બાંગ્લાદેશને જન્મ આપનાર ભારત-પાક. યુદ્ધના ૫૦ વર્ષ

Wednesday 08th December 2021 10:12 EST
 
 

અમદાવાદઃ બાંગ્લાદેશને જન્મ આપનાર ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. પાંચ દાયકા પૂર્વે ત્રીજી ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારત-પાક. વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, અને આ યુદ્ધનો પલિતો ચાંપ્યો હતો પાકિસ્તાને. પાક. સેનાએ ઓપરેશન ચંગેઝ ખાન લોંચ કરીને ભારતમાં ૧૧ લડાકુ વિમાનો ઘૂસાડ્યા હતા. પરંતુ સતર્ક ભારતીય સૈન્યએ ગણતરીની ક્ષણોમાં ચાર પાક. વિમાનોને તોડી પાડ્યા હતા. વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ રેડિયો પર મોડી સાંજે યુદ્ધની જાહેરાત કરી અને પાક.ની કમર તોડી નાંખે તેવો ભીષણ જંગ શરૂ થયો.

પૂર્વ પાકિસ્તાન (આજનાં બાંગ્લાદેશ)માં સ્વતંત્રતાની માગણી સાથે આંદોલન ઉગ્ર બન્યું હતું. એ આંદોલનને ડામી દેવા માટે પાકિસ્તાને પૂર્વ પાક.માં ઓપરેશન સર્ચલાઈટ શરૂ કર્યું હતું અને એમાં લાખ્ખો નાગરિકોની હત્યા કરી હતી. ૩૦ લાખ જેટલી મહિલાઓ ઉપર બળાત્કાર કર્યો હતો. બાંગ્લાદેશની વસ્તી એ વખતે સાડા છ કરોડ કરતાં વધુ હતી. એમાંથી એક કરોડ જેટલાં નાગરિકોએ ભારતના સરહદી રાજ્યોમાં આશરો લીધો હતો.
ભારત આ શરણાર્થીઓને કેમ્પોમાં રહેવા-જમવાની સહિતની પ્રાથમિક સગવડો આપતું હતું તેના કારણે દેશ પર આર્થિક બોજ વધતો હતો. આ સ્થિતિમાં ભારતે અમેરિકા - બ્રિટન - ફ્રાન્સ - રશિયા જેવા વગદાર દેશો અને યુએનમાં તે મુદ્દે રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું. એ દરમિયાન પાકિસ્તાન લશ્કર વારંવાર સરહદે ઘૂસણખોરી કરતું હતું.
ભારત સાથે યુદ્ધના ઈરાદાથી પાક.ના પ્રમુખ યાહ્યા ખાને ૨૩મી નવેમ્બરે દેશભરમાં કટોકટી ઘોષિત કરીને યુદ્ધની જાહેરાત કરી દીધી. ભારતે પણ પાકિસ્તાન સરહદે લશ્કર ગોઠવી દીધું હતું. ૩જી ડિસેમ્બરે પાકિસ્તાને સાંજે એક સાથે ૧૧ સ્થળોને નિશાન બનાવીને ભારતમાં ૧૧ લડાકુ વિમાનોને ઘૂસાડ્યા. એ વિમાનોએ આગ્રા, અગરતલા, શ્રીનગર, પઠાણકોટ, ભૂજ, અંબાલામાં ભારે બોમ્બવર્ષા તો કરી, પરંતુ એમાં સદભાગ્યે ભારતને ખાસ નુકસાન ન થયું.
સર્તક ભારતીય સૈન્યે ગણતરીની મિનિટોમાં ૧૧માંથી ચાર વિમાનોને તોડી પાડ્યા એટલે પહેલાં જ દિવસે પાકિસ્તાનને મોટો ફટકો પહોંચ્યો. એ પછી યુદ્ધ ૧૩ દિવસ સુધી ખેલાયું. જેમાં ભારતે એકથી એક અસરકારક ઓપરેશન પાર પાડ્યા.
ભારતીય સેનાએ પાકિસ્તાનનો ૧૫ હજાર ચોરસ કિલોમીટરનો વિશાળ વિસ્તાર કબ્જે કર્યો. ભારતીય લશ્કરે ઢાકામાં ૯૩ હજાર સૈનિકોને ઘૂંટણિયે પાડી દીધા. એ સાથે જ યુદ્ધનો અંત આવ્યો અને પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા. પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બની ગયું. ભારતે ૧૩ દિવસના ઐતિહાસિક યુદ્ધના અંતે વિશ્વનો નકશો બદલી નાંખ્યો હતો.
આઝાદ ભારતમાં આ ઘટના ગૌરવપ્રદ બની ગઈ. એ ઘટનાને બરાબર ૫૦ વર્ષ થયાં. વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને સૈન્યના વડા સામ માણેકશાની કુશળ-સટિક રણનીતિના કારણે ભારતે પાકિસ્તાનને ક્યારેય ન ભૂલાય એવો પાઠ ભણાવી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter