બંગાળ ભારતીય ભૂમિનું એવું સરનામું છે જ્યાં સ્વતંત્રતાનાં નરબંકાઓ, ધર્મ અને સમાજ સુધારકોની ઉજ્જવળ પરંપરા રહી છે. બંગાળનું નામ પડતાં જ સ્વામી વિવેકાનંદ, ગુરુ રામકૃષ્ણ પરમહંસ, રાજા રામમોહનરાય, જગદીશચંદ્ર બોઝ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ઠાકુર જેવા મહાનુભાવોની છબી નજર સમક્ષ તરવરી ઉઠે. એક તરફ બંગાળની આ ઓળખ છે ત્યારે બીજી તરફ એક બીજી પણ ઓળખ છે અને તે લોહિયાળ છે. ભારત ભૂમિનાં ટુકડા કરવા હઠે ચઢેલા મહંમદઅલી ઝીણાએ આપેલાં ડાયરેક્ટ એક્શનનાં એલાનનો પડ્યો બોલ બંગાળી મુસ્લિમોએ ઝીલ્યો હતો અને બંગાળની ધરતી ભારતીયોનાં લોહીથી લથબથ થઈ ગઈ હતી. આ એ જ બંગાળ છે જેના અંગ્રેજોએ એક વખત ભાગલા કરવા કોશિશ કરી તો સમગ્ર દેશમાં સ્વતંત્રતાની હેલી ઉઠી હતી અને આ એ જ બંગાળ હતું જે ભારતનાં ભાગલાનો ત્રીજો હિસ્સો બન્યું હતું.
ભાગલા બાદ બંગાળ પૂર્વ પાકિસ્તાન બન્યું. જેમ પશ્ચિમ પાકિસ્તાનમાં બન્યું એવું જ, કદાચ એનાં કરતાં પણ વધુ બિહામણું દ્રશ્ય પૂર્વ પાકિસ્તાનમાં સર્જાયું હતું, ધર્મ આધારિત ભાગલાથી વસ્તીનું વિસ્થાપન થયું હતું, પાકિસ્તાનમાં વસતાં હિંદુઓ જે હાથમાં આવ્યું તે લઇને, પહેરેલા કપડે ભારત આવવા રવાના થઈ ગયા અને તેમની રસ્તામાં જ કત્લેઆમ કરી નાખવાં આવી. પૂર્વ પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારતમાં પશ્ચિમ બંગાળ આવવા નીકળી પડેલાં અનેક લોકો કદી ભારત પહોંચી જ શક્યા નહીં, અનેકોની તો લાશ પણ ના મળી. આ વાસ્તવિકતા જોતાં કેટલાય હિંદુઓએ પૂર્વ પાકિસ્તાનથી ભારત આવવાને બદલે ત્યાં જ સંતાઈ જઈને જીવન બચાવવું મુનાસિબ માન્યું અને પૂર્વ પાકિસ્તાનમાં રહી ગયા.
ભાગલા બાદ પરિસ્થિતિ સહેજ થાળે પડતાં જ પૂર્વ પાકિસ્તાનમાં પોતાનો જીવ બચાવવા રહી ગયેલાં હિંદુઓ કે જેમાંના મોટાભાગના દલિતો હતાં એમણે ધીમે ધીમે ભારતમાં આવવાનું શરૂ કર્યું. જે સંપન્ન હતાં તે જલ્દી આવી ગયાં, પરંતુ જેમની આર્થિક સ્થિતિ નબળી હતી તે પૂર્વ પાકિસ્તાનમાં રહેવા વિવશ થયાં.
પશ્ચિમ પાકિસ્તાન દ્વારા પૂર્વ પાકિસ્તાનનું અવિરત શોષણ
બીજી તરફ, પાકિસ્તાનમાં સાવ અલગ જ સંજોગો આકાર લઇ રહ્યા હતા. પાકિસ્તાન બનતાં તો બની ગયું હતું, પણ તે ક્યારેય પોતાની રાષ્ટ્રીયતા સિદ્ધ કરી શક્યું નહીં. ઇસ્લામના આધારે પાકિસ્તાન બની ગયું પણ ઇસ્લામ પાકિસ્તાનને એક રાખી શક્યું નહીં. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન - બંને ભૌગોલિક રીતે તથા વસ્તીની દૃષ્ટિએ લગભગ સરખા હતાં પરંતુ પાકિસ્તાનની સત્તા પર પશ્ચિમ પાકિસ્તાનનો કબ્જો જામી ગયો. પશ્ચિમ પાકિસ્તાનના સત્તાખોરોએ હવે પૂર્વ પાકિસ્તાન ઉપર દમન, શોષણ, ઉત્પીડન, દાદાગીરી શરૂ કરી. સત્તાનું કેન્દ્ર પશ્ચિમ પાકિસ્તાન હોવાથી પૂર્વ પાકિસ્તાનનું સ્થાન સત્તા, શાસન, સૈન્ય, વહીવટ જેવી બાબતોમાં સાવ નગણ્ય બની ગયું. એક તરફ પશ્ચિમ પાકિસ્તાનનું શોષણ ચાલુ હતું તો બીજી બાજુ હિંદુઓનું ભારત તરફ પલાયન ચાલુ હતું. સાઈઠનો દસકો થતાં થતાં લાખો પૂર્વ પાકિસ્તાની વિસ્થાપિતો ભારતમાં આવી ગયાં.
પૂર્વ પાકિસ્તાન માટે નરકની વેદના લાવ્યો સિત્તેરનો દસકો
સિત્તેરનો દસકો પૂર્વ પાકિસ્તાન માટે નરકની વેદના લઈને આવ્યો હતો. પશ્ચિમ પાકિસ્તાન સત્તાખોરોએ હવે આતંક, દમન, શોષણ, ઉત્પીડનની સીમાઓ ઓળંગવા માંડી હતી. પશ્ચિમ પાકિસ્તાનનાં સૈનિકોનો પૂર્વ પાકિસ્તાનની સ્ત્રીઓ ઉપર બળાત્કાર રોજીંદી ઘટનાં બની ગઈ. પશ્ચિમ પાકિસ્તાનનાં દમનનો વિરોધ કરનારાની હત્યા હવે સામાન્ય બની ગઈ. પશ્ચિમ પાકિસ્તાનનાં સૈન્યનો આતંકનો કોરડો પૂર્વ પાકિસ્તાન ઉપર પૂરજોશમાં વિંઝાવા લાગ્યો. ફરી પૂર્વ પાકિસ્તાનીઓની વણઝાર ભારત તરફ આવવાની શરૂઆત થઈ. હિંદુઓ શરણાર્થી બનીને આવવા લાગ્યા. પૂર્વ પાકિસ્તાનમાં જેમણે મોહમ્મદઅલી ઝીણાનાં પડ્યા બોલ ઝીલ્યા હતાં એવાં મુસ્લિમ બિરાદરો પણ પશ્ચિમ પાકિસ્તાનનાં દમનનો ભોગ બનવા માંડ્યાં અને ભારતમાં શરણ લેવા વિવશ થયા. બધાં જ પહેરેલા કપડે ભારત તરફ ભાગ્યા હતા.
૩૦ લાખની લોકોની હત્યા, બે લાખ મહિલાઓ પર દુષ્કર્મ
૧૬ ડિસેમ્બર ૧૯૭૧નો દિવસ ભારતના ઈતિહાસમાં વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે, તો બાંગ્લાદેશમાં આ દિવસ વિક્ટ્રી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સૈન્ય સામે પાકિસ્તાનના ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ ઢાકામાં આત્મસમર્પણ કર્યું હતું. જોકે આ ઐતિહાસિક દિવસને લાખો નિર્દોષ બંગાળીઓ, કે જેમાંના મોટા ભાગના હિન્દુઓ હતા તેમના લોહીએ સીંચ્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. પશ્ચિમ પાકિસ્તાનનાં મુસ્લિમ સૈન્યે પૂર્વ પાકિસ્તાનનાં મુસ્લિમો, હિંદુઓ ઉપર શૈતાનને પણ શરમાવે એવાં પિશાચી અત્યાચાર ગુજાર્યા હતા. ૩૦ લાખથી વધુ નિર્દોષોની કત્લેઆમ કરી. પાકિસ્તાની સૈન્યના જવાનોએ લગભગ બે લાખથી વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો.
જનરલ યાહ્યાાખાનનો નિર્ણય પાક.ને ભારે પડ્યો
૧૯૭૧ પૂર્વે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું, તે પાકિસ્તાનનો જ ભાગ હોવા છતાં પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાન પર ભાષા અને સાંસ્કૃતિક મામલે અનેક નિયંત્રણો - મર્યાદાઓ ફરમાવ્યા હતા. પશ્ચિમ પાકિસ્તાનનાં સીતમ-દમન તેની ચરમસીમા વટાવી રહ્યા હતા, ત્યારે શેખ મુજીબુર રહેમાનનાં નેતૃત્વ હેઠળની મુક્તિવાહિનીએ પશ્ચિમ પાકિસ્તાનનાં સૈન્યનો તથા એનાં પિશાચી દમનનો વિરોધ શરૂ કર્યો. બળવાને કોઇ પણ ભોગે નાથવા માટે પાકિસ્તાની શાસકો અમાનુષી અત્યાચાર ગુજારી રહ્યા હતા. છતાં સ્થિતિ અંકુશમાં આવતી નહોતી. છેવટે પાક. આર્મીના જનરલ જનરલ યાહ્યાખાને પૂર્વ પાકિસ્તાનને કચડી નાખવા માટે ભારે સશસ્ત્ર સરંજામ સાથે લશ્કરી ટુકડીઓને મેદાનમાં ઉતારી. લાખો બંગાળીઓની ખુલ્લેઆમ નિર્મમ હત્યા થઇ. જોકે જનરલ યાહ્યાખાન કે પાકિસ્તાનની શાસકોને કલ્પના પણ નહીં હોય કે તેમનું આ પગલું આત્મઘાતી પુરવાર થશે.
અને ભારતે પાકિસ્તાનના પાપનો ઘડો ફોડ્યો
પડોશી દેશમાં લાંબા સમયથી પ્રવર્તતી આંતરિક અશાંતિ પર ભારતની ચાંપતી નજર હતી, પરંતુ ભારત તેની ‘આંતરિક બાબત’ ગણીને હસ્તક્ષેપ કરવાનું ટાળતું હતું. જોકે પાક. લશ્કરના જવાનો દ્વારા નિર્દોષ હિન્દુઓ – બંગાળીઓ પર અત્યાચારો સીમા ઓળંગી ગયા અને લાખો લોકોને મોતના મુખમાં હોમાતા જોઇને ભારતના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે પૂર્વ પાકિસ્તાનીઓની મદદ કરવાનો દૃઢ નિર્ધાર કર્યો.
બાંગ્લાદેશની મુક્તિ માટે ચળવળ ચલાવતા શેખ મુજીબુર અને તેમની મુક્તિવાહિનીની વ્હારે પહોંચવા ભારતીય સૈન્યને આદેશ અપાયા. બંને દેશના સૈન્ય વચ્ચે યુદ્ધ છેડાયું અને ૧૩ દિવસના જંગ બાદ પાકિસ્તાની સૈન્યને શરમજનક સંજોગોમાં શરણાગતિ સ્વીકારવી પડી. પાકિસ્તાની સૈન્યના લગભગ ૯૩ હજાર સૈનિકોને બંદી બનાવી લેવાયા.
ઈન્દિરા ગાંધીએ અમેરિકાની ધમકી પણ ન ગણકારી
વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પાક. સાથે યુદ્ધનો નિર્ણય કર્યો તો (તે સમયે પાકિસ્તાના માઇ-બાપ એવા) અમેરિકાએ ભારતને આવું કોઇ પગલું ભરવા સામે ચેતવણી આપી હતી. અમેરિકાએ યુદ્ધના સંજોગોમાં પાક.ને સમર્થન આપવાની જાહેરાત પણ કરી. જોકે ભારતે અમેરિકાની ધમકીને નજરઅંદાજ કરી. અમેરિકાએ ભારતે ડરાવવા માટે બંગાળની ખાડીમાં પોતાના યુએસ નેવીના યુદ્ધજહાજો પણ તૈનાત કર્યા હતા, પરંતુ ભારતે નમતું ન જ જોખ્યું. ભારતના આ સાહસિક પગલાંએ પાકિસ્તાનના ફાડિયા કર્યા. ભારતે પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનનાં દમન, શોષણ, ઉત્પીડન, અત્યાચારોમાંથી છોડાવીને એક અલગ રાષ્ટ્ર બાંગ્લાદેશનો વિશ્વનાં નકશા ઉપર આવિર્ભાવ કર્યો. આ દરમિયાન લગભગ એક કરોડ લોકોએ ભારતમાં શરણ લીધી હતી.
