બ્રિટિશ ઈન્ડિયાનાં દેશી રજવાડામાં સૌથી સમૃદ્ધ શ્રેણીમાં હૈદરાબાદ પછીના ક્રમે આવતા બહાવલપુરે કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાના ‘કડકા’ પાકિસ્તાન માટે પોતાના અબજો રૂપિયા આપ્યા અને પાકિસ્તાન માટે બેંક ઓફ ઈંગ્લેન્ડમાંનું સોનું ગીરવે મૂક્યું, પણ આજે એ બહાવલપુરના નવાબ સલાહુદ્દીન એહમદ અબ્બાસીના દુઃખનો પાર નથી. કાયદે આઝમ વર્તમાન નવાબના દાદા અને એ વેળાના નવાબ સર સાદિક મુહમ્મદ ખાન પાંચમાના અંતરંગ મિત્ર જ નહીં, ધારાશાસ્ત્રી પણ હતા. દોમદોમ સાહ્યબી અને પ્રજાનો બેસુમાર પ્રેમ હતો. સામે ચાલીને સરદાર વલ્લભભાઈ પટેલે કહેણ પાઠવ્યું હતું કે તમે ભારત સાથે જોડાવાની શરતો નોંધી લ્યો અને પંજાબનો ફિરોઝપુર જિલ્લો બહાવલપુર સ્ટેટ સાથે જોડીને એને સ્વાયત્ત જાહેર કરવાની ઓફર કરી હતી. જોકે, માત્ર ૧૩ ટકા જ હિંદુ વસ્તી ધરાવતા અને ૭૦ ટકા કરતાં વધુ મુસ્લિમ પ્રજાવાળા રાજ્યને ભારતમાં કેમ જોડી શકાય, એવી મૂંઝવણે નવાબે પાકિસ્તાનને વહાલું કર્યું.
ઝીણા સાથે શરત હતી કે એની સ્વાયત્તતા જળવાશે. લેખિત કરારનામું હતું. ૧૯૫૫ લગી તો ઠીક ચાલ્યું, પણ એ પછી જનરલ યાહ્યાખાને બહાવલપુરને પંજાબ સાથે જોડીને એ રાજ્યના ત્રણ જિલ્લાનો પ્રદેશ બનાવી દઈને વચનભંગ કર્યો. આજે નવાબ પોતાના રાજ્યને અલગ પ્રાંત બનાવવા લડત ચલાવે છે, પણ કોઈ સાંભળતું નથી. એ પણ પાછું પંજાબ ધારાસભા અને રાષ્ટ્રીય ધારાસભાએ પણ બહાવલપુર પ્રાંત રચવા માટે લીલી ઝંડી આપ્યા પછી.
ચાર ચાર વાર સાંસદ બન્યા પછી વળતાં પાણી
‘હમને પાકિસ્તાન બનાયા હૈ’નું ગર્વભેર કહેતા નવાબ સલાહુદ્દદીનને પાકિસ્તાન સરકાર મહિને ચાર લાખ રૂપિયાનું સાલિયાણું આપે છે. નવાબનો આજેય વટ છે, ચાર ચાર વાર રાષ્ટ્રીય ધારાસભામાં ચૂંટાયા છે. પણ હવે એમના રાજકીય પ્રભાવનાં વળતાં પાણી છે. ક્રિકેટર ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સાથે નવાબની પાર્ટી બહાવલપુર નેશનલ અવામી પાર્ટી (બીએનએપી)નું જોડાણ છે. છેલ્લી ચૂંટણીમાં નવાબે તો ઉમેદવારી ના કરી પણ એમણે જેમને ઊભા રાખ્યા એ ઉમેદવારોને પણ મિયાં નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે હરાવ્યા. નવાબ ખૂબ જ ખિન્ન છે.
અપમાનનો બદલો વાળવાની નોખી રીત
બહાવલપુરના નવાબે પાકિસ્તાનની રચના વખતે ૭૯ અબજ રૂપિયા પહેલા ગવર્નર-જનરલ ઝીણાને ચરણે ધરી દીધા હતા, એટલું જ નહીં એ નાણાં ક્યારેય પાછાં માગ્યાં પણ નહોતાં. ઉલ્ટાનું દિલ્હી, સિમલા તથા મસુરી ખાતેની નવાબની મિલકતો પેટે કાયદેસરનું વળતર સરકાર પાસેથી મેળવવાને હક્કદાર હોવા છતાં એમણે જતું કર્યું હતું. બહાવલપુરના નવાબ પ્રજાવત્સલ ગણાતા હતા. ઈંગ્લેન્ડના રાણી સાથે પણ એમનો માનમરતબો જળવાતો હતો. જોકે, નવાબ સર સાદિક હતા વટનો કટકો.
એક વાર લંડનમાં એ વેળાની વૈભવી અને મોંઘીદાટ ગણાતી રોલ્સ રોય કારના શોરૂમ પાસેથી પસાર થતાં એમને ડોકિયું કરવાનું મન થયું. હતા તો નવાબ પણ ફરવા નીકળેલા એટલે સાદા પોષાકમાં જ હતા એટલે પેલા શોરૂમના સેલ્સમેનને એ કોઈ મુફલિસ માણસ લાગ્યા. એમને ચાલ્યા જવાનું ફરમાવાયું. નવાબને લાગ્યો કારમો ઘા. હોટેલ પર પાછા ફર્યા અને અંગત સચિવને પેલા રોલ્સ રોયના શોરૂમ પર ફોન કરવા જણાવતાં કહ્યું કે નવાબ સાહેબ આવે છે. નવાબ પોતાના રજવાડી વાઘા સજીને શોરૂમ ગયા તો ત્યાં એમની આગતા સ્વાગતા માટે લાલ જાજમ પથરાઈ ગઈ હતી, બધા લળી લળીને એમને આદર આપતા હતા. છ કાર હાજર સ્ટોકમાં હતી. નવાબે તમામ છ કાર ખરીદી લીધી. એની ડિલિવરી બહાવલપુરમાં કરાઇ ત્યારે દુનિયાની સૌથી વૈભવી કારને નવાબે પોતાના રાજધાની નગરની શેરીઓનો કચરો ભરીને અન્યત્ર ઠાલવવા માટે વાપરવા માંડી. વાત પહોંચી રોલ્સ રોયના ઉત્પાદક-વિક્રેતા લગી. તપાસ કરાઈ. નવાબની માફી માંગવામાં આવી. આવો જ વટનો કટકો અલવરના મહારાજા હતા. એમણે પણ કડવો અનુભવ કરાવનાર રોલ્સ રોયની ગાડીઓ ખરીદીને અસ્સલ બહાવલપુરના નવાબની જેમ જ કચરા ગાડીઓ તરીકે ઉપયોગમાં લીધી હતી!
પાકિસ્તાનમાં બીજેપી પ્રાંતની દરખાસ્ત
ભારતમાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ છે, પણ પાકિસ્તાનમાં આજે પણ માત્ર ચાર જ પ્રાંત અને બીજા વહીવટી વિસ્તારો છે. ભારતનું ઉદાહરણ આગળ કરીને ત્યાં બીજા પ્રાંતો રચવાની માગણી ઊઠી રહી છે, પણ એનો અમલ થતો નથી. પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાએ બહાવલપુર અને સરાઈકી વિસ્તારને અલગ પ્રાંત આપવાની દિશામાં અનુકૂળતા દર્શાવ્યા છતાં અમલ થતો નથી. પંજાબ પ્રાંતમાંથી આ બે નવા પ્રાંતની રચના થાય એવી વિચારણા ચાલે છે, પણ કયા વિસ્તારોનું જોડાણ કોની સાથે થાય એ મુદ્દે સંમતિ સધાતી નથી. એક બીજેપી પ્રાંતની દરખાસ્ત કરાઈ છે. પાકિસ્તાનમાં આ ભારતીય જનતા પાર્ટી પ્રાંતની વાત નથી, પણ બહાવલપુર એન્ડ જનૂબી પંજાબ પ્રાંતની વાત છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી બીજેપી તથા સરકાઈસ્તાન પ્રાંતની રચનાની વાત ચાલે છે, પણ એ હજુ વાત જ છે.
