સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં સિંગાપોરમાંથી કર્નલ બનેલા ગિરીશભાઈ કોઠારીને મળતાં, કહે, ‘સિંગાપોરમાં ધનિક ગુજરાતીઓનો પાર નથી પણ નગીનભાઈ એકલા પૈસા કમાવવામાં પડ્યા નથી. પુણ્ય અને પ્રતિષ્ઠાની એમની કમાણીએ સૌને ભાવતા અને ફાવતા બન્યા છે.’
આ નગીનભાઈ દોશી સિંગાપોરમાં વસ્યે સાડા છ દસકા વીત્યા છે. સિંગાપોરમાં એમનાથી પહેલાં સ્થાયી થયેલા જીવતા ગુજરાતી કદાચ બીજા કોઈ નથી. નગીનભાઈ સ્થાનકવાસી જૈન છે. જૈન શબ્દનો અર્થ જે જીતે તે. જાતને જીતનાર. નગીનભાઈએ ગુજરાતીઓના હૃદય પર જીત મેળવી છે.
એમની પાસે મદદની આશાએ આવેલાને નિરાશ થવાનો વારો આવતો નથી. નગીનભાઈ સત્કાર્યના સદા સાથી રહ્યા છે. કદી જૂથબંધીમાં પડ્યા નથી.
નગીનભાઈ પોતે આર્થિક મુશ્કેલીમાં જીવ્યા છે. સતત પુરુષાર્થ કર્યો છે અને કમાણી કરી છે. પુરુષાર્થ એમના જીવનમાં વણાઈ ગયો છે. સિંગાપોરમાં એમણે સ્વપુરુષાર્થે શૂન્યમાંથી સમૃદ્ધિ સર્જી છે. પોતે દુઃખ જોયું છે માટે તે બીજાના દુઃખને સમજી શકે છે અને મદદરૂપ થાય છે. સિંગાપોર કે મલેશિયામાં ગુજરાતીઓની જાહેર પ્રવૃત્તિ માટે, ધર્મસંસ્થાઓ માટે દાન ઉઘરાવવાનું હોય કે ભારતમાં ક્યાંય દુકાળ, અતિવૃષ્ટિ, ધરતીકંપ જેવી આફતો વખતે ફંડ ઉઘરાવવાનું હોય અથવા શિક્ષણસંસ્થા કે હોસ્પિટલ સ્થાપવા કે નભાવવા ફંડ ઉઘરાવવાનું હોય તો નગીનભાઈની મુલાકાત લેનાર કદી નિરાશ ના થાય. આવા ફંડમાં સૌ પ્રથમ પોતાના તરફથી મોટી રકમ મૂકે પછી જ બીજાને કહે તેથી ફંડમાં સારી રકમ થાય. આ રીતે સિંગાપોરમાં આવનાર જાણ્યા કે અજાણ્યા સૌના માટે નગીનભાઈ આધાર બની રહે છે.
સૌરાષ્ટ્રમાં સાડીઓના રંગકામ માટે જાણીતું જેતપુર એ નગીનભાઈના દાદા રેવાશંકરનું વતન. રેવાશંકર તે જમાનામાં ડોક્ટરને ત્યાં કામ કરીને અનુભવે ડોક્ટર થયા હતા.
રેવાશંકરના પુત્ર જયસુખલાલ મેટ્રિક થયેલા. તેઓ મલેશિયાના ઈયો નગરમાં કેશિયર તરીકે રહ્યા પછી બીજા વિશ્વયુદ્ધના આરંભે ૧૯૩૯માં મુંબઈ આવ્યા અને પછીથી અમદાવાદમાં ભાગીદારીમાં કાપડની દુકાન કરી. દુકાન સ્થિર થઈ પણ ૧૯૪૨માં હિંદ છોડોની આખરી લડત શરૂ થઈ. લડત ઊગ્ર બનતાં વિદેશી કાપડનો બહિષ્કાર શરૂ થતાં ભાંગફોડ ચાલી. તોફાનો થયાં તેની દુકાન છ માસ બંધ રાખવી પડી. આ પછી દુકાન ચાલે એવું ના લાગતાં ધંધો સમેટી લીધો. ૧૯૪૩માં મુંબઈ આવીને ભાગીદારીમાં નવી દુકાન કરી પણ ભાગીદારી ના ચાલી. દુકાન બંધ કરીને જયસુખલાલે નસીબ અજમાવવા દેશ છોડીને ઈન્ડોનેશિયા, જાપાન, હોંગકોંગ વગેરેમાં પાંચ વર્ષ કાઢ્યાં.
