રાજવીઓમાં આમ તો ખાંડૂ મોકલીને કન્યા સાથે પરણવાની ય પરંપરા ખરી, પણ જોધપુરના મહારાજાના હોદ્દે આવનાર મહારાજકુમાર હણવંતસિંહ ધ્રાંગધ્રાના રાજકુમારી કૃષ્ણાકુમારીને પરણવા રંગેચંગે સૌરાષ્ટ્રના આ રજવાડાંમાં જાન જોડીને આવ્યા હતા. મહારાજા હણવંતસિંહ બ્રિટિશ ઈંડિયાના ભાગલા વેળા પોતાના રજવાડાંને પાકિસ્તાન સાથે જોડવાની વેતરણમાં હતા, પણ જેસલમેરના મહારાજકુમાર પાકિસ્તાનના સર્જક કાયદે આઝમ મહંમદ અલી ઝીણા સાથેની મુલાકાત વેળા ભેળા હતા અને મહારાજા એ મહાપાપમાંથી ઊગરી ગયા. ઘરઆંગણે કોંગ્રેસીઓ મહારાજાની આમન્યા જાળવશે નહીં એવું તો આ યુવાન રાજવીને લાગતું હતું, એમાં ભળી ઝીણાની લલચામણી ઓફર. મુલાકાતમાં ઝીણાએ કોરા કાગળ પર સહી કરીને જોધપુરના મહારાજાને પોતાની શરતો ભરી લેવા ફરમાવ્યું. મહારાજા તો હરખપદુડા હતા, પણ ઝીણાએ મહારાજકુમારનું મન જાણવા પ્રશ્ન કર્યો.
મહારાજકુમારે કહ્યુંઃ ‘એક શરતે જેસલમેર પાકિસ્તાનમાં જોડાવા તૈયાર. હિંદુ અને મુસ્લિમ પ્રજા વચ્ચે રમખાણ થાય તો તમે એ સંદર્ભે તટસ્થ રહો એ ખાતરી આપો તો.’ જેસલમેરની આ વાતે જોધપુર નરેશને જરા ઢંઢોળ્યા. યુવાન સાથીએ જે પ્રશ્ન કર્યો એવું જોધપુરમાં થાય તો? એમણે વાતનો વીંટો વાળીને ઝીણાને કોઈ ખાતરી આપ્યા વિના નીકળી જવાનું જ મુનાસિબ લેખ્યું. જોધપુર નરેશે ઝીણાને કહ્યું કે રાજમાતા અને જોધપુરના સરદારો સાથે અમે વિચાર કરીને કહીશું. મહારાજાના આ શબ્દો પૂરા થાય એ પહેલાં તો ઝીણાએ જોધપુર મહારાજાના હાથમાંનો પેલો કાગળ છીનવી લીધો. એમના વર્તને બેઉ રાજવીઓને ચમકાવી દીધા અને છેવટે બેઉ રજવાડાં ભારત સાથે જોડાયાં.
મહારાજા દિલફેંક, મહારાણી સ્થિતપ્રજ્ઞ
રાજવી પરિવારની સાહ્યબી અને શોખ સમજી શકાય એવા હોય છે. જોધપુરના મહારાજાની ઉંમર પણ કાંઈ ઝાઝી નહોતી. મુંબઈ સહિતના શહેરોમાં પોલો રમતમાં ભાગ લેવા અને રંગીન પાર્ટીઓમાં મહાલવાની એમની આદતે મહારાજા હણવંતસિંહને ધ્રાંગધ્રાના રાજકુમારી સાથે લગ્ન પછી ય અન્ય મહિલાઓ સાથે નિકટતા કેળવવાનો અવસર પૂરો પાડ્યો. પરિણીત મહારાજાએ અંગ્રેજ નર્સ સેન્ડ્રા મેકબ્રાઈડ સાથે લગ્ન કર્યાં. અને એમનું નામકરણ સુંદરા દેવી કર્યું. જોકે, બેઉ વચ્ચે ઝાઝું જામ્યું નહીં અને સેન્ડ્રા લંડન ચાલ્યાં ગયાં. એ પછી મહારાજા મુંબઈમાં જ ઝુબેદા નામની ફિલ્મ અભિનેત્રીના સંસર્ગમાં આવ્યા. ઝુબેદાએ અગાઉ નિકાહ કરેલા હતા, પણ એક દીકરો થયો એ સાથે જ એમના શૌહર તલાક આપીને પાકિસ્તાન ચાલ્યા જતાં ઝુબેદાએ પોતાનાં માતા-પિતા સાથે જ રહેવાનું થયું. એવા એકાકી સમયે કોઈ પાર્ટીમાં ઝુબેદાની મુલાકાત મહારાજા હણવંતસિંહ સાથે થઈ અને બેઉ વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા. મહારાજાએ ‘રાજાને ગમી તે રાણી’ એ ન્યાયે ઝુબેદાને જોધપુર આણી અને એના દીકરાને મુંબઈમાં જ એની નાની પાસે રહેવા દીધો. એ સમયાંતરે મશહૂર ફિલ્મ વિવેચક થયો. નામ એનું ખાલિદ મોહમ્મદ.
પહેલી ચૂંટણી અને વિમાન દુર્ઘટના
ભારતના આઝાદીના સંગ્રામમાં મહાત્મા ગાંધી અને પંડિત નેહરુના અનન્ય સાથી સરદાર પટેલે બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા વખતે મુક્ત થયેલાં ૫૬૫ રજવાડાંને સામ, દામ, દંડ અને ભેદથી ભારત સાથે જોડીને અત્યારના ભારતના માનચિત્રને તૈયાર કર્યું. એ વેળા કેટલાંક રજવાડાંના રાજવી ભારત સાથેના જોડાણની અવઢવમાં હતા. જોધપુરને પણ પાકિસ્તાન સાથે જોડાવાની લાલચ હતી, પણ સરદાર પટેલ અને વી. પી. મેનનના પ્રયાસોથી એમણે ભારત સાથે જોડાવાનું પસંદ કર્યું. ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદાર પટેલનું નિધન થયું.
સરદાર નેહરુ સરકારમાં નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન, રિયાસત ખાતાના પ્રધાન હોવા ઉપરાંત માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન હતા, કેટલાક રાજવીઓએ સરદાર પટેલના નિધન પછી ભારત સાથેના જોડાણને તોડવાની તરફેણ કરી ત્યારે જોધપુરના મહારાજાએ એનો વિરોધ કર્યો, પણ ચૂંટણીઓ લડીને શાસન સાથે જોડાવાનો માર્ગ પસંદ કર્યો. મહારાજા અને મહારાણી કૃષ્ણાકુમારીએ ૧૯૫૨ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા કર્યાં. મહારાજાએ પોતે લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીમાં ઉમેદવારી કરી. એમણે ૩૫ ઉમેદવાર ઊભા રાખ્યા.
ચૂંટણીપ્રચાર પૂરો થયો અને પરિણામ આવવાનું હતું ત્યારે મહારાજા અને ઝુબેદા (વિદ્યા રાણી) ચૂંટણીપ્રચારનો થાક ઉતારવા નિમિત્તે અંગત વિમાનમાં નીકળ્યાં. મહારાજા પોતે સારા વિમાનચાલક હતા. એમનું વિમાન ટુ-સીટર હતું. કોણ જાણે શું થયું કે વિમાન તૂટી પડ્યું અને મહારાજા અને વિદ્યારાણી બેઉનાં ઘટનાસ્થળ પર જ મોત થયાં. એમના મૃત્યુ પછી ચૂંટણીનું પરિણામ જાહેર થયુંઃ મહારાજા લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી જીતી ગયા હતા. એમના કુલ ૩૫ ઉમેદવારોમાંથી ૩૧ જીતી ગયા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રીમિયર જયનારાયણ વ્યાસ પણ ચૂંટણી હારી ગયા હતા!
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૧૬ ડિસેમ્બર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2iTPavo)