પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...

આપણી કવિતાનો અમર વારસો...

- હરીન્દ્ર દવે Wednesday 16th October 2024 03:02 EDT
 
 

આ સપ્તાહે હરીન્દ્ર દવે...

• જન્મઃ 19-09-1930 • નિધનઃ 29-3-1995

મુખ્યત્વે કવિ. રાધા-કૃષ્ણની કવિતા એમનો ગીતવિશેષ. પત્રકાર, નવલકથાકાર, નિબંધનકાર, વિવેચક, અનેક કાવ્યાનુવાદો કર્યા અને અનેક નવલકથાઓનાં અનુવાદો પણ. અભિવ્યક્તિની નજાકત એમની કવિતાના સ્વભાવમાં પણ રહી. ‘ચાલ, વરસાદની મોસમ છે’ સમગ્ર કાવ્યસંગ્રહ.

•••

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter