મહાત્મા ગાંધી 1915ની નવમી જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા છોડીને ભારત પાછા આવ્યા તેની યાદમાં 2003થી ભારતીય વિદેશ મંત્રાલય તરફથી ભારતની સુખાકારી અને વિકાસમાં મદદરૂપ થનાર અને ભારતની શાન વધારનારા વિદેશવાસી ભારતવંશીઓમાંથી આંતરે વર્ષે એવોર્ડથી કેટલાક મહાનુભાવોને સન્માનિત કરાય છે. આવો સત્તરમો પ્રવાસી ભારતીય સન્માન કાર્યક્રમ આ વર્ષે નવમી જાન્યુઆરીએ મધ્ય પ્રદેશના ઈંદોરમાં યોજાયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રવાસી ભારતીયોને એવોર્ડ આપી સન્માન્યા. વિદેશપ્રધાન એસ. જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં એક ગુજરાતીને જોઈને નરેન્દ્રભાઈ મોદી બોલી ઊઠ્યા, ‘કેમ છો સી.બી.? તમે તો એવાને એવા જ ફીટ દેખાવ છો?’
વડાપ્રધાનનું જેના તરફ ધ્યાન ખેંચાયું તે હતા અત્યાર સુધીના પ્રવાસી ભારતીયોમાં એક માત્ર પત્રકારત્વના ક્ષેત્રે ઈંગ્લેન્ડમાં વસીને ગુજરાતીઓનું નામ રોશન કરનાર, 63 વર્ષથી સતત ગુજરાત બહાર વસનાર, તેમાંય સતત છ દશકાથી ઈંગ્લેન્ડમાં વસનાર સી.બી. પટેલ.
દરિયાપારથી પ્રગટ થતાં ગુજરાતી વર્તમાનપત્રોમાં ગ્રાહક સંખ્યા, પ્રભાવ ક્ષેત્ર, આધારભૂત માહિતી અને જાહેરાતોમાં અગ્રણી ‘ગુજરાત સમાચાર’ નામના ગુજરાતી સાપ્તાહિકના તંત્રી સી.બી. પટેલ. વધારામાં તેઓ ‘એશિયન વોઈસ’ નામના અંગ્રેજી સાપ્તાહિકના તંત્રી અને સંચાલક છે.
‘ગુજરાત સમાચાર’ની વાત કરીએ તો આ બંને છાપાં દરિયાપારનાં ગુજરાતી અને ભારતીય હિતોનાં હામી છે. ગુજરાતીઓ કે ભારતીયોના હિતવિરોધી કોઈ પણ તત્ત્વો, સરકારી કૃત્યો કે પ્રવૃત્તિમાં નીડર બનીને, તેની સામે ઝુંબેશ ચલાવે છે. ઝુકાવી દે છે. આવા વખતે કોઈ પ્રલોભન, ભય કે સ્વાર્થને તે ગણકારતા નથી.
લંડનમાંનું ઈસ્કોન મંદિર બંધ કરવું પડે તેવી સ્થિતિ સ્થાનિક સત્તાવાળાઓએ સર્જી. આવા વખતે ‘મંદિર બચાવો’ તેવી પ્રચંડ ઝુંબેશ તેમની નેતાગીરીમાં ઊભી થતાં અંતે સત્તાધીશો નમ્યા અને મંદિર ચાલું રહ્યું.
ઈમિગ્રેશન સત્તાધિકારીઓ એશિયનો પ્રત્યે કડક બનતાં, બ્રિટનમાં વસતી એશિયન પ્રજાની હાલાકી વધી. સી.બી.એ પોતાના છાપાં મારફતે અવાજ ઊઠાવ્યો અને અંતે સત્તાધીશોને સમજાયું કે બિનજરૂરી કડવાશ સમગ્ર રાષ્ટ્રના હિતમાં નથી. નીતિ અને વર્તન બદલાતાં હાલાકી હળવી થઈ.
માન્ચેસ્ટર નજીક પ્રેસ્ટનની આસપાસ વસતાં ગુજરાતીઓમાં બધા મહેનતકશ, શ્રમ કરીને રોટલો રળનારા. આસપાસ ગોરા અને વધુ પ્રમાણમાં ગુજરાતી મુસલમાનો. આ વિસ્તાર 44 લાખ પાઉન્ડના ખર્ચે બંધાયેલા હિંદુ મંદિરથી શોભે છે. આવડી મોટી રકમ ભેગી કરવામાં સી.બી. તેમના ‘ગુજરાત સમાચાર’ મારફતે મંડી પડ્યા અને મંદિરના પ્રાયોજકો ભવ્ય મંદિર કરી શક્યાં.
સી.બી. એ ‘ગુજરાત સમાચાર’ને માત્ર કમાણીનું સાધન બનાવ્યું નથી. ગુજરાત સમાચારને લોકોની માગણી અને લાગણી વ્યક્ત કરવાનું માધ્યમ બનાવ્યું છે. જુદાં જુદાં જ્ઞાતિ અને જાતિનાં, ધર્મ, સંસ્કૃતિ અને માન્યતાઓના મંડળો કે સંગઠનોનો સાચા કામ માટે ભંડોળ ભેગું કરવાનું સાધન પણ બનાવ્યું છે. ભારતીય હિતો અને સંસ્કૃતિનો શંખનાદ તેઓ ‘ગુજરાત સમાચાર’ મારફતે કરે છે.
કોણ છે આ સી.બી.?
સી.બી. એટલે ચંદ્રકાન્ત બાબુભાઇ પટેલ. ભાદરણના જમીનદાર મણિભાઈ પટેલ જે ટ્રાન્સપોર્ટના ક્ષેત્રે અગ્રણી તેમના પૌત્ર અને જેમણે ભરયુવાનીમાં સંન્યસ્ત સ્વીકારેલું એવા સંન્યાસી પિતા બાબુભાઈના પુત્ર. માતા કમળાબેન તે ધર્મજનાં, તેમનું મોસાળ સ્વાતંત્ર્ય સૈનિક એવા નડિયાદના કાલિદાસ કલ્યાણજીને ત્યાં. 1937માં સી.બી. બાના મોસાળમાં જન્મ્યા. આમ માતૃપક્ષે સ્વાતંત્ર્ય સૈનિક અને પિતૃપક્ષે સંન્યાસી સાથે સંબંધ ધરાવતા સી.બી. બન્નેનો ગુણવારસો ધરાવે છે. આથી જ ધનકુબેર ન હોવા છતાં એમના કર્મયોગ ફાઉન્ડેશન મારફતે અત્યાર સુધીમાં તેમણે પાંચ લાખ પાઉન્ડ એટલે કે પાંચ કરોડ રૂપિયાથી ય વધુ રકમ તેમણે શિક્ષણ, લોકકલ્યાણ, સંસ્કૃતિ રક્ષામાં ખર્ચી છે.
1959માં બી.એસસી. થયા પછી તેમને આજીવિકા માટે દેશ છોડીને તાન્ઝાન્યિાની વાટ પકડી. કોલેજમાં વડોદરા ભણતી વખતે ડાબેરી વિચારો ધરાવતા તેમનામાં વંચિતો અને પીડિતો પ્રત્યે સહાનુભૂતિ હતી. તાન્ઝાનિયામાં કસ્ટમ અને એક્સાઈઝમાં નોકરી વખતે તાન્ઝાનિયાની પ્રજાની આઝાદીની ઝંખના તેમણે જોઈ અને આઝાદી માટે ત્યાં લડતા તાનુ પક્ષને મદદરૂપ થવા મથ્યા. તાન્ઝાનિયામાંથી બ્રિટિશ શાસન વિદાય થવાની અને આઝાદીનો સૂર્યોદય નજીક લાગતાં તેમણે અનુભવ્યું કે અહીં આફ્રિકીકરણની ભાવના જોર પકડશે તેથી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ નહીં રહે તેથી તેમણે 1966માં બ્રિટનનો રાહ લીધો.
અહીં તેમણે સ્ટોર લીધો. સમયને પારખવાની દૃષ્ટિ, તરત નિર્ણય લેવાની સૂઝ અને સતત પરિશ્રમે ધંધો વિકસ્યો. માત્ર 6 વર્ષના પુરુષાર્થે, 36 વર્ષની વયે, સંખ્યાબંધ સ્ટોરના માલિક થયા. ધંધો રોજબરોજ વિકસતો હતો. એવામાં પિતા બાબુભાઈની મુલાકાત થઈ. સંન્યસ્ત પછી 13 વર્ષે સંન્યાસી પિતાને પૂછ્યું, ‘હું આપની શી સેવા કરી શકું?’ શિવભક્ત અને અવધૂતશા પિતાએ કહ્યું, ‘તારા પૈસા કે સમૃદ્ધિની મને કંઈ કિંમત નથી. આથી વધારે કમાય તો ય હું ખુશ નહીં થાઉં.’
દીકરો કહે, ‘બાપુજી, આ બધું તમારા આશીર્વાદથી થયું છે.’ પિતા કહે, ‘તારે જે કરવું હોય તે કર, તું લોકશિક્ષણનું કામ કરે, એ માટે અક્ષરજ્ઞાન જેવું કંઈ છાપે કે છપાવે તે મને ગમે.’
દીકરાના મનમાં ત્રણ – ત્રણ વર્ષ શું કરવું તેની ગડમથલ ચાલી. પછી લંડનમાં બંધ થવાની દશામાં પહોંચેલ ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિક 1976માં ખરીદ્યું. પિતાની ઈચ્છાને પૂર્ણ કરવા ‘ગુજરાત સમાચાર’ પાછળ પોતાની સંપૂર્ણશક્તિ કેન્દ્રિત કરી. ધંધામાં ધ્યાન ઘટ્યું. ‘ગુજરાત સમાચાર’ના આરંભમાં આવક નહીંવત્ અને નભાવવવાનું ખર્ચ વધારે. ભલભલા હિંમત હારીને પડતું મૂકે તેવી દશા. છતાં લીધેલું કામ પાર પાડવાનો દૃઢ નિશ્ચય અને તે માટે બધું કરવાની તૈયારી. ‘ગુજરાત સમાચાર’ જીવી ગયું. જામ્યું.
‘ગુજરાત સમાચાર’ સી.બી. માટે ધંધો નથી. એમના માટે એ મિશન છે. ‘ગુજરાત સમાચાર’ને તેમણે ગુજરાતી માત્રની ઝંખના અને લાગણીનું માધ્યમ બનાવ્યું છે. ‘ગુજરાત સમાચાર’ની સફળતામાં સી.બી.નો પુરુષાર્થ, સૂઝ અને સમાજના સૌનો સાથ મેળવવાનો સ્વભાવ પાયામાં છે. બ્રાહ્મણ, વણિક, પટેલ, લોહાણા, જૈન, વહોરા અને સૌ ગુજરાતીઓને સી.બી. પોતાના લાગે છે. લંડનમાં ધંધા-વ્યવસાયમાં સમૃદ્ધ વર્ગ લોહાણા કોમના આગેવાનો વાતવાતમાં કહેતા હોય છે ‘સી.બી. માનદ્ લોહાણા છે.’
પાટીદારનો દેહ, નાગરની મીઠાશ, વણિકની ચતુરાઈ, લોહાણાનું સાહસ અને બ્રાહ્મણની સત્યપ્રિયતાનું મિશ્રણ એટલે સી.બી. પત્રકારત્વ અને પ્રકાશનના ક્ષેત્રે પડીને એમણે પોતાની મૂડી ઓછી ના કરી હોત તો એ સફળ વેપારી હોત.
પત્રકારત્વને સાધન બનાવીને તેઓ લંડનમાં વસીને ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ પ્રત્યેના લગાવથી સ્વયંનિર્મિત ભારતીય રાજદૂત બનીને ભારતીય હિતોના હામી બન્યા છે. આવા છે પત્રકારત્વમાં સૌપ્રથમવાર ભારતીય પ્રવાસી તરીકેના સન્માનિત સી.બી. પટેલ.