શેખ મુજીબુર રહેમાને બાંગ્લાદેશનું સુકાન સંભાળ્યું
બાંગ્લાદેશ નામનાં નવા રાષ્ટ્રની ધૂરા મુક્તિવાહિનીના સુકાની શેખ મુજીબુર રહેમાને સંભાળી. શેખ મુજીબુર રહેમાનનાં દીકરાઓએ મુક્તિવાહિનીનાં અદના સૈનિકો અને સૈન્યનાં વડા તરીકે બાંગ્લાદેશના મુક્તિસંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આમ જોઈએ તો શેખ મુજીબુરનાં સમગ્ર પરિવારે બાંગ્લાદેશની મુક્તિ માટે યુદ્ધ લડ્યુ હતું. બાંગ્લાદેશની મુક્તિ માટે દરેક બાંગ્લાદેશી હંમેશા શેખ મુજીબુર રહેમાન અને તેમનાં પરિવારજનોનો ઋણી રહેશે.
જોકે નવરચિત બાંગ્લાદેશને શાંતિ - ભયમુક્ત - અત્યાચારમુક્ત રાષ્ટ્ર બનાવવાનું શેખ મુજીબુર રહેમાનનું સ્વપ્ન ચાર જ વર્ષનાં ટુંકા ગાળામાં રોળાઇ ગયું. કટ્ટરવાદી માનસિકતા ધરાવતી અવામી લિગ અને સેનાએ શેખ મુજીબુર રહેમાન, તેમના પત્ની તથા તેમનાં ત્રણેય પુત્રો સહિત સમગ્ર પરિવાર અને તેમના પક્ષના નેતાઓની બેરહેમીથી નિર્મમ હત્યા કરી નાંખી. આ સમયે શેખ મુજીબુર રહેમાનના બે પુત્રી શેખ હસીના તથા શેખ રેહાના જર્મનીમાં હોવાથી તેમનો જીવ બચી ગયો.
‘ટેસ્ટ ટ્યુબ કન્ટ્રી’ પાકિસ્તાન આજે ભાંગી પડવાના આરે
બાંગ્લાદેશની રચના સાથે પાકિસ્તાનના તૂટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. અને હવે શેષ પાકિસ્તાન તૂટવાની કગાર પર દેખાય છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન એક કૃત્રિમ દેશ છે. બલૂચિસ્તાનની મહિલા એક્ટિવિસ્ટ નેલા કાદરીએ આક્રોશપૂર્વક કહ્યું કે, ‘પાકિસ્તાન તો ટેસ્ટ ટ્યૂબ કન્ટ્રી છે, જેને અંગ્રેજોએ બનાવ્યો હતો’. પાકિસ્તાન એ લોકોને મળ્યું જે લોકોએ ક્યારેય પાકિસ્તાનની માંગણી કરી જ નહોતી. પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને પખ્તુનિસ્તાનના લોકો આઝાદીની ચળવળમાં મુસ્લિમ લીગ સાથે ન હતા, પણ કોંગ્રેસ સાથે હતા. ૧૯૩૭માં પ્રાંતિક ચુનાવોમાં દેશના કુલ ૪૮૫ મુસ્લિમ નિર્વાચન ક્ષેત્રોની બેઠકોમાંથી મુસ્લિમ લીગને માત્ર ૧૦૮ બેઠકો જ મળી હતી. મુસ્લિમોથી ઊભરાતા બંગાળમાં મુસ્લિમ લીગને માત્ર ૩૭ બેઠકો મળી હતી. સિંધમાં ૩ જ બેઠકો મળી હતી. અને પંજાબમાં માત્ર એક જ બેઠક મળી હતી જ્યારે પખ્તુનિસ્તાનમાં એક પણ બેઠક લીગને મળી ન હતી. આજે આ ચારેય પ્રાંતોમાં અસંતોષ અને વિદ્રોહની આગ સળગી રહી છે.