નસીબે યારી ના આપી અને ભારત પાછા આવ્યા.
સાહસિક જયસુખલાલનાં પત્ની નવલબહેન. આ દંપતીને પાંચ દીકરા અને બે દીકરી એમ સાત સંતાન. દીકરાઓમાં સૌથી મોટા ૧૯૩૧માં જન્મેલા નગીનભાઈ મેટ્રિક થયા. તેમણે ૧૯૪૮માં મુંબઈ આવીને થોડો વખત નોકરી કરી. પછી ફૂટપાથ પર લાકડાની કેબિનમાં કાપડની દુકાન કરી. તે જમાનામાં પાકિસ્તાનમાંથી આવેલા નિરાશ્રિતો આવી દુકાનો કરતા હતા. આવા વેપારથી નવીનભાઈ ઘડાયા. અનેક માણસોને મળવાનું થયું. ઘરાક આવે, ભાવ પૂછે, ભાવ ઘટાડવા માટે રકઝક કરે. વળી ભાતભાતનું કાપડ જોવા માટે કઢાવે. સંખ્યાબંધ કાપડના તાકા ખોલાવે પણ લે નહીં.
એ ખોલેલા તાકાને ફરી વાળવા પડે. આ બધાથી નગીનભાઈને માણસના સ્વભાવની પરખ થઈ. ઘરાકોનો વિશ્વાસ જીતવાની ફાવટ આવી. પછીના જીવનમાં આ ઘડતર ઉપયોગી નીવડવાનું હતું. નાની ઉંમરે ધંધામાં સારું કમાયા.
છતાંય અંતે ધંધો છોડવો પડ્યો. વાણિયાનો દીકરો ફૂટપાથ પર માલ વેચે તો પરિવારની આબરૂ જાય એવું સગાં માને. મા-બાપને તે સાચું લાગ્યું. પરણવા યોગ્ય છોકરો આવો ધંધો કરે તો છોકરીનાં મા-બાપ સંબંધ બાંધતાં અચકાય. આથી પરિવારે આગ્રહ કરીને આ ધંધો છોડાવ્યો.
નગીનભાઈ નિરાશ ના થયા. તેમણે દેશમાં ધંધો ના કરાય તો પરદેશ જવાનો નિર્ણય કર્યો. તે જમાનામાં વિના વિસા લીધે જવાય તેવો પ્રદેશ સિંગાપોર પસંદ કરીને માત્ર ૧૨૦ રૂપિયામાં સ્ટીમરમાં પહોંચ્યા. પહેલાં જ દિવસે કોઈ સરદારજીએ તેમને પ્રથમ વર્ષે ૮૦ ડોલર, બીજા વર્ષે ૧૦૦ અને ત્રીજા વર્ષે ૧૨૦ ડોલર પગારની શરતે નોકરી આપી. વિનયી, મહેનતુ અને પ્રામાણિક એવા નગીનભાઈથી સરદારજી ખુશ રહેતા. નગીનભાઈ અહીં ઘડાયા અને પછી સુરતની સિંગાપોરમાં કાપડ વેચતી કંપનીમાં જોડાયા. અનુભવ થયો અને આત્મશ્રદ્ધા વધી. ૧૯૬૦માં નાનાભાઈ પ્રીતમભાઈ દોશીના ભાગમાં કાર્પેટનો ધંધો કર્યો. પરસ્પર વિશ્વાસ અને આત્મીયતાથી ધંધામાં જામ્યા.
નગીનભાઈએ ત્યારે અનેક માણસોને માલ ઉધાર આપ્યો. ધંધો શીખવ્યો. આજે મલેશિયામાં અને સિંગાપોરમાં તેમની મારફતે ધંધામાં જોડાયેલા અને ફાવીને સમૃદ્ધ થયેલા ઘણા વેપારી છે. તેઓ આજેય સંબંધ રાખે છે અને કહે છે, ‘નગીનભાઈના કારણે અમે આ ધંધામાં આવ્યા અને ફાવ્યાં.’
નગીનભાઈ ૧૯૫૮માં ઉષાબહેનને પરણ્યાં. નગીનભાઈની સામાજિક પ્રતિષ્ઠા વધારવામાં તેમનો મોટો ફાળો છે. નગીનભાઈ વિના ખબર આપ્યે ગમેત્યારે ગમે તેને મહેમાન તરીકે ઘરે લાવે તો ઉષાબહેન મોં ના મચકોડે. ઉમળકાથી આવકારે. નગીનભાઈને સમાજ પ્રત્યે ઘસાવાનો ઉમળકો. ગુજરાતી સમાજ કે જૈન સમાજ - તેઓ નગીનભાઈનો ઉમળકો ઓછો થવા ના દે.
નગીનભાઈ ૨૦ વર્ષ જૈન સમાજના પ્રમુખ રહ્યા. ગુજરાતી સમાજમાં પણ ટ્રસ્ટી અને પ્રમુખ હતા. વીરાયતન સંસ્થા જે જીવદયા, શિક્ષણ, જનસેવા વગેરેને પોષક પ્રવૃત્તિ કરે છે તેના ભારતીય ઉપપ્રમુખ છે, તથા એની આંતરરાષ્ટ્રીય કમિટીના સભ્ય છે. મુનિ સુશીલકુમાર, આચાર્યા ચંદનાશ્રીજી, ચિત્રભાનુ જેવી અનેક વ્યક્તિઓએ તેમનું આતિથ્ય માણ્યું છે. નમ્રતા અને મદદતત્પરતા જેવા ગુણોથી શોભતા નગીનભાઈ દોશીની ઓફિસના ખૂણામાં મૂકાયેલા તેમના એક સન્માનપત્રમાં લખાયેલું છેઃ ‘ભલે હોય સિંગાપોરમાં સદન તોય શું ભૂલાય વહાલું વતન? જે ધૂળમાં ઘડાયું તન, તે જ ધરતીને સુપ્રત ધન.’
નગીનભાઈએ વર્ષો પહેલાં જૈનભવન બંધાવવા ૪૫ લાખ રૂપિયા આપ્યા હતા. આજની રીતે તે કરોડો રૂપિયા થાય. માતા નવલબહેન અને પિતાની સ્મૃતિમાં જેતપુરના સ્થાનકવાસી સંઘને તેમણે દાન આપ્યું છે. ભારત, મલેશિયા અને સિંગાપોરમાં એમનાં મોટાં દાન છે. નગીનભાઈની ઓફિસમાં મહાત્મા ગાંધી, શ્રીમદ્ રાજચંદ્ર અને ૧૮૯૨માં શિકાગોની વિશ્વ ધર્મપરિષદમાં આવેલા વીરચંદ સંઘવીના ફોટા છે. સ્વભાવની ઉદારતા અને મદદ તત્પરતાથી ભારતના જૈન શ્રેષ્ઠીઓ સાથે તેમનો ઘરોબો છે. ૧૨૦ વ્યક્તિપાત્ર ધરાવતું ‘ચંદનબાળા’ નાટક તેમણે ભારતમાંથી કલાકારો બોલાવીને, તેમની બધી વ્યવસ્થા કરીને સિંગાપોરમાં યોજ્યું. તે જોવા સિંગાપોરના પ્રમુખ એસ. આર. નાથાન આવેલા. સિંગાપોર, થાઈલેન્ડ, હોંગકોંગ અને મલેશિયામાં એનો કાર્યક્રમ થયો. આમાં ચાર લાખ ડોલર ખર્ચ થયો તેનું તેમણે આયોજન કર્યું. નગીનભાઈ દોશી એમની પ્રવૃત્તિઓથી જાણીતા છે.