લદ્દાખમાં સરહદ મુદ્દે ભારત સાથે શિંગડા ભેરવી રહેલો ચીન ભારતને ચારેતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારતના ઉગ્ર વિરોધ છતાં શ્રીલંકામાં જાસૂસી જહાજ મોકલનાર ચીન હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પોતાની સૈનિક ટુકડીઓ તહેનાત કરવાની કવાયત કરી રહ્યો છે જે ભારતની સુરક્ષા સામે મોટો પડકાર સર્જી શકે છે. ચીને તેના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અંતર્ગત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. ચીન હવે આ બંને દેશોમાં પોતાના હિતોના રક્ષણ માટે ચીની સેનાની ટુકડીઓ તહેનાત કરવાની યોજના બનાવી રહ્યો છે. પાકિસ્તાનની ધરતી પર ચીની સેનાની હાજરી ભારત માટે મોટી સમસ્યા સર્જી શકે છે. ચીન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન રૂટનો ઉપયોગ કરીને મધ્ય એશિયા સુધી પોતાનો પ્રભાવ વિસ્તારવા માગે છે. તેના માટે ચીને બંને દેશમાં વ્યૂહાત્મક રોકાણો કરી રાખ્યાં છે. પાકિસ્તાનમાં જ ચીને 60 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હોવાનો અંદાજ છે. અમેરિકાએ હડસેલી દીધા બાદ હવે પાકિસ્તાન આર્થિક અને મિલિટરી સહાય માટે ચીન પર જ આધારિત બન્યો હોવાથી ચીન તેની લાચારીનો ભરપૂર લાભ લેવાની ફિરાકમાં છે. તેથી ચીને હવે પાકિસ્તાનમાં ચીની સેનાની ટુકડીઓ તહેનાત કરવાની પરવાનગી આપવા પાકિસ્તાની સત્તાવાળાઓ પર દબાણ શરૂ કર્યું છે.
ઇસ્લામાબાદમાં ટોચના રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી પાકિસ્તાનમાં મિલિટરી આઉટપોસ્ટ તૈયાર કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. ચીન એવો દાવો કરી રહ્યો છે કે તેના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની સરળ સંચાલન માટે આ તહેનાતી આવશ્યક છે. આ માટે તાજેતરમાં જ ચીનના રાજદૂત નોંગ રોંગ અને પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવા વચ્ચે ઉચ્ચસ્તરીય મુલાકાત યોજાઇ હતી. ચીન સતત એમ કહી રહ્યો છે કે પાકિસ્તાનમાં ચીની પ્રોજેક્ટો અને તેમાં કામ કરતા ચીની નાગરિકોની સુરક્ષા માટે તેની પોતાની સિક્યુરિટી હોવી જરૂરી છે. ચીને ગ્વાદર ખાતે સિક્યુરિટી આઉટપોસ્ટ્સ ઊભી કરવાની માગ કરી છે તેની સાથે ગ્વાદર ઇન્ટરનેશનલ એરપોર્ટ તેના યુદ્ધવિમાનોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવાનું દબાણ પણ પાકિસ્તાન પર કર્યું છે. જો ગ્વાદર એરપોર્ટ પર ચીની યુદ્ધ વિમાનોને પરવાનગી અપાય તો ભારતની હવાઇ સુરક્ષા સામે મોટો પડકાર ઊભો થઇ શકે છે. ભારતે પશ્ચિમની સરહદે પાકિસ્તાન ઉપરાંત ચીની યુદ્ધવિમાનો સામે પણ સાવચેત રહેવાની સ્થિતિ સર્જાઇ શકે છે. પાકિસ્તાનમાં નિષ્ણાતો એવો ભય વ્યક્ત કરી રહ્યાં છે કે દેશ ચીની દેવાની જાળમાં બરાબર સપડાઇ ચૂક્યો છે અને ચીની વ્યૂહરચના પાકિસ્તાનને તેની કોલોની બનાવી દેશે. ભારતમાં એવી ચિંતા પ્રવર્તી રહી છે કે ચીની સેના અને એરફોર્સ માટે પાકિસ્તાની ધરતી અને એરપોર્ટ ખુલ્લાં મૂકી દેવાશે તો ભારતના સાર્વભૌમત્વ પર મોટું જોખમ સર્જાશે.
ભારતના મોટાભાગના પાડોશી દેશ ચીની દેવાની જાળમાં સપડાયેલાં છે. ચીની દેવાના કારણે ભયાનક આર્થિક કટોકટીમાં સપડાયેલા શ્રીલંકાને ભારતે મોટી સહાય કરી હોવા છતાં ચીનની મનમાની સામે શ્રીલંકા મજબૂર બની ગયો છે. ભારતે શ્રીલંકાને તાજેતરમાં જ એક ડોર્નિયર વિમાનની ભેટ આપી અને ચીની જાસૂસી જહાજને હમ્બનટોટા બંદર પર લાંગરવાની પરવાનગી ન આપવા જણાવ્યું તેમ છતાં શ્રીલંકાએ ચીની જહાજને લાંગરવાની પરવાનગી આપી તેથી ભારતની સુરક્ષા પર મોટો સવાલ સર્જાયો હતો. આ ચીની જાસૂસી વિમાન 720 કિમીના દાયરામાં વ્યાપક જાસૂસી કરવાની ક્ષમતા ધરાવે છે.
ચીની દેવાની જાળમાં ફસાયેલા પાકિસ્તાને ચીની કંપનીઓને 300 બિલિયન પાકિસ્તાની રૂપિયાની ઉધારી ચૂકવવાની છે. પાકિસ્તાનનું નાક દબાવવા માટે ચીની કંપનીઓ પઠાણી ઉઘરાણી કરવાની સાથે તેમના દ્વારા સંચાલિત તમામ પાવર પ્લાન્ટ બંધ કરવાની ધમકી આપી રહી છે. આ સ્થિતિનો લાભ લઇને ચીન પાકિસ્તાન પર દબાણ કરી રહ્યો છે. ચીને પાકિસ્તાનને જણાવ્યું છે કે શીત યુદ્ધ દરમિયાન પાકિસ્તાને તેની ધરતી પર અમેરિકી સેનાની તહેનાતી કરવાની પરવાનગી આપી હતી. હવે તે સુવિધા પાકિસ્તાને ચીનને આપવી જોઇએ. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ચીની પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. બોસ્તાન ઇન્ડસ્ટ્રીયલ ઝોન, ગ્વાદર પોર્ટ, સ્પેશિયલ ઝોન-1 અને સ્પેશિયલ ઝોન 2, અવારન, ખુઝદાર, હોશાબ અને તુરબત વિસ્તારોમાં ચીની કંપનીઓ અડંગો જમાવીને બેઠી છે. ભારતને ચિંતા ઉપજાવે તેવી રીતે ચીન પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરના ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં પણ પોતાના પ્રોજેક્ટની સુરક્ષાના બહાને ચીની સૈનિક ટુકડીઓ તહેનાત કરવા માગે છે. પીઓકેમાં ચીની પ્રોજેક્ટોનો ભારત હંમેશથી વિરોધ કરતો આવ્યો છે પરંતુ પાકિસ્તાને ચીની કંપનીઓને પીઓકેમાં પરવાનગી આપીને ચીનને વિવાદાસ્પદ વિસ્તારમાં એન્ટ્રી આપી દીધી છે.ચીન પાકિસ્તાનને ચોખ્ખું કહી રહ્યોછે કે અમને પાકિસ્તાની સેના પર વિશ્વાસ નથી. ચીની સેનાની પીઓકે અને પાકિસ્તાનમાં અન્યત્ર તહેનાતી ભારત માટે મોટી ચિંતાનો વિષય છે.
બીજીતરફ ચીને હોર્ન ઓફ આફ્રિકા ગણાતા જિબૌતી ખાતે સ્થાપેલું નૌકામથક સંપુર્ણ કાર્યરત થઇ ગયું છે. આ મથક હિંદ મહાસાગરમાં તહેનાત કરાયેલા ચીની યુદ્ધજહાજોને સહાય કરશે. જિબૌતી ખાતેનું નેવલ બેઝ ચીનનું વિદેશમાં સ્થપાયેલું સૌપ્રથમ નેવલ બેઝ છે. 2016થી તૈયાર થઇ રહેલા આ નેવલ બેઝ પર ચીને 590 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. જિબૌતી પણ ચીનની દેવાજાળમાં ફસાયેલો દેશ છે. આ દેશના માથે જીડીપીના 70 ટકા જેટલું ચીની દેવું છે. જિબૌતીમાં ચીની નેવલ મથક સક્રિય થવાના કારણે હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં ચીની દખલમાં વધારો થશે. એકતરફ પાકિસ્તાનના ગ્વાદર બંદર ખાતે પણ ચીન પોતાની સેનાઓ તહેનાત કરવા ઇચ્છે છે તેથી હવે ભારતની પશ્ચિમ સરહદો પર પાકિસ્તાન ઉપરાંત ચીની સેનાનો પણ ખતરો સર્જાયો છે. ભારતીય નેવીના પૂર્વ વડા એડમિરલ અરુણ પ્રકાશે જણાવ્યું છે કે ભારત સરકારે ચીનના સમુદ્રી ઇરાદા અને ક્ષમતાઓ અંગે ભ્રમમાં રહેવું જોઇએ નહીં. ચીને હિંદ મહાસાગરમાં પગદંડો જમાવવા માટે જિબૌતીમાં નેવીનું મથક તૈયાર કર્યું છે. આ મથક હિંદ મહાસાગરમાં આવેલા ફક્ત અમેરિકાના જ નહીં પરંતુ ભારતના નૌકામથકો સામે પણ ગંભીર પડકાર સર્જશે.