ઓકટોબરથી ફેબ્રુઆરી-માર્ચ સુધી બ્રિટનની ગાત્રો થીજાવતી ઠંડી અને અંધકારમય દિવસોથી કંટાળી જઇ આપણા મોટાભાગના બ્રિટીશ ભારતીયો લગભગ દર વર્ષે ભારતમાં પોતાના માદરે વતનને ખોળે જઇ આનંદની પળો માણતા હોય છે. છેલ્લા ૨૦-૨૫ વર્ષથી બ્રિટીશ ઇન્ડિયનની દર વર્ષે આ ભારત જવાની ઘટમાળને ગત વર્ષથી જીવલેણ કોરોનાએ બ્રેક મારી દીધી છે.
માદરે વતન ગુજરાતના આણંદમાં અમારા પરિવારનું ઘર, કુટુંબ અને મિત્રમંડળ એટલે અમે પણ દર વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ગુજરાત પ્રયાણ કરતા પણ આ વર્ષે સૌ વડીલો, માતાઓ, ભાઇ-બહેનોની જેમ અમે પણ કોરોના મહામારીના ડરે મન મારીને આ સરકારી લોકડાઉનમાં ઘરમાં જ બેઠા છીએ. કયારેક ઇન્ડિયન ટીવી ચેનલો પર દેશની ઝલક જોઇ ખુશ થઇએ છીએ તો ખરા પણ ગુજરાતની ચટાકેદાર વાનગીઓ દાળવડાં, ખમણ, દાબેલી, સુરતી લોચો, મેથીના ગોટા, ફાફડા ને પાણીપુરીની લહેજત આ વર્ષે માણી નહિ એનો અફસોસ થાય ખરો.
દર વર્ષે વિદેશોથી ભારત આવતા સેંકડો એનઆરઆઇની સંખ્યા તદ્ન ઘટી જતાં ફેશન ડિઝાઇનર્સ, સાડી, જ્વેલર્સ, વેડીંગ્સ મેનેજમેન્ટ્સ, પાર્ટી પ્લોટ્સ, કરિયાણા, પાપડ-મઠિયા ને ખારી સીંગના ઉદ્યોગ સહિત મેડિકલક્ષેત્રે ભારે આર્થિક ફટકો વેઠવો પડ્યો છે.
બર્ફીલા પ્રદેશમાંથી પંખીડાં ઉડીને ગુજરાતના નળસરોવરના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ચાર મહિના મુક્તમને વિહરતાં હોય એમ ડિસેમ્બરથી માર્ચ સુધીના સમય ગાળામાં ભારતના ખાસ કરીને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં બ્રિટન સહિત અમેરિકા, કેનેડા અને આફ્રિકાથી આવનારા એનઆરઆઇથી બજારો ઉભરાતા હોય છે. કેટલાક દીકરા-દીકરીના લગ્નો કરવા જતા હોય તો કેટલાક શોપીંગ શોખીનો નવી નવી ડિઝાઇનના પોશાક, સાડીઓ અને ડિઝાઇનર જ્વેલરીઓમાં ઘૂમતા હોય.
૬૦-૭૦ના દાયકામાં પરદેશથી કોઇ ગુજરાતી પોતાના ગામડે કે શહેરમાં આવતો ત્યારે આ "એનઆરઆઇ" આવ્યા એવું સાંભળવા મળતું નહિ, આજે આપણે ત્યાં ઉતરીએ એટલે એરપોર્ટ પર લગેજ ઉચકનારા પોર્ટરથી માંડી ટેક્સી ડ્રાઇવર અને રિક્ષાવાળો ય "એનઆરઆઇ"થી જ સંબોધે ત્યારે સાલુ કોણ જાણે કેમ પણ આપણો માંહ્લો મનોમન બબડે કે અલ્યા ભઇલુ હું ય આ માટીમાં જન્મ્યો છું, રમ્યો છું, ભમ્યો છું અને હજુય વતનની માટીની મહેંક માણવા દર વર્ષે આવીએ છીએ. પરદેશ ગયા એટલે શું અમે પારકા!! કદાચ પશ્ચિમી અનુસરણને કારણે રોજબરોજની બોલચાલ અને રહેણીકરણીને લઇને આ પારકાપણાનો અહેસાસ કરાવતો બીન રહેવાસી ભારતીય "એનઆરઆઇ" વપરાતો થયો હશે.
ઘણા વખત પહેલાં મુંબઇનાં એક મહિલા પત્રકારે એનઆરઆઇની "મથાવટી મેલી" કરતો એક લેખ મેગેઝીનમાં પ્રસિધ્ધ કર્યો હતો. એમાં ભારત આવતા એનઆરઆઇને એમના સગાસંબંધીઓએ કેટલી સગવડો પૂરી પાડવી પડે છે, ખાવા-પીવામાં કેવી સવલતો સાચવવી પડે છે અને એમની કેટલી સરભરા કરવી પડે છે એમ જણાવ્યું હતું પણ એ મુંબઇવાસી પત્રકાર બહેનને કદાચ ખબર નહિ જ હોય કે વિદેશમાં તનતોડ મહેનત કરી પાઉન્ડ કમાનારો એનઆરઆઇ એમની માટે કેટલા પાઉન્ડ ખર્ચીને હોંશભેર એમની ડિમાન્ડ પૂરી કરતો હોય છે. લંડનની હવા કોઇ દિ' ખાધી નથી એવા બિચારા આપણા દેશી ભાંડૂડાને મન તો પાઉન્ડ ઝાડ પર ઉગતા હોય એવું લાગતું હોય. તેમ છતાં મોટાભાગના એનઆરઆઇ એમના મિત્રો, સગાસ્નેહીજનોને યુકેથી શું જોઇએ છીએ? એવું ચોક્કસપણે પૂછતો જ હોય છે. એમાં સૌથી પહેલા આપણા ગુજજુ સ્નેહીઓની શેની ડિમાન્ડ હોઇ શકે એ આપ સૌને ખબર છે જ, અથવા હશે જ!!
શહેરની વાત છોડો, ગુજરાતના ગામડે રહેતા આપણા સગાસ્નેહી કે મિત્રોને કસ્ટમ્સના કાયદા કાનૂનની પાક્કી ખબર હોય એટલે તમને એમની મહેચ્છા દર્શાવતાં કહે કે "ત્યાં એરપોર્ટ પર પર્સન (વ્યક્તિ દીઠ) બે બોટલ એલાઉ કરે છે એટલે બ્લેકલેબલ, સિવાઝ કે ગ્લેનફિલ્ડ" (વ્હીસ્કી) એમ ચારનો ઓર્ડર મળે. એ પછી ફોન પર ભત્રીજા, ભાણેજ કે મિત્ર હોય એ આપણી રાહ જ જુએ છે એવી ખુશી વ્યક્ત કરતાં અંતરેચ્છા પ્રગટ કરે કે "ત્યાં લેટેસ્ટ આઇફોન સારા-સસ્તા મળે તો ઝાલતા આવજો ને!! ત્યારબાદ ભાણેજ, ભત્રીજી કે કુટુંબની યંગ દીકરી હોય એ આનંદ વ્યક્ત કરી "મેક કે લેનકોમ બ્રાન્ડ જેવા મોંઘા મેકઅપ અને લીપસ્ટીકની ડિમાન્ડ કરતી હોય. ત્યાં વળી ઉંમરવાળાં કુટુંબનાં કાકી, માસી, ફોઇ કે ભાભી હોય એ પણ હળવેકથી ઉત્તમ બ્રાન્ડ સ્કીન ક્રીમ, બદામ-પીસ્તાં ને ઢીંચણ દુખાવાની દવાની ડિમાન્ડ કરતાં હોય.
આપણા ગાંધીબાપુનું ગુજરાત ડ્રાય ખરું પણ ખરેખર જોઇએ તો ત્યાં જ "અંગૂરકી બેટી" પ્રેમીઓ વચ્ચે વધારે રેલમછેલ થતી દેખાય. ત્યાંના શિયાળાની ટાઢમાં આપણા ગુજ્જુભાઇઓનાં ગળાં એનઆરઆઇને જોઇને બહુ સૂકાતાં હોય એવું લાગે.
એનઆરઆઇ બબ્બે સૂટકેસ સાથે લગેજ લઇ એરપોર્ટ બહાર નીકળે એટલે ખાસ તેડવા આવેલા સગાસહોદર, મિત્ર પહેલા જ ડ્યુટી ફ્રીવાળી બેગને સાચવીને હાથમાં લઇને કારમાં બેસે. એનઆરઆઇને રસ્તે મળતા લગભગ દરેક મિત્રો એમની કોડ લેંગવેજમાં પૂછતા રહે "ફોરેનથી કયો માલ લાવ્યા છો? આપણે કયારે મળવું છે? અમારા એક પાડોશી ફ્રેન્ડે ગુજ્જુ ભાઇઓની કેપેસિટી વિષે અચંબીત થઇ એક રમૂજભરી વાત કરતાં કહ્યું કે, "બે વર્ષ અગાઉ હું વતન ગયો ત્યારે એ જ દિવસે સાંજે મને મારા જૂના મિત્રો મળવા આવ્યા. સ્વાભાવિક છે કંઇક છાંટોપાણી મળે એની આશા સૌને મન હોય. હું મારા કાકાના દીકરા માટે હીથ્રો પરથી બે સિવાઝ વ્હીસ્કીની બોટલ લઇ ગયેલો એટલે મિત્રોએ ડિમાન્ડ કરતા મેં એક સિવાઝ કાઢી અને એમાં મેળવણ માટે નીચેના માળે જઇ ફ્રીજમાંથી બરફ ને પાણીની બોટલ લઇને હું ઉપર આવું ત્યાં સુધીમાં તો ત્રણ મિત્રોએ સિવાઝનું સેવન કરી "વિધાઉટ આઇશ, વેરી નાઇસ"નો આનંદ વ્યક્ત કર્યો.
ચાલો, આપણે શોપીંગમાં જઇએ...
ગુજરાતના વેપારીઓના કહેવા મુજબ એનઆરઆઇ સીઝન અમારા માટે કમાણીનો સોનેરી સમય ગણાય. એક વાત ચોક્કસ છે કે તમે સાડી, જવેલર્સ કે ફેશન ડિઝાનર્સના શો રૂમમાં દાખલ થાવ એટલે કોણ જાણે કેમ એ વેપારીઓને આપણી વગર ઓળખે ઓળખાણ મળી જતી હોય છે. એક વખત અમે રિક્ષામાં સવારી કરી ખરીદી કરવા ગયા ત્યારે અસ્સલ ચરોતરીમાં કહ્યું, "ભઇ કેટલા થ્યા?" ત્યારે રિક્ષાવાળાએ ૧૫ રૂા.ને બદલે ડબલ ભાવ કહેતાં મેં સવાલ કર્યો, "ભઇલા હું તો અહીંની રહેવાસી છું કેમ આટલો ડબલ ભાવ?" ત્યારે એણે જવાબ આપ્યો "મેડમ તમે અહીંના નથી, ફોરેનર છો, તમારી ચોખ્ખી (સ્વચ્છ) ચામડી ને હાવભાવ પરથી જ અમે પકડી પાડીએ કે આ એનઆરઆઇ છે!!! એવી જ રીતે સાડી, ડ્રેસ, જવેલરી, ચંપલના શોરૂમમાં દાખલ થઇએ એટલે તેમને "એનઆરઆઇ પાર્ટી"ની ગંધ આવી જતી હોય છે.
દુકાનદારો ભાવતાલ કરતા સ્થાનિક ગ્રાહકને બાજુએ પડતો મૂકી એનઆરઆઇ માટે એલર્ટ બની જઇને "આવો... આવો મેડમ અહીં બેસો, બોલો શું પીશો, કોલા, જયુશ શું આવે?થી એમની મીઠી મધ જેવી સેલ્સમેનશીપની શરૂઆત થાય.
ગુજરાતના બજારોમાં શોપીંગ કરવા નીકળેલા એનઆરઆઇને કયા દેશથી આવ્યાં એ પૂછવાની જરૂર પડતી નથી. અમેરિકાથી શોપીંગ કરવા આવેલા એનઆરઆઇમાં બહેનના ખભે કોચ અથવા પ્રાડાનું મોટું પર્સ લટકતું હોય, ભાઇએ "પોલો" ઘોડાવાળું ટીશર્ટ અને કયાંયથી ફીટીંગ ના હોય એવું પેન્ટ કે જીન્સ ચડાવ્યું હોય એમની સાથે પરણવા આવેલા જુવાનિયાએ અડધો ચડ્ડો પહેર્યો હોય ઉપર હાફ સ્લીવનું કંઇક અગડમ બગડમ લખેલું ટીશર્ટ પહેર્યું હોય અને "ઓ બોય" સાથે બ્રોડ ઉચ્ચારે અંગ્રેજી બોલતા હોય એટલે દુકાનદારને એનો પરિચય મળી જ જાય કે આ અમેરિકન એનઆરઆઇ છે. બ્રિટનથી જે ગયા હોય એ સૌને લંડનવાળા તરીકે જાણે. "ઓ.કે." સાથે સોફ્ટ અંગ્રેજી કે મીઠાશભર્યા કાઠિયાવાળી લહેંકામાં ગુજરાતી બોલતો એનઆરઆઇ એમના માટે લંડનવાળા.
શિયાળાની ચાર મહિનાની સીઝનમાં સાડીઓ, સોનીઓ, દરજી કે ડિઝાઇનર જવેલરીની દુકાનોમાં ત્યાંના સ્થાનિક ગ્રાહકો જવાનું ટાળતા હોય છે. અમારા કેટલાક સગા સંબંધી મિત્રોનું માનવું છે એનઆરઆઇ સીઝનમાં અમને સોની, દરજી કે સાડીઓવાળા કોઇ દાદ આપતા નથી. એનઆરઆઇ પાસેથી મોં માગ્યા ભાવે એમણે કમાણી થતી હોય એટલે અમારો કોઇ ચાન્સ જ નહિ!. જો કે આ બધા જ વેપારીઓ અને કારીગરો પણ સ્વીકારતા હોય છે કે અમારે ચાર મહિના જ બરોબર કમાવવાનું બાકી સાતેક મહિના આરામ જ કરવાનો હોય છે.
લગ્નસરાની સીઝનમાં એનઆરઆઇ ખાસ કરીને અમેરિકાથી જ ગ્રીનકાર્ડધારક મૂરતિયા કે કન્યા પરણવા જતા હોય છે એમના ધૂમાડાબંધ લગ્નો પણ મહાલવા જેવા હોય છે. ત્યાંના લોકો કહે છે કે હાથી ઉપર કે AC બગીમાં વરધોડો નીકળ્યો હોય એ ડોલરિયો વર માની લેવુું. ગામડામાં રાતે ધમાકેદાર આતશબાજી સાથે વરઘોડો નીકળ્યો હોય એમાં થોકબંધ જાનૈયાઓ બેન્ડવાજાની તાલે મસ્ત બની નાચતા, સોરી ઝૂમતા હોય કારણ?! એટલું જ કે ફોરેનથી આવ્યા હોય એટલે પરસેવે રેબઝેબ થતા જાનૈયાઓને "પીને" ટેશ પડે એટલે પાણીની બોટલમાં ધોળું દેખાતું જીન, વોડકા ભરીને મોજ કરાવાતી હોય.
આ વર્ષે એનઆરઆઇ વગર ગુજરાત અને ગુજરાતીઓ સૂના પડ્યા છે ત્યારે પેલું ગીત યાદ આવતું હશે, પરદેશી પરદેશી જાના નહીં, હમે છોડ કે હમે છોડ કે, ફૂલો કે મોસમમેં મિલને આતે હૈ, વાદા કરકે ફિર વાપસ નહીં આતે હૈ...