પરિચય છે મંદિરમાં...

આપણી કવિતાનો અમર વારસો

- શૂન્ય પાલનપુરી Thursday 25th July 2024 08:12 EDT
 
 

આ સપ્તાહે શૂન્ય પાલનપુરી
• જન્મઃ 19-12-1922 • નિધનઃ 17-3-1987
મૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ. ગઝલનો કાવ્યપ્રકાર દેખીતી રીતે સહેલો લાગે, પણ એ વિકટ કાવ્યપ્રકાર છે. લપસણા ઢાળ પર દોડવા જેવું કામ છે. પણ શૂન્ય જેવા શાયરે ગઝલને લપસણા ઢાળ પર સ્થિર કરી એટલું જ નહીં પણ એને હરણની ચીસ અને સૂસવતા તીરની ગતિ આપી. ‘શૂન્યનો વૈભવ’ એમની સમગ્ર ગઝલનો સંચય.

•••

પરિચય છે મંદિરમાં...

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મેં લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter