વર્ષ ૧૯૨૫માં વિજ્યા દશમીના શુભપર્વે ૨૫ મિત્રો નાગપુરમાં ડો. કેશવ બલિરામ હેડગેવારના નિવાસસ્થાને એકઠા થયા અને હિંદુ હિતની ચિંતા કરવા માટે સક્રિય રહે એવી એક સંસ્થાની સ્થાપના કરી. કોઈ ગાજવીજ વિના, મીડિયામાં ઢોલ પીટ્યા વિના શરૂ કરાયેલી સંસ્થાનું નામકરણ બીજા વર્ષે ૧૭ એપ્રિલ ૧૯૨૬ના રોજ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ) રાખવામાં આવ્યું. કસરતના દાવ, હનુમાનજીની છબિ, ગુરુ તરીકે ભગવા ધ્વજને પ્રણામ કરતી શાખાઓમાં આર્ય સમાજના પ્રભાવને પગલે હનુમાનજીની છબિ દૂર થઈ.
સદાવત્સલે માતૃભૂમિનું ગાન અને રાષ્ટ્રસમર્પણની ભાવના સાથે હિંદુ રાષ્ટ્ર અને હિંદુ હિતની આ પ્રવૃત્તિ આગળ ધપાવનાર કોંગ્રેસી નેતા ડો. હેડગેવારે વાવેલા એ બીજે નવ દાયકાની તડકી છાંયડી જોઈ. પ્રત્યેક ક્ષેત્રમાં કાર્યરત રહેલી આ સંસ્થાને માથે મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ આવ્યો અને હિંદુ મહાસભાના સ્વાતંત્ર્યવીર સાવરકર સાથે જ સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) સહિતનાએ ગાંધીજીની હત્યાના ખટલામાં હત્યારા નથૂરામ ગોડસે સાથે જેલવાસ ભોગવવો પડ્યો. સંઘ પર બંધી આવી અને ગઈ. સંસ્થા પ્રત્યેક બંધી પછી મજબૂત થતી ચાલી. સાંસ્કૃતિક સંસ્થા એવી આરએસએસના વટવૃક્ષમાં ગુરુજીએ જનસંઘનો રાજકીય છોડ રોપ્યો અને આજે એનો નવઅવતાર ભારતીય જનતા પક્ષ ભારત દેશ અને અને રાજ્યોમાં શાસન કરવા લગી પહોંચ્યો છે. આવી ક્ષણે પાયાના પથ્થર એવા ડો. હેડગેવારના સમર્પણ અને તર્પણનું સ્મરણ કરવું અનિવાર્ય બની જાય છે.
પ્રસિદ્ધિ પુરુષોત્તમોના યુગમાં પુણ્યાત્માનું સ્મરણ
સંઘના સંસ્થાપકે કામને બોલવા દેવાની શીખ ગૂંજે બંધાવી હતી. આજે પરપોટા દેડકાંની જેમ ડ્રાંઉ ડ્રાંઉ કરતાં નક્કર કામને બદલે વચનોની લ્હાણી કરવાના ખેલમાં રમમાણ છે ત્યારે સંઘવિચારક પ્રા. રાકેશ સિંહા લિખિત અને ભારત સરકાર દ્વારા પ્રકાશિત ‘ડો. કેશવ બલિરામ હેડગેવાર’ જીવનકથામાંથી સંઘની શાખાઓમાં ક્યારેક ગવાતું ગીત અહીં ટાંકવાનું મન થાય છેઃ
‘વૃત્ત-પત્ર મેં નામ છપેગા,
પહનૂંગા સ્વાગત સમુહાર.
છોડ ચલો યહ ક્ષુદ્ર ભાવના,
હિંદુ રાષ્ટ્ર કે તારણહાર.
કંકડ-પથ્થર બન-બન હમકો,
રાષ્ટ્ર-નીંવ કો ભરના હૈ.
બ્રહ્મ તેજ કે, ક્ષાત્ર તેજ કે,
અમર પૂજારી બનના હૈ.
એ પણ જમાનો હતો કે ડોક્ટરજીએ આદેશ આપવો પડતો હતો કે રખેને કોઈ અખબારમાં ભૂલથી પણ તમે સંઘનું કામ કરવાના છો એના સમાચાર છપાય. આજે કામ કેટલું થાય એ નાણવાને બદલે પ્રેસનોટના મથાળેથી પ્રેસનોટ રજૂ કરનારના નામથી લખાણ ચાલુ થાય છે! લોકોને આંજી નાંખવાની આજના યુગની પરંપરામાં કોઈએ પાછળ નથી રહેવું.
સંઘ ગણવેશમાં ડોક્ટરજીની તસવીર
૨ મે ૧૯૩૫ના રોજ સાંગલીમાં સંઘચાલક કાશીનાથરાવ લિમયેની હઠને પગલે સંઘના સંસ્થાપક સરસંઘચાલક ડો. હેડગેવાર સંઘ ગણવેશમાં તસવીર પડાવવા તૈયાર થયા હતા. શરત એટલી હતી કે એ તસવીરનો ક્યાંય પ્રચાર ના થાય અને એની નેગેટિવ નષ્ટ કરી દેવાય! વ્યક્તિ-પૂજાનો નિષેધ સંઘ સંસ્કૃતિનું અંગ ગણાય છે. ડોક્ટરજીની માનતા એ જૂનવાણી વાતો થઈ ગઈ. સરદાર પટેલે ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસનું યશસ્વી આયોજન કર્યા પછી એમને કાંઈક કહેવા આદેશ અપાયો ત્યારે એમણે કહ્યું હતુંઃ ‘અમે ગુજરાતીઓ ઓછું બોલવામાં અને કામને જ બોલવા દેવામાં માનીએ છીએ.’ હવે તો વખત બદલાયો છે. હેડગેવાર કે સરદારની તસવીરું જ ટિંગાડવાનો જ અને એમનાં ઓવારણાં લેવાનો આ યુગ છે.
બોમ્બ સંસ્કૃતિથી સમાજઘડતર લગી
કોલકતાની નેશનલ મેડિકલ કોલેજમાં ભણેલા કેશવ બલિરામ હેડગેવાર બોમ્બ સંસ્કૃતિનું ફરજંદ હતા અને ક્રાંતિકારી ગુપ્ત સંસ્થા ‘અનુશીલન સમિતિ’ સાથે સંકળાયેલા ‘કોકેન’ નામધારી ક્રાંતિવીર ‘એનાટોમી’ના નામે કોલકતાથી વિદર્ભ-મધ્ય પ્રાંત લગી શસ્ત્રો લાવનાર બળવાખોર પ્રકૃતિના હતા. ડો. બી. એસ. મુંજે જેવા કોંગ્રેસી ક્રાંતિકારીમાંથી હિંદુ મહાસભાના અગ્રણી બનેલા સ્વજનના ઘરે બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ કરવા ઉપરાંત પોલીસ ચોકી પર બોમ્બ ફેંકવા સુધીની ગુનાહિત લેખાયેલી બ્રિટિશ ઈંડિયાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. જોકે, સંઘની સ્થાપના પછી સંઘ અને કોંગ્રેસના માધ્યમથી એમણે સમાજ ઘડતર અને અંગ્રેજ સરકાર સામે જનજાગૃતિના કામો આદર્યાં. મહાત્મા ગાંધીની મવાળ પ્રવૃત્તિને બદલે લોકમાન્ય ટિળકની જહાળ પ્રવૃત્તિના એ સમર્થક ખરા, પણ સત્યાગ્રહમાં સહભાગી થઈને જેલવાસ દરમિયાન ગાંધીજીના આદેશોનું બરાબર આચરણ કરવાના આગ્રહી પણ ખરા.
કોંગ્રેસના વિરોધી નહીં, હિંદુરાષ્ટ્રના સમર્થક
બ્રિટિશ ઈંડિયામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા તરીકે ડો. હેડગેવારે કોઈ સત્યાગ્રહમાં ભાગ લીધો નહીં. સંઘને એના લક્ષ્યને આંબવા માટે એના માર્ગ પરથી વિચલિત નહીં થવા દેવાનો એમનો મક્કમ સંકલ્પ ક્યારેક સંઘે ભારતની આઝાદીના સંગ્રામમાં ભાગ નહીં લીધો હોવાના મહેણા સુધી લંબાય છે. જોકે, સરસંઘચાલક-પદ ડો. લ. વા. પરાંજપેને સોંપીને વ્યક્તિગત રીતે એમણે બબ્બે સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસ પણ વહોર્યો હતો. જેલમુક્તિ પછી ફરીને સરસંઘચાલકપદ પાછું સંભાળી લીધું હતું. ગાંધીજી સાથે હિંદુ-મુસ્લિમ એકતાના મુદ્દે મતભેદ ખરા, પણ ૧૯૩૪માં વર્ધામાં મહાત્માની સંઘ-શિબિરની મુલાકાત અને બીજા દિવસે બેઉ કોંગ્રેસી નેતાઓ વચ્ચેનો સંવાદ ખૂબ મહત્ત્વનો હતો. ડોક્ટરજી ૧૯૩૮ લગી કોંગ્રેસ સાથે રહ્યા અને ૧૯૪૦માં નિર્વાણ પામ્યા.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબ લિંકઃ http://bit.ly/2w3qLbL)