પ્રેરણાદાયી સંદેશઃ અપનો કે લિયે આગે બઢો

શ્રીમતિ રુચિ ઘનશ્યામ Tuesday 30th March 2021 15:55 EDT
 
 

કોરોના મહામારી કાળની આ બીજી હોળી આવી અને ચાલી પણ ગઈ. મહામારીની પરિસ્થિતિને સંબંધ છે ત્યાં સુધી આપણે સહુ હજુ અવરોધોને પાર કરી ગયા નથી ત્યારે ઉત્સવની ઉજવણીઓ સાદગીપૂર્ણ રહી છે. ગત વર્ષે આ સમયે, આપણે આ મહામારીના પ્રકોપના પ્રમાણને હજુ નાણી રહ્યા હતા. આ મહામારીની વૈશ્વિક અસર કેવી હશે તે હજુ આપણે જાણી શક્યા નથી. ગત એક વર્ષ દરમિયાન આપણે વિશ્વના એક ભાગથી બીજા ભાગ તરફ પ્રસરતા આ રોગનો ચડાવઉતાર નિહાળ્યો છે. તે ખતમ થઈ ગયો હોવાનું જણાય ત્યાં તો તે સપાટીની તળે ઉછળતો પણ લાગે. આ વૈશ્વિકીકરણના યુગના વાયરસ કદી ઘણો દૂર હોય તેમ લાગ્યું જ નથી.

મારાં પિતાના અવસાનથી અમે શોકાતુર હોવાના કારણે અમારા પરિવારે આ વર્ષે હોળીની ઉજવણી કરી નથી. મારાં અંગત દુઃખના કારણે મેં ટુંક સમય માટે ગત એક વર્ષમાં કોવિડ ૧૯ના કારણે પોતાના સ્નેહીજનોને ગુમાવનારા લાખો લોકોનાં શોકની પીડા નજરઅંદાજ કરી દીધી હતી. મારા પિતાના દેહત્યાગ અગાઉ સાંજે અમે તેમને મળી શક્યાં હતાં. તેમની સાથે વીતાવેલી આખરી સાંજનું સ્મરણ અમને ઘણી રાહત- આશ્વાસન આપે છે. કોવિડ મૃતાત્માઓના પરિવારોને આવું આશ્વાસન પણ સાંપડ્યું નથી. આખરી સમયે સ્નેહીજનના દેહને બરાબર આલિંગન આપવાનું તો દૂર રહ્યું, અંતિમ સંસ્કાર પણ કરી શકાયા ન હોય તેવી પરિસ્થિતિમાં પરિવારો કેવી રીતે શોકમાંથી બહાર આવી શકે?

ટાટા સ્ટીલ દ્વારા હોળી વિશે એક હૃદયસ્પર્શી વીડિયો મેસેજ સોસિયલ મીડિયા પર ફરી રહ્યો છે જે આ અણિયાળા પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયાસ કરે છે. આ સુંદર સંદેશ કેવિડમાં ગુમાવાયેલા તમામ આત્મીયજનોને આદરાંજલિ અર્પે છે. તે શક્તિશાળી અને પ્રેરણાદાયી સંદેશો પાઠવે છે અને શોકાતુરોને પોતાના જ સ્નેહીજનો ખાતર આગળ વધવાનો અનુરોધ કરતા કહે છે ‘અપનો કે લિયે આગે બઢો’.

મહામારીના ગત વર્ષના ગાળામાં લગભગ બધાં જ માટે દરેક મોરચા પર જીવન ભારે કઠિન બની રહ્યું છે. આપણા સ્નેહીજનોને યાદ કરવા સાથે આપણે આગળ વધતા રહીએ તે પણ ઋણ છે. આપણી આસપાસના જીવંત સ્નેહીજનોને વધુ જરુર છે! ભારતમાં કોવિડના કેસીસની સંખ્યા વધી રહી છે અને નવાં વેરિએન્ટ્સના રિપોર્ટ્સ આવવાનું શરું થયું છે ત્યારે વાઈરસ વિરુદ્ધ એકમાત્ર જાણીતા રક્ષણની યાદ રાખવી જરુરી છે. આપણે ખુદ અને આપણા સ્નેહીજનોને વેક્સિન લગાવવા બાબતે ભય અને ખચકાટ પર કાબુ મેળવવો અનિવાર્ય છે.

એવાં પણ અહેવાલો છે કે લોકો પોતે વેક્સિન લગાવડાવે તે પહેલાં વેક્સિનેશન અભિયાનનું પરિણામ જાણવાની રાહ જુએ છે. વેક્સિન બાબતે ઘણી અફવાઓ ફેલાવાઈ રહી છે તે જ વેકિસન અંગે ખચકાટનું કારણ છે. ભારતના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો, હર્ષ વર્ધને કોરોના વાઈરસ (કોવિડ-૧૯) વિરુદ્ધ વેક્સિન્સ વિશે અફવાઓથી દૂર જ રહેવા લોકોને જણાવ્યું છે. ભારતમાં આ રોગથી ૧૨ મિલિયનથી વધુ લોકો સંક્રમિત થયાં છે અને ૧૬૨,૦૦૦થી વધુ લોકોએ જીવન ગુમાવ્યું છે. ડો, હર્ષ વર્ધને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતી બંને વેક્સિન સલામત અને અસરકારક છે. હજુ પણ ઘણા લોકો વેક્સિન્સ પ્રત્યે શંકા ધરાવે છે તેનો ઉલ્લેખ કરતા તેમણે લોકોને ‘વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા ફેલાવાઈ રહ્યું છે તેને નહિ માનવા’ અનુરોધ કર્યો હતો.

ભારતે દેશમાં ઉત્પાદિત કોરોના વેક્સિન્સને વિશ્વના અન્ય વિસ્તારો સાથે વહેંચણીમાં નેતાગીરી સંભાળી છે. વિશ્વના ઘણા દેશોએ ‘મેઈડ ઈન ઈન્ડિયા’ વેક્સિન મેળવી લીધી છે. ભારતમાં કોવિડ કેસીસની સંખ્યામાં ગણનાપાત્ર વધારો થવાની ચિંતા સાથે જ વેક્સિનેશન અભિયાને ભારે ગતિ પ્રાપ્ત કરી છે.

યુકેમાં પણ વેક્સિનેશન અભિયાન સરળતાથી આગળ વધી રહ્યું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની સરકારે રોગના પ્રસારને અંકુશમાં લેવા જે કડક નિયંત્રણો લાદ્યા હતા તેમાંથી થોડાને હળવા બનાવવાની શરુઆત કરી છે. દેશની આશરે ૬૦ ટકા વયસ્ક વસ્તીએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે ત્યારે યુકેએ તબક્કાવાર સામાન્ય પરિસ્થિતિને પુનઃ સ્થાપિત કરવા તરફ આગેકદમ માંડ્યા છે. આપણે એવી આશા રાખીએ કે કોવિડ-૧૯ દ્વારા જે યાતના ફેલાઈ હતી તે ટુંક સમયમાં ભૂતકાળની ઘટનાઓનું માત્ર સ્મરણ બની રહે.

ભારત અને યુકે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની આગામી ભારતયાત્રા માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે કોવિડ-૧૯ વિરુદ્ધ વેક્સિનેશન અભિયાનની સફળતા મહત્ત્વપૂર્ણ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રેઝેનેકાનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં અને વિશ્વભરમાં કરી રહ્યું છે જે ભારત અને યુકે વચ્ચે સહકારના માર્ગમાં આગેકદમ બની રહેશે. બે દેશોને જોડતા જોશપૂર્ણ ‘જીવંત સેતુ’ સાથે આપણા બે દેશ અને લોકોના આપસી હિતના લાભાર્થે સાથે મળીને કાર્ય કરવાની વિપુલ શક્યતાઓ રહેલી છે.

 (શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter