નાતાલ આવે એટલે ચારેબાજુ જ્યાં જુઓ ત્યાં સાન્તા સાન્તા થઈ જાય છે. ક્રિસમસની ઉજવણીના દિવસો સાન્તાના ઉલ્લેખ વિના અધૂરા જ ગણાય. ધાર્મિક દૃષ્ટિકોણથી જૂઓ તો ક્રિસમસ ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર છે, પરંતુ હકીકત એ છે કે દુનિયાના દરેક દેશમાં નાતાલ પર્વને ઉમંગ-ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઊજવાતું નાતાલ પર્વ આવી રહ્યું છે, ત્યારે આ તહેવાર અંગે કેટલીક દિલચસ્પ વાતો પ્રસ્તુત છે.
• સેન્ટ નિકોલસ અડધી રાત્રે ગિફ્ટ આપતા!
લગભગ ૧,૫૦૦ વર્ષ પહેલા જન્મેલા સંત નિકોલસને અસલી સાન્તા માનવામાં છે. તેઓ જ સાન્તાના જનક મનાય છે. સંત નિકોલસ અને જિસસને કોઈ સીધો સંબંધ નથી. સંત નિકલોસનો જન્મ ત્રીજી સદીમાં માયરામાં થયો હતો. બાળપણમાં તેમના માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. પાછળથી તેઓ બિશપ બન્યા હતા. તેઓ જરૂરિયાતમંદોની મદદ કરવા હંમેશા તત્પર રહેતા હતા. તેઓ ઘણી વખત બાળકોને ગિફ્ટ આપતા હતા. સંત નિકોલસ લોકોને મદદ કર્યાનું જાહેર કરવા માગતાં ન હતાં તેથી તેઓ હંમેશા મધરાત્રે જ ગિફ્ટ વહેંચવા નીકળતા હતા. અગાઉના વર્ષોમાં, આથી જ ક્રિસમસના દિવસે બાળકોને વહેલા સૂવડાવી દેવામાં આવતાં હતાં. એમ કહેવાય છે કે સાન્તા રેન્ડિયર્સની ગાડી પર સવાર થઇને આવે છે. તો એક વાત એવી પણ છે કે સાન્તાનું સર્જન કોલ્ડડ્રિન્ક બનાવતી એક મલ્ટીનેશનલ કંપનીના ભેજાની ઉપજ છે. કંપનીએ ક્રિસમસની રજાના દિવસો દરમિયાન વેચાણ વધે તે માટે માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે સાન્તાનું પાત્ર સર્જ્યું છે. સાચું ભલે કંઇ પણ હોય, પરંતુ બાળકો ક્રિસમસ પર્વે સાન્તા ક્લોઝ પાસેથી ભેટ મેળવવા બહુ ઉત્સુક હોય છે.
• એક સમયે ક્રિસમસ કાર્ડમાં સ્વાસ્થ્યની શુભકામના અપાતી
ક્રિસમસ કાર્ડ મોકલવાની પરંપરા ૧૮૪૨માં વિલિયમ એંગલેએ શરૂ કરી હતી. તેણે મોકલેલું સુશોભિત કાર્ડ દુનિયાનું પહેલું ક્રિસમસ કાર્ડ મનાય છે. આ કાર્ડમાં શાહી પરિવારની તસવીર હતી. લોકો પોતાના મિત્રો અને પરિચતોને આ કાર્ડ મોકલીને સારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપતા હતા. તેના પર લખ્યું હતુંઃ વિલિયમ એંગલેના દોસ્તોને હેપી ક્રિસમસ. બસ, એ પછી તો લોકોએ એક નવી પરંપરા જ અપનાવી લીધી હતી. આ કાર્ડ મહારાણી વિક્ટોરિયા સુધી પહોંચ્યું હતું. મહારાણી એટલા ખુશ થઈ ગયા કે તેમણે પણ પોતાના ચિત્રકાર ડોબસન પાસે ક્રિસમસ કાર્ડ બનાવડાવ્યું હતું. આ રીતે ક્રિસમસ કાર્ડ બનાવવાની પરંપરા શરૂ થઈ હતી.
• ક્રિસમસ અને એક્સમસનો અર્થ શો?
ક્રિસમસ શબ્દ ક્રાઇસ્ટ અને માસ એમ બે શબ્દોના સમન્વયથી બનાવાયો છે. આ શબ્દોમાં ક્રાઇસ્ટનો અર્થ ઇશા મસિહ અને માસનો અર્થ થાય છે લોકોનો સમૂહ. આમ તેનો અર્થ થાય છે ઇશુ ખ્રિસ્તની પ્રાર્થના માટે આવેલા લોકોનો સમૂહ. ૧૬મી સદીમાં ક્રાઇસ્ટ શબ્દને રોમન અક્ષર એક્સ કે ક્રોસથી દેખાડવાનું ચલણ હતું. એ કારણથી જ તહેવારને એક્સમસ પણ કહેવાય છે. એમ મનાય છે કે પહેલી ક્રિસમસ રોમમાં ૩૨૬ ઇસ્વી સનમાં મનાવાઈ હતી.
• ફરનું વૃક્ષ કઇ રીતે બન્યું ક્રિસમસ ટ્રી?
ક્રિસમસ ટ્રી અંગે એમ મનાય છે કે આ વૃક્ષ ઇશુના જન્મના સમયે તેમના માતા-પિતાને ઇશ્વરે આપેલો ઉપહાર છે. રંગબેરંગી તારાથી સજાવાયેલા ફરના વૃક્ષને ત્યારથી ક્રિસમસ ટ્રીના પ્રતીક તરીકે માનવામાં આવે છે. નવી રીતે વૃક્ષને સજાવવાની પરંપરા જર્મનીમાં શરૂ થઈ હતી. તેની શરૂઆત એક અંગ્રેજ ધર્મપ્રચારક બોનિફેંસ ટુયોએ કરી હતી. બાદમાં ઇંગ્લેન્ડના રાજકુમાર પિન્ટો આલ્બર્ટ અને માર્ટિન લૂથરે પણ ક્રિસમસ ટ્રીને ઘરે ઘરે પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ક્રિસમસ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા
• ક્રિસમસ ટ્રી ઉપર ગિફ્ટ લટકાવવાની શરૂઆત પાદરીઓએ એટલા માટે કરી હતી કે તેઓ માનતા કે વૃક્ષ સારી ચીજો આપે છે.
• હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં બે અલગ અલગ ટાપુઓ છે જેમના નામ ક્રિસમસ આઇલેન્ડ છે.
• ફ્રાન્સે અમેરિકાને ૧૮૮૬માં ક્રિસમસ ગિફ્ટ સ્વરૂપે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી આપ્યું હતું. જે ૧૫૨.૫ ફૂટ ઊંચું અને ૨૨૫ ટન વજનનું છે. આ સ્ટેચ્યૂ આજે પણ સૌથી મોટી ક્રિસમસ ગિફ્ટ તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે.
• પહેલી ક્રિસમસ ટપાલ ટિકિટ કેનેડાએ ૧૮૯૮માં બહાર પાડી હતી. ત્યારથી દર વર્ષે કેટલાય દેશો આ અવસરે ટપાલ ટિકિટ બહાર પાડતા રહે છે.
• અંતરીક્ષમાંથી પ્રસારિત થયેલું પહેલું ગીત ‘જિંગલ બેલ્સ, જિંગલ બેલ્સ...’ છે.
• દુનિયાભરમાં લોકો ક્રિસમસના મહિનામાં સૌથી વધુ લગ્ન કરે છે. એટલું જ નહીં, લગ્ન પછી છૂટાછેડા લેવાના કિસ્સા પણ આ જ મહિનામાં સૌથી વધુ નોંધાયા છે.
• જર્મનીમાં ક્રિસમસ પર્વ દરમિયાન કેકની ચોરી વધુ થાય છે.
• નોર્વેના લોકો નવેમ્બરમાં અડધો જ ટેક્સ ચૂકવે છે, જેથી તેમની પાસે ક્રિસમસની ઉજવણી સમયે વધુ પૈસા રહે.
• અમેરિકાના જંગલોમાં આગ લાગવાને કારણે દર વર્ષે ૨૦૦ ક્રિસમસ ટ્રી સળગી જાય છે.
• યુનાઇટેડ નેશન્સના મતે દુનિયામાં લગભગ ૨૦૦ કરોડથી વધુ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે.