પાટીદારો સાહસિક છે, પણ દુઃસાહસ ના કરે

દેવેન્દ્ર પટેલ Tuesday 01st February 2022 06:58 EST
 
 

ગુજરાતના કલોલ પાસેના એક ગામના પાટીદાર પરિવારના કેટલાક સભ્યો કેનેડાની સરહદેથી ગેરકાયદે અમેરિકાની બોર્ડરમાં પ્રવેશતી વખતે માઈનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાઈને મોતને ભેટયા. આ એક હૃદયદ્રાવક કરુણાંતિકા છે. આ કોઈ પહેલી જ ઘટના નથી. આવી તો અનેક હોરર સ્ટોરીઝ ઈતિહાસના ગર્ભમાં છુપાયેલી છે. માત્ર કેનેડાની જ નહીં પરંતુ મેક્સિકોની બોર્ડર પણ ગેરકાયદે અમેરિકાની સરહદમાં પ્રવેશવા માટે કાર્યરત છે અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ મેક્સિકનો અને સ્પેનિયાર્ડસ પણ મેક્સિકોની સરહદે પ્રવેશતાં સર્જાયેલી વિભિષિકાઓ પર અંગ્રેજીમાં ફિલ્મો પણ બની છે.
આ વિષય ન્યૂઝ ચેનલ્સ પર ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ ભારતીયોએ અને ખાસ કરીને ગુજરાતીઓએ દેશ છોડીને ના જવું જોઈએ તેવી સલાહો આપનારાઓ ઇમિગ્રેશનનો ઈતિહાસ જાણતા નથી. અહીં આ લેખ રોજીરોટી માટે અન્ય દેશોમાં જતા સાહસિકોને બિરદાવવા માટે છે, પરંતુ દુઃસાહસ કરનારાઓને પ્રોત્સાહન માટે નહીં. યાદ રહે કે ભારતની આજની આર્ય પ્રજા ખુદ હજારો વર્ષ પૂર્વે રશિયાના ઉઝબેકિસ્તાનથી રોજીરોટી માટે ભારત આવી હતી. આર્યો પશ્ચિમ દક્ષિણ એશિયામાંથી નીકળીને પશ્ચિમ એશિયા (મેસોપોરિઇયા) પહોંચ્યા હતા.
અફઘાનિસ્તાનની પેલે પારથી ખૈબરઘાટનાં રસ્તે પંજાબના સપ્તસિંધુ પ્રદેશમાં આવીને વસેલા કૂર્મી ક્ષત્રિયો પંજાબ પર અનેક આક્રમણો થતાં ક્રમશઃ હરિયાણા, રાજસ્થાન થઈ ગુજરાત આવીને વસ્યા. કેટલાક ઉત્તર ભારત, બિહાર, ઓડિશા અને કર્ણાટકથી માંડીને મહારાષ્ટ્ર સુધી ગયા. આજે લાખો પાટીદારો યુરોપ અને અમેરિકામાં વસે છે. લંડન, ન્યૂ યોર્ક કે શિકાગોની ટેલિફોન ડિરેકટરીમાં ‘પટેલ’ અટકથી શરૂ થતાં નામોથી પાનાં ને પાનાં ભરેલા હોય છે.
આજથી ૪૦૦ વર્ષ પૂર્વે ખેડા જિલ્લાના પાટીદારો સઢવાળાં વહાણોમાં બેસીને આફ્રિકા ગયા હતા. એ જમાનામાં ટપાલ પણ નહોતી. તેથી કોઈ પટેલ છ મહિને પાછો આવે ત્યારે સઢવાળાં વહાણમાં બેસીને ગયેલી વ્યક્તિ પહોંચ્યાના સમાચાર આપતો.
પાટીદાર એક સાહસિક જ્ઞાતિ છે. પાટીદાર હવે માત્ર ખેડૂત જ રહ્યો નથી. પાટીદાર એક સારો બિઝનેસમેન છે, સારો ઉદ્યોગપતિ છે, સારો ડોકટર કે ધારાશાસ્ત્રી પણ છે. પાટીદાર રાજકારણી પણ છે. લેખક અને સાહિત્યકાર પણ છે. દુનિયાનો કોઈ એવો દેશ નથી કે જ્યાં પાટીદાર વસતો ના હોય.
ખેડા જિલ્લાના પાટીદારો મુખ્યત્વે આફ્રિકા અને બ્રિટનમાં સ્થાયી થયા છે. મહેસાણા જિલ્લાના પાટીદારો મુખ્યત્વે અમેરિકામાં સ્થાયી થયા છે. તેઓ જ્યાં ગયા છે ત્યારે ભારે પરિશ્રમ કરીને નાણું અને નામના કમાયા છે. પાટીદારોની સફળતા તેમનો ઉદ્યમ છે. પાટીદાર યુવક કે યુવતીને આળસ નથી. સવારે ચાર વાગે ઊઠીને તે દૂર દૂર સુધી કાર ચલાવી ન્યૂ યોર્ક કે ફિલાડેલ્ફિયામાં તેનો સ્ટોર ખોલે છે. રાતના આઠ વાગ્યા સુધી ઊભા ઊભા કામ કરે છે. શનિ-રવિવારે વીકએન્ડમાં દરિયાના બીચ પર જઈ બિયરના ઘૂંટ મારી પૈસા ઉડાવી દેતો નથી. બલ્કે પૈસો બચાવે છે. પાટીદાર યુવતી બે-ત્રણ મહિને બચાવેલા પૈસામાંથી સોનાની ચેઈન ખરીદવાનું પસંદ કરે છે. સખત મહેનત એ જ તેમની સફળતાનું રહસ્ય છે.
અમેરિકા વિશ્વની મહાસત્તા છે. વર્ષોથી ગુજરાતીઓને જ નહીં, પરંતુ વિશ્વના તમામ દેશોના લોકોને અમેરિકા જવાનો મોહ છે. અમેરિકા એ કમાવા માટેની વિશાળ તકોનો દેશ છે. ગુજરાતના સાહસિક પટેલો વર્ષોથી અમેરિકા જઈ સ્થિર થયા છે. અમેરિકા જઈ વસેલા પાટીદારો અંગે ડો. મફતભાઈ પટેલે સંશોધન કર્યું છે. તેમણે પ્રસ્તુત કરેલી રસપ્રદ માહિતી આ પ્રમાણે છેઃ અમેરિકા ૯૯,૭૬,૧૩૯ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો દેશ છે. જ્યારે ભારત ૩૨,૮૭,૭૮૨ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે.
અમેરિકામાં બે તબક્કે આગમન
પાટીદારોનો પ્રથમ તબક્કો તો આફ્રિકા, બર્મામાં શરૂ થયો. ત્યારબાદ ઈંગ્લેન્ડ તરફ આગમન થયું ને પછી અમેરિકા તરફ. અમેરિકામાં પાટીદારોને બે તબક્કામાં આવ્યા. ૧૮૨૦થી માંડીને ૧૯૬૫ સુધીનો એક તબક્કો ગણાય અને ૧૯૬૫ પછી બીજો. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતના દાયકાઓમાં આવેલા પાટીદારોમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ હતા. થોડાક પટેલ બ્રિટિશ હકૂમતમાંથી છૂટવા માટે ભાગીને અહીં આવેલા.
૧૮૨૦થી ૧૯૪૬ સુધીના ગાળામાં અમેરિકામાં ન પ્રવેશી શકાય તેવા અમેરિકન સરકારના કાયદાઓ હતા. ભણવા માટે પણ અમેરિકામાં આવવા દેવામાં આવતું ન હતું. વિશિષ્ટ ડિગ્રીઓ મેળવવા માટે ઈંગ્લેન્ડ જતા હતા, કારણ કે બ્રિટિશરોનું રાજ્ય હોવાથી ઈંગ્લેન્ડ તરફનું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું હતું. ૧૮૨૦થી ૧૯૪૬ દરમિયાન અમેરિકામાં ગયેલા લગભગ દસ હજાર ભારતીયોમાંથી માત્ર ૧૫૦૦ જેટલા ટકી શકેલા બાકીના બધા જ ભારત પાછા આવેલા, પણ આઝાદી પછી ૧૯૪૭માં અમેરિકામાં ભારતીયોને આવવા માટેની છૂટછાટ અપાઈ, જેના લીધે ૧૯૬૫ સુધી ૬૦૦૦ જેટલા ભારતીયોનો વધારો થયો. તેમાં પાટીદારોની સંખ્યામાં ૧૨૦૦થી ૧૫૦૦ની હતી.
૧૯૬૫ પછી પાટીદાર યુવાનો અભ્યાસ અર્થે સ્ટુડન્ટ વિઝા લઈને અમેરિકા ગયા. ૧૯૬૫ પછી એક દાયકામાં ૫૦ હજાર જેટલા કુશળ પ્રોફેશનલ્સ ભારતથી અમેરિકા જઈ સ્થાયી થયા તેમાં ડોકટરો, ઈજનેરો, નર્સો, કોમ્પ્યૂટર નિષ્ણાતો અને પ્રાધ્યાપકો પણ હતા. અમેરિકાની ૩૨ કરોડની વસ્તીમાં આજે ૨૦ લાખથી વધુ તો ભારતીયો છે. જેમાં ૧૦ લાખ તો માત્ર પાટીદારો જ છે.
