સમગ્ર વિશ્વમાં રવિવારથી ખ્રિસ્તી સમુદાય દ્વારા પવિત્ર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો. આ સમગ્ર સપ્તાહ પ્રભ ઇસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જીવનયાત્રાના સાર સમાન રહ્યું હતું. માનવદેહ ધારણ કરીને આવેલા પરમેશ્વર પુત્રે સમગ્ર વિશ્વ પર તેમના અધિકારની વાતો અનેક વાર દોહરાવી અને તેનો ઉલ્લેખ પવિત્ર ધર્મગ્રંથ બાઇબલમાં અનેક વાર જોવા મળે છે.
આજથી લગભગ 2025 વર્ષ પહેલાં આ અધિકારના પ્રતીક સમાન પામ સન્ડેના દિવસે પ્રભુ ઇસુ ખ્રિસ્તે એક રાજવીની જેમ યરૂશાલેમ શહેરમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે યરૂશાલેમની જનતાએ ખજૂરીની ડાળીઓ, વસ્ત્રો બિછાવીને પ્રભુ ઇસુનું એક રાજાની જેમ સ્વાગત કર્યું હતું. જોકે તેમને જનતા આધ્યાત્મિક મસીહા તરીકે ઓછા, પરંતુ રોમન સરકારના તાબામાંથી મુક્ત કરાવનાર મસીહા તરીકે વધુ જોઇ રહી હતી. યરૂશાલેમની જનતા પ્રભુ ઇસુના આધ્યાત્મિક મુક્તિના સંદેશને સમજી જ શકી નહોતી. તેથી થોડા જ દિવસોમાં આ જનતા પ્રભુ ઇસુને વધસ્થંભ પર જડાવવાના પોકારો કરતી પણ જોવા મળી હતી.
પામ સન્ડેથી શરૂ થનારું આ સપ્તાહ પ્રભુ ઇસુ ખ્રિસ્ત સાથે કરાયેલા વિશ્વાસઘાત, તેમણે સહન કરેલી પારાવાર પીડા, વધસ્થંભ પર કરુણ મોત અને ઇસ્ટર સન્ડેના દિવસે પુનરુત્થાનની કહાની છે. આજના અશાંતિથી ખદબદી રહેલા વિશ્વ માટે પણ આ સપ્તાહ નમૂનારૂપ છે. પામ સન્ડેથી શરૂ થયેલી પીડાયાત્રા ઇસ્ટર સન્ડેના દિવસે અનંત જીવનની મહાન આશામાં પરિણમી હતી તેવી જ રીતે આ સપ્તાહ સમગ્ર વિશ્વને ઉદ્ધારની આશા આપી જાય છે.
આ સમગ્ર સપ્તાહ દરમિયાન સોમવાર અને મંગળવારે પ્રભુ ઇસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં રહ્યાં. તત્કાલીન યહૂદી ધાર્મિક આગેવાનોની રૂઢિવાદી પરંપરાઓ અને અન્યાયોને પડકારતાં રહ્યાં તો સાથે સાથે પોતાને સહન કરવી પડનારી પીડા અને યાતના તથા વધસ્થંભ પરના ધૃણાસ્પદ મૃત્યુ અંગે પોતાના શિષ્યોને દ્રષ્ટાંતોમાં ચેતવણી પણ આપતા રહ્યાં હતાં. સાથે સાથે તેમણે પોતાના મૃત્યુ પર વિજયી બનીને પુનરુત્થાનના સીધા સંકેત પણ શિષ્યોને આપ્યાં હતાં.
બુધવારનો દિવસ વિશ્વાસઘાતનો દિવસ રહ્યો. આ દિવસે ઇસુના 12 શિષ્યોમાંના એક યહૂદાએ પોતાના ગુરુનો જ સોદો 30 ચાંદીના સિક્કામાં કરી નાખ્યો હતો. મહત્વની વાત તો એ હતી કે ઇસુ પોતાના શિષ્યના વિશ્વાસઘાત અંગે પહેલેથી જાણતા હતા. દુર્ભાગ્યની વાત તો એ હતી કે આ શિષ્ય ગુરુવારે છેલ્લા ભોજન (લાસ્ટ સપર)માં ઇસુની સાથે રહ્યો હતો. આમ બે દિવસ સુધી એક વિશ્વાસઘાતીના કૃત્યને જાણતા હોવા છતાં તે વ્યક્તિ નજર સામે જ રહ્યો. ગુરુવારે રાત્રે યહૂદાએ ઇસુને પરસ્વાધીન કરાવ્યા. તે આખી રાત યહૂદી ધર્મગુરુઓએ ઇસુને અપમાનિત કર્યાં. વેદના આપી. આમ આ રાત પીડાની સૌથી કારમી રાત બની રહી હતી.
ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી કોર્ટકચેરીનો ઘટનાક્રમ ચાલ્યો. રોમન ગવર્નર પોંતિયુસ પિલાતે પણ પ્રભુ ઇસુની સાથે અન્યાય કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. યહૂદી ધર્મગુરુઓને ખુશ રાખવા ઇસુ પર કોરડાનો માર વરસાવવામાં આવ્યો. માથા પર કાંટાનો તાજ મૂકી યહૂદીઓના રાજા કહીને તિરસ્કાર કરવામાં આવ્યો. પિલાત જાણતો હતો કે ઇસુએ કોઇ અપરાધ કર્યો નથી તેમ છતાં દબાણને વશ થઇ યહૂદી ધર્મગુરુઓને હવાલે કરી દીધાં હતાં. આમ ગુરુવારની રાતથી શુક્રવારની સવાર પારાવાર વેદનાનો સમય રહ્યો હતો.
પવિત્ર સપ્તાહનો શુક્રવાર સમગ્ર માનવજાત માટે સૌથી કરુણ રહ્યો. શારીરિક વેદના અને પીડાની ચરમસીમા વધસ્થંતભ પર જોવા મળી. ઇસુના હાથે પગે ખિલ્લા ઠોકી આડા અને ઊભા લાકડાંના માળખા પર જડી દેવામાં આવ્યાં. યહૂદી ધર્મગુરુઓ સમજતા હતા કે તેઓ તેમના આધિપત્યને પડકારી રહેલા એક યહૂદીનો જ કાંટો કાઢી રહ્યા છે પરંતુ ઇસુની લડાઇ તો શેતાન અને પાપના સામ્રાજ્ય સામેની આધ્યાત્મિક લડાઇ હતી. આટલી અંધકારમય ક્ષણોમાં પણ ઇસુની વધસ્થંભ પરની વાણીઓ અલૌકિક રહી હતી. તેમની પ્રથમ વાણી એ હતી કે હે પરમેશ્વર પિતા, તું તેઓને માફ કર કારણ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. પારાવાર વેદના મધ્યે પણ માફી આપવાની કેટલી મહાન આશા...
આ શુક્રવાર એટલે જ ગૂડ ફ્રાઇડે. બાઇબલ અનુસાર પ્રભુ ઇસુએ સમગ્ર માનવજાતના પાપ માટે વધસ્થંભ પર લોહી વહેવડાવ્યું અને મોત સહન કર્યું. શુક્રવારથી રવિવારની પરોઢ સુધીનો સમય અત્યંત અસંમજસ અને ભયભર્યો રહ્યો. ઇસુના શિષ્યો તેમના ગુરુના ચાલ્યા જવાથી અત્યંત દુઃખી હતા. ઇસુના કાર્યો જોઇને તો તેમને એમ જ લાગતું હતું કે યહૂદી ધર્મગુરુઓ તેમનું કશું બગાડી શકશે નહીં. પરંતુ આટલું કરુણ મોત જોઇને તેઓ પણ ભયભીત બનીને સંતાઇ ગયાં હતાં. ઇસુના વચનો વીસરી ગયાં હતાં. ઇસુએ તેમને કહ્યું હતું કે, હું ત્રીજા દિવસે સજીવન થઇશ, પણ તેમની એ આશા પીંખાઇ ગઇ હતી.
આખરે પાપ પર વિજયનો એ દિવસ આવી પહોંચ્યો. રવિવારે પરોઢિયે ઇસુની નિકટના લોકો પૈકીની કેટલીક મહિલા કબર પર સુગંધી દ્રવ્યો ચડાવવા ગઇ પરંતુ કબર તો ખુલ્લી હતી અને ઇસુ ત્યાં નહોતાં. ઇસુ તો મૃત્યુ પર વિજય મેળવીને પુનરુત્થાન પામ્યા હતાં. આ દિવસ એટલે ઇસ્ટર સન્ડે. પુનરુત્થાન પામ્યા પછી ઇસુએ તેમના શિષ્યો અને નિકટના વ્યક્તિઓને દર્શન આપ્યાં ને તેમની સાથે રહ્યાં. આમ યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશથી શરૂ થયેલા પવિત્ર સપ્તાહનો ઇસ્ટર સન્ડેના દિવસે વિજયવંત પુનરુત્થાન સાથે અંત આવ્યો, પણ તે સમયગાળામાં વિશ્વાસઘાત, પારાવાર પીડા અને વેદના અને અપમાનો પણ ચરમ પર રહ્યાં અને ઇસુએ તે વેઠ્યાં.
આજે યુદ્ધગ્રસ્ત અને અશાંત વિશ્વની માનવજાતને ઇસુના પ્રેમ, સહિષ્ણુતા, શાંતિ અને આશાની તાતી જરૂર છે.