યાય સહન કરીને, સમાજે છેલ્લા પચાસ વરસમાં સૌને અચંબામાં નાંખી દે તેવી - મા ઉમાના આશિષથી - હરણફાળ ભરી છે. આજે રોકેટ ગતિથી આગળ વધી રહેલા આ સમાજે કેટલીક બાબતોને સાવધાનીપૂર્વક લેવાની જરૂર છે. આપણા પાયાના મૂલ્યોને જાળવવાની જરૂર છે. જેમ કે,
• પરસેવાની કમાણી કરવી
• હરામનું ન લેવું
• બાળકોને શિક્ષણ આપવું
• કુરુવાજોને તિલાંજલિ આપવી
• બાળકોને નાનપણથી જ પાટીદારનું ગૌરવ સમજાવવું
• પોતાની દીકરીને પાટીદારના ઘેર આપવી
• પૈસાની સાથે સાથે સંસ્કારોનું જતન કરવું
• શરાબ અને શબાબથી દૂર રહેવું
• શાકાહારીની ઓળખ ટકાવી રાખવી
• જમીનને બાપદાદાએ સાચવી તેમ આપણે પણ સાચવીએ
આ લેખમાં શબ્દોના માધ્યમથી સત્ય બાબતને કહેવાનો પ્રમાણિક પ્રયત્ન કરેલો છે.
પટેલ સમાજને અનુલક્ષીને લખેલા આ લેખમાં અન્ય કોઇ જ્ઞાતિનું અપમાન કરવાનો ઈરાદો લેશમાત્ર નથી.
અને હા... આ લેખમાં કેટલાક તળપદા શબ્દો છે, જો ના સમજાય તો વડીલોને પૂછવા વિનંતી.
(અમેરિકામાં વસતા લેખક રમેશભાઈ જે. પટેલ મૂળે ઉત્તર ગુજરાતમાં આવેલા બહુચરાજી તાલુકાના બરીયફના વતની છે. પાટીદાર સમાજનું શબ્દચિત્ર રજૂ કરતો આ સરસ લેખ અમારા સુધી પહોંચાડવા બદલ એબીપીએલ ગ્રૂપ ગૌતમભાઇ ચક્રવર્તીનું આભારી છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter