થાઈલેન્ડ રાજાશાહી અને બૌદ્ધધર્મી દેશ. એમાં સૌપ્રથમ પટેલ અટકધારી થાઈ નાગરિક તે સુરેન્દ્ર પટેલ. થાઈલેન્ડનો કાયદો દરેક પરિવારની આગવી ઓળખ સાચવવાનો, એટલે કે એક પરિવારની એક જ અટક હોય, તે બીજા ના વાપરી શકે. સુરેન્દ્રભાઈ થાઈ નાગરિક બન્યા ત્યારે થાઈલેન્ડમાં પટેલ અટકધારી કોઈ નાગરિક ના હોવાથી તેમની અટક પટેલ ચાલુ રહી.
૨૦૧૦માં દિલ્હીમાં અક્ષરધામના મંદિરના પુનરોદ્ધારનો કાર્યક્રમ હતો. આગને કારણે મૂર્તિઓને થયેલા નુકસાન પછી નવેસરથી મૂર્તિઓ તૈયાર કરીને એ કાર્યક્રમ યોજ્યો હતો. આ વખતે પ્રમુખસ્વામી મંદિરમાં પ્રવેશતાં જ મૂર્તિઓનું સૌંદર્ય નિહાળીને પ્રસન્ન થઈને બોલ્યા, ‘સુરેનભાઈ, કમ હીયર...’ સુરેન્દ્રભાઈ જઈને પ્રમુખસ્વામીને નમી પડ્યા. પ્રમુખસ્વામી મહારાજે પ્રેમથી ધબ્બો મારીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા અને રાજીપો બતાવ્યો.
સુરેન્દ્રભાઈ બેંગ્કોકમાં રહે છે. આ મૂર્તિઓના નવસર્જન માટે બેંગ્કોકથી એ ૭૫ જેટલા કારીગરો લઈને આવેલા અને છ માસ ઘરબાર છોડીને રોકાયેલા. સુરેન્દ્રભાઈ મૂળ ખંભાતના વતની. ૧૯૭૨માં બેંગ્કોકમાં આવેલા. ૧૯૪૫માં તેઓ જન્મેલા. તે જમાનામાં ખંભાતની નજીકના ગામોના પાટીદારો ખેતીમાં ઝાઝું ઉત્પન્ન ન હોવાથી સુથારીકામ, કડિયાકામ, મજૂરી, ભાડે ગાડાફેરી વગેરે કરતા. ત્યારે તેમના પિતા મોહનલાલ કડિયાકામ કરતા. લગ્ન પછી સાસરી પક્ષના સંબંધે મોહનલાલે અકીક અને બીજા રત્નો ઘસવાનું શરૂ કર્યું. પછી ૧૯૩૯માં મ્યાનમાર ગયા, ત્યાંથી માલ લાવે, ઘસે અને વેચે.
સુરેન્દ્રભાઈ સાત વર્ષની વયે પિતા સાથે રહીને પોલિશનું કામ શીખ્યા. ભણતાં ભણતાં નવરાશે પિતાને મદદ કરતા. તેઓ ૧૯૬૨માં એસ.એસ.સી. થઈને પિતાના ધંધામાં જોડાયા. ૨૦ વર્ષની વયે મોટા પુત્ર તરીકે પિતાનો ધંધો સંભાળીને, પિતાને નિવૃત્ત અને નચિંત કર્યા. ૧૯૬૫થી ૧૯૭૨ સુધી ધંધા માટે મુંબઈ અને ખંભાત વચ્ચે આંટાફેરા કરતા રહ્યા. ધંધામાં અને કારીગરીમાં નિપૂણ બન્યા. પ્રતિષ્ઠા વધી. સંબંધો વધ્યા.
૧૯૭૨માં કલકત્તાસ્થિત અલંકાર નિર્માતા ઠાકોરલાલ મગનલાલનાં પુત્રી જાસ્મિન સાથે તેઓ પરણ્યા. જાસ્મિનમાં પિતાના વ્યવસાયની સૂઝ અને આવડત હતી. સુરેન્દ્રભાઈ સ્વકમાઈથી મુંબઈમાં ત્રણ રૂમના ફ્લેટના માલિક હતા. જે તેમણે નાના ભાઈને આપી દીધો અને ધંધો કરવા બેંગ્કોક એકલા જ ગયા. બેંગ્કોકમાં ત્યારે બે માસથી વધારેના વિસા ના મળતા તેથી મુદ્દત પત્યે હોંગકોંગમાં જઈને બે-ચાર દિવસ રહે અને પછી બીજી વાર બેંગ્કોકના વિસા લે. આમ કરીને સ્થિર થયા. ૧૯૭૬માં બધું બરાબર ગોઠવાતાં પત્ની જાસ્મિનને સાથે રહેવા બોલાવી. આ પછી ધંધો બરાબર જામ્યો. ૧૯૮૦ પછી ધંધામાં એમનો સુવર્ણયુગ આરંભાયો. આજે સુરેન્દ્રભાઈ પાસે ધંધામાં ૨૦ માણસ કામ કરે છે, તેમાં ૧૫ જેટલા થાઈ નાગરિક છે.
વૈષ્ણવ સુરેન્દ્રભાઈ ૧૯૮૪માં સ્વામીનારાયણ સંપ્રદાયમાં પ્રમુખસ્વામી તરફ ઢળ્યા અને પછીથી એમાં વધારે રસ લેતા થયા. તે વર્ષે પ્રમુખસ્વામી મહારાજ બેંગ્કોકની મુલાકાતે ખંભાત નજીકના સક્કરપુરના વતની અંબાલાલ પટેલને ત્યાં આવેલા. વતનના સંબંધી એવા અંબાલાલને ત્યાં ત્યારે સુરેન્દ્રભાઈ ગયા. પ્રથમ દર્શને જ પ્રમુખસ્વામીની સાદગી અને સરળતાથી તેમનું મનમોતી વિંધાયું. આ પછી ૧૯૯૬માં ફરીથી તુલસીભાઈને ત્યાં પ્રમુખસ્વામી આવવાના હતા ત્યારે તેમને એરપોર્ટથી લાવવાનું સોંપાયું. સાંજે પ્રમુખસ્વામીએ કહ્યું, ‘હું બેંગ્કોકમાં રહું ત્યાં સુધી રોજ સવારે છ વાગ્યે આવી જજો.’
સુરેન્દ્રભાઈએ એમ કર્યું. ભક્તો વચ્ચે બેસે અને બાપા આસપાસ આંટા મારે. કદાચ આ વખતના દિવ્યભાવનો પ્રભાવ પડ્યો હોય તેમ બાપા પ્રત્યે આકર્ષણ વધતું ગયું. ૨૦૦૩માં સુરેન્દ્રભાઈ ગુજરાત ગયા ત્યારે ગોંડલની મુલાકાતે ગયા. બાપાના દર્શન થયાં, પછી દર વર્ષે ગોંડલ જતા થયા. અક્ષરધામ દિલ્હી માટે પંચધાતુની પ્રતિમાઓ બનાવવાની હતી. બેંગ્કોક આવા કામ માટે જાણીતું. સુરેન્દ્રભાઈએ આની જવાબદારી લીધી. પ્રતિમાઓની સંખ્યા ખૂબ હતી. કામ મોટું હતું. સુરેન્દ્રભાઈ પોતાના ધંધાનાં રોકાણો પડતાં મૂકીને રોજ સવારે નવ વાગ્યે મૂર્તિ બનાવતી ફેક્ટરી પર પહોંચતાં. બપોરે બે વાગ્યા સુધી ત્યાં જ રહે. આવું દોઢ વર્ષ ચાલ્યું. કામ પૂરું થયું. બાપાનો રાજીપો પામ્યા.
અક્ષરધામના પુનરોદ્ધાર વખતે બાપાએ જાહેરમાં કરેલા સન્માન અને આશીર્વાદને સુરેન્દ્રભાઈ તેમના જીવનની અનન્ય અને અદભૂત ઘટના માને છે. બાપા પ્રત્યેના એમના લગાવની વાત કરતાં પત્ની જાસ્મિનબહેન કહે છે, ‘બાપાનું નામ કે કામ હોય ત્યારે સુરેન્દ્ર ધંધો ભૂલી જાય છે. એ કામને જ પોતાનું ગણે છે.’
સુરેન્દ્રભાઈની શાલિનતા અને હાથમાં લીધેલા કામ માટે સમય ખર્ચવાની તૈયારીથી બેંગ્કોકની જાહેર પ્રવૃત્તિમાં એમનું સ્થાન અને માન છે. બેંગ્કોકમાં ગુજરાતી-મારવાડી સમાજ છે. તે જુદા જુદા હિંદુ તહેવારોની ઊજવણી કરે છે. સુરેન્દ્રભાઈ એની કારોબારીમાં સક્રિય છે. સ્થાનિક સેવાકાર્યોમાં એ શરીરથી અને પૈસાથી ઘસાયા કરે છે. છતાં એનો યશ લેવાથી દૂર ભાગે છે. સુરેન્દ્રભાઈની સાદગી, સેવા અને ધર્મનિષ્ઠાની આગવી ભાત છે.
સુરેન્દ્રભાઈ પરિશ્રમનો જીવ છે. પતિ-પત્ની બંને જીવનના સાત દશકા વટાવ્યા પછી પણ સતત પરિશ્રમી જીવન જીવે છે. દર વર્ષે એક વાર વતનની મુલાકાત લેવાનું ચૂકતા નથી.
ત્રણ દીકરી અને એક દીકરાના પિતા સુરેન્દ્રભાઈ અને માતા જાસ્મિનબહેન કુટુંબવત્સલ છે. અતિથિવત્સલ છે. તેથી અતિથિ માટે સમય કાઢવાનો થાય ત્યારે ખચકાતા નથી. બેંગ્કોકના જેમ અને જ્વેલરી એસોસિએશનમાં તે ૨૦૦૦થી ૨૦૦૮ સુધી ડાયરેક્ટર હતા.
પુત્ર રવિ અમેરિકાના બોસ્ટનમાં ભણીને એમબીએ થયો છે. તેની પત્ની પંજાબી યુવતી રીના પણ એમબીએ છે. રીના કોઈ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. રવિ પિતા સાથે ધંધામાં છે. પુત્ર ક્ષમતાપૂર્વક ધંધો સંભાળતો હોવાથી સુરેન્દ્રભાઈ અને જાસ્મિનબહેન બંને ધંધા અને ધર્મની પ્રવૃત્તિઓ વચ્ચે સમયની સમતુલા રાખે છે. મિતભાષી અને પરગજુ સુરેન્દ્રભાઈ મળવા જેવા માનવી છે.