સફેદ કપડે સંન્યાસી શા પ્રતિષ્ઠા, પ્રામાણિકતા અને સેવા એ જ જેની સંપત્તિ છે તેવા ડો. ચંદ્રકાંત ચોથાણી ૧૯૭૬થી મસ્કતમાં છે. મસ્કત ગુજરાતી સમાજના એ મંત્રી છે. સૌના એવા વિશ્વાસપાત્ર છે કે એમના વિચારને સૌ વિના લાંબી ચર્ચાએ સ્વીકારી લે. વિશ્વના ગુજરાતી સમાજોમાં અહીંના ગુજરાતી સમાજની નોખી ભાત અને નામના છે. નક્કર પ્રવૃત્તિ એ ગુજરાતી સમાજને જીવતો અને ધબકતો રાખતો પ્રાણ છે. છે તો ગુજરાતી સમાજ પણ મસ્કતમાં વસતા અન્ય ભાષીઓ પણ એની પ્રવૃત્તિમાં જોડાય છે. મસ્કત ગુજરાતી સમાજે, મસ્કતમાંની ભારતીય એમ્બેસીના સૂચનથી તાજેતરમાં બિઝનેસ સમીટ ગોઠવી હતી. તેમાં ૬૦ જેટલા ગુજરાતી વેપારઉદ્યોગ જગતના મહારથીઓ અહીં તેમના સમકક્ષ વ્યવસાયી આરબ અગ્રણીઓ સાથે મળ્યા, ચર્ચા-વિચારણા કરી અને નાતો બંધાયો.
ગુજરાતી સમાજ વિવિધ ભારતીય કલાકારો બોલાવીને કાર્યક્રમો યોજે છે. ઉત્સવો ઊજવે છે. સમૂહમિલન અને પિકનિક ગોઠવે છે. ગુજરાતી સમાજના સ્થાપનાકાળથી ડો. ચોથાણી એમાં સક્રિય છે.
ડો. ચોથાણી મસ્કતમાં રહેવા છતાં કચ્છની વિવિધ સંસ્થાઓને તેમના સંબંધો, સૂચનો વગેરેથી સમૃદ્ધ કરે છે. ગતિશીલ રાખે છે. જેમાં માંડવીમાં આવેલી જનકલ્યાણ મેડિકલ સોસાયટી, અંધ-અપંગ માનવકલ્યાણ સોસાયટી-કચ્છ અને પુરુષોત્તમ કાનજી કન્યા છાત્રાલય-માંડવી આ ત્રણેયમાં ટ્રસ્ટી છે. પોતાના સંબંધોથી એને દાન અને ફંડ અપાવવામાં તે સતત કાર્યરત રહે છે.
રઘુવંશી પરિવાર મસ્કતના એ મંત્રી છે. વિશ્વ લોહાણા મહાપરિષદ (અખાતી દેશો) અને વિશ્વ ગુજરાતી સમાજ આ બંનેમાં એ ઉપપ્રમુખ છે. આ ઉપરાંત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાની સત્સંગ પ્રવૃતિઓનું મસ્કતમાં એ સંકલન કરતા રહે છે. તેઓ સંનિષ્ઠ સ્વામીનારાયણી છે. મીઠી જીભ, બીજાને મદદ કરવાની સતત તત્પરતા, પ્રામાણિકતા અને સેવાનિષ્ઠ સ્વભાવે એમના સંબંધોનો પથારો વધ્યો છે, જેનો ઉપયોગ તેઓ બીજાને મદદરૂપ થવામાં કરે છે.
આ ડો. ચોથાણી માંડવીના લોહાણા વેપારી વલ્લભદાસ વેલજી અને માતા સાવિત્રીબહેનના દીકરા. વલ્લભદાસ લાકડાં અને જથ્થાબંધ અનાજના મોટા વેપારી. સાહસિક અને વિશ્વાસુ તેમની ઉઘરાણી વિશ્વાસે ફસાઈ જતાં, લેણદારોના ચૂકવવાના પૈસામાં સાવિત્રીબહેને બધાં ઘરેણાં આપી દીધાં. પાંચ દીકરા અને એક દીકરી. મોટો દીકરો ચંદ્રકાંત. બારમા ધોરણ સુધી ચંદ્રકાંતભાઈ ભણ્યા. શાળામાં ભણે ત્યારે આર.એસ.એસ.ની શાખામાં જતાં રાષ્ટ્રવાદ અને ભારતીયતાના રંગે રંગાયા. શાળાની ફી ભરવાના ય પૈસા નહીં પણ તેજસ્વી, વિવેકી એવા તેમના વર્તનથી શાળાએ અડધી ફી માફ કરી અને બાકીની ફી શિક્ષક ભરે. નવમા ધોરણમાં ભણે ત્યારે ડોક્ટર રાણાના દવાખાનામાં તે કામ કરે. આખા માંડવીમાં ત્યારે ૬૦ બેડની એકમાત્ર હોસ્પિટલ ડો. રાણાની.
આ નર્સિંગ હોમમાં તેઓ દર્દીઓને દવા આપે. ડોક્ટરને ઓપરેશનમાં મદદ કરે. પાટાપિંડી કરે. હસતે મોંએ બધાના ધક્કા ખાય. ડો. રાણા સદા હસતા, વિનયી, મહેનતુ અને મદદગાર છોકરાથી ખુશ. તેને રાણા દર્દીને ઘરે સેવા કરવા મોકલે. આવી સેવા અને મીઠાશથી દર્દી અને ડોક્ટર બંને ખુશ થાય.
માંડવીના શેઠ ગોકળદાસ ખીમજીની મસ્કતમાં મોટી વેપારી પેઢી. આયાત-નિકાસનો મોટો વેપાર. સરકારી તંત્ર જેવો પથારો. તેઓ વતનમાં આવે ત્યારે ડોક્ટર રાણાને પૂછે, ‘કોઈને મદદની જરૂર હોય તો કહેજો.’ ડો. રાણા પર એમને ખૂબ વિશ્વાસ. ડો. રાણાએ ચંદ્રકાંતભાઈની બધી વાત કરી અને મસ્કત લઈ જવા ભલામણ કરી. શેઠના પુત્ર કનકશીભાઈને શેઠે ઈન્ટરવ્યુ લેવા કહ્યું. ઈન્ટરવ્યુમાં શેઠને ગમ્યું અને ચંદ્રકાંતભાઈને તે મસ્કત લઈ ગયા. શેઠની ખીમજી રામદાસની પેઢી. સેંકડો માણસો એમાં કામ કરે. તેમના માટે શેઠ દવાખાનું ચલાવે. કનકશી શેઠે દવાખાનાના વહીવટમાં કામ આવે માટે તેમને ભારત જઈને પરીક્ષા આપવા કહ્યું. ચંદ્રકાંતભાઈ ભારત આવ્યા. આર.એમ.પી.ની પરીક્ષા પાસ કરી. દવાખાનાનો વહીવટ સંભાળ્યો. આ પછી લંડનની પરીક્ષા ય પાસ કરી. કનકશી શેઠના એ વિશ્વાસુ છે અને મસ્કતમાં પ્રવૃત્તિથી પ્રતિષ્ઠા પામ્યા છે.