ન્યૂ યોર્ક નજીક આવેલું ન્યૂ જર્સી ગુજરાતીઓનું અને ખાસ કરીને પાટીદારોનું મુખ્ય રહેઠાણ છે. સિકાક્સમાં તો સ્વામીનારાયણ મંદિર પણ છે. બીજા અનેક હિંદુ મંદિરો અને જૈન સેન્ટર પણ છે. ન્યૂ યોર્કના ક્વીન્સ વિસ્તારમાં જેક્સન હાઈટસ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગુજરાતીઓનું મોટું બજાર છે. અહીં સાડી પેલેસથી માંડીને ઈન્ડિયન ગ્રોસરીની દુકાનો છે. શિકાગોથી માંડીને સાન ફ્રાન્સિસ્કોમાં પણ હજારો ગુજરાતી પરિવારો છે.
શિકાગોમાં ડિવાન નામના એરિયામાં ગુજરાતીઓનું બજાર છે. અહીં એક રોડને તો ગાંધી રોડ એવું નામ આપવામાં આવ્યું છે. ર્જ્યોજિયામાં કૃષ્ણ ભજન મંડળ ચાલે છે. શિકાગોમાં ત્યાં પાટીદાર મંડળ છે. આ ઉપરાંત છ ગામ પાટીદાર મંડળ અને ૨૭ ગામ ચરોતર મંડળ તથા પાંચ ગામ લેઉઆ પાટીદાર મંડળ પણ છે. આ મંડળો સમાજના સ્નેહ સંમેલનોથી માંડીને નવરાત્રિ મહોત્સવો પણ યોજે છે. અમેરિકામાં ૫૦૦થી વધુ મંડળો ભારતીયો ચલાવે છે.
માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ યુકેમાં પણ ભારતીયોની અને ખાસ કરીને ગુજરાતના પાટીદારોની મોટી વસ્તી સ્થાયી થઈ છે. પાટીદારો માત્ર નોકરી-ધંધામાં જ નહીં પરંતુ રાજકીય ફલક પર પણ આગળ આવ્યા છે. યુકેમાં પ્રીતિ પટેલ આજે બ્રિટનનાં ગૃહમંત્રી છે. લતા પટેલ પણ લંડનમાં મેયરપદે રહી ચૂક્યાં છે. લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ નવનીત ધોળકિયા પણ યુકેની પાર્લમેન્ટનાં ઉપલા ગૃહમાં લોર્ડનું સ્થાન શોભાવી ચૂક્યાં છે. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ પણ ભારતીય માતાનું જ સંતાન છે. શિકાગોમાં સ્થાયી થયેલા ઠાકોરભાઈ પટેલ એક અમેરિકાસ્થિત પીઢ પત્રકાર હતા, તેઓ અમેરિકાથી બહાર પડતાં ‘ઈન્ડિયા અબ્રોડ’ અને ‘ગુજરાત ટાઈમ્સના’ પત્રકાર હતા. પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ પણ તેમના મહેમાન બનતા. પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને પણ તેમણે અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું.
યાદ રહે કે અમેરિકામાં સહુથી વધુ ધન ને સંપત્તિ યહૂદીઓ પાસે છે તે પછી અમેરિકામાં આર્થિક રીતે કોઈ સુખી હોય તો તે ગુજરાતીઓ અને ખાસ કરીને પાટીદારો છે.
આટલી પશ્ચિમ ભૂમિકા પછી ફરી પાટીદારોની વ્યથા પર આવીએ. કેટલાક લોકો કહે છે કે ભારતમાંથી બ્રેઈન ડ્રેઈન થઈ રહ્યું છે. પણ એનું કારણ કોઈએ શોધ્યું?
આજે અમેરિકામાં હેડ ક્વાર્ટર ધરાવતી કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓના સીઈઓ તરીકે ભારતીયો છે. અમેરિકાને કન્ટ્રી ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે કે કારકિર્દી બનાવવાની તકો પૂરી પાડતા દેશ તરીકે ઓળખવામાં આવે છે. એ કારણ અમેરિકા ખુદ ઇમિગ્રન્ટ્સનો એટલે કે વસાહતીઓનો દેશ છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખો, જ્યોર્જ વોશિંગ્ટન, પ્રેસિડેન્ટ રુઝવેલ્ટ, પ્રેસિડેન્ટ કેનેડી, પ્રેસિડેન્ટ લિન્ડન બી જહોનસન, પ્રેસિડેન્ટ ક્લિન્ટન, પ્રેસિડેન્ટ બુશ, અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને હાલના પ્રેસિડેન્ટ જો બાઈડેનના પૂર્વજો પણ યુરોપથી આવ્યા હતા.
અમેરિકામાં હાલ વસ્તી ગોરીપ્રજા ખુદ વસાહતી એટલે કે ઇમિગ્રન્ટ્સ છે. સેંકડો વર્ષો પૂર્વ બ્રિટન, ફ્રાન્સ, સ્પેન, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડથી માંડીને ઈટાલીમાં વસતા ગોરાઓને આર્થિક, સામાજિક, રાજકીય કારણો તથા રાજકીય અસ્થિરતાથી બચવા ‘મેફલાવર’ નામના વહાણમાં બેસી રોજી-રોટી અને સલામતીની તલાશ માટે અમેરિકા આવવું પડયુ હતું. અમેરિકાની ભૂમિ ગોરાઓની હતી જ નહીં. અમેરિકા તો રેડ ઈન્ડિયન્સની ભૂમિ હતી. ગોરાઓએ અમેરિકાની ફળદ્રુપ ભૂમિનો કબજો લઈ લઈને રેડ ઈન્ડિયન્સને હાંસિયામાં ધકેલી દીધા હતા. આ ઘટનાના ઘણા વર્ષો બાદ ભારતીયો અમેરિકા ગયા. ભારતીયો પણ ગોરાઓની જેમ જ ઇમિગ્રન્ટ્સ એટલે કે વસાહતીઓ છે.
‘કબૂતરબાજી’નો ભાવ થયો છે રૂ. ૧ કરોડ
હવે આ પરિસ્થિતિમાં ગોરાઓને જો અમેરિકામાં વસવાનો હક્ક હોય તો ભારતીયોને કેમ નહીં. શરત એટલી છે કે ગેરકાયદે અમેરિકામાં વસવાના કોઈનેય અધિકાર નથી. ગેરકાયદે અમેરિકા જવું પણ ના જઈએ. કલોલ પાસેના ડિંગુચા ગામના પાટીદાર પરિવારની કરુણાંતિકા જેટલી હૃદયદ્રાવક છે. એટલી જ આંખ ઉઘાડનારી પણ છે. એક સમયે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનો ભાવ રૂ. ૧૦ લાખ હતો તે હવે રૂ. એક કરોડ સુધી પહોંચ્યો છે. આ ધંધાને કબૂતરબાજી કહેવામાં આવે છે. આવા કબૂતરબાજો રોજીરોટીની તલાશ અને સારા જીવનની ખેવના રાખતા ગુજરાતી પરિવારો સાથે છેતરપિંડી કરે છે અને એ માટેના એજન્ટો ગુજરાતમાં પણ છે.
અમેરિકાથી કે કેનેડાથી બોગસ સ્પોન્સર લેટર્સ મંગાવી વિઝિટર વિઝા પર તેમને અમેરિકા ઘુસાડી દે છે અને પછી તેઓ વર્ષો સુધી ગેરકાયદે અમેરિકામાં રહી સંઘર્ષ કરતા રહે છે. તેમને કાયદેસરની નોકરી મળતી ના હોઈ હોટલોમાં કે રેસ્ટોરાંમાં સાફસફાઈ કે વેઈટર જેવી નોકરી કરવી પડે છે. આ એક કમનસીબી છે. યાદ રહે કે જે લોકો એક કરોડ રૂપિયા ખર્ચીને ગેરકાયદે અમેરિકા જાય છે. તેઓ ૫૦ કે ૧૦૦ કરોડના આસામીઓ હોતા નથી. એ બિચારા બેટર અને ક્વોલિટી લાઈફની શોધમાં તેમની પાસેની ટૂંકી જમીનના ટૂકડા વેચીને કે ઘરેણાં વેચીને જાય છે.
કારણ?
ભારતમાંથી બુદ્ધિધન ઘસડાઈ ના જવું જોઈએ તેવી સલાહ આપનારા ટીવી ડીબેટના નિષ્ણાતો પહેલા શિક્ષિત યુવાનોને તેમના મેરિટસ પ્રમાણે નોકરી કે રોજી આપવાના ઉપાયો બતાવે. હા, એક વાતનો ફરી ઉલ્લેખ જરૂરી છે કે ગુજરાતીઓ વેપાર-ધંધા કે રોજી માટે સાહસિક કદમ જરૂર ઉઠાવે પણ દુઃસાહસ કદી ના કરે. આવું દુઃસાહસ ચાલુ જ રહેશે તો ડિંગુચાના પરિવાર સાથે ઘટેલી કરુણ ઘટનાનું ફરી પુનરાવર્તન થઈ શકે છે. અહીં એ લખવું પણ જરૂરી છે કે ડિંગુચાના પરિવારની કરુણ ઘટના બાદ પાટીદારોની નોકરીઓમાં અનામતની માંગણી બળવત્તર બની શકે છે. જે જ્ઞાતિઓને અનામત મળે છે તે જોગવાઈઓ યથાવત્ રાખીને પાટીદારો સહિત બ્રાહ્મણો, વણિકો અને બીજા રહી ગયેલા વર્ગોને પણ અનામત મળવી જોઈએ એવી લાગણી પ્રબળ બની શકે છે. (સૌજન્યઃ ‘સંદેશ’)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter