પાકિસ્તાનમાં માનવ અધિકારોનું હનન

કપિલ દૂદકીઆ Wednesday 16th October 2024 03:14 EDT
 
 

પાર્લામેન્ટમાં સાંસદ કાર્લા લોકહાર્ટની યજમાનીમાં અને એશિયન હ્યુમન રાઈટ્સ ફોરમના આરિફ આજકીઆના વડપણ હેઠળ 8 ઓગસ્ટે આયોજિત મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા મને આમંત્રણ અપાયું હતું. મને ખાતરી જ છે કે તમારામાંથી મોટા ભાગના લોકોને પાકિસ્તાન આતંકવાદી રાષ્ટ્ર હોવા વિશે જાણકારી છે. આ એવો દેશ પણ છે જે પોતાના જ નાગરિકોનું અત્યંત ક્રૂરતા સાથે શોષણ કરે છે. પાકિસ્તાનના જ લોકો દ્વારા કોન્ફરન્સનું આયોજન કરાયું હતું તે તેમની હદ પારની મજબૂરી દર્શાવે છે કે તેમનો દેશ છેક 1947થી સરમુખ્યારોના હાથમાં રહેલો છે અને નિષ્ફળ રાષ્ટ્ર છે.

આ કોન્ફરન્સમાં વક્તાઓ આ મુજબના હતાઃ

મિસ કાર્લા લોકહાર્ટ MP (DUP)

મિ. ડેવિડ વાન્સ, બ્રિટિશ જર્નાલિસ્ટ

મિ. મેહરાન બલોચ, માનવ અધિકારોના રક્ષક અને બલૂચિસ્તાનના પ્રતિનિધિ

ડો. શબીર ચૌધરી, લેખક તેમજ પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરના કાશ્મીરી નેતા

ડો. લખુમલ લુહાણા, વર્લ્ડ સિંધ કોંગ્રેસના જનરલ સેક્રેટરી

મિ. રોશન ખટ્ટક, પખ્તૂન પ્રતિનિધિ અને લંડનમાં PhD ના સ્ટૂડન્ટ

કોન્ફરન્સનું સંચાલન કરી રહેલા આરિફે આરંભમાં જ વિસ્ફોટક નીરિક્ષણ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની રચના કૃત્રિમપણે ધર્મના નામ પર કરવામાં આવી હતી. વિચિત્રતા તો એ છે કે તેના સંબંધિત નિર્ણય આ જ બિલ્ડિંગ, હાઉસ ઓફ પાર્લામેન્ટમાં લેવાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનના આતંકવાદી પંજાબી આર્મીના સૌથી મોટા સમર્થકો બ્રિટન અને યુએસએ દ્વારા પાકિસ્તાનમાં મૂળભૂત માનવ અધિકારોની પુનઃસ્થાપનાની ગેરંટી આપવામાં આવે તેનો સમય પાકી ગયો છે.

પાકિસ્તાનમાં પાયાના માનવ અધિકારોની વાત કરીએ ત્યારે સૌપ્રથમ એ સમજી લેવાની જરૂર છે કે માત્ર તમામ લઘુમતી કોમ્યુનિટીઓનું શોષણ થઈ રહ્યું છે તેમ નથી પણ સમગ્ર રાષ્ટ્રો અને લોકો પર પાકિસ્તાન દ્વારા 1947થી ગેરકાયદે કબજો જમાવાયો છે. મેહરાન બલોચ મારી (UNHRC અને EUમાં બલૂચિસ્તાનના પ્રતિનિધિ)એ પાકિસ્તાનના કબજા હેઠળના બલૂચિસ્તાનમાં અત્યંત દયનીય હાલત પર પ્રકાશ પાથરતા કહ્યું હતું કે પાકિસ્તાની પંજાબી આર્મી બલૂચિસ્તાનના કુદરતી સંસાધનોની લૂંટ ચલાવી રહ્યું છે એટલું જ નહિ, બલોચ લોકોનો જનસંહાર પણ ચલાવે છે. તેમણે દરેકને યાદ અપાવી હતી કે બલૂચિસ્તાન કદી પાકિસ્તાનનો હિસ્સો ન હતું. તેના પર કબજો જમાવી લેવાયો છે અને તે આત્મનિર્ણયનો અધિકાર માગી રહ્યું છે.

ડો. શબીર ચૌધરીએ બ્રિટિશ રાજના સમયમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યો તેમજ પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ, કાશ્મીર, ગિલગીટ અને બલૂચિસ્તાનમાં માનવ અધિકારોની વર્તમાન દુર્દશા વિશે વાત કરી હતી. ડો. લખુમલ લુહાણાએ સિંધના કેસની રજૂઆત કરી હતી. તેમણે પાકિસ્તાની સરમુખત્યારશાહીના હાથે સિંધની સંપતિ અને કુદરતી સંસાધનોની ચલાવાતી લૂંટફાટ વિશે પ્રકાશ પાથર્યો હતો. સિંધ પ્રાંતમાં ધર્મના નામે સુનિયોજિત કટ્ટરપંથીકરણના કારણે પ્રાંતની ધાર્મિક લઘુમતીઓની ખરાબ હાલત હોવાનું પણ તેમણે હાઈલાઈટ કર્યું હતું.

પખ્તૂન રાષ્ટ્રવાદી રોશન ખટ્ટકે પખ્તૂન લોકોના શોષણની વિસ્તૃત વિગતો આપી હતી. પાકિસ્તાની લશ્કર દ્વારા રચાયેલા સંખ્યાબંધ આતંકવાદી સંગઠનો બેફામ અને ખુલ્લેઆમ કામગીરી કરતા હોવાની તેમણે પુષ્ટિ કરી હતી.

આરિફે તેમની સમાપન સંબોધનમાં આશા દર્શાવી હતી કે બ્રિટન અને અન્ય આંતરરાષ્ટ્રીય સત્તાઓ પાકિસ્તાનની પંજાબી આર્મી દ્વારા જેમની ભૂમિ પર કબજો જમાવાયેલો છે તેવા સિંધીઓ, બલૂચો અને પખ્તૂનોની દયાજનક હાલત તરફ ધ્યાન આપશે.

સાંસદ મિસ કાર્લા લોકહાર્ટે તેમના સમાપન નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજમાં પાયાગત માનવ અધિકારો પૂરાં પાડવા તે મૂળભૂત બાબત છે અને આપણે, બ્રિટિશ પાર્લામેન્ટે વિશ્વના તમામ હિસ્સા-વિસ્તારમાં માનવ અધિકારોના મુદ્દે હંમેશાં ખડાં રહેવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે તેઓ ‘ગ્રોસ હ્યુમન રાઈટ્સ વાયોલેશન્સ ઈન પાકિસ્તાન’ના મથાળા સાથે એશિયન હ્યુમન રાઈટ્સ ફોરમ દ્વારા જારી પુસ્તિકામાં રજૂ કરાયેલા પાકિસ્તાનમાં માનવ અધિકારોના હનનનો અભ્યાસ કરી રહ્યાં છે.

આ રિપોર્ટ પાકિસ્તાનની ધાર્મિક લઘુમતીઓ વિશે જણાવે છે કે,‘પાકિસ્તાનમાં ક્રિશ્ચિયન્સ, હિન્દુઓ, અહેમદીઓ અને અન્યો સહિત ધાર્મિક લઘુમતી સમુદાયો ભેદભાવ, દમન અને હિંસાનો સામનો કરી રહ્યા છે. ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવવા ઈશનિંદા કાયદાઓનો દુરુપયોગ કરાય છે તેમજ ધાર્મિક લઘુમતી સમુદાયો પર ટોળાંશાહી હિંસા અને હુમલાઓની ઘટનાઓ પણ જોવાં મળે છે. ધાર્મિક લઘુમતી સમુદાયોની સગીર બાળાઓના બળજબરીથી ધર્માતરણ દરરોજ થતાં રહે છે. દર વર્ષે હજારો લઘુમતી સગીર બાળાઓનું અપહરણ કરાય છે, બળાત્કારો થાય છે, બળજબરીથી ઈસ્લામમાં ધર્માંતરણ થાય છે અને તેમના બળાત્કારીઓ સાથે બળજબરીથી લગ્ન કરાવી દેવાય છે.’

મેં કાર્લાને સલાહ આપવાની તક ઝડપી લીધી કે પાર્લામેન્ટના મેમ્બર તરીકે તેમની ક્ષમતામાં તેમણે આટલું કરવું જોઈએઃ

a. પાકિસ્તાનમાં માનવ અધિકારોના છડેચોક ઉલ્લંઘનોને હાઈલાઈટ કરતી અર્લી ડે મોશન (EDM) રજૂ કરવી જોઈએ.

b. તેમણે બ્રિટિશ સરકાર કોઈ પણ સહાય પેકેજના ભાગરૂપે પાકિસ્તાન આ માનવ અધિકારોના શોષણોને નાબૂદ કરવા પ્રોએક્ટિવ અને ચકાસી શકાય તેવી એક્શન લેશે તેવી ખાતરી કેવી રીતે મેળવશે તેનો વિગતવાર ખુલાસો મેળવવાં સંબંધિત મિનિસ્ટરને લખવું જોઈએ.

હું આ પણ ઉમેરીશઃ

c. તેમણે બલૂચિસ્તાન અને સિંધને આત્મનિર્ણય માટે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર કરવા પ્રાઈમ મિનિસ્ટરને જણાવવું જોઈએ.

d. તેમણે પ્રાઈમ મિનિસ્ટરને 26 ઓક્ટોબર 1947ના દિવસે ભારત સાથે કાયદેસર જોડાણને ધ્યાનમાં રાખી પાકિસ્તાનના કબજા હેઠળનું જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો હોવાનું જાહેર કરવા જણાવવું જોઈએ. આખરે તો દિવંગત લોર્ડ માઉન્ટબેટને હર મેજેસ્ટીના વતી તેના પર સહીસિક્કા કર્યા હતા. આનો અર્થ એ કે સમગ્ર જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો હોવાની બ્રિટનની કાનૂની પોઝિશન જાહેર કરી જ દેવાયેલી છે!

મારે આરિફ અને તેમની ટીમની, જેમાંથી મોટા ભાગના પાકિસ્તાની મૂળના છે તેમની પ્રશંસા કરવી જ રહી કે તેમણે આ અતિ મહત્ત્વના મુદ્દાઓ ઉઠાવવામાં ભારે હિંમત દર્શાવી છે. હું જાણું છું કે જેઓ પાકિસ્તાન વિશે સત્યનો ઘટસ્ફોટ કરે છે તેમને અને ઘણી વાર માત્ર તેમને જ નહિ, તેમના પરિવારોને પણ હિંસાની ધમકીઓથી કચડી નખાય છે. તેમના દેશને બચાવવાની આ લડાઈમાં તેમની મક્કમતાને પાશ્ચાત્ય દેશોનો સક્રિય સપોર્ટ મળે તેની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter