દિવસો મહાકુંભના છે. દેશ-પરદેશના તમામ રસ્તા પ્રયાગરાજ તરફ દોરાઈ રહ્યા છે. ભાગીરથી ગંગાનો કિનારો અને સાધુ-સંતો અવ્યક્ત રીતે સૌને બોલાવી રહ્યા છે. રાજકીય પક્ષો કે સંસ્થાઓ પોતાના ખર્ચે ભીડ ઉમટે તેવું અહીં કશું જ નથી. દરેક પોતાની રીતે આવી રહ્યા છે. મૂળ તો આદિ શંકરાચાર્યે સાધુ-સંતોનું એકત્રીકરણ થાય તે માટે કુંભની કલ્પનાને વધુ ભવ્ય મિલનમાં પલટાવી. ત્યારથી ‘અખાડા’ નામ મળ્યું. અને દરેક અખાડાના સાધુઓ દરેક કુંભમાં સામેલ થાય છે. સાધુઓના આ મિલનને આસ્થાવાન પ્રજાએ પોતાનું બનાવી લીધું એટલે અર્ધ, પૂર્ણ, મહા કુંભમાં લાખો લોકો પણ આવે છે. વર્તમાન પૂર્ણ કુંભમાં 40 કરોડ યાત્રિકો ઉમટશે. દુનિયાના કોઈ પર્વમાં આટલા લોકો આવતા નથી. આ મેળામાં આવનારાઓનો અંદાજ 40 કરોડનો છે. દુનિયાના કેટલાક દેશોની કુલ વસતિ પણ આટલી નથી!
કુંભ મેળો માત્ર ધાર્મિક નથી, એક મોટી સામાજિક-સાંસ્કૃતિક ઘટના છે જે સાંસ્કૃતિક ભારતની અપરાજિત નિશાની છે. વાસ્તવમાં ભારતીય સમાજની એક સંસ્થા (ઇન્સ્ટિટ્યુશન) તરીકે ‘સાધુ સમુદાય’ની ઓળખ છે. તે એકલો હોય, મંડળી હોય, દેશ સમગ્રમાં તેનું ભ્રમણ હોય. અકિંચન હોય, ત્યાગની ભૂમિકા પર ચાલવાનો સંકલ્પ હોય. તેના આશ્રમો હોય, અને હિમાલય કે ગિરનારની ગુફા પણ હોય. સાધુઓનો એક વર્ગ નાના-મોટા ગામડાના પાદરે નાનકડા મંદિરને સાચવતો હોય, તે આક્રમણનો સામનો કરવા માટે હથિયાર હાથમાં લઈને સામનો કરતો હોય (ભૂચર મોરીથી માંડીને અયોધ્યા રામજન્મ ભૂમિ માટેના યુદ્ધો તેનો દસ્તાવેજ છે) કેટલાક વૈદિક વિજ્ઞાનના શિક્ષણ સાથે જોડાયેલા હોય છે. યજ્ઞ તેનું અનુષ્ઠાન છે, તેના હૃદય અને દિમાગથી ઉત્તમ જીવન દર્શનનું સાહિત્ય નીપજ્યું છે. સાચા અર્થમાં તેઓ ‘ઋત્વિજ’ છે. બદલાતા સમયમાં તેમાંના કેટલાક વ્યાવસાયિક બની ગયા તેને કારણે સાધુ-સંસ્થા બદનામ થઈ છે,
હમણાં હું આવા પર્વ સાથે જોડાયેલા સાહિત્યનો વિચાર કરતો હતો કે તેઓ સ્તુતિ, શ્લોક, સુભાષિત, કાવ્ય, કથા, મહાકાવ્ય, પ્રાર્થના, આરતી અને મનુષ્યના સંસ્કારો પર કેવું સુંદર લખી ગયા છે? સાહિત્યના મર્મને તેમણે સાધનાની સાથે જોડી દીધું, પણ તેનું સ્વરૂપ તો સાર્વત્રિક છે. ‘વસુધૈવ કુટુંબકમ’ કે ‘એકમ સત્ વિપ્રા બહુધા વદંતિ’ કે ‘તત્ત્વમસિ’ કે ‘અસતો મા સત્ગમય’ અને ‘અહમ બ્રહ્માસ્મી’ જેવી વૈશ્વિક વાણી પણ આવા સાધુચરિતોથી પ્રાપ્ત થઈ. તેમાના કેટલાક ભલે સાંસારિક ગૃહસ્થો હશે, પણ સાચા અર્થમાં સાધુપુરુષો છે.
આપણાં અર્વાચીન લેખકોમાં પણ આ સાંસ્કૃતિક સંવેદનશીલતા છે. હિંદીના ખ્યાત લેખક અજ્ઞેય એવી ખોજની સરિતા યાત્રા કાઢી હતી. જેમનું નામ નોબેલ પારિતોષિક માટે નોમિનેટ કરાયું હતું તે નિર્મલ વર્મા આપણી સદીના હિન્દી સાહિત્યના સર્વોચ્ચ શિખર હતા. તેમની નવલકથાઓ, નવલિકાઓ, યાત્રા વૃત્તાંત, ચિંતન લેખોની એક સંતર્પક ઊંચાઈ છે. એક સમયે સામ્યવાદી પક્ષના સભ્ય બન્યા હતા પણ ચેકોસ્લોવેકીયા પર રશિયન આક્રમણ થયું ત્યારે તે પ્રાગમાં હતા. તેનું ભ્રમ-નિ રસન થયું અને ભારતીય જીવન દર્શનના તેમ જ વૈશ્વિક સાહિત્યના ફલક પર તેમનું સર્જન થયું. વે દિન, લાલ ટીન કી છત, એક ચીથડા સુખ, કવ્વે ઔર કાલા પાની, ધૂંધ સે ઉઠતી ધુન, ભારત ઔર યુરોપ, પ્રતિશ્રુતિ કે ક્ષેત્ર, કલા કયા જોખિમ, શતાબ્દી કે ઢલતે વર્ષો મે, હર બારીશમે, આદિ, અંત ઔર આરંભ, દૂસરે શબ્દોમે અંતિમ અરણ્ય, તેમના પુસ્તકો. તેમાં આદિ, મધ્ય ઔર અંતના પ્રકરણ ખંડ છે, ભારત એક સ્વપ્ન, તથ્ય કી ખોજ, ઇતિહાસ કે ખોયે હુએ પદચિહ્ન. અને તેના પ્રકરણોમાં સંકેત મળે કે ભારતીય સંસ્કૃતિ વિષે બોલવાથી આપણે પ્રગતિશીલ ગણાશું નહિ એવી શાહમૃગ વૃત્તિ આ લેખકની નથી. અને સાંસ્કૃતિક ધરા પર ભારતને વિકૃત દર્શાવવાની ડાબેરી પ્રકૃતિ પણ નહિ. જે કહેવું છે તે પરંપરાના ઊંડાણમાં જઈને સત્યનું મોતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ, નિર્મલની વિશેષતા છે. એટલે તો મેરે લિયે ભારતીય હોને કા અર્થ, એક ભારતીય બુદ્ધિજીવી કી ભૂમિકા, ધર્મ, લોકતંત્ર ઔર સાંપ્રદાયિક્તા, પૂર્વ ઔર પશ્ચિમ, ભૂમંડલીકરણ કે દૌરાન ભારતીય સંસ્કૃતિ, ધર્મ ઔર ધર્મનિરપેક્ષતા, નર્મદા, એક સાંસ્કૃતિક પરિક્રમાં, કલા કયા સત્ય, ભારતીય સભ્યતા: તીસરા મહાકાવ્ય, અહિંસા ઔર આઝાદી: આદમી કે સ્વયં આદમી હોને કી શર્ત (આપાત્ કાલ કિ છાયા મે ) આ બધાં શીર્ષકો સાથે તેમણે ચર્ચા કરી છે. કોરીકટ ચર્ચા નહિ, સુંદર ગદ્ય શિલ્પ સાથે સંવેદનશીલ પ્રસ્તુતિ.
તેમનો એક નિબંધ છે, ‘સુલગતી ટહની’ પ્રયાગના 1976ના કુંભ મેળામાં એકલા રઝળપાટ કરીને તે કશીક ખોજ કરે છે. તેનું નિરીક્ષણ વ્યાપક અને ઊંડાણ સાથેનું છે: પૂર્ણિમાનો ચંદ્ર, ભજનની પંક્તિઓ, ઠંડી રેતી, વૃદ્ધ સ્નાનાર્થીનો કંપિત સ્વર, મહારાજની યજ્ઞશાળા, પીળા ફૂલોનો મંડપ, સીધી સડકથી ગંગા અને પગદંડી પરથી સંગમ, સૂર્યોદયનો ઉજ્જવળ રોમાંચિત પ્રકાશ, યાત્રિકોનો અજંપો, રેતીમાં ધસી રહેલા આબાલવૃદ્ધ ચહેરાઓ, આગળ પાછળ અંતહીન કતારો, ગંગાની અમૃતમય ગોદ, પ્રાર્થનાઓ અને ભજનો, જૂની જર્જરિત સાઇકલ પર એંસી વર્ષના અશક્ત દાદાને ગંગાસ્નાન કરાવવા આવેલો યુવાન, સાધુઓના જુલૂસ, મૃત્યુ મોક્ષ માટે આવેલા એક દંડી સાધુ, રેતીમાં ઊભી કરાયેલી છાવણીઓ, રાતભર ચાલતા કીર્તન, કથા, ભજન, નૃત્ય... એક અવધૂતનો અનુબંધ, સન્યાસનો સંકલ્પ લઈને આવેલા પાત્રો... અને પછી કુંભમેળાનું નાનકડું દર્શન એક દૂત તરીકે.
કુંભને અનેક દૃષ્ટિકોણથી નિહાળવો જોઈએ, એક શ્રદ્ધાવાન, એક તાર્કિક, એક પ્રવાસી, એક જિજ્ઞાસુ, એક ઇતિહાસકાર, એક સર્જક... ઘણા બધાંને આ મહાકુંભ બોલાવે છે.