હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાનું ૯ એપ્રિલ, ૨૦૨૧ની સવારે વિન્ડસર કેસલ ખાતે અવસાન થયું છે. તેઓ પોતાની ૧૦૦મી વર્ષગાંઠના બે મહિના અગાઉ જ અવસાન પામ્યા. તેઓ ક્વીન એલિઝાબેથના પતિ તરીકે બ્રિટિશ શાહી પરિવારના સભ્ય અને બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબો સમય સેવારત રોયલ કોન્સોર્ટ હતા.
તેમનો જન્મ ગ્રીક અને ડેનિશ રોયલ પરિવારોમાં ૧૦ જૂન ૧૯૨૧ના દિવસે પ્રિન્સ ફિલિપ ઓફ ગ્રીસ એન્ડ ડેનમાર્ક તરીકે થયો હતો. તેમનો જન્મ ગ્રીસમાં થયો હતો પરંતુ, તેઓ ૧૮ મહિનાના હતા ત્યારે તેમના પરિવારને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. ફ્રાન્સ, જર્મની અને યુનાઈટેડ કિંગ્ડમમાં શિક્ષણ મેળવ્યા પછી તેઓ ૧૯૩૯માં ૧૮ વર્ષની વયે બ્રિટિશ રોયલ નેવીમાં જોડાયા હતા. દ્વિતીય વિશ્વ યુદ્ધમાં મેડેટેરિયન અને પાસિફિક ફ્લીટ્સમાંતેમણે નોંધપાત્ર સેવા આપી હતી. તેઓ સારા સ્પોર્ટ્સમેન, પર્યાવરણના હિમાયતી હતા અને તેમણે પર્યાવરણની જાળવણી, યુવાનોને સપોર્ટ કરતી, બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન તેમજ અન્ય વિવિધ સખાવતી સંસ્થાઓને ટેકો આપ્યો હતો. તેમણે બીજી ઓગસ્ટ, ૨૦૧૭ના દિવસથી પોતાની શાહી ફરજોમાંથી નિવૃત્તિ લીધી ત્યાં સુધી સતત સક્રિય રહ્યા હતા અને ૧૯૫૨થી ૨૦૧૭ના ગાળા દરમિયાન તેમણે ૨૨,૨૧૯ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેઓ આખરી જાહેર કાર્યક્રમમાં રોયલ મરિન્સને મળ્યા હતા. તત્કાલીન વડા પ્રધાન થેરેસા મેએ ‘ વિશિષ્ટ આજીવન સેવા’ બદલ પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રિન્સ ફિલિપ ભારતથી સારા પરિચિત હતા. તેમણે ક્વીનની સાથે ૧૯૫૯, ૧૯૬૧, ૧૯૮૩ અને ૧૯૯૭માં ભારતની મુલાકાતો લીધી હતી. ભારતના રાષ્ટ્રપતિએ પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાના અવસાન અંગે દુઃખ અને શોક વ્યક્ત કરતા એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારતના મિત્ર અને ચાહક પ્રિન્સ ફિલિપના અવસાન વિશે જાણીને દુઃખ થયું છે. તેમના વિચાર અને પ્રાર્થના ક્વીન અને શાહી પરિવારના સભ્યો સાથે છે. ભારતના વડા પ્રધાને પણ જણાવ્યું હતું કે પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાના નિધનથી તેમના વિચારો બ્રિટિશ પ્રજા અને શાહી પરિવારની સાથે જ છે. વડા પ્રધાન મોદીએ તેમની વિશિષ્ટ લશ્કરી કારકીર્દિને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ (પ્રિન્સ ફિલિપ) કોમ્યુનિટી સેવાઓની ઘણી પહેલોમાં મોખરે રહ્યા હતા.
