પાપોનું પ્રાયશ્ચિત કરી પુણ્ય કર્મ બાંધવાનું પર્વ : પર્યુષણ

પર્વવિશેષઃ પર્યુષણ

- જ્યોત્સના શાહ Wednesday 28th August 2024 06:12 EDT
 
 

(શ્રાવણ વદ ૧૧-૧૨ થી શરૂ થતાં પર્યુષણનો છેલ્લો દિવસ સંવત્સરી ભાદરવા સુદ ચોથ - ગણેશ ચતુર્થીના રોજ આવે છે. શ્વેતામ્બર જૈન, સ્થાનકવાસી જૈનો આઠ દિવસ પર્યુષણની આરાધના કરે છે જ્યારે દિગમ્બર જૈનો અને તેરાપંથી દસ દિવસ ધર્મની આરાધના કરે છે જેને દશલક્ષણી પર્વ કહેવાય છે. દેશવિદેશમાં વસતાં જૈનો પર્યુષણ પર્વની ઉજવણી હોંશે હોંશે ધર્મ-ધ્યાનપૂર્વક કરે છે. અહિંસા ધર્મનું પાલન અને ક્ષમાપનાનો સંદેશ વિશ્વભરમાં ફેલાવી શાંતિ અને મૈત્રીને પ્રાધાન્ય આપે છે. ચિત્રભાનુ મહારાજનું ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુંજ હૈયામાં વહ્યા કરો, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહો…’ ની ઉદાત્ત ભાવના ભાવતા પર્યુષણ પર્વના આગમનને વધાવીએ.)
બધા જ પર્વોમાં એક અનોખો સંદેશ લઇને આવતા પર્યુષણપર્વને ‘પર્વાધિરાજ’ કહેવામાં આવે છે. એના આગમનનો આનંદ અલૌકિક હોય છે. લૌકિક સુખમાં ક્ષણિક આનંદની અનુભૂતિ થાય છે પરંતુ જ્યારે વેર-ઝેર, લોભ-મોહ, કામ-ક્રોધ, માન-સમ્માન, અહમ્…જેવા આંતર શત્રુઓ પર વિજય મેળવી મન નિર્મળ બનાવવાની દિશામાં આગેકૂચ કરીએ તો મનને મળતા સુખ-શાતા-સંતોષ શાશ્વત શાંતિદાતા બને છે.
આજે નાના-મોટા સૌ કોઇના મુખે સ્ટ્રેસ/તાણ અનુભવતા હોવાના સમાચાર સંભળાય છે. એમાંથી માનવ જાતને બહાર કાઢવા વૈજ્ઞાનિકો કે સંશોધકો ઘણું સંશોધન કરે છે. એના તારણમાં જણાયું કે, મન પરનો બોજો હળવો કરવા જાણતાં-અજાણતાં કોઇનું દિલ દુભાવ્યું હોય તો મનમાં એ ઘૂમરાયા જ કરતું હોય છે. એમાંથી મૂક્ત થવા ભૂલ કબૂલ કરી આમને-સામને ખરા દિલથી માફી માગી લઇએ તો હળવાશ અનુભવાશે. મનનો બોજો હળવો થતાં માનસિક સંતાપ દૂર થશે. દુનિયાના કોઇ ધર્મમાં આવો ક્ષમાપનાનો તહેવાર નહિ હોય જેમાં તમે એકબીજાની માફી માગી મનને નિર્મળ બનાવી શકો! ક્ષમાપના એ પર્યુષણ પર્વનો પ્રાણ છે. હવે માનસશાસ્ત્રીઓ પણ ક્ષમાની લેવડ-દેવડથી તાણ દૂર થવાનું કબૂલે છે. જૈનો પૂરતી જ આ પરંપરા સીમિત નથી! સૌ કોઇએ માફીનું પર્વ ઉજવવા જેવું છે. ભારતીય સંસ્કૃતિની આ મોંઘીંમૂલી દેન છે.
એ જ રીતે ‘અહિંસા પરમો ધર્મ’ એ જૈન ધર્મનું સૂત્ર છે. અહિંસા એ માત્ર હાથ કે હથિયારની નહિ પરંતુ, મન, વચન, કાયાથી જાણતા કે અજાણતા હિંસા ન કરવાનો સંદેશ આપે છે. એ સાથે જ નાનામાં નાના જીવ પ્રત્યે અનુકંપા દાખવવાની વાત છે એને બહોળા અર્થમાં વિચારીએ તો એમાં પર્યાવરણ બચાવવાની પણ વાત છે. આજે દુનિયામાં પર્યાવરણનો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે કંઇ કેટલાય પંખી-પશુ-પ્રાણીની જાતો નષ્ટ થઇ રહી છે એ બચાવવાની વાત છે. હમણાં જ મારો પૌત્ર ગ્રીસના એક ટાપુ પર કાચબાનું રક્ષણ કરવા કટિબધ્ધ ચેરિટી માટે એક મહિનો સેવા આપી આવ્યો. જેમાં ટર્ટલ્સ (નાના કાચબાઓ), ખાસ કરીને દરિયા કિનારે જોવા મળે છે તે માછલીની જાળમાં ફસાઇ મૃત્યુ પામતા હોય છે તે નામ:શેષ થતા એને બચાવની કાર્યવાહી થઇ રહી છે એમાં સામેલ થયો હતો. કહેવાનો મતલબ કે પ્રાણી બચાવની પ્રવૃત્તિ માત્ર જૈનોનો જ ઇજારો નથી!
દરેક પ્રાણીને જીવવાનો હક્ક હોય છે અને એ મૂંગા પ્રાણીનું જીવન બચાવવું એ દરેક માનવીની ફરજ છે. ‘જીવો અને જીવવા દો’ જૈન ધર્મના આ સરળ સૂત્રમાં કેટલો વિશાળ ગૂઢાર્થ સમાયેલ છે. આપણો વ્યવહાર પ્રત્યેક સાથે આપણને ગમે તેવો હોવો જોઇએ. આ નાની નાની બાબતોનો ખ્યાલ રાખવો એ જ સાચો ધર્મ છે. જૈન ધર્મ એ વૈજ્ઞાનિક છે, જીવન જીવવાની શૈલીનું માર્ગદર્શન આપે છે. એના અનુસરણથી પૃથ્વી પર મૈત્રીના વાવેતર થશે.
 એ જ રીતે તપ-જપનો મહિમા ગવાયો છે. ઉપવાસ-એકટાણાં કરી તનને નિર્મળ બનાવવાનું છે. આપણા બધા જ ધર્મોમાં ઉપવાસ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સતત ચક્કી ચાલુ રાખવાથી શરીરના અવયવોને આરામ મળતો નથી. પેટને પણ આરામ આપવાની જરૂર છે. ગાંધીજી પણ બીમારીમાં ઉપવાસને મહત્વ આપતા હતા. ઇન્ટરમીડીએટ ઉપવાસ કરવાની સલાહ તો હવે આરોગ્ય તજજ્ઞો પણ આપી રહ્યાં છે અને આપણાંમાંના કેટલાય એને અનુસરી પોતાની તંદુરસ્તી જાળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ જ સરળ વાત જૈન ધર્મમાં પણ કહેવાઇ છે. આપણે આખું વર્ષ જીવનના બે છેડાં મેળવવામાં ભાગદોડ કરી પોતાની જાતને નજર અંદાજ કરતા હોઇએ છીએ ત્યારે વર્ષમાં એક વખત આવતાં પર્યુષણ પર્વ આપણને થોડો પોરો ખાઇ આત્માને ઓળખવાની, અંતરને જાણવાની તક આપે છે. પૂજા-સાધના-સ્વાધ્યાય- તપ-જપ-ભક્તિના માધ્યમથી તન-મનમાં રહેલ દૂષણોને દૂર કરવાથી માનસિક તાપ-સ્ટ્રેસથી મુક્તિ મળે છે. સંતોની વાણી સમતાના પાઠ શીખવે છે.
ગમે એટલા તપ-જપ કરીએ પરંતુ મનને નિર્મળ ના કરી શકીએ તો એ તપ-જપ ફળતાં નથી.
પર્યુષણમાં ઉત્સવના આગમનને વધાવવા કે અંતરનો ઉમંગ દર્શાવવા નવા-નવા કપડાં પહેરી, સાજ સજી હોંશે હોંશે ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા.. દહેરાસરમાં પૂજા કરવા, વ્યાખ્યાન શ્રવણ માટે, સામાજિક-પ્રતિક્રમણ માટે જૈન સમુદાય જાય છે. એ સાથે જ પર્વના મૂળ ભાવને ભૂલવાનો નથી. અંતરઆત્માને ઢંઢોળવાનો છે.
તન-મન સાથે ધનને પણ સન્માર્ગે વાપરવાની તક પર્યુષણ પર્વમાં મળે છે. જીવદયા અને માનવતા કાજે કરાયેલ લક્ષ્મીનો ખર્ચ જીવનને ઉર્ધ્વગામી બનાવે છે. પર્યુષણમાં જીવદયાનું ખાસ ફંડ એકત્ર કરાય છે અને જુદી જુદી ચેરિટીઓમાં એ ફાળવવામાં આવે છે.
જૈનોમાં બોલી બોલવાનો રિવાજ છે જેથી ઉત્સવના ખર્ચ નીકળે એ સમજી શકાય છે. માત્ર નામની પાછળ જવાને બદલે નાણાંનો ઉપયોગ કોઇ ગરીબ યા જરૂરતમંદ બાળકને શિક્ષણ માટે એ રકમ ફાળવીએ તો એક કુટુંબ તરી જાય.
નાણાંની જરૂરત મંદિરમાં બિરાજમાન ભગવાનને નથી. જ્ઞાન મંદિરો, આરોગ્ય મંદિરો, આવાસ મંદિરો ખોલવાની વધુ જરૂર છે. ભગવાને તો સર્વનો ત્યાગ કર્યો છે. માનવસેવાને જ મહત્વ આપ્યું છે. ‘જનસેવા એ જ પ્રભુ સેવા” કહી છે. દિવસના અંતે સત્કાર્ય કરવાનો જે સંતોષ મળશે એ રકમ પોતાની નામના માટે કે જાત પર ઉડાવી દેવામાં નહિ મળે! જરૂરતથી વધારે -દેખાડામાં વેડફાતાં નાણાં પર જો કાબૂ મૂકાય તો કેટલાયના જીવનમાં અજવાળાં પથરાય.
આ પર્યુષણ પર્વમાં સાચા અર્થમાં તન-મન-ધનની શુધ્ધિ કરી એની ઉજવણીને સાર્થક બનાવીએ. સુખ મેળવવા માનવી કેટલાય ફાંફાં મારે છે. મૃગ સુગંધની શોધમાં વન-વન ઘૂમી વળે છે પરંતુ કસ્તૂરી એની નાભિમાં જ હોય છે એનાથી એ અજાણ હોય છે. એના જેવું જ આપણું છે. ફરક એ છે કે, ઇશ્વરે આપણને વિચારવાની બુધ્ધિ આપી છે. સાચા-ખોટા સમજવાનો વિવેક આપ્યો છે. માત્ર ક્રિયા-કાઁડમાં અટવાયા વિના હ્દયમાં દયા-કરૂણાના ભાવ જગાડી માનવતા દીપાવીએ. શાસનનો જયજયકાર થાય એવા કાર્યો કરીએ.
જાણતાં-અજાણતાં મારા વિચાર કે શબ્દોમાં કોઇનું મન દૂભાવ્યું હોય તો અંત: કરણથી માફી માગું છે. મિચ્છામિ દુક્કડમ્.
(પર્યુષણ પર્વની ઉજવણીના વિવિધ કાર્યક્રમોની વિગતો માટે જૂઓ સંસ્થા સમાચાર)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter