વડોદરાના લોકપ્રિય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની રાજકુમારી ઈંદિરા રાજે બ્રિટિશ ઈન્ડિયાનાં પહેલાં પાંચ મોટાં દેશી રાજ્યોમાં અગ્રક્રમે આવતા અને સૌથી સમૃદ્ધ લેખાતા ગ્વાલિયર રાજ્યના મહારાજા માધવરાવ (માધો રાવ) સિંધિયાની દ્વિતીય રાણી બનવાનાં હતાં, પણ ગ્વાલિયર મહારાજાના રાણીઓ પરદા (બુરખા જેવી પ્રથામાં) રહે એવા ચુસ્ત આગ્રહે ઈંદિરા રાજેમાં બળવાનાં બીજ રોપ્યાં.
વડોદરા જેવા મોટા અને જાણીતા રજવાડાના મહારાજાની પ્રાણપ્રિય રાજકુમારી એવા મહારાજાના ભાઈના પ્રેમમાં પડ્યાં કે જેનું રજવાડું ક્યાં આવ્યું એ બ્રિટિશ ઈંડિયામાં શોધવું પણ મુશ્કેલ થઈ પડે. કૂચબિહાર નામના બંગાળના દાર્જિલિંગ પાસેના આસામને જોડાઈને આવેલા પશ્ચિમ કામરૂપ પ્રદેશના મહારાજા રાજ રાજેન્દ્ર નારાયણના ભાઈ જિતેન્દ્ર નારાયણને વિદેશ પ્રવાસો દરમિયાન જ રાજકુમારી દિલ દઈ બેઠાં. મહારાજા સયાજીરાવ ત્રીજા પણ એ દિવસોમાં લંડનના એક સેક્સ-કૌભાંડમાં ફસાયેલા હોવાથી માનસિક રીતે અસ્વસ્થ અવસ્થામાં હોવાનું એમના પ્ર-પૌત્ર ‘મહારાજા’ ફત્તેસિંહરાવ ગાયકવાડે ‘SAYAJIRAO OF BARODA: The Prince and the Man’ નામક જીવનકથામાં નોંધ્યું છે. ઈંદિરા રાજેએ જિતેન્દ્ર નારાયણને પ્રેમ કર્યો ત્યારે એ મહારાજા નહોતા, પણ પોતાના મોટાભાઈના નિધન પછી એ કૂચબિહારના ૨૩મા મહારાજા થયા.
કૂચબિહારનાં મહારાણી અને રાજે તથા જિત સહિતનાં સાત સંતાનોની માતા સુનિતી દેવની ૧૯૨૧માં લંડનથી પ્રકાશિત આત્મકથા ‘The Autobiography of an Indian Princess’ ખૂબ રસપ્રદ છે. આ આત્મકથામાં બ્રહ્મો-સમાજ જેવા પ્રગતિશીલ હિંદુ ફિરકાના પ્રણેતા કેશબચંદ્ર સેનની દીકરીના કૂચબિહારના મહારાજા નૃપેન્દ્ર નારાયણ જેવા બ્રહ્મો સાથે કયા સંજોગોમાં લગ્ન થયાં હતાં અને એ વેળાના સમાજની સ્થિતિનું સુંદર વર્ણન વાંચવા મળે છે. સાથે જ રાજઘરાનાની કેટલીક ઘૃણાસ્પદ બાબતોનો પણ પરિચય મળે છે.
ઈંદિરા સિંધિયાને બદલે કૂચબિહારનાં મહારાણી
મહારાજા ગાયકવાડે દીકરી ઈંદિરા રાજેનાં લગ્ન ગ્વાલિયર મહારાજા સાથે નિરધાર્યાં હતાં. એમાં પણ વિરોધાભાસ તો હતો જ. કારણ ગાયકવાડના શાસનમાં સયાજીરાવે જ એકપત્નીત્વનો કાયદો ઘડી અમલી બનાવેલો હતો, પણ એમનાં રાજકુમારી ગ્વાલિયરનાં બીજાં રાણી તરીકે જવાનાં હતાં. ગ્વાલિયરના મહારાજા સમૃદ્ધ હતા એટલું જ નહીં, અંગ્રેજ હાકેમોની ખૂબ નિકટ હતા. ઈંદિરા કરતાં એ સોળ વર્ષ મોટા હતા. મહારાજાની ઉંમર એ વેળા ૩૬ની હતી અને અત્યંત સુંદર રાજકુમારી સાથે એમની સગાઈ થઈ ત્યારે અંગ્રેજ સંસ્કારોમાં ઉછરેલી ઈંદિરાએ આખું ઘર માથે લીધું હતું. જોકે, લંડનમાં ભણતી રાજકુમારીના વિરોધ છતાં એણે સગાઈને સ્વીકારી લેવી પડી અને પછી તો એ ‘ઈંદિરા સિંધિયા’ થવાની હોવાનું કબૂલવા માંડી. ગ્વાલિયરના મહારાજાએ લંડનમાં ભવ્ય પાર્ટી આપીને પોતાનાં થનાર બીજાં રાણી સાથે ખુશી પણ મનાવી હતી.
મહારાજા સયાજીરાવ સાથે રિસામણાં-મનામણાં
જોકે, દિલ્હી દરબાર વખતે ગાયકવાડ પરિવારમાં ઈંદિરારાજે પણ હતાં. ફત્તેસિંહરાવ નોંધે છે કે બરોડાના ઉતારાના બદલે અલ્લડ ઈંદિરા કૂચબિહારના ઉતારે વધુ જોવા મળતી હતી. મહારાજાના ભાઈ જિતેન્દ્ર સાથે નાચ-ગાનમાં પણ રમમાણ હતી. એ જિતેન્દ્રના પ્રેમમાં પડી હતી. જિતેન્દ્ર પણ ઈંગ્લેન્ડમાં જ ભણનાર હોવાથી બેઉ વચ્ચે મેળ જામતો હતો. જિત પણ અપરિણીત હતો. બેઉ વચ્ચેના સંબંધમાં કશું અજુગતું નહોતું, પણ ઈંદિરાની સગાઈ ગ્વાલિયરના મહારાજા સાથે થયેલી હતી. સ્વયં મહારાજા ગાયકવાડને જાણ થઈ ત્યારે એમને કૂચબિહાર મહારાજાના પરિવારે રૂઢિચુસ્ત હિંદુ ધર્મને ફગાવ્યો હોવાથી બ્રહ્મો-પરિવારમાં રાજકુમારીને પરણાવવાની તેમને ઝાઝી હોંશ નહોતી.
અંતે થોડાંક વરસના પ્રણય-ફાગ ખેલ્યા પછી લંડનમાં જ મહારાજા જિતેન્દ્ર નારાયણ સાથે ઈંદિરા રાજેનાં ૧૯૧૩માં લગ્ન થયાં એ વિશે મેડમ કામાના પત્રમાંથી મહારાજા ફત્તેસિંહરાવ જે વાક્ય નોંધે છે એ ઘણુંબધું બોલકું છેઃ ‘મને દુઃખ એ વાતનું થયું કે તેનાં (ઈંદિરા રાજેનાં) મા-બાપે એને કોઈ આશીર્વાદ આપ્યા નહીં અને લગ્ન કરવા માટે એને એકલી જ લંડન પાઠવી દીધી હતી.’ જોકે, પાછળથી મહારાજા સયાજીરાવ સાથે એને મનમેળ થયો. મહારાજાનો ગુસ્સો ઓસર્યો કારણ મહારાજાના ચારેય રાજકુમારોની વાતે એમણે વેદના જ સહેવાની આવી હતી.
ઈંદિરા રાજેના લગ્નથી કૂચબિહારનાં આ મહારાણીએ બે રાજકુમારો, જગદ્વીપેન્દ્ર નારાયણ (કૂચબિહારના છેલ્લા મહારાજા) અને ઈન્દ્રજિતેન્દ્ર નારાયણ તથા ત્રણ રાજકુમારીઓ, ઈલા દેવી (ત્રિપુરાનાં મહારાણી), ગાયત્રી દેવી (જયપુરના મહારાજાનાં તૃતીય રાણી અને વિશ્વની ૧૦ સુંદરતમ મહિલાઓમાં સ્થાન ધરાવનાર) અને મેનકા દેવી (મધ્ય પ્રદેશના દેવાસનાં રાજમાતા)ને જન્મ આપ્યો હતો. મહારાજા સયાજીરાવ અને મહારાણી ચીમનાબાઈને માટે પુત્રોના નામે તો સુખ મળ્યું નહોતું, પણ રાજકુમારી ઈંદિરા પણ યુવાનવયે જ વિધવા થયાં એ દુઃખ પણ એમણે સહેવાનું આવ્યું હતું. માત્ર ૩૬ વર્ષની વયે જ મહારાજા જિતેન્દ્ર નારાયણનું ડિસેમ્બર ૧૯૨૨માં અવસાન થયું હતું. રાજમાતા ઈંદિરા રાજેનું ૧૯૬૮માં ૭૬ વર્ષની વયે મૃત્યુ થયું હતું.
દીવાનના દીકરાનું મસ્તક ભેટમાં!
બ્રહ્મો-સમાજના પ્રભાવ હેઠળ કૂચબિહારના મહારાજાઓમાં બહુપત્નીત્વ પ્રથાને લગભગ તિલાંજલિ અપાઈ. જોકે, આઝાદી પછી ભારત સાથે કૂચબિહાર રાજ્યને જોડવાનો નિર્ણય કરનાર છેલ્લા મહારાજાના વંશજોમાંથી કેટલાકે ત્રણ-ત્રણ લગ્ન કર્યાં એ જુદી વાત છે, પણ કેશબચંદ્ર સેનનાં દીકરી, સુનીતિ દેવી કૂચબિહારના મહારાજાનાં એકમાત્ર પત્ની હતી. એમના પછી વડોદરાનાં રાજકુમારી ઈંદિરા રાજે પણ મહારાજા જિતેન્દ્ર નારાયણનાં એકમાત્ર પત્ની હતાં. અગાઉના મહારાજાઓની અનેક રાણીઓ અને એમણે રાજમહેલમાં પાળવા પડતા નિયમો વિશે મહારાણી સુનીતિ દેવીએ પોતાની આત્મકથામાં હૃદયનો ધબકારો ચૂકી જવાય એવાં વર્ણન કર્યાં છે.
મહારાણી સુનીતિ મહારાજા નૃપેન્દ્ર નારાયણ ભૂપ બહાદુરને પરણીને કૂચબિહાર આવ્યાં ત્યારે એક ગામ જેવડા મહાલયમાં મહિલાઓ સાથેના નિવાસના એમના અનુભવોમાં એમણે જે પ્રથા-પરિવર્તન દાખલ કર્યું એ રસપ્રદ છે. મહારાજા જમવા પધારે અને જમી ના લે ત્યાં સુધી પરિવારના કોઈ સભ્ય ભોજન લઈ ના શકે. મહારાણી સુનીતિએ તબિયતના કારણસર આ નિયમમાં ફેરફાર કરાવ્યો અને મહારાજાએ જ એ કબૂલ રાખ્યો હતો.
સુનીતિ દેવીએ કૂચબિહારના અનેક રાણીઓ ધરાવતા મહારાજાની ઘૃણાસ્પદ વાત પણ નોંધી છે. એક બાળ-રાણી સુંદર હતી અને મહારાજાની ખૂબ લાડકી હતી. રાણીવાસમાં રહેનારી રાણીઓ મહારાજા સિવાય કોઈ પુરુષને જોઈ શકે નહીં, એવો વણલખ્યો નિયમ હતો. એક વાર પેલી લાડકી રાણીએ બારીમાંથી બગીચામાં નજર કરી તો દીવાનના સોહામણા દીકરાને જોઈને એને ટગર ટગર જોઈ રહેવાનું મન થયું. વાત ચર્ચામાં આવી. રાણીઓમાં પણ દ્વેષભાવ ઘણો એટલે વાત મહારાજા સુધી પહોંચી. દિવસો સુધી આ સોહામણા યુવકને રાણી થકી નિહાળવાનો ક્રમ ચાલ્યો. રાણીને મહારાજાએ કહ્યું કે એ સાચું બોલશે તો સુંદર ભેટ પામશે. રાણીએ પેલા સોહામણા યુવક વિશે વાત કહી જ દીધી.
ખંધા મહારાજાએ રાણી અને એ સોહામણા યુવકની આંખોનાં તારામૈત્રક જાતે નિહાળ્યાં. એમણે દીવાનને સંદેશો પાઠવીને જમવા તેડાવ્યા. મહારાજાના નિમંત્રણથી હરખપદૂડા દીવાન સાથે ભોજન લીધા પછી મહારાજાએ દીવાનને કહ્યુંઃ ‘મારે તમને ઘરે લઈ જવા એક ભેટ આપવાની છે.’ દીવાને ભેટ લીધી. ઘેર જઈને એ ખોલવા તેની પત્નીને કહ્યું તો એ ચીસ પાડી બેભાન થઈ ગઈ. એના પેલા સોહામણા દીકરાનું મસ્તક મહારાજાએ એને ભેટમાં આપેલું હતું.
મહારાણી સુનિતી દેવી આ ઘટનાક્રમ નોંધીને ઉમેરે છે કે દીવાન સીધો જ દિલ્હી માટે રવાના થયો. મુઘલ બાદશાહને મળીને એણે ભારતના સૌથી સમૃદ્ધ ગણાતા પ્રદેશોમાંના એક કૂચબિહારને જીતી લેવાનો આગ્રહ કર્યો. બાદશાહે અનેક વાર એ માટે પ્રયત્ન કર્યા પણ કૂચબિહારનો ગઢ એટલો મજબૂત હતો કે દર વખતે મુઘલ સેના પાછી પડતી હતી.
આવું કૂચબિહાર ૧૯૪૯માં ભારતમાં વિલય પામ્યું અને ગુજરાતના કચ્છની જેમ જ ‘ક’ વર્ગનું રાજ્ય બન્યું. જોકે, એ પછી એને પશ્ચિમ બંગાળમાં સામેલ કરીને માત્ર કૂચબિહાર જિલ્લાનો દરજ્જો અપાયો. આજકાલ કૂચબિહાર અને જલપાઈગુડી જિલ્લાને અલગ ‘કૂચબિહાર રાજ્ય’ બનાવવા માટે આંદોલન ચલાવાઈ રહ્યું છે, જેમ પાડોશના દાર્જિલિંગ સહિતના જિલ્લામાં ગોરખાલેન્ડ રાજ્ય માટે આંદોલન ચાલે છે.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice તા. 1st July 2017 અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2rMKbiS)