તેમની ૧૯૫૯માં ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન HRH પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાએ ૨૭ જાન્યુઆરી, ૧૯૫૯ના દિવસે દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માટે શિલાન્યાસ કર્યો હતો. આ સંસ્થા ૧૯૬૧માં કોલેજ ઓફ એન્જિનીઅરીંગ તરીકે પ્રસ્થાપિત થઈ અને પાછળથી તેને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા જાહેર કરાઈ તેમજ ૧૯૬૩માં તેનું નામ બદલાઈને ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી’ કરાયું હતું. ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી’ ભારતમાં સાયન્સ, એન્જિનીઅરીંગ અને ટેકનોલોજીમાં તાલીમ, સંશોધન અને વિકાસના શ્રેષ્ઠતાદર્શક કેન્દ્રો તરીકે સ્થપાયેલી ૧૫ ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજીમાં એક છે. આ ઈન્સ્ટિટ્યૂટે ઉચ્ચ ટેક્નિકલ એજ્યુકેશન અને સંશોધનમાં ગણનાપાત્ર સ્થાન હાંસલ કર્યું છે. ઉચ્ચ અભ્યાસની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તેનું સ્થાન ઊંચાઈ પર છે.
મને ઘાનામાં આક્રા ખાતે જુલાઈ ૨૦૦૮માં HRH પ્રિન્સ ફિલિપ સાથે થોડો સમય મુલાકાતનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેઓ રોયલ કોમનવેલ્થ એક્સ-સર્વિસ લીગની ૩૦મી ત્રિવાર્ષિક કોન્સફરન્સ માટે આક્રાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત વેળાએ ઘાનાસ્થિત તત્કાલીન બ્રિટિશ હાઈ કમિશનરે તેમના માનમાં બ્રિટિશ રેસિડેન્સ ખાતે રિસેપ્શન યોજ્યું હતું. પ્રિન્સ ફિલિપ જે સરળતાથી આમંત્રિતો સાથે હળીમળી રહ્યા હતા તે નિહાળી મને ભારે અચંબો થયો હતો. તેમણે ભારતની પોતાની મુલાકાતો યાદ કરી મારી સાથે લંબાણથી વાતો કરી હતી.
પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથના લગ્ન ૨૦ નવેમ્બર,૧૯૪૭ના રોજ થયાં હતાં. બ્રિટિશ રાજઘરાણાના ઈતિહાસમાં તેમનું લગ્નજીવન કદાચ સૌથી દીર્ઘ હતું. ૭૦ કરતાં વધુ વર્ષ સુધીની જીવનસાથી ગુમાવવાથી નિશ્ચિતપણે મોનાર્કને અંગત રીતે નિશ્ચિતપણે દુઃખ થવું સ્વાભાવિક છે. ઓનલાઈન મળતી માહિતી અનુસાર ક્વીને ખાનગીમાં પોતાના પતિના મૃત્યુને ‘તેમના જીવનમાં સર્જાયેલા વ્યાપક શૂન્યાવકાશ’ તરીકે ગણાવ્યું હતું. ક્વીને ૨૦૧૨માં તેમની ડાયમન્ડ જ્યુબિલીની ઉજવણી સમયે પ્રવચનમાં પ્રિન્સ ફિલિપનો ઉલ્લેખ તેમના ‘સતત શક્તિ અને માર્ગદર્શક’ તરીકે કર્યો હતો. ૧૯૯૭ના પ્રવચનમાં ક્વીને પ્રિન્સ ફિલિપનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે,‘ આટલા વર્ષો દરમિયાન તેઓ તદ્દન સરળ રીતે મારી તાકાત અને સ્થિરતા બની રહ્યા છે.’ આ અવતરણને ટાંકતા રોયલ ફેમિલીએ લખ્યું છે કે,‘ ૧૯૫૩માં ક્વીનના રાજ્યારોહણ સમયે ડ્યૂક ઓફ એડિનબરાએ હર મેજેસ્ટીના ‘જીવનના એકનિષ્ઠ અનુયાયી અને અંગ’ બની રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ડ્યૂક ૧૯૫૨માં હર મેજેસ્ટીની તાજપોશીથી પોતાના મૃત્યુ સુધી લગભગ ૭૦ વર્ષ માટે સમર્પિત કોન્સોર્ટ (રાજાના સાથીદાર) બની રહ્યા હતા.
તેમના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)