પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું,
હું તેજ ઉછીનું લઉં નહિ,
હું જાતે બળતું ફાનસ છું
ઝળાંહળાંનો મોહતાજ નથી,
મને મારું અજવાળું પૂરતું છે...
ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રભાવી નેતા તરીકે ઉભરી આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ૨૬ મે ૨૦૨૧ના રોજ સાત વર્ષ પૂર્ણ કર્યા છે. આ વેળાએ આવો આપણે નરેન્દ્ર મોદીના શાસનના આ સાત વર્ષની એક સંક્ષિપ્ત ઝલક જોઈએ.
૨૬ મે ૨૦૧૪ - સાંજે ૬.૧૨ કલાકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ દેશ-વિદેશના દિગ્ગ્જ્જો, ઔદ્યોગિક હસ્તીઓ, બોલિવૂડ સ્ટાર્સ સહિતના માધાંતાઓની ઉપસ્થિતિમાં દેશના ૧૫મા વડા પ્રધાન તરીકે શપથ લીધા. પ્રજાજનોની અનેક અપેક્ષાઓને નજર સામે રાખીને કાર્યભાર હાથમાં લીધો. એક પછી એક નિર્ણયો લેતા ગયા અને એને અમલમાં મૂકતા ગયા. ૮મી નવેમ્બર ૨૦૧૬ના રોજ કરી નોટબંધી, ૧ જુલાઈ ૨૦૧૭ના રોજથી જીએસટી અમલી કર્યું. કેટલાયને આ નિર્ણયો ના ગમ્યા. માત્ર ભારત જ નહિ, વિશ્વભરમાં ઉપરોક્ત નિર્ણયો બાબતે ચકચાર મચી, પરંતુ આ તો મોદી... અર્થતંત્રની ગાડી પાટે ચઢાવવા કઠોર નિર્ણયો અમલમાં મુકતા ગયા. જોતજોતામાં પાંચ વર્ષ પૂર્ણ થયા. આ પાંચ વર્ષમાં મોટા ભાગની રાજકીય પાર્ટીઓને નિસ્તેજ બનાવવામાં નરેન્દ્રભાઈએ કોઈ કસરના છોડી. ૨૦૧૯માં ફરી લોકસભાની ચૂંટણી આવી હવે આ વખતે તો ભાજપ નહિ જ આવે એવો વિપક્ષ સહિત કેટલાયને વિશ્વાસ હતો. પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલ નરેન્દ્રભાઈએ આ ચૂંટણી લડી એટલું જ નહિ આ વેળાએ તો ભારતીય જનતા પાર્ટીને ૩૦૩ સીટ મળી. સાથી પક્ષો તો અલગ...
૩૦ મે ૨૦૧૯ના રોજ નરેન્દ્ર મોદીએ બીજી ટર્મ માટે વડા પ્રધાન તરીકે લીધા શપથ અને જાણે શરૂ કરી ટ્વેન્ટી20... ટ્રિપલ તલાક, આર્ટિકલ ૩૭૦ની નાબુદી, સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ સહિતના નિર્ણયો લઈ વિપક્ષ સહિત રાજકીય પાર્ટીઓને સ્તબ્ધ કરી દીધી, પરંતુ અહીં કુદરતે કરી કસોટી.
ભારત સહિત વિશ્વના અનેક દેશ કોરોનાની ઝપટે. હાહાકાર... વિશ્વના અનેક દેશોમાં હજારો લોકોના મોત. આ વેળાએ પણ નરેન્દ્રભાઈએ ખુબ જ ધીરજ અને કુનેહથી કામ લીધું. લોકડાઉન જેવો કડક નિર્ણય લઇ ભારતના પ્રજાજનોને મોતના મુખમાંથી બચાવ્યા તો બીજી બાજુ કોરોનાની વેક્સિન માટે પોતાની તમામ તાકાત લગાડી અને સતત પ્રજાજનોના સંપર્કમાં રહ્યા. વડા પ્રધાન મોદીની આ છબીની વિશ્વભરે નોંધ લીધી અને વિશ્વમાં એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા. કોરોનાનો કહેર થોડો શમ્યો ત્યારે ક્રમશઃ દેશને અનલોક કરતા ગયા. જોતજોતામાં બીજી ટર્મનું પણ એક વર્ષ પૂર્ણ થયું. ૩૦મી મે ૨૦૨૦થી શરૂ થયું શાસન કાળનું ૭મુ વર્ષ...
હજુ કોરોનાનો કહેર તો હતો જ તો બીજી બાજુ વિકરાળ પ્રશ્ન હતો અર્થતંત્રનો. આ વેળાએ મોદીજીએ ૨૦,૦૦૦ હજાર કરોડ રૂપિયાનો રાહત પટારો ખોલ્યો અને અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવા કર્યો પ્રયત્ન તો બીજી બાજુ કોરોનાને હરાવવા વેક્સિન માટે આકાશપાતાળ એક કર્યા. આખરે આપણા વૈજ્ઞાનિકોને એમાં સફળતા મળી. અનેક ટ્રાયલઓ બાદ એને મંજૂરી પણ મળી ગઈ... વિશ્વના ૧૯૫ દેશો પૈકી માત્ર પાંચથી સાત દેશો જ વેક્સિન વિકસાવી શક્યા જેમાંથી એક છે ભારત, જે ખરેખર ગૌરવની બાબત ગણી શકાય.
વડા પ્રધાન મોદીએ ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજથી વેક્સિનેશનનો પ્રારંભ પણ કરાવી દીધો. સૌપ્રથમ હેલ્થ વર્કસને, ત્યાર બાદ ૪૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓને અને તેના પછી ૧૮-૪૪ વર્ષની વયની વ્યક્તિઓ માટે વેક્સિનેશન શરૂ કરાવ્યું. દેશમાં વેક્સિન પ્રત્યેની શકા-કુશંકાઓ દૂર કરવા ૧ માર્ચના રોજ દિલ્હીના એઇમ્સ ખાતે નરેન્દ્ર મોદીએ ખુદ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો અને એક સંદેશ આપ્યો કે વેક્સિન સંપૂર્ણ સલામત છે. આવા લોકનેતામાં કોણ ભરોસો ના મૂકે?!
વડા પ્રધાન નરેન્દ્રભાઈએ માત્ર દેશનો વિચાર ના કરતાં નિસ્વાર્થભાવે કોરોનાથી ત્રસ્ત વિશ્વમાં અનેક દેશોમાં વેક્સિનના હજારો ડોઝ મોકલાવી અનેક જિંદગી બચાવી. આવા કપરા સમયે મળેલી મદદને વિશ્વના નેતાઓથી માંડીને યુનાઇટેડ નેશન્સે બિરદાવી.
વેક્સિનેશનનું સારું પરિણામ પણ જોવા મળ્યું, પરંતુ આ દરમિયાન કોરોનાની અચાનક આવેલ બીજી લહેરનો સામનો કરવામાં પ્રારંભમાં સરકાર સહિત સમગ્ર તંત્ર ગોથું ખાઈ બેઠું. દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો. આ વેળાએ પણ નરેન્દ્ર મોદીના અન્ય દેશો જોડેના સારા સંબંધોને પગલે ઘણી રાહત મળી અને સરકારે ગણતરીના દિવસોમાં જ ફરી કોરોનાને કાબુ કરવામાં મહદ્અંશે સફળતા મેળવી. હાલ દેશમાં કેટલાક રાજયોમાં લોકડાઉન છે છતાં કોરોનાના કેસોમાં ખુબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે.
સરકારના અથાગ પ્રયત્નો અને ત્વરિત નિર્ણયોને પગલે સ્થિતિ કાબુમાં જણાય છે. સર્વેક્ષણના આંકડાઓ ભલે કહેતા હોય કે કોરોના મહામારીના કારણે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે, પરંતુ હકીકત એ છે કે આજે પણ ભારતની કરોડોની જનતાને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં જ ભારત આત્મનિર્ભર બનીને ચોક્કસ જગતગુરૂ બનશે.
મોદી સરકારના ૭ સીમાચિહ્ન
૧) નવી યોજનાઓઃ કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, ડીબીટી જેવી યોજનાઓ. સ્ટાર્ટઅપ ઇંડિયા જેવી કેટલીક યોજનાઓ ખાસ સફળ રહી નથી.
૨) કૃષિ કાનૂનઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, પાક વીમા યોજના, પરંતુ નવા કાયદાથી કેટલાક સહયોગીઓ પણ સાથ છોડી ગયા.
૩) રામ મંદિરઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો પ્રારંભ. અદાલતના ચુકાદા બાદ દેશમાં સૌહાર્દનો માહોલ જાળવી રાખ્યો.
૪) લોકડાઉનઃ ૨૪ માર્ચ, ૨૦૨૦ના રોજ ત્રણ સપ્તાહ માટે વિશ્વમાં સૌથી આકરું લોકડાઉન લાગુ કર્યું. કોરોનાનો ફેલાવો રોકાયો, પણ લાખો લોકોએ રોજીરોટી ગુમાવ્યા. અર્થતંત્રને આકરો ફટકો પડ્યો.
૫) આર્ટિકલ ૩૭૦, સીએએ, એનઆરસીઃ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની આર્ટિકલ ૩૭૦ જોગવાઇ રદ કરી. સીએએ અને એનઆરસી સામે પ્રચંડ વિરોધ છતાં તેને લાગુ કરવાનો સંકલ્પ.
૬) જીએસટીઃ એક દેશ એક ટેક્સની યોજના, પરંતુ પૂરતી તૈયારી વિના કરવાનો આક્ષેપ થયો. રિફંડમાં વિલંબની ફરિયાદો આવી.
૭) નોટબંધીઃ ૮ નવેમ્બર ૨૦૧૬નો આદેશ. દેશમાં કાળા નાણાં પર અંકુશનો દાવો તો સાકાર ન થયો, પરંતુ કેશલેસ ટ્રાન્જેક્શન જરૂર વધ્યા.