બહાવલપુર જગચર્ચાની એરણે
હમણાં હમણાં બહાવલપુરના કરાચી અને લાહોરને જોડતા મુખ્ય હાઈવે પર ભયાનક અગ્નિકાંડમાં બસોથી પણ વધુ માણસો જીવતા બળી મર્યાં. ૨૫ જૂન ૨૦૧૭ના રોજ બનેલી આ દુર્ઘટના ઈદના આગલા દિવસનો ગમખ્વાર બનાવ હતો. દુનિયાભરમાં આ ઓઈલ ટેન્કર અકસ્માત થકી સર્જાયેલા અગ્નિકાંડની ચર્ચા હતી.
એમ તો ૧૭ ઓગસ્ટ ૧૯૮૮ના રોજ બહાવલપુરમાં જ એ વેળાના લશ્કરી તાનાશાહ જનરલ ઝિયા-ઉલ-હકનું વિમાન તૂટી પડ્યું હતું. પાકિસ્તાન એરફોર્સના આ અમેરિકી બનાવટના વિમાન સી-૧૩૦નું નામ હરક્યુલીસ હતું અને એ ‘પાક-૧’ના નામે ઓળખાતું હતું. ૧૯૭૭માં લશ્કરી બળવો કરીને ઝુલ્ફીકાર અલી ભુત્તોની સરકારને ઉથલાવી સત્તા સંભાળનાર જનરલ ઝિયાએ ભુત્તોને ફાંસીને માંચડે ચડાવી દીધા હતા. બહાવલપુરની રહસ્યમય વિમાન દુર્ઘટનામાં જનરલ ઝિયા ઉલ હક જ નહીં, તેમની સાથે વિમાનમાં મુસાફરી કરનારા એ વેળાના અમેરિકાના પાકિસ્તાન ખાતેના રાજદૂત આર્નોલ્ડ એલ. રાફેલ સહિત તમામ ૩૦ જણાનાં મોત નીપજ્યાં હતાં. આજ સુધી એ વિમાન દુર્ઘટનાનું રહસ્ય વણઉકલ્યું જ રહ્યું છે.
પાકિસ્તાની નેતા ઐયાશ અને પૈસાના પૂજારી
બહાવલપુરના વર્તમાન નવાબ એમના દેશની નેતાગીરી માટે એક જ શબ્દપ્રયોગ કરે છેઃ ‘જનાબ ઝીણાના આદર્શો ભૂલીને ઐયાશી તરફ આગળ વધી રહ્યા છે અને પૈસાને જ ખુદા માનવા લાગ્યા છે.’ એમની વ્યથા એ છે કે કાયદે આઝમના આદર્શોને વીસારે પાડીને પાકિસ્તાની નેતાઓ અને શાસકો બેફામ બન્યા છે. જોકે, એ આશાવાદી જરૂર છે. નવાબ કહે છેઃ ‘મારા જીવતા કે તમારા જીવતાં કોઈક એવો નેતા પાકશે, જે પાકિસ્તાનને બચાવી લેનાર તારણહાર (સેવિયર) બનશે.’ વ્યથિત છે પણ પાકિસ્તાનથી અલગ થવાની કલ્પના સુદ્ધાં એ કરી શકવાની સ્થિતિમાં નથી એવું કહે છે. કારણ? અમે પાકિસ્તાન બનાવ્યું છે અને અમે લોહી પરસેવો સીંચીને બનાવેલા દેશથી અલગ થવાનું વિચારી પણ કેમ શકાય? ‘સબ કુછ હમને દિયા, પર એહસાન નહીં કિયા.’
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 22 July 2017 અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2urESu1)