પ્રચાર અને પ્રતિષ્ઠાથી ભાગતા દાતાઃ મણિભાઈ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Friday 05th June 2020 08:28 EDT
 
 

સોજિત્રાના મૂળ વતની અને એન્જિનિયર એવા શિવાભાઈ પટેલના ૧૯૨૪માં જન્મેલા મોટા પુત્ર તે મણિભાઈ. ગુજરાતમાં ગરનાળાં, પુલ, રસ્તા વગેરે બાંધનારા કોન્ટ્રાક્ટર. વખત જતાં નદીઓ પરના બંધ, ઓવરબ્રિજ, સાગરનાં મોજાં રોકીને બંદરને સલામત બનાવતા બેકવોટર બંધ વગેરે કરોડો રૂપિયાના મોટાં કામ કરતા થયા. પાનમ, શેત્રુંજો ડેમ, કડાણાનું જળવિદ્યુત મથક, અમદાવાદના એલિસબ્રિજનું વિસ્તરણ, દૂધેશ્વર-વાડજ બ્રિજ, અમદાવાદ શહેરમાં રેલવે પરનાં ઓવરબ્રિજ વગેરે અનેક મોટાં કામ કર્યાં. કરોડો કમાયા અને કરોડોનાં દાન કર્યાં. મણિભાઈને દાતા તરીકે કોઈ બોલાવે તો કરોડોનાં દાન પછી પણ એ ના જ બોલે.

વલ્લભ વિદ્યાનગરમાં એસ.એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ એમના દાનનું સર્જન. આપણે ત્યાં કહેવત છે ‘ગોર પરણાવે પણ ઘર ના માંડી આપે.’ એક વાર એ કોલેજ માટે દાન આપ્યા પછી જ્યારે જ્યારે એના અદ્યતનીકરણ માટે જરૂર પડી ત્યારે પણ એમણે દાન આપ્યાં. વલ્લભ વિદ્યાનગરની બી.વી.એમ. એન્જિનિયરિંગ કોલેજના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ માટે પણ એવું જ કરે છે. કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલનો કેન્સર વોર્ડ એમના દાનથી થયો. વતન સોજિત્રામાં એમનાં મોટાં દાન છે. એમના લઘુબંધુ હસમુખભાઈનાં પત્ની ભદ્રાબહેન ડોક્ટર છે. તેઓ વર્ષોથી માત્ર સેવાભાવે ક્લિનિક ચલાવે છે.
મણિભાઈએ શાળા-કોલેજોમાં ભણવા માટે સેંકડો વિદ્યાર્થીઓને ફી અને છાત્રાલયનો ખર્ચ આપ્યું છે. ડઝનબંધ યોગ્ય વિદ્યાર્થીઓને અમેરિકા જવા માટે વિના પરિચયે પણ કોઈની ભલામણથી સ્પોન્સરશિપ આપી છે. પોતે કરેલી મદદની વાત એ ક્યારેય બીજાને ના કરે. લેનાર વાત કરે તો જ બીજા જાણે. મણિભાઈ મોટા, મનુભાઈ વચેટ અને હસમુખભાઈ નાના. ત્રણે ભાઈ ધંધામાં ભેગા. ગુજરાતના સમૃદ્ધ પાટીદારોમાં આવો સંપ ધરાવતાં કુટુંબો ખૂબ જ થોડાં હશે. દર વર્ષે લાખોનાં દાન આપે પણ દાન ત્યારે અને ત્યાં જ આપે જેમાં ત્રણે એકમત હોય.
મણિભાઈનો પરિવાર સુધારાવાદી. પુત્રોના લગ્ન વખતે પૈઠણ લીધી નથી. જાન લઈ જવાને બદલે પરણનાર પોતાના ગણેલા મિત્રોને લઈને જાય અને પરણીને પાછો આવી જાય. પરિવારમાં સ્ત્રીઓને તેમના પિયરમાંથી કંઈ લાવવાની મનાઈ. આથી ક્યારેય પિયરમાંથી લાવવા અંગે મોટાઈનો ભાવ ન અનુભવાતાં બધી સ્ત્રીઓ સમાનભાવે રહે. દર વર્ષે સ્ત્રીઓને બંધ કવરમાં સરખી રકમ અપાય. આ પૈસા તેમણે જેમાં વાપરવા હોય તેમાં વાપરે.
સમગ્ર પશ્ચિમ ભારતમાં રેલવેના પાટા નીચે મૂકાતા આરસીસીના સ્લીપર્સના એ મોટા ઉત્પાદક છે. આ ઉપરાંત ગુજરાતમાં ઈલેક્ટ્રિક આરસીસીના થાંભલા બનાવવાની ફેક્ટરીઓ તે ધરાવે છે.
ગુજરાતમાં તેમનું વિશિષ્ટ કામ એ તેમની અમેરિકન કોલોબ્રેશનમાં સાણંદ નજીક પ્રિ-ફેબ્રિકેટેડ બિલ્ડિંગ બનાવતી ફેક્ટરી. કોઈ પણ મોટો ઉદ્યોગ શરૂ કરવા માટે ગોડાઉન, શેડ, ફેક્ટરી કે મકાન બનાવવાં હોય તો તેમાં સમય બગાડવો ન પડે. ઓર્ડર આપો તે રીતે સ્ટીલનું આખું માળખું બનાવીને તમને આપે. તમે લઈ જઈને જરૂરી પાર્ટિશન માટે પ્લાયવૂડ કે પ્લેટ મૂકી દો. બધું તૈયાર. ગુજરાતના સાણંદમાં તાતાની નેનો મોટરની ફેક્ટરી એમણે જ તૈયાર કરી આપી હતી.
મણિભાઈ ગાંધીયુગની સાદગીને વરેલા. કપડાંનો આડંબર નહીં. સાદાં કપડાં. પેન્ટ કે શર્ટને બટન ટાંકવાનું હોય કે ટાંકા ભરવાના હોય તો પુત્રવધૂ કે પત્નીને કહેવાને બદલે જાતે મંડી પડે. જરાક ફાટેલું પેન્ટ સાંધવા સોય-દોરો લઈને મંડે ત્યારે પુત્રવધૂ ઉમાબહેન કહે, ‘ભાઈ, આ કાઢી નાંખવાનું થયું છે.’ ત્યારે કહે, ‘ફાટેલું કપડું સાંધવાથી આબરૂ ના જાય! માણસના વર્તન અને ભાષાથી શરમાવું પડે. કપડાંથી નહીં.’ નાની ઉંમરથી પડેલી સ્વાવલંબન અને કરકસરની આદત એમનામાં જીવનભર રહ્યાં.
મણિભાઈની ઓફિસવાળા મકાનની ઉપરના ભાગે સરદાર પટેલનાં દીકરી મણિબહેન રહેતાં. મણિભાઈ કરતાં ૨૫ વર્ષ મોટાં. મણિબહેન સાદગી અને પ્રામાણિકતામાં જીવેલાં. કામ કરનારી બાઈ એમને ત્યાં ના ટકે. મણિબહેન તેને માસિક દસ કે પંદર રૂપિયા આપે. માને કે ‘હું એકલી છું. મારાં કપડાં - વાસણ થોડાં જ છે.’ બે-ત્રણ કામવાળી જતી રહી. મણિભાઈએ કોઈની મારફતે જાણ્યું. આ પછી કામવાળી કાયમ હસતાં મોંએ વર્ષો સુધી રહી. કારણ મણિભાઈ કામવાળીને નીચેની પોતાની ઓફિસમાંથી કાયમ ખાનગીમાં બીજા રૂપિયા આપતાં. મણિભાઈના સત્કાર્યો સદા ગુપ્ત જ રહેતાં.
રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા, સ્વદેશીના ચાહક એવા કે એર-ઈન્ડિયામાં જ વિદેશપ્રવાસ કરે. પ્રચારથી વેગળા મણિભાઈનું ૨૦૧૪માં અવસાન થયું. તેમના પુત્રો, પૌત્ર અને લઘુબંધુ હસમુખભાઈ છે. જે મણિભાઈના રસ્તે ચાલવા મથે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter