મારા પિતા રાજેન્દ્ર દેવ શુક્લા ૨૦ માર્ચની સવારે નિદ્રામાંથી ઉઠ્યા જ નહિ. તેઓ રાત્રિ દરમિયાન જ અનંતયાત્રાએ ચાલી નીકળ્યા હતા. દેહત્યાગનો સમય નિશ્ચિત કરી લીધો હોય તેમ પોતાના પરિવારજનો સાથે જ હોય તેવી ચોકસાઈ રાખીને તેઓ શાંતિપૂર્વક ચાલી નીકળ્યા હતા.
બાળપણમાં મારા પિતાનું સ્મરણ મારી બીજી બહેનના જન્મ સમયનું હતું. માતા નવાં બાળકની સેવાસુશ્રુષામાં પરોવાયેલી હતી અને મારાં તરફથી તેનું ધ્યાન અચાનક હટી ગયું હતું. આ સમયે પિતાએ જ મારી ભાવનાત્મક કલ્યાણનું ધ્યાન રાખ્યું હતું જેથી મને પણ બધા ચાહે છે તેની મને હૈયાધારણ રહે. તેઓ પલાંઠી વાળીને બેઠા હોય, એક દીકરી તેમના દરેક ઘૂંટણ પર બેઠી હોય અને તેઓ અખબારમાંથી કશું વાંચી સંભળાવતા હોય તે મને આજે પણ યાદ છે. આવી જ રવિવારની એક સવારે તેમણે અમને સમજાવ્યું હતું કે આપણી માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. તેમણે નાની વયથી જ અમારામાં પ્રતિબદ્ધતા અને મૂલ્યોનો રંગ ચઢાવ્યો હતો. મારી નાની બહેન જન્મી ત્યારે તેને મારાં ખોળામાં મૂકી તેમણે કહ્યું કે હું તેની બીજી માતા છું. આ બધાં વર્ષો સુધી અમે ત્રણ બહેનો વચ્ચેનું બંધન અકબંધ રહ્યું છે.
તે સમયમાં ત્રણ દીકરીઓ હોવાથી તેમના પર એક પુત્ર હોય તેનું ભારે દબાણ હતું. તેઓ તો એમ જ કહેતા કે આ દીકરીઓ પુત્રસમાન જ છે અને પોતાની સિદ્ધિઓથી તેમને ગૌરવશાળી બનાવશે. અમને રસોઈ શીખવા દબાણ કરાય ત્યારે તેઓ ઉત્તર વાળતા કે તેઓ દીકરીઓને રસોઈઆને કામે રાખવા જેવી સક્ષમ બનાવવા ઈચ્છે છે. તેમણે આમારાં શિક્ષણ પર સવિશેષ ધ્યાન આપ્યું હતું. અમારા માટે તમામ પુસ્તકો લાવી આપતા. એક વખત મેં એક પુસ્તક માગ્યું ત્યારે તેઓ ૬ જ્ઞાનસભર પુસ્તકો લઈ આવ્યા હતા. અમારાં શિક્ષણ પ્રતિ કટિબદ્ધતા અને અમારી પ્રગતિમાં તેમની ખુશીએ અમને આગળ વધવાની પ્રેરણા આપી હતી. હું મારાં પ્રથમ પ્રયાસે જ ભારતીય વિદેશ સેવામાં જોડાઈ, મારી વચેટ બહેન ઈન્ડિયન રેવન્યુ સર્વિસમાં જોડાઈ અને સૌથી નાની બહેન પિતાના પગલે ઈલેક્ટ્રિકલ એન્જિનીઅર બની છે.
તેઓ સમગ્ર જીવનમાં સ્ત્રી સશક્તિકરણને પ્રતિબદ્ધ રહ્યા. તેમણે અમારાં સ્વપ્નાને પાંખો આપી અને ઊંચે ઉડવાની પ્રેરણા આપી. તેમની ત્રણે દીકરીઓએ પોતાના ક્ષેત્રોમાં વ્યાવસાયિક સફળતા હાંસલ કરી છે. તેઓ માત્ર અમારી નહિ, અન્યોની પ્રગતિમાં પણ રસ ધરાવતા હતા. તેમણે અમારા રસોઈઆના રુમમાં ડેસ્કટોપ ગોઠવી આપ્યું હતું જેથી તેની દીકરીઓ પણ કોમ્પ્યુટરનો ઉપયોગ શીખી શકે.
તેઓ યુવાવયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયા હતા જેનાથી કોંગ્રેસ પાર્ટીના નેતા તેમજ અનેક વખત જેલવાસ ભોગવનારા તેમના સ્વાતંત્ર્યવીર પિતાને આઘાત લાગ્યો હતો. કદાચ પૈતૃકસત્તા સામે બંડ પોકારવાની આ તેમની આગવી રીત હતી. તેમને ૧૯૪૯માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઈજનેરી વિદ્યાર્થી હતા ત્યારે વારાણસીના RSSના અન્ય સભ્યો સાથે જેલમાં પૂરવામાં આવ્યા હતા. મારા દાદાએ તેમને મુક્ત કરાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
તેઓ જીવનભર RSSમાં માનતા રહ્યા. જોકે, સામાન્યતઃ રુઢિચૂસ્ત જમણેરી મનાતી વિચારધારાથી તેમના પ્રગતિશીલ વિચારો અલગ જ રહ્યા હતા. દરેક વ્યક્તિ પછાત વિચારધારા થકી અધોગતિમાં જવાના બદલે પ્રગતિ સાધી ભારતને ૨૨મી સદીમાં લઈ જવા રાષ્ટ્રનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે તેમ તેઓ ઈચ્છતા હતા. તેઓ કર્મકાંડ કે રીતરિવાજોમાં માનતા ન હતા અને ધર્મના સ્થાને આધ્યાત્મિકતામાં માનતા હતા. તેઓ ધર્મનો વ્યવસાય તરીકે ઉપયોગ કરનારાના વિરોધી હતા. તેમના વિચારો સમય કરતાં ઘણા આગળ હતા.
તેઓએ અમને ડરથી ભાગવાનું નહિ, તેનો સામનો કરવાનું શીખવ્યું હતું. જાહેર સંબોધનના ભયનો સામનો કરવા તેઓ એક વખત સ્ટેજ પર બોલ્યા વિના એક મિનિટ ઉભા રહ્યા. તેઓ નર્વસ હોવાનું સમજી ઓડિયન્સે પ્રોત્સાહન આપવાનું શરુ કર્યું. એક મિનિટ મૌન રહ્યાં પછી તેમણે ખુલાસો કર્યો કે તેઓ સ્ટેજના ભયથી બોલવાનું બંધ થાય તો શું થાય તે જોવા માગતા હતા. આ પછી તો તેઓ પ્રખર વક્તા બન્યા હતા. બાળકો તરીકે અમારે જો અણગમતું કામ કરવાનું આવે તો તેઓ અમને લાલચ આપી કે મીઠી વાતોના બદલે તાર્કિક રીતે સમજાવતા હતા. તેઓ હંમેશાં કહેતા કે તમે ભયનો સામનો કરશો તો તે અદૃશ્ય થઈ જશે, જો ડરથી ભાગશો તો તે પજવવાનું ચાલુ રાખશે.
એક વખત ઈસ્લામાબાદમાં આપણા હાઈ કમિશનના ગાર્ડનરને સ્થાનિક એજન્સીઓ દ્વારા પકડી લેવાયો હતો. મુક્ત કરાયા પછી તે ભયથી થરથરતો મારી ઓફિસમાં આવ્યો. તેને ભારત પાછાં જવું હતું. મને મારા પિતા યાદ આવ્યા, હું તેની સાથે ચાલતા બિલ્ડિંગની બહાર લઈ ગઈ જયાં એજન્સીના લોકો બેઠા હતા અને જોઈ રહ્યા હતા. તેને હૈયાધારણ ન થાય ત્યાં સુધી અમે એકબીજા સાથે વાત કરતા થોડો સમય ત્યાં ઉભાં રહ્યાં. તેનો ભય દૂર થયો અને તેણે લાંબો સમય ત્યાં નોકરી કરી. મારાં જીવનમાં ઘણી વખત મારે મુશ્કેલ પસંદગી કરવાની હોય ત્યારે મારા મનમાં તેમનો અવાજ મને દોરવણી આપતો સંભળાય છે.
તેઓ યુવાવયે ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સમાં ઈલેક્ટ્રિકલ ઈજનેર તરીકે જોડાયા અને પદોન્નતિ સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ સુધી રહ્યા. મેનેજરનો હોદ્દો હોવાં છતાં, તેમના બધી જગ્યાએ મિત્રો હતા. ફેક્ટરીના શોપ ફ્લોર પર કામ કરતા તેમના કેટલાક મિત્રો આજે પણ મને યાદ છે. તેમના માટે વ્યક્તિનું પદ કે સંપત્તિ કદી મહત્ત્વના ન હતા. અમારા ઘરમાં તમામને સરખો આદર અને આવકાર મળતો હતો. પોતાની અને દીકરીઓની સિદ્ધિઓ છતાં, તેઓ અન્યો પ્રતિ નમ્ર અને આદરપૂર્ણ રહેતા હતા. તેમના નિધનના થોડા દિવસ અગાઉ તેમણે મને કહ્યું હતું કે મારે મારી સિદ્ધિઓનો યશ તેમને નહિ પરંતુ, મારી માતાના સખત પરિશ્રમ અને પ્રેમાળ માર્ગદર્શનને આપવો જોઈએ. જ્યારે તેમની હયાતિ ન હોય ત્યારે મારાં હૃદયમાં માતાનું સ્થાન અવિચળ રહે તેમ તેઓ કરતા ગયા.
મારા પિતાના મહાન, ઝિંદાદિલ વ્યક્તિત્વને કોઈ પણ પ્રકારે નજરઅંદાજ કરી ન શકાય. તેઓ હરહંમેશ અન્યોને મદદનો પ્રયાસ કરતા રહેતા. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે અનેક લોકોને નોકરીઓ મેળવવામાં, માર્ગદર્શન આપવામાં મદદ કરી હતી. તેઓ પરિવારને પણ અન્ય લોકોની મદદ કરવા જણાવતા. ઉષ્માસભર અને પ્રેમાળ મારા પિતા ભાગ્યેજ ગુસ્સે થતા અને દરેકના કલ્યાણમાં રસ લેતા હતા. તેઓ પ્રામાણિક, સત્યપ્રિય, દયાળુ, બહાદૂર અને નિર્ભય હતા, પોતાની શરતોએ જીવન જીવતા હતા અને પ્રેમાળ સ્મિત સાથે સહાયરુપ થવા સદા તત્પર રહેતા હતા. કેટલીક અપૂર્ણતાઓ છતાં તેઓ પૂણ્યાત્મા જ હતા.
આપણે ઘણી વખત બંધ આંખે જિંદગીની ઉતાવળી દોડ દોડીએ છીએ. બંને છેડાં ભેગાં કરવામાં અને ભવિષ્ય તરફ જોતા આગળ વધવામાં વ્યસ્ત રહીએ છીએ અને અમૂલ્ય ચીજોને કરવાનું મુલતવી રાખીએ છીએ. ઘણી વખત આ ઊંદરદોડમાં સૌથી કિંમતી સંબંધો નજરઅંદાજ કરી દેવાય છે. જો હું મારા પિતાને પાછા મેળવી શકું તો અમારા જીવન-ભવિષ્યને ઘડવામાં તેઓ કેટલા જવાબદાર હતા તે હું કહીશ. આપણે આપણા સ્નેહીજનો પ્રતિ સ્નેહ અને કૃતજ્ઞતા દર્શાવવામાં કદી વિલંબ કરવો ન જોઈએ. કાલ પર રાખીશું તો ઘણું મોડું થઈ જશે.
(પ્રાચી સિંહા અને ગુંજન શર્માએ આપેલી પૂરક માહિતી સાથે)
(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)