પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજઃ શાશ્વત વિરાસત અને ચિરસ્થાયી ઉપસ્થિતિ

પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી વિશેષ

- હસિત પટેલ Tuesday 10th December 2024 12:23 EST
 
 

અનેક મહાનુભાવોએ માનવજાતના ઉત્થાનનું કાર્ય કરવા સાથે ઈતિહાસમાં સ્થાન હાંસલ કર્યું છે પરંતુ, ઘણા ઓછાં લોકો શાશ્વત વિરાસત છોડી ગયા છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આવા વિલક્ષણ મહાનુભાવોમાં એક છે. મારી આ આદરાંજલિ તેમની પ્રચંડ અસરની ઝાંખી માત્ર છે જે મારા અંગત અનુભવોમાંથી પ્રગટી છે.

પ્રમુખસ્વામી મહારાજનો જન્મ ગુજરાતના ચાણસદ ગામે 7 ડિસેમ્બર 1921ના રોજ થયો હતો અને તેઓ યુનાઈટેડ નેશન્સ સાથે સંકળાયેલી અને આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટી આધારિત હિન્દુ સંસ્થા BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુપદે બિરાજતા હતા. તેઓ વિશ્વભરમાં કરોડો લોકો માટે પ્રેરણામૂર્તિ બની રહ્યા હતા. તેમના મુદ્રાલેખ ‘અન્યોના કલ્યાણમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે’નું મૂર્તિમંત સ્વરૂપ બની રહેવા સાથે તેમણે માનવજાતના મહાકલ્યાણ અર્થે પોતાનું જીવન અન્યોની સેવા અને પ્રેરણા પૂરી પાડવામાં સમર્પિત કર્યું હતું. તેઓ જાતપાત-જ્ઞાતિ જેવાં માનવીય લક્ષણોથી ઉપર ઉઠવાની સાથે તેમનો અસીમિત પ્રેમ યુવા અને વયોવૃદ્ધ, શિક્ષિત અને નિરક્ષર, ધનવાન અને ગરીબ સહિત કરોડો લોકોના જીવનને સ્પર્શતો હતો. સાચે જ તેમનો પ્રેમ બિનશરતી હતો અને સાચા અર્થમાં વૈશ્વિક નેતા હતા.
સાચી નેતાગીરી માત્ર વિચાર નહિ, એક્શન સાથે સંકળાયેલી હોય છે. પ્રમુખસ્વામી મહારાજે લોકો સાથે વ્યક્તિગત સંપર્ક કેળવવા સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરી નેતાગીરીનું જીવંત ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમને 1983માં 62 વર્ષની વયે હાર્ટ એટેક આવ્યા પછી પણ નોંધપાત્ર પ્રતિબદ્ધતા સાથે અનેક મુશ્કેલીમાંથી પાર ઉતરી વધુ 30 વર્ષ સુધી અથાક સેવા કરી હતી. તેઓ માત્ર લોકોને પ્રેરણા પૂરી પાડતા ન હતા, પોતાનું જીવન સેવામાં સમર્પિત કરી પ્રેરણાનો જીવંત અને ઉદાહરણીય સ્રોત બની રહ્યા હતા. તેઓ આગળ ચાલતા રહી અન્યોને પણ પોતાની સાથે આગળ લઈ જતા હતા.
મને તેમની આ અનોખી અને અમાપ તેવી વિરાસત - મહાનતાના નાના હિસ્સાના સાક્ષી બની રહેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમણે વિશ્વને 1,200થી વધુ મંદિરની ભેટ આપી હતી, 1,000થી વધુ સાધુઓને દીક્ષા આપી, વિશ્વભરમાં 20,000થી વધુ ગામ, નગર અને શહેરોની મુલાકાત લીધી, 750,000 થી વધુ પત્રોના ઉત્તર પાઠવ્યા અને 810,000 થી વધુ લોકોને વ્યક્તિગત ઉપદેશ-સલાહ આપ્યા હતા.
વિશ્વને આવું અતુલનીય વ્યક્તિગત યોગદાન પુરું પાડવા પાછળ કદાચ વ્યક્તિગત સ્વરૂપનો સૌથી અથાગ અનુભવ એવો રહ્યો જે મારા હૃદયના અંતરતમ હિસ્સામાં ચિરસ્મરણીય બની રહેશે. વિશ્વના સકળ પદાર્થોથી પણ આગળ વધી સેવા અને અર્પણનું અદ્ભૂત જીવન જીવવા છતાં, અને તેમનું શરીર પણ આમ કરવા તત્પર રહેવા સાથે તેમનું હૃદય પ્રત્યેક આત્માને સંપૂર્ણપણે અને અંગત રીતે પોતાનો કરી લેતું હતું. આ પૃથ્વી પર હું કદાચ આઠ બિલિયન લોકોમાં એક હોઈશ પરંતુ, તેમના માટે આઠ બિલિયનમાં એક હું હતો.
પ્રમુખસ્વામી મહારાજનું વિઝન આધ્યાત્મિક માર્ગદર્શનથી પણ આગળ વિસ્તરેલું હતું. તેમણે અસંખ્ય લોકોને નશા-વ્યસનમુક્ત થવામાં મદદ કરી, શિક્ષણને ઉત્તેજન અને આરોગ્યસંભાળ પૂરી પાડીને તેમના જીવનનું પુનરુત્થાન કર્યું હતું. નશા-દૂષણ અટકાવ કાર્યક્રમો થકી તેમણે 40 લાખ લોકોને વ્યસન છોડવાની પ્રેરણા આપી હતી. તેમણે મૂલ્યવર્ધક શિક્ષણ પુરું પાડવા 31 શૈક્ષણિક સંસ્થાઓ અને 23 સ્ટુડન્ટ હોસ્ટેલ્સ અને 6 મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સ્થાપી હતી તેમજ 40 લાખથી વધુ ગ્રામીણ પેશન્ટ્સની સેવા કરવા 11 મોબાઈલ ક્લિનિક્સ ઉભા કરાવ્યા હતા.
હિન્દુત્વના વૈશ્વિક પ્રતિનિધિ તરીકે તેમણે ઈન્ટરફેઈથ સંવાદ અને યુનિવર્સલ સંવાદિતાની હિમાયત કરી હતી. તેમણે વર્ષ 2000માં ન્યૂ યોર્કમાં યુએન જનરલ એસેમ્બલીમાં યુનાઈટેડ નેશન્સ મિલેનિયમ પીસ સમિટ દરમિયાન જાહેર કર્યું હતું કે ‘સાચો ધર્મ એ છે કે જે એકબીજા પ્રત્યે પ્રેમની પ્રેરણા વહાવે છે.’
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સર્જાયેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર-લંડન (જે નિસડન ટેમ્પલના નામથી લોકપ્રિય છે)ને ‘ભારતની બહારના સૌથી મોટા પથ્થર (આરસ)ના હિન્દુ મંદિર (1996)’ તરીકે અને પ્રમુખસ્વામી મહારાજને વિશ્વના સૌથી પ્રભાવશાળી 20 વ્યક્તિત્વોમાં એક (2003) તરીકે ગણાવે છે. તેણે પ્રમુખસ્વામી મહારાજને સૌથી વધુ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરાવનારા તરીકે સન્માનિત કર્યા હતા અને નવી દિલ્હીસ્થિત BAPS અક્ષરધામ મંદિરને વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે (2007) જાહેર કર્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજે યુએસના ન્યૂજર્સીમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (1991 - 1 મિલિયનથી વધુ લોકોની ઉપસ્થિતિ), લંડનમાં એલેકઝાન્ડ્રા પેલેસ ખાતે 33 દિવસીય કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (1985 - 1 મિલિયનથી વધુ લોકોની ઉપસ્થિતિ) અને ગુજરાતના અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણની જન્મ શતાબ્દીનો ભવ્ય મહોત્સવ (1981 - 37 દિવસના ઉત્સવમાં 8 મિલિયનથી વધુ મુલાકાતી) સહિત વિશ્વભરમાં વિશાળ પાયા પરના સાંસ્કૃતિક મહોત્સવો યોજવાની પ્રેરણા આપી હતી.
વિશ્વના પ્રતિષ્ઠિત ધાર્મિક નેતાઓ અને રાષ્ટ્રોના વડાઓએ પ્રમુખસ્વામી મહારાજના ઉદાહરણીય મહાકાર્યોની પ્રશંસા કરી હતી અને તેમની સાદગી, વિનમ્રતા, સાધુતા-પવિત્રતા તેમજ ધર્મ, પશ્ચાદભૂ અથવા સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના અન્યોની નિઃસ્વાર્થભાવે સેવાએ બધાના હૃદયને સ્પર્શી લીધા હતા.
પૂજ્ય સ્વામીશ્રીએ ગુજરાતના સારંગપુર ગામે શનિવાર - 13 ઓગસ્ટ 2016ના રોજ ચિરવિદાય લીધા પછી 17 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાયા તે અગાઉ વિશ્વભરમાંથી 2.1 મિલિયનથી વધુ ભક્તો, શ્રદ્ધાળુઓ અને શુભેચ્છકોએ મહારાજશ્રી પ્રત્યે આદર વ્યક્ત કરવા આ નાનકડા ગામની મુલાકાત લીધી હતી. ‘સદીના સંત’ તરીકે જેમનું વર્ણન થતું રહ્યું છે તેવા આ ધર્મનેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિશ્વના સર્વોચ્ચ નેતાઓ તરફથી શોક અને આદર વ્યક્ત કરતા સંદેશાઓનો ધોધ વહ્યો હતો.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરે જણાવ્યું હતું કે, ‘પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં અસામાન્ય આધ્યાત્મિક નેતા અને માનવતાવાદી હતા. શાંતિ અને આંતરધર્મીય સંવાદને પ્રોત્સાહન તેમજ વિશ્વની કોમ્યુનિટીઓને મદદરૂપ થવાની તેમની અથાક સમર્પિતતા શાશ્વત વિરાસત છોડી જશે.’
જોકે, તેઓ વિશ્વને સૌથી મહાન વિરાસત આપી ગયા છે તે તેમની ચિરસ્થાયી ઉપસ્થિતિ છે, જેના થકી તેઓ આજે પણ તેમના આધ્યાત્મિક વારસદાર તરીકે સેવા આપનારા જ નહિ, આગવી રીતે જ તેમના અવતાર સ્વરૂપ મહંતસ્વામી મહારાજ થકી જીવનના ઉત્થાનના નિરંતર માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજના એવોર્ડ્સ, પ્રમાણપત્રો અને સિદ્ધિઓની યાદીનો કોઈ જ અંત નથી છતાં, તેમના માટે તો પ્રત્યેક કાર્ય ઈશ્વર, તેમના ગુરુજનો અને માનવતા પ્રત્યે સેવા અને અંગત સમર્પણનું જ હતું. તેઓ સંપૂર્ણપણે પ્રશંસા અને કદર બાબતે વિરાગી રહ્યા હતા અને સંપૂર્ણ તથા નિરપેક્ષ નમ્રતા સાથે જીવન જીવતા રહ્યા હતા. તેમની છ દાયકા કરતાં વધુ સમયની સેવાનો મોટો હિસ્સો લાખો લોકો માટે અજાણ્યો જ રહેશે કારણ કે તેમનું કાર્ય બંધ બારણાઓ પાછળ અને વિશ્વની આંખોમાં ન હોય તે રીતે અકળ મૌન સાથે ચાલતું રહ્યું હતું તેની કદી તુલના થઈ શકે જ નહિ.
આવા હતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ, જેમણે પોતાનું જીવન નારાયણસ્વરૂપદાસ તરીકે વીતાવ્યું હતું. (લેખક હસિત મહેતા બીએપીએસના સ્વયંસેવક છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter